વસઈ-વિરાર મહાનગરપાલિકા કચરામાંથી વીજળી પેદા કરશે

Published: 10th November, 2011 20:20 IST

વસઈ-વિરાર મહાનગરપાલિકાની હદમાં દિવાળી પછી મળેલી બેઠકમાં મિશ્ર ઘન કચરામાંથી વીજઉત્પાદન પ્રકલ્પને મંજૂરી આપવામાં આવી હતી. કચરાનો નિકાલ થવાની સાથે શહેરને વધારાનો વીજપુરવઠો પણ મળે એવી ગણતરીથી આ પ્રોજેક્ટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.

 

મજાની વાત તો એ હતી કે જ્યારે મહાનગરપાલિકામાં ઘન કચરામાંથી વીજનિર્માણ કરવાના પ્રકલ્પ વિશે ચર્ચા ચાલી રહી હતી ત્યારે પાંચથી છ વાર લાઇટ ગુલ થઈ હતી.

ઘન કચરામાંથી વિદ્યુતનિર્માણ કરવાના પ્રોજેક્ટ વિશે આરોગ્ય વિભાગના ડેપ્યુટી કમિશ્રનર ડૉક્ટર સુનીલ લહાણેએ જણાવ્યું હતું કે બે એકર જમીન પર ૧૦૦ મેગાવૉટ વીજળીનું નિર્માણ થશે. મહાનગરપાલિકાના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે મારંબળપાડા ગામની જગ્યા પસંદ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. મહાસભામાં પહેલી વાર ઉપસ્થિત રહેલા ઍડિશનલ કમિશનર ગોવિંદ રાઠોડે સભ્યોને જણાવ્યું હતું કે આ પ્રકલ્પ પર્યાવરણ માટે હાનિકારક નથી.

ચર્ચામાં સામેલ થતાં મેયર રાજીવ પાટીલે જણાવ્યું કે દેશમાં અમુક મહાનગરપાલિકાએ ઘન કચરામાંથી વીજનિર્માણ માટેની યોજના અમલમાં મૂકી છે અને મજાની વાત એ છે કે દેશના અન્ય ભાગમાં આવેલા આ વીજપ્રકલ્પ માટે જરૂરી મશીનરી વસઈમાં જ બને છે. અત્યારે વસઈ-વિરાર મહાનગરપાલિકા વિસ્તારમાંથી ૩૫૦ ટન ઘન કચરો નીકળે છે. મહાનગરપાલિકા આ કચરાને ભેગો કરી વીજનિર્માણ પ્રકલ્પ સુધી પહોંચાડશે. આ પ્રકલ્પને કારણે નીકળતી રાખનો ઉપયોગ બ્રિક્સ બનાવવામાં થશે. જોકે જે કોઈ કંપનીને આ પ્રકલ્પ માટેનો કૉન્ટ્રૅક્ટ મળશે એની સાથે પર્યાવરણની દૃષ્ટિએ કોઈ નુકસાન ન થાય એવી શરત રાખવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK