Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મલાડનો કચ્છી યુવાન ભચાઉમાં ખેડૂત બન્યો

મલાડનો કચ્છી યુવાન ભચાઉમાં ખેડૂત બન્યો

11 August, 2020 07:02 AM IST | Mumbai
Preeti Khuman Thakur

મલાડનો કચ્છી યુવાન ભચાઉમાં ખેડૂત બન્યો

દિશાંત નિશર

દિશાંત નિશર


ખેતી ભારતની પારંપરિક કળા છે, પરંતુ આજના યુગમાં ખેતીનો અર્થ જ બદલાઈ ગયો છે. ભારત જે ખેતીની કળા માટે પ્રખ્યાત છે એની સામે મોટા ભાગના લોકો ખેતીની અવગણના કરે છે. જોકે આમાં અપવાદ પણ હોય છે. મુંબઈના ૨૧ વર્ષના કચ્છી યુવાને અહીંની મોહમાયા છોડીને કચ્છના ભચાઉમાં વસવાટ કરીને ખેતી કરવાનો નિર્ણય લીધા બાદ તે ખેડૂત બન્યો છે. ખેતીનું કામ કરતાં-‍કરતાં તે ખેતીની દરેક નાનીએવી બારીકાઈ અન્ય ખેડૂતોને સમજાવે પણ છે. ખેતી તરફ ભારતનો યુવાન વર્ગ આકર્ષાય એ માટે વિશેષ મિશન હાથ ધરવાની પણ તેની તૈયારી છે.

મલાડ (ઈસ્ટ)માં પુષ્પા પાર્કમાં રહીને ધ મૉલમાં ઑફિસ ધરાવતા દિશાંતના પપ્પા અમૃત નિશરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દીકરાની ઇચ્છા હતી કે તેને મુંબઈની ભીડભાડમાં સમય વેડફવો નથી. ગામડામાં રહેવાનું તો અમને પણ પસંદ હોવાથી અને ખેતી એ જ ખરી ભારતની કળા હોવાથી દીકરાને અમે સપોર્ટ આપ્યો છે. દીકરાને હવે મુંબઈ આવવું ન હોવાથી અમે પણ તેની સાથે ભચાઉ અને કામ હોય તો મુંબઈ અપડાઉન કરીએ છીએ.’



બાળપણમાં મનમાં આ વિચાર આવવા વિશે દિશાંત નિશરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘દસમા ધોરણનો અભ્યાસ પૂરો થયા પછી જ મને કુદરત સાથે જોડાઈ રહેવા કંઈ કામ કરવાની ઇચ્છા હતી. જોકે એ શક્ય ન હોવાથી મેં ભણવાનું ચાલુ રાખ્યું અને બૅચલર ઑફ માસ મીડિયાનો કોર્સ કરીને ૨૦૧૯માં ગ્રૅજ્યુએશન પૂરું કર્યું છે. મને ફોટોગ્રાફીમાં પણ રસ છે. ઍગ્રિકલ્ચરમાં આગળ વધવાનું હોવાથી પહેલાં હું મહારાષ્ટ્રના વિવિધ ગ્રામીણ વિસ્તારમાં ફર્યો. ત્યાં મેં દ્રાક્ષ, દાડમની ખેતી વિશે જાણકારી લીધી. ત્યાર બાદ હું ભારતમાં પણ અનેક ઠેકાણે ખેતી વિશે ટ્રેઇનિંગ અને માહિતી લેવા ગયો હતો. હૈદરાબાદમાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પાલન્ટ હેલ્થ મૅનેજમેન્ટથી સ્કૉલરશિપ મળી હતી. અહીં કૃષિ વિભાગના સરકારી અધિકારીઓને ઑર્ગેનિક ફાર્મિંગ, લૅબમાં ખાતર, કમ્પોસ્ટ જેવા વિષય પર શીખવાડવામાં આવે છે. મને પણ ખેડૂતોને કઈ રીતે મદદ કરવી, નવી ટેક્નૉલૉજીને ખેતી સાથે કેવી રીતે જોડવી એ સમજાવ્યું હતું.’


હવે કચ્છ છોડીને મુંબઈ નથી જવું એમ જણાવતાં દિશાંત કહે છે કે ‘ભચાઉમાં ૨૫ એકરની જગ્યા પર ખેતી કરું છું. અમારું ફાર્મ પૂરી રીતે સોલાર એનર્જી પર જ ચાલે છે. ગણતરીના મહિનામાં જ મને અહીં ખરું સ્વર્ગ હોવાનો અનુભવ થયો છે. એથી હવે મુંબઈ પાછા ન જવાનો નિર્ણય લીધો છે. મુંબઈની માયામાંથી છૂટીને ગામડામાં વસવું સહેલું નથી, પણ અહીંના જેવો અનુભવ તમે ક્યાંય પણ કરી શકતા નથી.’

મુંબઈના યુથને ખાસ આકર્ષવાના પ્રયત્ન કરીશ એમ જણાવતાં દિશાંતે જણાવ્યું કે ‘હાલના લૉકડાઉન અને રિસેશનના કારણે જૉબની અનેક સમસ્યાઓ થઈ રહી છે. એથી ખરેખર સમય આવી ગયો છે ખાસ કરીને મુંબઈના યુથને પણ ‘ભારતનો જાન ખેતી’ તરફ વળવા માટે. આ પણ એક રીતે બિઝનેસ છે અને અહીં પણ બધું મૅનેજમેન્ટ જ થતું હોય છે. ભારતને આત્મનિર્ભર બનાવવા ખેતી સૌથી મોટો વિકલ્પ છે. મારો એક મિત્ર લૉકડાઉન થતાં અહીં અટવાઈ ગયો છે. મને જોઈને તેને પ્રેરણા મળતાં શનિવાર-રવિવારે ખેતરમાં અને અન્ય દિવસોમાં કંપનીનું કામ કરતો હોય છે. ફરી ખેતી તરફ વાળવા માટે અને યુથને આગળ લઈ આવવા હું એક રીતે મિશન જ શરૂ કરવાનો છું.’


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2020 07:02 AM IST | Mumbai | Preeti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK