Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વર મરો, કન્યા મરો, અમારી ટીઆરપી વધારો

વર મરો, કન્યા મરો, અમારી ટીઆરપી વધારો

15 October, 2020 02:49 PM IST | Mumbai
Jayesh Chitalia

વર મરો, કન્યા મરો, અમારી ટીઆરપી વધારો

ટેક્નૉલૉજીના વિકાસ સાથે વિનાશ તરફ વળી જઈએ એવું બનવાની શક્યતા ઊંચી થતી જાય છે

ટેક્નૉલૉજીના વિકાસ સાથે વિનાશ તરફ વળી જઈએ એવું બનવાની શક્યતા ઊંચી થતી જાય છે


ટીવી-મીડિયા અને સોશ્યલ મીડિયાએ એક જ લક્ષ્ય બનાવીને આક્રમણ શરૂ કર્યું છે, બસ લોકોનું પોતાના તરફ ધ્યાન ખેંચી રાખો, લોકોને પોતાની સાથે જોડી રાખો, કેમ કે આ જ તેમનો ધમધોકાર બિઝનેસ છે, કમાણી છે, સફળતા છે. લોકો વાસ્તવિક જગતમાંથી વર્ચ્યુઅલ જગતમાં પ્રવેશી ગયા છે. આ મામલે વિવેક નહીં રાખે તેમનો વિનાશ નક્કી છે.

‘વર મરો, કન્યા મરો, ગોરનું તરભાણું ભરો’ આ કહેવત હવેના સમયમાં નવા સંદર્ભમાં લાગુ થાય એવો માહોલ સતત મીડિયા ક્ષેત્રમાં સર્જાતો જાય છે. હવે આ વિષયમાં એવું કહેવું પડે કે વર મરો, કન્યા મરો, ઇલેક્ટ્રૉનિક મીડિયાની ટીઆરપી વધારો. સોશ્યલ મીડિયામાં લોકોની હાજરી વધારો. તાજેતરમાં આ ટીઆરપીનો મામલો એની ચરમસીમાએ ચર્ચામાં આવ્યો છે, જોકે હજી ચરમસીમા આવી ગઈ કે નહીં એ પણ સવાલ છે, પરંતુ સુશાંત-પ્રકરણ બાદ એક પછી એક ખૂલતાં રહેલાં પ્રકરણે નવા-નવા વિવાદ અને ચર્ચા જગાવવાનું કામ કર્યું છે. હકીકતમાં તો ટીવી-ચૅનલ્સે શ્રોતાઓનું ધ્યાન ખેંચવા સતત એક પછી એક પ્રકરણને ચર્ચાસ્પદ-વિવાદાસ્પદ યા સંવેદનશીલ સ્વરૂપ આપવાની કામગીરી બજાવી હોવાનું કહી શકાય. હરીફાઈ એ હદે પહોંચી છે કે પોતાના તરફ ધ્યાન ખેંચવા કેટલાંય માધ્યમો કોઈ પણ હદે જઈ રહ્યાં છે. અતિરેકનો પણ અતિરેક થવા લાગ્યો છે. જોકે રાજકીય સ્થાપિત હિતોને આવું જોઈએ છે. ચાલો થોડા તાજા કિસ્સા જોઈએ અને સત્યને સમજવાનો પ્રયાસ કરીએ.
આ બધાં માધ્યમોનું લક્ષ્ય એક જ હોય છે, લોકોનું ધ્યાન ખેંચો અને પોતાની કમાણી કરો, કમાણી વધારો. આમાં પ્રજાનું બ્રેઇન વૉશ કરવાનું આવી જાય, પ્રજાને ગેરમાર્ગે દોરવાનું પણ આવી જાય અને હા, પ્રજાને માર્ગ બતાવવાનું પણ આવી જાય (આવા અપવાદ હોય છે), પરંતુ અંતિમ લક્ષ્ય તો ધ્યાન ખેંચવાનું હોય છે. પોતાની ચૅનલ યા માધ્યમ પર લોકોનો પ્રવાહ વધારવાનું હોય છે, કારણ કે આ જ તેમની આવકનો મુખ્ય સોર્સ અથવા આધાર હોય છે. ઇલેક્ટ્રૉનિક અને સોશ્યલ મીડિયાએ સક્રિય થઈને આ હરીફાઈમાં ઘી, પેટ્રોલ, તેલ, કેરોસીન વગેરે ઉમેરતા જઈને આગને વધુ વ્યાપક બનાવતા રહેવાની ભૂમિકા ભજવી છે. સદ્નસીબે પ્રિન્ટ મીડિયા આમાંથી મોટા ભાગે બાકાત રહ્યું છે એથી જ પ્રિન્ટ મીડિયા પરનો વિશ્વાસ હજી ટકી રહ્યો છે.
યે તો પબ્લિક હૈ, સબ નહીં જાનતી હૈ
ટીવી-ચૅનલ્સના કિસ્સા તાજા છે, જેથી આપણે નામના ફોડ પાડવાની જરૂર નથી, સત્ય સૌની સામે છે, માત્ર સત્ય શું છે એને સમજવાની જરૂર છે. અસત્ય સત્ય ન બની જાય એ પ્રત્યે સજાગ રહેવાની જરૂર વધુ છે. આમાં જ્યારે રાજકારણ ભળે ત્યારે શું થાય એ સમજાવવાની જરૂર પડે એટલી ભોળી પ્રજા હવે રહી નથી, એમ છતાં વિચારધારામાં દોરવાઈ જવાની કે ગેરમાર્ગે ચડી જવાની માનસિકતામાંથી પોતાની સ્વતંત્ર મૌલિક વિચારધારા સુધી પ્રજા પહોંચી નથી. યે તો પબ્લિક હૈ, યે સબ જાનતી હૈ, એમ ભલે મનાતું કે કહેવાતું હોય, પરંતુ ‘યે પબ્લિક હૈ, સબ કુછ નહીં જાનતી હૈ નું સૂત્ર પણ મોટા પાયે ચાલી રહ્યું છે. કારણ કે વિચારો, દલીલો, દાવાઓ, રાજકારણનું અને લોકોના વિચારો પર હાવી થઈ જવાનું આક્રમણ એટલા વેગ અને જોરથી ચાલી રહ્યું છે કે ભલભલા હોશિયાર માણસો એના પ્રભાવ હેઠળ આવી જાય છે. આજની ભાષામાં આને નરેટિવ કહે છે. લોકોએ શું વિચારવું જોઈએ, શું માનવું જોઈએ, કોને અને કઈ રીતે અનુસરવું જોઈએ વગેરે જેવી અનેક બાબતો પ્રજા પર થોપવામાં આવી રહી છે. સોશ્યલ મીડિયા આ ક્ષેત્રે જે આક્રમણ ચલાવી રહ્યું છે એની સામે ટીવી-ચૅનલ્સનું ટીઆરપીનું આક્રમણ નાનું લાગે, જોકે એની ઉપેક્ષા થઈ શકે નહીં.
સોશ્યલ મીડિયા - સોશ્યલ ડિલેમા
તાજેતરમાં સોશ્યલ ડિલેમા નામની એક દસ્તાવેજી ફિલ્મ ચર્ચામાં છે, જેમાં વિવિધ સોશ્યલ મીડિયા કઈ રીતે લોકોના વિચારો પર હાવી થઈ રહ્યું છે એનો પર્દાફાશ કરાયો છે. આ વાત-દલીલ-પુરાવા આપનાર લોકો પોતે આ માધ્યમના જ ખેલાડીઓ છે, જેમણે આ સત્ય ‘યું કી ત્યો ધરી ચદરિયા’ની જેમ મૂકી દીધું છે. કડવા સત્યનો ઘટસ્ફોટ કરી દીધો છે. આ દસ્તાવેજી ફિલ્મ આંખ અને દિમાગ ઉઘાડનારી છે, જો આપણે એને સમજીએ તો. આમાં એક વિધાન આપણા સૌ માટે બહુ જ મોટી ચોટ સમાન છે, આ મીડિયા આપણને તમામ સર્વિસિસ વિનામૂલ્ય આપીને આખરે આપણને જ પ્રોડક્ટ બનાવી દે છે. આપણે તેમના હાથનાં-ટેરવાનાં રમકડાં બની ગયા છીએ. આપણે તેમની આંગળીના ઇશારે જીવતા થઈ ગયા છીએ.
આજે આપણી સામે મનોરંજન કે જિજ્ઞાસાના નામે એટલું બધું પીરસાઈ રહ્યું છે કે શું આરોગવું, શું પચાવવું એની સાચી સમજ આવતાં વર્ષો નીકળી જાય છે. આ માધ્યમોએ વિકલ્પો એટલી મોટી સંખ્યામાં ઑફર કર્યા છે કે પસંદગીમાં પણ આપણે ગૂંચવાઈ જઈએ. આ માર્ગે થઈ રહેલું આક્રમણ એટલું જોરદાર-ધારદાર હોય છે કે માણસ એ મુજબ જ વિચારતો કે માનતો થઈ જાય છે. આ લોકો પ્રજાને માગો એ આપે છે, જેને જે જોઈએ એ મળે છે, વિનામૂલ્ય અથવા નજીવી કિંમતે, પણ ખરેખર તો આ માધ્યમો આપણને લૂંટી લેતાં હોય છે, જેનો આપણને ભાગ્યે જ અહેસાસ થાય છે. આ લોકો આપણો સમય અને ધ્યાન લઈ લે છે, બસ તેમને જોઈએ પણ એ જ છે. ટીઆરપી, વિઝિટ, લાઇક્સ, કમેન્ટ, ફોટોઝ, વ્યુઝ વગેરે સ્વરૂપે આપણે ખર્ચાતા-વપરાતા જઈએ છીએ અને તેઓ કમાતા જાય છે.
બધા જ શિકાર થતા જાય છે
રિયલિટી શો ગણો, લાખો-કરોડોનાં ઇનામના શો ગણો, ઓટીટી પ્લૅટફૉર્મની વિવિધ સિરીઝ ગણો, મનોરંજન ગણો કે સમાચારના વિવાદ ગણો, આ બધાં તો એક માધ્યમ છે જ, બીજી બાજુ સોશ્યલ મીડિયાનાં માધ્યમ વધુ ખતરનાક અને આક્રમક છે. આનાં નામની યાદી હવે જાહેર છે, પરંતુ આ માધ્યમો મહદંશે નિયમન કે અંકુશ વિનાનાં હોવાથી એ લોકોને ચાહે એ પીરસે છે, લોકો માગે એ આપે છે, સેક્સ, થ્રિલર, મર્ડર્સ, ચાલાકી, બદમાશી, હિંસા, દાવપેચ, રાજકારણ, અન્ડરવર્લ્ડ, ગુંડાગીરી, નગ્નતા, બીભત્સતા, ગાળો, ખૂનખરાબા જેવી બાબતો હવે એટલી કૉમન થવા લાગી છે કે લોકો માટે આ જોવું-સાંભળવું પણ સહજ બનતું જાય છે. લોકો પરિવાર સાથે બેસીને પણ આવું બધું જોતાં, અચકાતાં કે સંકોચ અનુભવતા નથી, જ્યાં આવી શરમ-સંકોચ છે ત્યાં એકલામાં મોબાઇલ તો ૨૪ કલાક તમારી સાથે જ છે. બાળકો અને યુવાનો તો ખરાં જ, પરંતુ વડીલો પણ આનો શિકાર થવા લાગ્યા છે. આ એક ભયંકર હદે વિકસી ગયેલું ઍડિક્શન બની ગયું છે. હવે આમાંથી બહાર આવવાનું કઠિન બનતું જાય છે, કેમ કે આમાં સતત નવીનતા ઉમેરાતી જાય છે.



