રોશનીથી ઝળહળતું સિટી સેન્ટર બન્યું ખંડેર

Published: 25th October, 2020 14:48 IST | Rohit Parikh | Mumbai

વેપારીઓ કહે છે કે અત્યારે અમારું બિઝનેસ સેન્ટર જોઈને રુંવાડાં ઊભાં થઈ જાય છે ​: દશેરા અને દિવાળીના તહેવારોના સમયે લાગ્યું આગનું ગ્રહણ

રોશનીથી ઝળહળતું સિટી સેન્ટર બન્યું ખંડેર
રોશનીથી ઝળહળતું સિટી સેન્ટર બન્યું ખંડેર

મુંબઈ સેન્ટ્રલ પાસેના સિટી સેન્ટરમાં શુક્રવારની ભીષણ આગ પછી ગઈ કાલે સવારે આ ઇમારતમાં ફરીથી ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હોવાથી આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો. લોકોએ મેસેજ વાઇરલ કર્યા હતા કે સિટી સેન્ટરની આગ હજી બુજાઈ નથી. એના પહેલા માળે અને બેઝમેન્ટમાં આગ ફરીથી શરૂ થઈ છે.
મુંબઈ મોબાઇલ અસેસરીઝ અસોસિએશનના કમિટી મેમ્બર જવાહર દવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે આગ કાબૂમાં આવી ગયા પછી ફાયર બ્રિગેડનું કૂલિંગ કાર્ય ચાલી રહ્યું છે. જેને લીધે ધુમાડા બહાર દેખાય છે. ચિંતાનું કોઈ કારણ નથી. સિટી સેન્ટરમાં આગ ફરીથી ફેલાઈ નથી, જે ધુમાડા દેખાય છે એ પોકેટ ફાયર હોવાની માહિતી આપી હતી જે સહેજ પણ ચિંતાજનક નથી. થોડીવારમાં કાબૂમાં આવી જશે. અમે અમુક વેપારીઓઅે સિટી સેન્ટરમાં અંદર જઈને પરિસ્થિતિનું અવલોકન પણ કરી લીધું છે. આગને લીધે પાવર બંધ કર્યો હોવાથી હજી સેન્ટરમાં લાઇટો આવી નથી. હવે પરિસ્થિતિ કાબૂમાં છે.’
મોબાઇલ તેમ જ અસેસરીઝનો બિઝનેસ કરી રહેલા વેપારીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ગઈ કાલે અમે જ્યારે આગ બુઝાઈ ગયા પછી સિટી સેન્ટરમાં પ્રવેશ કર્યો હતો ત્યારે રોશનીથી ઝળહળતું અમારું સેન્ટર કાળું ખંડેર દેખાતું હતું જે જોઈને અમે ધ્રૂજી ઊઠ્યા હતા. આ દૃશ્ય જોઈને અમારા તો રુંવાડાં ઊભાં થઈ ગયાં હતાં. લૉકડાઉન પછી દશેરા અને દિવાળીના તહેવારો સમયે આગના ગ્રહણથી અમે સૌ સ્તબ્ધ થઈ ગયા છીએ. અત્યારે અમારી પાસે અમારા દુ:ખને વર્ણવવા માટે પણ શબ્દો ખૂટી ગયા છે. એક નાનકડી બૅટરીનો બ્લાસ્ટ અને ત્યાર પછી ફાટી નીકળેલી આગથી કરોડો રૂપિયાનું નુકસાન. અમે બધા જ જીવનમાં નાની મૂડીમાંથી સંઘર્ષ કરીને આજે સ્થિર થયા હતા.’
વેપારીઓએ વધુમાં કહ્યું હતું કે રોજના હજાર પંદરસો રૂપિયા કમાઈ લેતાં અમારા સપ્લાયરો આજે બેકાર થઈ ગયા છે. મુંબઈની આ એક સૌથી મોટી મોબાઇલ અને મોબાઇલ અસેસરીઝની માર્કેટ છે. એની આ હાલત કલ્પી શકાય એવી નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK