મિક્સોપથીના નામે મહાભારત

Published: 7th February, 2021 19:23 IST | Ruchita Shah | Mumbai

આયુર્વેદમાં સર્જરી કરવાનો અધિકાર તો આચાર્ય સુશ્રુત હજારો વર્ષ પહેલાં આપી ગયા છે, તો પછી વિરોધ શેનો છે?

ઇન્ડિયન મેડિકલ અસોસિએશન (આઇએમએ) દ્વારા અત્યારે દેશવ્યાપી હંગર સ્ટ્રાઇક ચાલી રહી છે. આયુષ મિનિસ્ટ્રી હેઠળ આવતા સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયન મેડિસિન દ્વારા આયુર્વેદના પોસ્ટ ગ્રૅજ્યુએટ પ્રૅક્ટિશનરોને જનરલ સર્જિકલ પ્રોસીજર કરવાની છૂટ મળી એ વાત તેમને રાસ ન આવી. આયુર્વેદના ડૉક્ટરો મૉડર્ન મેડિસિન દ્વારા વપરાતી ઍડ્વાન્સ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરે એ બાબત સામે એલોપથી ડૉક્ટરોને વાંધો શું કામ છે? આયુર્વેદના ડૉક્ટરોને શેની છૂટ મળી છે અને એની પાછળનો તર્ક કયો છે? સરકારના નિર્ણયનો વિરોધ કરી રહેલું આઇએમએ શું ઇચ્છે છે અને એની પાછળનો તેમનો તર્ક શું છે? આવા ઘણા બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટે અમે બન્ને પક્ષોના કેટલાક અગ્રણી પ્રતિનિધિઓ સાથે તટસ્થ વાત કરી. એ તર્કબદ્ધ વાતચીતનો નિચોડ અહીં પ્રસ્તુત છે...

રુચિતા શાહ

કોવિડકાળમાં આયુર્વેદની બોલબાલા ઘણી વધી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા પછી આમ પણ આપણી દેશી પરંપરાગત પદ્ધતિને વધુ વ્યાપક બનાવવાનાં શક્ય હોય એટલાં તમામ પગલાં લેવાયાં. પૂરતા રિસર્ચ પછી આયુષ મિનિસ્ટ્રીએ સજેસ્ટ કરેલો કોવિડ માટેનો હેલ્થ પ્રોટોકોલ જાહેર થયો ત્યારે ઇન્ડિયન મેડિકલ અસોસિએશને તેને પ્લેસિબો ઇફેક્ટ ગણાવીને હસી કાઢેલો. એ જ ઇન્ડિયન મેડિકલ અસોસિએશન અત્યારે આયુષ મિનિસ્ટ્રીના વધુ એક પગલાથી નારાજ થયું છે અને તેઓ ૧૪ ફેબ્રુઆરી સુધી દેશવ્યાપી ભૂખહડતાળ પર છે. કારણ છે, આયુર્વેદિક ડૉક્ટરને અપાયેલી અમુક સર્જરીની છૂટ. હવે વાત એમ છે કે શલ્ય અને શાલક્ય એ આયુર્વેદનો હિસ્સો છે અને વર્ષોથી આયુર્વેદિક સર્જ્યનો અમુક પ્રકારની સર્જરી કરતા આવ્યા છે. જોકે હવે પબ્લિક હેલ્થને ધ્યાનમાં રાખીને આયુર્વેદમાં સર્જરી કરવાનો અધિકાર કોને છે અને તેઓ કેવા પ્રકારની સર્જરી કરી શકે એ વિશેનો તેમનો રોલ સ્પષ્ટ કરવા આયુષ મિનિસ્ટ્રીએ એક નવું નોટિફિકેશન બહાર પાડ્યું, જેમાં શલ્ય અને શાલક્ય શાખામાં પોસ્ટ ગ્રૅજ્યુએશનનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ જ સર્જરી કરી શકે એવું જણાવવામાં આવ્યું છે. તેમને માટે ૫૮ પ્રકારની સર્જિકલ પ્રોસીજરની છૂટ આપવામાં આવી છે. આ પ્રકારની સર્જરી માટે પહેલાં તેમને પ્રોપર ટ્રેઇન કરાય છે, જેમાં મૉડર્ન ટેક્નૉલૉજીનાં અમુક સાધનો, દવાઓ અને ટર્મિનૉલૉજી વાપરવાની છૂટ મળી છે. જોકે આ જ વાત મૉડર્ન મેડિકલનો અભ્યાસ કરનારા લોકોને ગમી નથી. શું કામ અમારાં સાધનો આયુર્વેદવાળા વાપરે? આયુર્વેદના ડૉક્ટરો કહે છે કે સર્જરીની શોધ આયુર્વેદમાં હજારો વર્ષ પહેલાં કરી દેવામાં આવી છે, સમય સાથે આપણે ધોતિયું છોડીને પૅન્ટ પહેરતા થયા છીએ તો આધુનિક તબીબી સાધનોનો ઉપયોગ થાય એમાં ખોટું શું છે? આઇએમએના ડૉક્ટરો સર્જરીની પરમિશનને મિક્સોપથી ગણાવે છે. બન્ને પક્ષના તર્કો વિશે વિસ્તારથી વાત કરીએ.

આયુર્વેદિક ડૉક્ટર્સની આર્ગ્યુમેન્ટ્સ

આઇએમએના વિરોધ પાછળ લોકોની ચિંતા નહીં, પોતાનું મહત્ત્વ ઘટી જશે એનો ભય વધુ કામ કરી રહ્યો છે ઃ ડૉ. મહેશ સંઘવી

૪૦ વર્ષથી પ્રૅક્ટિસ કરી રહેલા, ૩૦ વર્ષથી ટીચિંગ અનુભવ ધરાવતા, આયુર્વેદ પ્રોક્ટોલૉજી અસોસિએશનના ચૅરમૅન, આરોગ્ય ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાની મહારાષ્ટ્ર શાખાના વાઇસ ચૅરમૅન એમડી આયુર્વેદ ડૉ. મહેશ સંઘવી આયુર્વેદિક ડૉક્ટર હોવા છતાં સર્જરીનો બહોળો અનુભવ ધરાવે છે. ૧૨ કલાકમાં ૨૯૦ પાઇલ્સનાં ઑપરેશન કરવાનો તેમનો રેકૉર્ડ છે. આયુર્વેદિક ડૉક્ટરોની અમુક શાખામાં સર્જરી કરવી એ સામાન્ય બાબત છે એવું દૃઢપણે માનતા ડૉ. મહેશ કહે છે, ‘આઇએમએનો વિરોધ એ ક્યાંક ને ક્યાંક તેમની અંદરની ઇનસિક્યૉરિટીને છતી કરે છે. મિક્સોપથીના નામે તેઓ પબ્લિકની સિમ્પથી ગેઇન કરવાના પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ અહીં આપણે જોવું જોઈએ કે હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા હોય છે. આપણે ત્યાં બે પ્રકારના કાયદા ચાલે છે; એક, નૅશનલ લૉ ઑફ હેલ્થ અને બીજો, સ્ટેટ લૉ ઑફ હેલ્થ. હવે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, બિહાર, કર્ણાટક જેવા દેશનાં લગભગ આઠેક રાજ્યમાં તો ક્યારનોય આ કાયદો છે જેમાં આયુર્વેદિક ડૉક્ટરો સર્જરી કરતા જ આવ્યા છે. આમાં નવું કંઈ નથી. બીજું કહીશ કે ફાધર ઑફ સર્જરી તરીકે આયુર્વેદના સુશ્રુતને ભારતમાં જ નહીં, વિદેશમાં પણ પૂજવામાં આવે છે. આદર આપવામાં આવે છે. જેટલો સમય એમબીબીએસને લાગે છે એટલો જ સમય બીએએમએસ  (BAMS- બૅચલર્સ ઑફ આયુર્વેદ, મેડિસિન્સ ઍન્ડ સર્જરી)ના અભ્યાસ માટે પણ લાગે છે. આ એવી ડિગ્રી છે જેમાં આયુર્વેદની ફિલોસૉફી સાથે મૉડર્ન મેડિસિન્સ વિશે પણ ભણાવવામાં આવે છે. ઇનફેક્ટ, દેશની કલકત્તામાં ખૂલેલી પહેલી મેડિકલ કૉલેજમાં ભણાવનારા શિક્ષકો આયુર્વેદના હતા. એલોપથી ડૉક્ટરોનો સુપિરિયરિટી કૉમ્પ્લેક્સ હું ૪૦ વર્ષની મારી પ્રૅક્ટિસમાં સતત જોતો રહ્યો છું. અહીં નૉલેજ સેકન્ડરી બાબત થઈ છે. આ ઝઘડાનો અંત આવવો જોઈએ અને જે સારું છે એનો સ્વીકાર કરવાની ખેલદિલી કેળવાવી જોઈએ. સર્જરી માટે ઍનેસ્થેસિયા, ઍન્ટિબાયોટિક્સ કે એમઆરઆઇ મશીન અનિવાર્ય હોય તો એ કોઈ પણ સ્ટ્રીમનો ટ્રેન્ડ ડૉક્ટર શું કામ ન વાપરી શકે? તમે જે લેપ્રોસ્કોપિક સર્જરી કરો છે એ શોધ ફિઝિક્સની છે. લાઇટ, પ્રકાશ અને સાઉન્ડ એ મેડિકલ સાયન્સની દેન છે કે ફિઝિક્સની? મૉડર્ન ટેક્નૉલૉજીનો ઉપયોગ માત્ર મૉડર્ન મેડિકલ સાયન્સના પ્રણેતાઓ જ કરી શકે અને બીજા નહીં એ તો કેવી હાસ્યાસ્પદ ડિમાન્ડ છે. આ તો એવું થયું કે ખાણમાંથી સોનું નીકળ્યું છે, પરંતુ સોનાનો વપરાશ માત્ર બ્રાહ્મણો જ કરી શકે, અન્ય જાતિનાં લોકો નહીં. આવા અધિકાર થોડા જમાવવાના હોય? આયુર્વેદની સાથે અમે મેડિકલ સાયન્સ પણ ભણ્યા છીએ. અમે સર્જરી ન કરી શકીએ અથવા અમને અણઘડતાનો સ્ટૅમ્પ મારનારા તમે કોણ? એ ઑથોરિટી તમારી છે જ નહીં. ૪૦ વર્ષ પહેલાં હું જ્યારે એમડી થયો ત્યારે એમ. એસ. આયુર્વેદની પાંચ જ કૉલેજ હતી, જેથી આયુર્વેદમાં સર્જરી કરી શકે એવા ડૉક્ટરોનું પ્રમાણ ઓછું હતું. જે ચિત્ર હવે બદલાઈ રહ્યું છે. અહીં પબ્લિક હેલ્થની ચિંતાને બદલે IMAને પોતાની ચિંતા થઈ રહી છે. આમાં વર મરો, કન્યા મરો, ગોરમારાજનું તરભાણું ભરો જેવો ઘાટ વધુ દેખાય છે મને. આજે આયુર્વેદિક ડૉક્ટરો કૅટરેક્ટ કે હર્નિયાનું ઑપરેશન કરતા થઈ ગયા ત્યારે મન ફાવે એવો ખર્ચ દેખાડતા ડૉક્ટરો પાસે જવાનું લોકો ઓછું કરી નાખશે એ ભય અંદરખાને છે. પ્રાઇવેટ મેડિકલ કૉલેજોમાં ઍડ્મિશન લેનારાઓની સંખ્યા ઑલરેડી ઘટી રહી છે. આયુર્વેદિક ડૉક્ટરો સર્જરી કરતા થઈ ગયા પછી તો તેમનું મહત્ત્વ ઓર ઘટી જશે. ડિગ્રીના જોર પર વગર કામ કર્યે માત્ર સહી કરીને થતી બેઠી આવક બંધ થઈ જશે. અંદરખાને આવા કંઈક ભય હોઈ શકે છે. જેનો ઇલાજ અમારી પાસે નથી.’

સહી કરવાના પૈસા મળે છે એ બાબતનું ઉદાહરણ ટાંકતાં ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘પેથોલૉજીમાં જુઓને શું થયું છે. થોડાં વર્ષો પહેલાં ટેક્નિકલ કોર્સનો ડિપ્લોમાં કરીને કોઈ વ્યક્તિ પોતાની પેથોલૉજી લૅબ ખોલી શકતું. પેથોલૉજિસ્ટની આવશ્યકતા જ નહોતી એ રીડિંગ માટે. જોકે પછી આઇએમએએ જ નિયમ બનાવ્યો કે કોઈ પણ લૅબ-રિપોર્ટમાં પેથોલૉજિસ્ટનું ઇન્ટરવેન્શન કમ્પલ્સરી છે. એટલે બન્યું એવું કે લૅબવાળો પાક્કો રિપોર્ટ તૈયાર કરીને આપી દે. પેથોલૉજિસ્ટ એના પર સહી કરી દે. હકીકતમાં પેથોલૉજિસ્ટને નૉર્મલ રિપોર્ટમાં કંઈ ખાસ જોવા જેવું હોતું નથી. ખૂબ જ હાયર રીડિંગ્સ આવે ત્યારે એ થોડું વધારે ઇન્ટરવેનન્શન કરે. પેથોલૉજિસ્ટને ખાસ કોઈ કામ કર્યા વગર બેઠી આવક ઊભી થઈ, પણ જે સીબીસી રિપોર્ટ ૧૦૦ રૂપિયામાં થતો હતો એની કિંમત ૨૫૦ રૂપિયા થઈ ગઈ. લૅબવાળો કંઈ પોતાના ગજવામાંથી તો પેથોલૉજિસ્ટની ફી આપે નહીં એટલે એ ભાર કોના પર આવે? પબ્લિક પર. તમે વિચારો કે દેશભરમાં રોજ કેટલા આવા રિપોર્ટ નીકળતા હશે અને કઈ રીતે આ આખો કારોબાર ચાલતો હશે. અત્યારે પણ એ લોકોની ઇચ્છા એવી છે કે જે આયુર્વેદિક ડૉક્ટર ધારો કે કોઈ ઍલોપથીને લગતી બાબતનો ઉપયોગ કરે તો એમાં ઍલોપથી ડૉક્ટરની સહી લે જે અત્યારે ચાલી જ રહ્યું છે અને સહી કરવાની આવક તેમને ચાલુ રહે.’

તમે આંકડા કાઢો. છેલ્લાં ૧૦ વર્ષમાં નૅશનલ લેવલ પર જે સ્કીમો ચાલી છે એમાં આયુર્વેદિક ડૉક્ટરોએ વધુ મદદ કરી છે એમ જણાવીને ડૉ. મહેશ કહે છે, ‘આજે એવા અઢળક રિમોટ એરિયા તમને ગણાવી શકું છું જ્યાં ઍલોપથી સર્જ્યન ડૉક્ટરો છે જ નહીં. આયુષના ડૉક્ટરો ત્યાં સેવા આપી રહ્યા છે. ગામડામાં આયુર્વેદિક ડૉક્ટરો સિઝેરિયન કરે છે. જો અમે બધા જ અણઘડ હોત તો અત્યાર સુધીમાં કરોડો ફરિયાદ અમારા નામે લખાઈ ગઈ હોત અને કન્ઝ્‍યુમર કોર્ટમાં અમારે નામે જ કેસ ચાલતા હોત. જોકે ચિત્ર ઊંધું છે. આજે મૉડર્ન મેડિકલ વિરુદ્ધ જેટલા કેસ છે એની કમ્પેરમાં આયુર્વેદને કઠેડામાં ઊભું કરે એવા કેસ પ્રમાણમાં ઘણા ઓછા છે. સર્જરી આર્ટ છે, સ્કિલ છે અને એના પર કોઈનું ‍આધિપત્ય ન હોઈ શકે. હા, એ વાત સાચી કે આ આર્ટને ડેવલપ કરી શકાય. એને વ્યવસ્થિત રીતે ઉપયોગમાં લાવી શકાય એ રીતની ટ્રેઇનિંગ મળવી જોઈએ અને નૉલેજ અપગ્રેડ થતું રહેવું જોઈએ. એ દિશામાં સરકાર કડક નિયમો બનાવી જ રહી છે અને વર્ષોથી એવા ઘણા નિયમોનું પાલન થઈ રહ્યું છે.’

આજે જેને તમે લેપ્રોસ્કોપી કહો છો એને આચાર્ય સુશ્રુત નાડીયંત્ર કહેતા, નામ સિવાય શું બદલાયું?: ડૉ. લક્ષ્મણ સિંહ

નૅશનલ સુશ્રુત અસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ તેમ જ બનારસ હિન્દુ યુનિવર્સિટીની ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના શલ્યતંત્રના પ્રોફેસર ડૉ. લક્ષ્મણ સિંહ કહે છે, ‘આઇએમએનો આ વિરોધ તદ્દન પાયાવિહોણો છે. આમાં મને અસુરક્ષિતતાની અને ઈર્ષ્યાની ભાવના વધુ દેખાય છે. તેમનું સર્જિકલ વર્ક શૅર થશે તો તેમની આવકને ફરક પડશે. બાકી સરકારે કંઈ જ નવું નથી કહ્યું. એ લોકો એવું માને છે કે આયુર્વેદમાં માત્ર વાત, પિત્ત અને કફ જ છે, પરંતુ તેઓ ભૂલી ગયા છે કે આયુર્વેદમાં ધનવંતરી અને સુશ્રુત દ્વારા ૫૦૦૦ વર્ષ પહેલાં લખાયેલા ગ્રંથમાં હ્યુમન ઍનૉટૉમી અને ફિઝિયોલૉજીની પણ ભરપૂર ચર્ચા છે. અત્યારે પણ સર્જરી માટે અમારી પાસે એવા પેશન્ટ વધુ આવે છે જેનો ઇલાજ મૉડર્ન મેડિસિન પાસે ન હોય અથવા એની ટ્રીટમેન્ટ પછી પણ વારંવાર રિલેપ્સ થયું હોય. બ્રિટિશરો નહોતા આવ્યા અને જ્યારે ઍલોપથીનો જન્મ પણ નહોતો થયો ત્યારથી આયુર્વેદિક ડૉક્ટરો સર્જરી કરતા આવ્યા છે. સરકારે તો માત્ર ૫૮ સર્જરીની છૂટ આપી છે, પરંતુ તમે સુશ્રુતસંહિતા જોશો તો એમાં તો અગણિત સર્જિકલ પ્રોસીજર આપેલી છે. નામ જુદાં છે. જેમ કે અત્યારે આપણે જેને લેપ્રોસ્કોપી કહીએ છીએ એ ત્યારે લખાયેલા પુસ્તકમાં નાડીયંત્ર તરીકે મેન્શન છે. હા, અમે મૉડર્ન મેડિસિનમાંથી ઍનેસ્થેસિયાનો ઉપયોગ કરીએ છીએ સર્જરી પહેલાં. જોકે એ દવાની શોધ વૈજ્ઞાનિકોએ કરી છે એ કોઈ માત્ર મૉડર્ન મેડિસિનના ડૉક્ટરોની જાગીર નથી. ઍનેસ્થેસિયોલૉજિસ્ટ ઑફ આયુર્વેદની એક આખી અલગ ડિગ્રી છે જેમાં તેમને આ દવાનો ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરવો એનો રીતસરનો અભ્યાસ હોય છે, એટલે માત્ર આંતરિક ભય હેઠળ પાયાવિહોણો વિરોધ છે.’

આઇએમએની આ વિકૃત માનસિકતા છે. મૉડર્ન અપ્લાયન્સિસ ફિઝિક્સની દેન છે, કોઈ પેથીની દેન નથી: ડૉ. આશુતોષ કુલકર્ણી

અકોલાની આર. ટી. આયુર્વેદ કૉલેજના સર્જરી વિભાગના હેડ, વાઇસ પ્રિન્સિપાલ, મેડિકલ સાયન્સ અને આપણી અન્ય ઉપચાર પદ્ધતિના સમન્વય પર ફોકસ કરતા દેશના સૌથી મોટા અસોસિએશન નૅશનલ ઇન્ટિગ્રેટેડ મેડિકલ અસોસિએશન (NIMA)ના ટ્રેઝરર ડૉ. આશુતોષ કુલકર્ણી કહે છે, ‘૧૯૪૮માં નૅશનલ ઇન્ટિગ્રટેડ મેડિકલ અસોસિએશનની રચના જ તમામ ઉપચાર પદ્ધતિની સારી બાબતોનો વિવેકબુદ્ધિ સાથે સમન્વય કરીને પેશન્ટને જલદી રાહત મળે એવી પ્રણાલીઓને પ્રમોટ કરવા માટે થઈ હતી. IMAના વિરોધનો હું વિરોધ કરું છું, કારણ કે આમાં કોઈ મિક્સોપથી નથી. આ તો ઇન્ટિગ્રેશન છે. તમે પણ તમારી સારવારમાં જ્યાં જરૂર પડે ત્યાં આયુર્વેદનો સમન્વય કરોને. કોણ ના પાડે છે. એવું થયું પણ હતું એક વાર. એમબીબીએસમાં આયુર્વેદના અમુક સિદ્ધાંતો સિલેબસમાં ઉમેરવામાં આવ્યા હતા, પરંતુ IMAને તો એ પણ જચ્યું હતું. આ સુપીરિયારિટીમાંથી બહાર આવો હવે. પેશન્ટના બેનિફિટ્સનું વિચારો અને દરેક ઉપચાર પદ્ધતિની મર્યાદાનો સ્વીકાર કરીને આગળ વધો. મૉડર્ન આસ્પેક્ટ્સ આયુર્વેદના નિષ્ણાતો ભણી રહ્યા છે અને પછી પોતાની સારવારમાં એની જરૂર હોય ત્યાં ઉપયોગ કરે એમાં કંઈ જ મિક્સોપથી નથી. આવી જડતામાંથી હવે IMAએ બહાર આવવું જોઈએ. ઇન ફૅક્ટ આયુર્વેદનાં વિદ્યાર્થીઓ તો ડબલ અભ્યાસ કરે છે, મૉડર્ન મેડિકલનો અને આયુર્વેદના સિદ્ધાંતોનો. યુનિવર્સિટીઓ એક્ઝામ લે છે. ડિગ્રી મળ્યા પછી પણ તેમણે ઇન્ટર્નશિપ પ્રોગ્રામમાં પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં, આઇસીયુમાં કામ કરવું કમ્પલ્સરી હોય છે. પૂરતી ટ્રેઇનિંગ વિના કોઈ ડૉક્ટર સર્જરી કરવા મંડી નથી પડતો. અત્યારે કોવિડમાં પણ મૅક્સિમમ આયુર્વેદિક ડૉક્ટરોએ નૅશનલ લેવલ પર કામ કર્યું છે. વૅક્સિન ડ્રાઇવમાં પણ તેઓ આગળ પડતા રહ્યા છે. તમે અત્યારે જો નૅશનલ લેવલ પર સર્વે કરશો તો ખબર પડશે કે મોટા ભાગનાં ગામડાંઓમાં, રિમોટ એરિયામાં આ જ આયુર્વેદ ડૉક્ટરો ક્રિટિકલ પેશન્ટને પણ એફિશિયન્ટલી હૅન્ડલ કરી રહ્યા છે. અમુક હદ સુધીની પરમિશન તેમને મળી છે તો એમાં ખરાબ લગાડવા જેવું શું છે? સારી ક્વૉલિટીની ટ્રીટમેન્ટ સસ્તા દરે દરદીઓને મળશે એમાં IMAને કેટલો ફરક પડી જવાનો? IMAના ડૉક્ટરો નાના ગામડામાં જાય છે? એવું તો નથી કે અમે ભણ્યા વગર આ પરમિશન માગી રહ્યા છીએ. આ ડૉક્ટરોને એ ડર છે કે તેમની પાસે આવતો રશ ફંટાઈ જશે? કોવિડકાળમાં આયુર્વેદની મહત્તા વિશ્વવ્યાપક બની છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન પણ પેશન્ટના હિતમાં હોય તો બે ઉપચાર પદ્ધતિના ઇન્ટિગ્રેશનની હિમાયત કરે છે.’

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ સ્ટેટમેન્ટ આપેલું કે ૧૦૮ ઍમ્બ્યુલન્સને કારણે (જ્યાં મોટા ભાગે આયુર્વેદ ગ્રૅજ્યુએટ્સ હોય છે) ઘણાં બાળકોનો જીવ બચ્યો અને સેફ ડિલિવરી થઈ એ વાત ટાંકીને ડૉ. આશુતોષ કહે છે, ‘IMAના ડૉક્ટરોએ વચ્ચે એક દિવસની સ્ટ્રાઇક કરી હતી ત્યારે ઘણા પેશન્ટ હેરાન થયા હતા. એ સમયે અમે પિન્ક રિબિન અભિયાન ચલાવીને ડબલ કામ કર્યું હતું. અત્યારે પણ જો યુનાની અને આયુર્વેદ ડૉક્ટરો કામ બંધ કરી દે તો મોટા ભાગની સરકારી હૉસ્પિટલનું કામ કાજ ઠપ પડી જાય. જોકે અમે પેશન્ટની હાલાકી થાય એમાં નથી માનતા. આજે મેલબર્નની મેડિકલ કૉલેજમાં આચાર્ય સુશ્રુતનું સ્ટૅચ્યુ લગાવ્યું છે, કારણ કે તેઓ ફાધર ઑફ સર્જરી છે. સમય બદલાશે એટલે સાથે વાતો બદલાશે, પરંતુ એનાથી બેઝિક પ્રિન્સિપલ ખતમ નથી થતા. મોડિફિકેશન અને બદલાવ આવવાથી સુશ્રુતનું યોગદાન રિજેક્ટ ન કરી શકાય. IMA જે કહે છે એ વિકૃત માનસિકતા છે. મૉડર્ન અપ્લાયન્સિસ ફિઝિક્સની દેન છે. પેથીની દેન નથી.’

ઍલોપથીની પ્રૅક્ટિસ કરતા ડૉક્ટરો શું કહે છે?

અપૂરતી ટ્રેઇનિંગ અને અનસાયન્ટિફિક રીતે ઉપયોગમાં લેવાતી મૉડર્ન મેડિસિન પેશન્ટ માટે જોખમી : ડૉ. જયેશ લેલે

ઇન્ડિયન મેડિકલ ‍અસોસિએશનના સેક્રેટરી ડૉ. જયેશ લેલે IMAની ભૂખહડતાળને વિશ્વવ્યાપી બનાવવાના ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે, કારણ કે વાસ્તવિકતા લોકો સમક્ષ આવે એ તેમને મહત્ત્વપૂર્ણ લાગે છે. અમારી સાથે શૅર કરેલા પોતાના એક લેખમાં તેઓ લખે છે, ‘આ પગલું તદ્દન બિનવૈજ્ઞાનિક અને અનજસ્ટિફાયડ છે. જે ઉપચાર પુરાવાબદ્ધ વૈજ્ઞાનિક આધાર પર ચાલતો હોય એને તમે અન્ય કોઈ સિસ્ટમ સાથે જોડી દો એ વાત જ બેહૂદી લાગે છે. આજે દેશમાં જ નહીં, આખા વિશ્વમાં મુખ્ય ઉપચાર પદ્ધતિ તરીકે જે સર્વમાન્ય ગણાય છે અને હેલ્થકૅર ક્ષેત્રમાં આવેલી તમામ વિપત્તિઓમાં અડીખમ ઊભા રહીને મૉડર્ન મેડિસિને માનવસમાજનું રક્ષણ કર્યું છે એને કોઈ બીજી ઉપચાર પદ્ધતિ સાથે ઉપયોગમાં લેવું એ બિનવ્યાવહારિક બાબત છે. ગમે તેટલી મોટી વ્યક્તિ હોય કે ગમે એટલી નાની વ્યક્તિ હોય, છેલ્લે તો પોતાની બીમારી વખતે તેમણે મૉડર્ન મેડિસિનનું શરણું લીધું છે. બે ઉપચાર પદ્ધતિઓને ભેગી કરીને ઇલાજ કરવાના નિર્ણયમાં વિચારશૂન્યતાનાં પૂરાં દર્શન થાય છે. ભારતીય કાયદો કહે છે કે તમે જે સિસ્ટમ ઑફ મેડિસિનમાં ટ્રેઇન થયા હો એમાં જ તમારે પ્રૅક્ટિસ કરવી અને બીજી સિસ્ટમનો ઉપયોગ ન કરી શકો. જ્યાં અન્ય ઉપચાર પદ્ધતિમાં ટ્રેઇન થયેલા લોકો મેડિકલ સાયન્સની રીતભાતનો ઉપયોગ કરે તો તે બિનવૈજ્ઞાનિક હોવાની સંભાવના પૂરેપૂરી છે. મૉડર્ન મેડિસિનની ઇફેક્ટિવનેસને જોતાં જ એનો સમજ્યાં વિના ઉપયોગ કરવાની ફરજ પડી છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પૂરતા અભ્યાસ વિના મૉડર્ન મેડિસિનનો ઉપયોગ પેશન્ટને ઊલમાંથી ચૂલમાં પાડી શકે છે અને એ બાબતનો અમે સંપૂર્ણ વિરોધ કરીએ છીએ. આ બાબત અટકવી જોઈએ અને સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચવો જોઈએ.’