media
આ સુશાંત અને ડ્રગ્સ-પ્રકરણ હજી પત્યું નથી ત્યાં ઉત્તરપ્રદેશનું હાથરસ બળાત્કાર-પ્રકરણ ઇલેક્ટ્રૉનિક મીડિયામાં દેશવ્યાપી બનીને ચગ્યું, જેમાં પણ રાજકીય સ્થાપિત હિતો તેમ જ મીડિયા ફરી સક્રિય થઈ ગયાં. હવે લેટેસ્ટમાં બૉલીવુડનો સંઘ કેટલીક ટીવી-ચૅનલ્સ સામે કોર્ટે ચડ્યો છે. આ વિષય પણ ટીઆરપીની નવી ગેમ બને તો નવાઈ નહીં.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


કોણ બચાવી શકશે?

આપણી આસપાસ એક વર્ચ્યુઅલ જગત રચાતું રહ્યું છે, જેના ચક્રવ્યૂહમાં આપણે પ્રવેશી ગયા છીએ. એમાં વળી કોરોનાના લૉકડાઉનના સમયે આપણને સૌને આ માટે મોકળો અવકાશ આપી દીધો. હવે ભવિષ્યમાં કોરોના ચાલ્યો જશે તો પણ આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનું આપણે માટે કપરું બનવાનું છે. એકમાત્ર વિવેક નામનો આપણી ભીતર રહેતો ગુણ જો જાગે તો આપણે આ ઘોર બેહોશીમાંથી બહાર આવી શકીએ, અન્યથા આપણે ટેક્નૉલૉજીના વિકાસ સાથે વિનાશ તરફ વળી જઈએ એવું બનવાની શક્યતા ઊંચી થતી જાય છે. આપણી બેહોશી એટલી ગહન થતી જાય છે કે આપણે સત્ય અને અસત્યની સમજ ખોઈ રહ્યા છીએ. જાગો, જાગો, નહીંતર આપણે બધા મળીને એક એવી પેઢીનું નિર્માણ કરીશું, જે આપણી સંસ્કૃતિના સર્વનાશ માટે નિમિત્ત બનશે, પણ આ માટે જવાબદાર આપણે હોઈશું. એક આશા હજી પણ છે, જેમાં દેશમાં જાગ્રત મીડિયા પણ હાજર છે, જે સત્યને વળગીને સત્યને લોકો સુધી પહોંચાડતું રહેશે એવી ઉમ્મીદ છે. આવાં માધ્યમોને ટેકો-સાથ આપવાની જવાબદારી પ્રજા તરીકે આપણી પણ ખરી.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2020 02:49 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK