જસ્ટ ૩૮ મિનિટમાં જ ૩૨ બિગ મેક બર્ગર ઓહિયાં કરી ગયો આ અમેરિકન આહારવીર
ન્યુ યૉર્ક સિટીની હૉટ ડૉગ ખાવાની સ્પર્ધા ૧૨ વખત જીતનારો ૩૬ વર્ષનો જો ચેસ્ટનટ ૩૮ મિનિટ અને ૧૫ સેકન્ડ્સમાં મૅકડોનાલ્ડ્સનાં ૩૨ બિગ મેક બર્ગર ઓહિયાં કરી જાય છે. થોડાક દિવસ પહેલાં ભાઈસાહેબે ૧૨૮ ડૉલર એટલે કે અંદાજે સાડાનવ હજાર રૂપિયા ચૂકવીને ૩૨ બિગ મેક્સ ખરીદ્યા હતા. તેણે ડિલિવરી બૉયને પચીસ ડૉલર એટલે કે લગભગ ૧૮૫૦ રૂપિયાની ટિપ પણ આપી હતી. ખાવાનો પ્રયોગ પોતાની ચૅનલ માટે લાઇવ ગોઠવ્યો હતો. આ વિડિયોની શરૂઆતમાં તે ૩૨ બિગ મેક બર્ગર સાથે દેખાય છે. એ પછી પચીસ સેકન્ડ્સમાં પહેલું બર્ગર પૂરું કર્યું અને ૩૮ મિનિટમાં ૩૨ બિગ મેક પેટમાં ઠાલવી દીધાનો વિડિયો યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ ભોજનમાં તેણે ૧૮,૦૧૬ કૅલરી, ૧૦૫૬ ગ્રામ્સ ચરબી અને ૧૪૦૮ ગ્રામ્સ કાર્બોહાઇડ્રેટ્સ લીધાં હતાં.