હું હેલ્થ મિનિસ્ટર હોઉં તો આટલા નિયમો સાથે આયુર્વેદના ડૉક્ટરોને સર્જરીની છૂટ આપું: ડૉ. સંદીપ કુમાર

કૅન્સર બાયોલૉજી અને ઍપિડેમિયોલૉજી પર ૧૦થી વધુ રિસર્ચ કરનારા, ભોપાલની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ફાઉન્ડર ડિરેક્ટર અને ઑન્કોલૉજીના ક્ષેત્રમાં ખૂબ મહત્ત્વનું નામ ગણાતા ડૉ. સંદીપ કુમાર ખૂબ જ તર્કબદ્ધ વાત કરતાં કહે છે, ‘આયુર્વેદ છોડીને અન્ય કોઈ આયુષની સિસ્ટમના પ્રણેતાઓને સર્જરીની છૂટ મળવી ન જોઈએ. આયુર્વેદ પાસે સર્જરીનો બેઝ છે જે અન્ય એકેય આયુષની સિસ્ટમ પાસે નથી. ખાસ કરીને હોમિયોપથી, યોગ વગેરે.પહેલાંની જેમ આજે આયુર્વેદિક સર્જરી શક્ય નથી એ વાત એ લોકો પણ જાણે છે. ઠોક-બજાકે સર્જરી નહીં કર સકતે. એટલે સર્જરી માટે ઍનેસ્થેસિયા જેવા મૉડર્ન પૅરામીટર્સનો ઉપયોગ કરાય અને એ જ એથિકલ પણ છે. આયુર્વેદમાં પણ સંજ્ઞાહરણ શબ્દ ઍનેસ્થેસિયા માટે છે. આયુર્વેદિક ડૉક્ટરોએ સર્જરી કરતાં પહેલાં ઍલોપથીનાં પૅરામીટર્સ ચેક કરવાં જરૂરી છે. ખાસ કરીને અમુક દવાઓની સિમ્પથેટિક સિસ્ટમ પર થતી અસર. એટલે કે પેશન્ટના હાર્ટબીટ, બ્લડપ્રેશર, પલ્સ રેટ વગેરેનું પ્રોપર ધ્યાન રખાય. બીજું, પ્રોપર પ્રમાણમાં અને અત્યારના સમયમાં ઉપયુક્ત હોય એવી ઍન્ટિબાયોટિક દવાઓનું જ્ઞાન અને એના ઉપયોગની તૈયારી સાથે જ તેમને સર્જરીની છૂટ મળવી જોઈએ. પ્રાચીન આયુર્વેદમાં આ બાબતોનો ઊંડાણથી અભ્યાસ ન આવતો હોય તો એને લગતી વિગતો તેમના સિલેબસમાં ઉમેરાવી જોઈએ. સૌથી મહત્ત્વનો મુદ્દો, જેઓ હાઈ રિસ્ક પેશન્ટ હોય જેમ કે હાર્ટ પેશન્ટ, જેમને ફીટ આવતી હોય, જેમને જઘન્ય ડાયાબિટીઝ હોય, અનકન્ટ્રોલ્ડ થાઇરૉઇડ હોય એવા પેશન્ટની ચાલુ ઍલોપથી દવાઓની પૂરતી સમજણ વિના સર્જરી કરવામાં ક્યારેક જોખમ રહે છે. આવા પેશન્ટની નાનકડી સર્જરી કરવાની પરમિશન પણ આયુર્વેદિક ડૉક્ટરોને ન મળવી જોઈએ. હું જો હેલ્થ મિનિસ્ટર હોઉં તો આટલાં પૅરામીટર્સ પર ખાસ ફોકસ કરીને પરમિશન આપું.’

ડિગ્રી આયુર્વેદની લીધી છે અને સારવાર ઍલોપથીની દવાઓથી કરો છો એને કેવી બાબત ગણો છો તમે?: ડૉ. વિજય પોપટ

ઇન્ડિયન મેડિકલ અસોસિએનના નૅશનલ વાઇસ પ્રેસિડેન્ટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેડિકલ ફેકલ્ટી અને જામનગરની એમ. પી. શાહ ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજના પેથોલૉજી વિભાગના હેડ ડૉ. વિજય પોપટની દૃષ્ટિએ સર્જરીની છૂટ એ તદ્દન ગેરવાજબી પગલું છે. તેઓ કહે છે, ‘વ્યક્તિગત રીતે હું કોઈ પથીના વિરોધમાં નથી. ઇન ફૅક્ટ મને આપણી પ્રાચીન ઉપચાર પદ્ધતિ તરીકે આયુર્વેદ પ્રત્યે માન છે, પરંતુ પેશન્ટનો વિચાર કરું તો આયુર્વેદ અને ઍલોપેથને ભેગાં કરવાની બાબત મને ઉચિત નથી લાગતી. આ બન્ને ઉપચાર પદ્ધતિના પાયાના સિદ્ધાંતો જ જુદા છે. જ્યારે આયુર્વેદવાળા જ ઍલોપથીની પ્રૅક્ટિસ પણ કરવા માંડે તો ઑથેન્ટિસિટી ક્યાં રહી? પેશન્ટના મનમાં પણ ક્લૅરિટી ક્યાં રહી? બન્ને ઉપચાર પદ્ધતિમાંથી કોઈને ધારો કે આયુર્વેદ પર ભરોસો હોય અને એ ડૉક્ટર પાસે ગયા પછી પણ ધારો કે તેને ઍલોપથીની જ દવાઓ મળવાની હોય તો એનો ઇન્ટરેસ્ટ ક્યાં સર્વ થયો? ડિગ્રી આયુર્વેદની લીધી છે અને સારવાર ઍલોપથીની દવાઓથી કરો છો એને કેવી બાબત ગણો છો તમે? મેડિકલ સાયન્સમાં કશું જ પોલંપોલ નથી. બધું જ બહુ ક્લિયરલી સમજાવાયેલું છે. અમે અમારી બાઉન્ડરી ક્રૉસ નથી કરતા અને બીજી પથીની વાતો અમારા હાથમાં નથી લેતા. તો આ નિયમ સૌને લાગુ પડેને. તમે કહો છો કે ટેક્નૉલૉજી પર બધાનો હક છે, પરંતુ ટેક્નૉલૉજીના ઉપયોગ પરથી જે રિપોર્ટ તમને મળ્યા છે એના તારણ કરવા માટેનો અલગ અભ્યાસ છે જે પણ ઍલોપથીના ડૉક્ટરોએ વર્ષોના અભ્યાસ પરથી કેળવ્યો છે. એક્સ-રે કે સોનોગ્રાફી કર્યા પછી એનાં રીડિંગ્સ માટે પણ મૉડર્ન મેડિકલ સાયન્સની ટ્રેઇનિંગ મહત્ત્વની છે. એક વ્યક્તિ એમડી રેડિયોલૉજિસ્ટ બને છે પછી એ રિપોર્ટને કનક્લુડ કરી શકે છે. ખૂબ આકરી કૉમ્પિટિશનમાંથી પોતાની એક્સપર્ટીઝ પર આગળ વધેલા ડૉક્ટરનું તો પછી કોઈ મૂલ્ય જ ન રહ્યુંને. બીજી ઉપચાર પદ્ધતિઓ એટલી જ સક્ષમ છે તો આજે બધા જ વીઆઇપી પેશન્ટ શું કામ એઇમ્સમાં ઍડ્મિટ થાય છે અને કેમ એ લોકો આયુર્વેદના ડૉક્ટરો પાસે જ પોતાની સારવાર નથી કરાવતા?’

ઉપરછલ્લા જ્ઞાન પર સર્જરીની છૂટ એ મોટું રિસ્ક છે: ડૉ. એસ. અત્તાર

ઇન્ડિયન મેડિકલ અસોસિએશનની મુંબઈ શાખાના પ્રેસિડન્ટ ડૉ. એસ. અત્તાર કહે છે, ‘આયુર્વેદ ડૉક્ટરોને જે મેડિકલ સાયન્સ ભણાવવામાં આવે છે એમાં ઇનડેપ્થ સિલેબસ હોતો નથી. ઉપરછલ્લા જ્ઞાન પર સર્જરીની છૂટ એ મોટું રિસ્ક છે. મેડિકલ સાયન્સ સતત ગ્રો થઈ રહ્યું છે. તેમના પ્રત્યેક અપ્રોચમાં વિજ્ઞાન બેઝ્‍ડ પૂરાવા સાથે કામ થાય છે એટલે જ એની વ્યાપકતા આપણે જોઈ શકીએ છીએ. બીજું, આ ક્લિયરકટ મિક્સોપથી જ છે, કારણ કે આમાં કોઈ એક સિસ્ટમ રહી જ નથી. આ આખી વાતમાં કોઈ સાયન્ટિફિક એવિડન્સનો ઉપયોગ થયો નથી. વિઝનનો અભાવ લાગે છે. અત્યારે દેશના હેલ્થ સેક્ટરમાં આમાં સિસ્ટમની પ્યૉરિટી ક્યાં છે? કૉમન મૅનની સેફ્ટીની જવાબદારી અહીં કોણ લેશે? અમે આયુર્વેદ કે આયુર્વેદિક ડૉક્ટરોના વિરોધમાં નથી, પરંતુ સરકારની પૉલિસીના વિરોધમાં છીએ. આમાં તો પેશન્ટની હાલત ન ઘરના, ન ઘાટના જેવી થઈ જાય. ન તેને પૂરતી આયુર્વેદની સારવાર મળે કે ન ઍલોપથી ઢબનો ઇલાજ થાય. આ અત્યારે સર્વમાન્ય સિસ્ટમ ઑફ મેડિસિન છે. તમે પેશન્ટનો અધિકાર છીનવી રહ્યા છો કે તેને કઈ સારવાર પદ્ધતિને પ્રાયોરિટી આપવી. અમારી દૃષ્ટિએ આ ઇન્ટિગ્રેશનની વાત જ પાયાવિહોણી છે.’

ઉપરછલ્લા જ્ઞાન પર સર્જરીની છૂટ એ મોટું રિસ્ક છે: ડૉ. એસ. અત્તાર

ઇન્ડિયન મેડિકલ અસોસિએશનની મુંબઈ શાખાના પ્રેસિડન્ટ ડૉ. એસ. અત્તાર કહે છે, ‘આયુર્વેદ ડૉક્ટરોને જે મેડિકલ સાયન્સ ભણાવવામાં આવે છે એમાં ઇનડેપ્થ સિલેબસ હોતો નથી. ઉપરછલ્લા જ્ઞાન પર સર્જરીની છૂટ એ મોટું રિસ્ક છે. મેડિકલ સાયન્સ સતત ગ્રો થઈ રહ્યું છે. તેમના પ્રત્યેક અપ્રોચમાં વિજ્ઞાન બેઝ્‍ડ પૂરાવા સાથે કામ થાય છે એટલે જ એની વ્યાપકતા આપણે જોઈ શકીએ છીએ. બીજું, આ ક્લિયરકટ મિક્સોપથી જ છે, કારણ કે આમાં કોઈ એક સિસ્ટમ રહી જ નથી. આ આખી વાતમાં કોઈ સાયન્ટિફિક એવિડન્સનો ઉપયોગ થયો નથી. વિઝનનો અભાવ લાગે છે. અત્યારે દેશના હેલ્થ સેક્ટરમાં આમાં સિસ્ટમની પ્યૉરિટી ક્યાં છે? કૉમન મૅનની સેફ્ટીની જવાબદારી અહીં કોણ લેશે? અમે આયુર્વેદ કે આયુર્વેદિક ડૉક્ટરોના વિરોધમાં નથી, પરંતુ સરકારની પૉલિસીના વિરોધમાં છીએ. આમાં તો પેશન્ટની હાલત ન ઘરના, ન ઘાટના જેવી થઈ જાય. ન તેને પૂરતી આયુર્વેદની સારવાર મળે કે ન ઍલોપથી ઢબનો ઇલાજ થાય. આ અત્યારે સર્વમાન્ય સિસ્ટમ ઑફ મેડિસિન છે. તમે પેશન્ટનો અધિકાર છીનવી રહ્યા છો કે તેને કઈ સારવાર પદ્ધતિને પ્રાયોરિટી આપવી. અમારી દૃષ્ટિએ આ ઇન્ટિગ્રેશનની વાત જ પાયાવિહોણી છે.’

આયુષ મિનિસ્ટ્રીએ સ્પષ્ટતામાં શું કહ્યું?

‘ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રૅજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન) અમેન્ડમેન્ટ રેગ્યુલેશન્સ, ૨૦૨૦’ અંતર્ગત આયુષ મિનિસ્ટ્રીની રેગ્યુલેટરી બૉડી ‘સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયન મેડિસિન’ (સીસીઆઇએમ) દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે એનું ખોટું અર્થઘટન કરીને ઘણીબધી ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે એવું ધ્યાનમાં આવતાં તરત જ આયુષ મિનિસ્ટ્રીએ પોતાના તરફથી ક્લૅરિફિકેશન બહાર પાડ્યું. આ સ્પષ્ટતામાં નીચેના મુદ્દા સામેલ કરવામાં આવ્યા છે ઃ

 આયુર્વેદમાં પોસ્ટ ગ્રૅજ્યુએટ કરી રહેલા શલ્ય અને શાલક્ય સ્ટ્રીમમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને જ સર્જરીની છૂટ આપવામાં આવી છે, જેમાં પણ માત્ર ૫૮ પ્રકારની સર્જિકલ પ્રોસીજરનો સમાવેશ થાય છે. જેના માટે તેઓ પ્રૅક્ટિકલી ટ્રેઇન્ડ થયેલા હોય અને તેમને પોસ્ટ ગ્રૅજ્યુએશનની ડિગ્રી મળી હોય એ પછી જ આ લિમિટેડ સર્જરી માટે જ છૂટ મળી છે. એ સિવાયની સર્જરીઓ તેઓ ન કરી શકે.

 આયુષ મંત્રાલયે બીજી સ્પષ્ટતા એ કરી છે કે ૨૦૧૬થી જ આ પ્રોવિઝન હતું, અત્યારે તો માત્ર એને વધુ સ્પષ્ટતા સાથે રજૂ કરવામાં આવ્યું છે. શલ્ય અને શલક્ય એ આયુર્વેદ કૉલેજોમાં સેપરેટ વિભાગો છે અને ત્યાં આ પ્રકારની સર્જિકલ પ્રોસીજર પહેલાંથી જ થતી આવ્વી છે. ઇન ફૅક્ટ, જનતાના હિતમાં વિદ્યાર્થીઓને કમ્પલ્સરી આ સર્જરીનો અધિકાર મળે એ પહેલા કમ્પલ્સરી સીસીઆઇએમ દ્વારા નિશ્ચિત કરાયેલા સિલેબસનો અભ્યાસ કરવો પડે. એમાં ઉત્તીર્ણ થયા પછી જ તેઓ સુનિશ્ચિત સર્જરી કરી શકે છે.

 સર્જિકલ પ્રોસીજરમાં મૉડર્ન ટેક્નૉલૉજી કે મૉડર્ન ટર્મિનૉલૉજીનો ઉપયોગ કરવો એ કોઈ અયોગ્ય પ્રૅક્ટિસ નથી. વિજ્ઞાનની આધુનિક શોધ પર તમામ માનવજાતનો અધિકાર છે. એના પર કોઈ વ્યક્તિ કે સમુદાય દાવો ન કરી શકે અથવા તો પોતાની મોનોપૉલી ન દાખવી શકે. સમય સાથે ભાષા ઇન્વૉલ્વ થતી હોય છે. કોઈ પણ ક્ષેત્રમાં ઇફેક્ટિવ કમ્યુનિકેશનમાં જે-તે સમયના પ્રચલિત ભાષાભંડોળના શબ્દો વપરાય એ જરૂરી હોય છે. મેડિકલમાં અત્યારના સમયમાં વપરાતા શબ્દોનો ઉપયોગ થાય તો એ માત્ર ફિઝિશ્યન વચ્ચેના કમ્યુનિકેશનમાં જ નહીં, પણ સામાન્ય વ્યક્તિ સાથે થતા કમ્યુનિકેશનમાં પણ સુલભતા લાવે છે.

 અત્યારના સમયમાં પ્રચલિત શબ્દોનો ઉપયોગ કરવાનો અર્થ એવો જરાય નથી કે આયુર્વેદ અને મૉડર્ન મેડિસિનની ભેળસેળ કરવામાં આવી રહી છે. વાતચીત માટે વર્તમાન ભાષાભંડોળનો ઉપયોગ કરવાનો હેતુ માત્ર એક જ છે અને એ છે ઇફેક્ટિવ કમ્યુનિકેશન. એમાં બે સિસ્ટમની ભેળસેળનો પ્રશ્ન જ નથી આવતો. સીસીઆઇએમ ભારતીય ઉપચાર પદ્ધતિની ઑથેન્ટિસિટી જાળવી રાખવા માટે કટિબદ્ધ છે અને આ પ્રકારના ‘મિક્સિંગ’ના સખત વિરોધમાં છે.

(સોર્સ: આયુષ મિનિસ્ટ્રી દ્વારા શૅર કરવામાં આવેલી વિગતો મુજબ) 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK