જેમ ભર્યા ઘરમાં નહીં દીવા વિના દેખાય; વર્તમાનપત્રો વિના જગ ચરચા ન જણાય

Published: 4th January, 2020 15:33 IST | Deepak Mehta | Mumbai

ગયા શનિવારે મેટ્રોમાં અંગ્રેજી ફિલ્મ જોઈને ઘરે આવતાં મોડું થયું. સવારે મોડા ઊઠવાનું ધાર્યું હતું, પણ ૧૯૫૧ના માર્ચ મહિના પહેલાંના મુંબઈમાં એ શક્ય નહોતું.

મહાલક્ષ્મી પાસેનો ધોબીઘાટ
મહાલક્ષ્મી પાસેનો ધોબીઘાટ

દૂધવાળો આવે, ઘંટડી બજાવે, દૂધ મીઠાં લાવે.

જોઈ સિનેમા માંડ સૂતાં’તાં, ઊઠવું કેમ ભાવે!

હાય રે પીટ્યો દૂધવાળો ઘંટડી બજાવે!

ગયા શનિવારે મેટ્રોમાં અંગ્રેજી ફિલ્મ જોઈને ઘરે આવતાં મોડું થયું. સવારે મોડા ઊઠવાનું ધાર્યું હતું, પણ ૧૯૫૧ના માર્ચ મહિના પહેલાંના મુંબઈમાં એ શક્ય નહોતું. કારણ, ભગવાનદાસકાકાના ઘરે જ નહીં, મુંબઈના લગભગ દરેક ઘરની મુલાકાતે રોજ આવનારાઓમાંથી પહેલો દૂધવાળો વહેલી સવારે આવીને બેલ વગાડ્યા વગર રહેતો નહીં. ૧૯૫૧ની ચોથી માર્ચે પંડિત જવાહરલાલ નેહરુએ આરે મિલ્ક કૉલોનીનું ઉદ્ઘાટન કર્યું એ પહેલાં તબેલામાંથી તાજું દૂધ ભૈયાજીઓ ઘરે-ઘરે પહોંચાડતા. સવારે અને બપોરે એમ બે વાર. રાતે બે-ત્રણ વાગ્યે દૂરના પરામાંના તબેલામાં દૂધ દોહી, પિત્તળના ચળકતા હાંડામાં ભરી, હાંડાનું મોઢું સૂકા ઘાસથી ઢાંકી, માથે મૂકી, લોકલ ટ્રેનમાં સવાર થઈને ભૈયાજી ઘરે-ઘરે દૂધ પહોંચાડે. ૧૯૩૩માં ઝવેરચંદ મેઘાણી થોડો વખત મુંબઈવાસી બન્યા ત્યારે મુંબઈનું આ રોજિંદું ચિત્ર જોઈને તેમણે ‘દૂધવાળો આવે’ કાવ્ય લખ્યું. ઉપલી પંક્તિઓ પછી લખે છે :

બોરીવલી સ્ટેશન, ત્રણ બજે ટનટન, ભેંસો દોહી ભમભમ, રેલગાડીના મોં-ફૂંફાડે દોટમદોટ આવે – પાઘડી વીંખાય, તાંબડી ઢોળાય, તોયે વે’લો આવે.

આરે કૉલોની શરૂ થઈ એ પછી મુંબઈગરાઓએ પહેલી વાર જાડા કાચની બાટલીમાં ભરેલું દૂધ જોયું, પીધું. એ જમાનો હતો દૂધથી માંડીને મોટર સુધીની દરેક વસ્તુની અછતનો. મોટર ખરીદવી હોય તો ઑર્ડર બુક કર્યા પછી પાંચ-સાત વર્ષ રાહ જોવી પડે. દૂધ માટે પણ સરકારી ઑફિસમાં ‘જી’ કાર્ડ કઢાવવું પડે. ઍલ્યુમિનિયમના કાર્ડ પર નામ, સરનામું, નંબર એમ્બોસ કરેલાં હોય. રોજ કેટલી બાટલી દૂધ મળશે એ પણ લખ્યું હોય. જેટલી બાટલી દૂધ લેવું હોય એટલી ખાલી બાટલી કાર્ડ કઢાવતી વખતે જ ખરીદી લેવાની. પછી રોજ સવારે નજીકના સેન્ટર પર કાર્ડ અને ખાલી બાટલી લઈને જવાનું. ખાલી બાટલી આપીને દૂધથી ભરેલી બાટલી લેવાની, અલબત્ત રોકડા રૂપિયા આપીને. ખાલી બાટલી બરાબર ધોવાઈ ન હોય તો દૂધ લીધા વગર ખાલી બાટલી લઈને પાછા ઘરે આવવું પડે. બે જાતનું દૂધ મળે ઃ હોલ અને ટોન્ડ. બેમાં ટોન્ડ સસ્તું. એ વખતે લોકો આજના જેટલા હેલ્થ કૉન્શ્યસ નહીં, એટલે ટોન્ડ મિલ્કના ફાયદા ન જાણે. સસ્તું એટલે ટોન્ડ એ તો ગરીબગુરબાઓ માટે એમ મનાતું. બન્નેની બાટલી સરખી, પણ ઉપરની ઍલ્યુમિનિયમની કૅપ જુદા રંગની. પહેલાં તો લોકોને બહુ ભરોસો નહોતો બેઠો સરકારી દૂધ પર. ભૈયાજીના દૂધ જેટલું તાજું નહીં. વહેલી સવારે મિલ્ક સેન્ટર પર લેવા જવું પડે, લાઇનમાં ઊભા રહેવું પડે, પણ ભૈયાજીના દૂધ કરતાં સસ્તું. એટલે પહેલાં તો ઓછી આવકવાળાઓએ લેવાનું શરૂ કર્યું. પછી મધ્યમ વર્ગ દૂધની બાટલી તરફ વળ્યો, પણ ઉપલો અને શ્રીમંત વર્ગ આ સરકારી દૂધ ભાગ્યે જ ખરીદતો.

જેમ ભર્યા ઘરમાં નહીં દીવા વિના દેખાય;

વર્તમાનપત્રો વિના જગ ચરચા ન જણાય. (દલપતરામ)

સવાર પડે એટલે બીજા બધા દીવા ઓલવાઈ જાય, પણ એક દીવો એવો જે સવારે જ પેટાવાય. કવીશ્વર દલપતરામે ‘વર્તમાનપત્ર વિશે’ નામના કાવ્યમાં કહ્યું છે એમ ત્યારે એ વખતે ‘જગચર્ચા’ જાણવાનું લગભગ એકમાત્ર સાધન એટલે વર્તમાનપત્ર કહેતાં છાપું. ભગવાનદાસકાકાના ઘરે રોજ સવારે છાપાવાળો નાખી જાય, પણ દૂધવાળાની જેમ બેલ મારીને ઉઠાડે નહીં. બારણે મૂકીને ચાલતો થાય. મહિનાને અંતે હિસાબ કરીને પૈસા આપી દેવાના. બીજું ઘણું બદલાયું છે વખત સાથે, પણ મુંબઈમાં છાપાવાળો બદલાયો નથી. એનો કોઈ વિકલ્પ મળ્યો નથી. હા, એ વખતે છાપાં સતત ડાયટિંગ કરતાં, બલકે તેમણે કરવું પડતું. કારણ? કારણ ન્યુઝપ્રિન્ટની તંગી. પહેલાં તો આયાત થતો, પછી સરકારી પેપરમિલમાંથી દરેક છાપાને માર્યાદિત જથ્થો ઠરાવેલા ભાવે મળે. ન્યુઝપ્રિન્ટનાં કાળાબજાર પણ ચાલે. થોડા વર્ષ તો દરરોજ છાપું કેટલાં પાનાં આપી શકે એ વિશે સરકારે નિયમ બનાવેલા એટલે બહુ-બહુ તો ૧૨ કે ૧૬ પાનાં. એ વખતે છાપામાં આજના જેવું નહીં. ત્યારે ન્યુઝ વધુ, જાહેરખબર ઓછી. ક્યારેક કોઈ અસાધારણ ઘટના બને ત્યારે સવારનું છાપું બપોરે ‘વધારો’ બહાર પાડે જેમાં પહેલા પાને એ અસાધારણ ઘટના વિશેના સમાચાર છાપ્યા હોય. બાકીનાં પાનાં સવારવાળાં જ હોય. આજની જેમ એ જમાનો દરેક મિનિટે ‘બ્રેકિંગ ન્યુઝ’નો નહોતો એટલે વર્ષમાં માંડ બે-ત્રણ વાર આવો ‘વધારો’ બહાર પડે. પછી આવ્યા સાંજનાં છાપાં. ૧૯૦૨ના મે મહિનાની પહેલી તારીખે અરદેશર બહેરામજી પટેલે ‘સાંજ વર્તમાન’ શરૂ કર્યું એ પહેલવહેલું સાંજનું ગુજરાતી છાપું. અરદેશરજીને ક્રિકેટનો જબરો શોખ. પારસીઓ અને અંગ્રેજો વચ્ચેની પહેલી ક્રિકેટ મૅચ તેમણે ગોઠવી હતી. ક્રિકેટ વિશે તેમણે ઇંગ્લૅન્ડની મુસાફરી પણ કરી હતી. આ ઉપરાંત તેમણે ઘણાં નાટકો પણ લખ્યાં હતાં જે રંગભૂમિ પર સફળતાથી ભજવાયાં હતાં. સાંજના છાપાના ફેલાવાને પીઠબળ મળ્યું હતું રોજ લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારાઓનું. ઑફિસ કે દુકાનેથી પાછા ફરતાં સ્ટેશન નજીકથી કે સ્ટેશન પરથી સાંજનું છાપું ખરીદવાનો જાણે વણલખ્યો નિયમ. મુસાફરી દરમ્યાન છાપું વંચાતું જાય એટલે સમાચાર ઓછા અને હલકું-ફૂલકું વાચન વધારે એવો ઘાટ સાંજના છાપાનો ઘડાતો ગયો.

milk-bottlle

આરેના દૂધની બાટલીઓ.

કોઈ મુંડ મુંડાવે ને કોઈ દાઢી કાઢી નાખે,

કોઈ રાખે ચોટલી ને કોઈ રાખે ચોટલો,

સરવ ધરમનો મરમ સદાચરણ છે,

દુરાચરણ એ પ્રૌઢ પાપ તણો પોટલો. - (દલપતરામ)

dudh-walo

દૂધવાળો

ભગવાનદાસકાકાના દીકરાઓ રોજ દાઢી કરવામાં સ્વાવલંબી હતા, પણ ભગવાનદાસકાકા નહોતા એટલે રોજ સવારે તેમની દાઢી કરવા પૂંજાભાઈ રોજ ઘરે આવે. ચામડાની કાળી બૅગમાંથી એક પછી એક ઓજાર કાઢે, જાણે કોઈ સર્જ્યન ઑપરેશન કરવા માટે પોતાનાં ઓજાર કાઢતો હોય એવી અદાથી. રમીલાવહુ માથે ઓઢીને આવે છે અને પિત્તળના એક જૂના ગંજિયામાં ગરમ પાણી મૂકી જાય છે. હજી શેવિંગ ક્રીમ કે ફોમ આવ્યા નથી. એક ડબ્બીમાંથી ગોળ આકારનો શેવિંગ સાબુ કાઢી પૂંજાભાઈ એના પર પાણીવાળું બ્રશ ગોળ-ગોળ ઘુમાવે છે અને પછી જે ફીણ થાય એ ભગવાનદાસકાકાની દાઢી પર લગાડે છે અને પછી લાંબા, ચળકતા અસ્ત્રાથી દાઢીના વાળને નિર્મૂળ કરવા મંડી પડે છે. આ બધા કામ દરમ્યાન તેની જીભ તો સતત ચાલુ જ હોય. ગઈ કાલના છાપામાં વાંચેલા ખબર, પાડોશી પાસેથી સાંભળેલી અફવા, બીજા કોઈ ઘરાકે આપેલી ‘ખાનગી’ માહિતી. પૂછે છે ઃ તે હેં કાકા, સાંભળ્યું છે કે અંગ્રેજ સરકાર રૂપિયાની નવી નોટ બહાર પાડવાની છે અને એના પર ગાયની ચરબી લગાડવાની છે, જેથી દેશઆખો વટલાઈ જાય. સાચી વાત? પૂંજાભાઈ આ રીતે ઘરમાં આવે એ વિલાસકાકીને બહુ ગમતું તો નથી, પણ શું થાય? ગામ જેવો ઘરનો ઓટલો મુંબઈમાં ક્યાંથી કાઢવો?

નળ છે વહેતાં મીઠાં નીરના રે, ધોરી રગો શરીરમાં જેમ. - (દલપતરામ)  

સવારે એક ભૈયાજી દૂધ આપી ગયા. હવે આવે બીજા ભૈયાજી, વાવડી કહેતાં કૂવાનું પાણી લઈને. આમ તો છેક ૧૮૬૦થી મુંબઈમાં પાઇપ વાટે પાણી આપવાનું શરૂ થયું હતું અને વીસમી સદીમાં તો લગભગ ઘરે-ઘરે નળનું પાણી આવતું. આખો દિવસ નહીં સવારે અને સાંજે થોડો-થોડો વખત. પાણી આવે ત્યારે મોટા પીપડામાં ભરી લેવાનું. પછી જરૂર પ્રમાણે વાપરવાનું, પણ ભગવાનદાસકાકાના કુટુંબની જેમ ઘણા રૂઢિચુસ્ત કુટુંબો નાહવા-ધોવા માટે નાળાનું પાણી વાપરે, પીવા માટે નહીં. નળ આવ્યા એ પહેલાં કૂવા અને તળાવો મુંબઈની તરસ છિપાવતાં. હવે તળાવો તો લગભગ રહ્યાં નહીં, પણ કૂવા તો હતા જ. આવા કૂવાનું પાણી તાંબાના ઘડામાં ભરીને રોજ સવારે ભૈયાજી ઘરે-ઘરે પહોંચાડે. ગરગડી, દોરડું ને હાંડાની મદદથી કૂવામાંથી કાઢેલું પાણી લાકડાના મોટા પીપમાં ઠાલવે. એ પીપ એક ગાડા પર ફિક્સ કરેલું હોય. ગાડું હંકારીને ભૈયાજી ઘરે-ઘરે જાય અને ઠરાવ્યા પ્રમાણે રોજ એક-બે હાંડા પાણી આપી જાય. બૉમ્બે હાઈ કોર્ટ પાસેના કૂવાની જેમ કેટલાક કૂવાનું પાણી તો પ્રખ્યાત. એક દિવસ એવો પણ આવશે જ્યારે પીવાનું પાણી પ્લાસ્ટિકની બૉટલમાં વેચાશે એવું તો ત્યારે કોઈએ સપનામાંય ધાર્યું નહોતું.

ભગવાનદાસકાકાના ઘરથી થોડે દૂર પ્રિન્સેસ સ્ટ્રીટ. પારસીઓની સારીએવી વસ્તી. થોડે દૂર ચીરાબજારની માછલી બજાર. પારસીઓની વસ્તી હોય ત્યાં માછલી, પાઉં, ઈંડાં વગેરે વેચનારા ફેરિયાઓ રોજ આવે. એ વખતે પાઉં એટલે આજે જેને લાદીપાઉં કહીએ છીએ એ જ. સ્લાઇસ્ડ બ્રેડ ત્યારે કોઈએ જોઈ નહોતી. વહેલી સવારે બેકરીમાં તૈયાર થયેલાં તાજાં, નરમ પાઉં. સાસૂન ડૉકની તાજી માછલીઓ. પારસી ઘરોની એક લાક્ષણિકતા. કોઈ ફેરિયાએ દાદર ચડીને ઉપર જવું ન પડે. બાલ્કનીમાં મજબૂત દોરીનો એક છેડો કઠેડા સાથે બાંધ્યો હોય. બીજે છેડે વાંસની ટોપલી બાંધી હોય – પ્લાસ્ટિકને આવવાને ત્યારે વાર હતી. ફેરિયો આવે ત્યારે ટોપલી ઉપરથી નીચે સરકાવવાની. ફેરિયો પાઉં કે ઈંડાં કે માછલી એમાં મૂકે એટલે દોરી ખેંચીને ટોપલી ઉપર લઈ લેવાની. હવે એમાં પૈસા મૂકીને ફરી ટોપલી નીચે. ફેરિયો પૈસા લઈ લે એટલે ટોપલી ઉપર. ક્યારેક ઘરનું કોઈ માણસ પાકીટ કે રૂમાલ કે એવું કંઈક ભૂલી ગયું હોય ત્યારે પણ આ ટોપલી કામ આવે.

વૉશિંગ મશીન તો હતાં નહીં એટલે ભગવાનદાસકાકાના ઘરે અને બીજા ઘણા ઘરે દર રવિવારે સવારે ધોબી આવે. ઘરમાં પડેલી કોઈ જૂની ડાયરીને ‘ધોબીની ડાયરી’ બનાવી દેવાય. ધોબીને આપવાનાં બધાં કપડાં ભેગાં થઈ જાય એટલે રમીલા ડાયરીમાં તેની નોંધ કરી લે. પાંચ ખમીસ, ૪ પાટલૂન, ૩ કફની, પાંચ સાડી વગેરે. ધોબી આવીને એ કપડાં લઈ જાય અને આગલા રવિવારે આપેલાં કપડાં ધોઈ, ઈસ્ત્રી કરીને આપી જાય. ધોવા માટે કપડાં મોટે ભાગે જાય મહાલક્ષ્મી સ્ટેશન પાસે આવેલા ધોબીઘાટ પર. દર મહિને હિસાબ કરીને ધોબીને પૈસા ચૂકવાય. હિસાબ થાય ૧૦૦ કપડાંના ૧૫, ૨૦ કે ૨૫ રૂપિયાના હિસાબે. રેશમી કે જરીવાળાં ભારે કપડાં ધોબીને ન અપાય. ધોવાની બહુ જરૂર હોય તો નજીકની લૉન્ડ્રીમાં અપાય. ભૂલેચૂકેય ધબીથી એક-બે કપડાં ખોવાઈ જાય કે બદલાઈ જાય તો એ દિવસે તેની સાથે ધર્મયુદ્ધ થઈ જાય. ત્યારે કોલસાની ઇસ્ત્રી વપરાતી એટલે કોઈ વાર એકાદ કપડું થોડું બળી પણ ગયું હોય. ત્યારે મિની ધર્મયુદ્ધ થઈ જાય.

પિત્તળનાં વાસણને કલાઈ કરવા દર બે-ત્રણ મહિને કલાઈવાળો આવે. ગરમ-ગરમ કલાઈ લગાડ્યા પછી તરત વાસણને પાણીની બાલદીમાં બોળે ત્યારે જે છમકારો થાય એ સાંભળવાની ભગવાનદાસકાકાની દીકરીને બહુ મજા આવતી – તે નાની હતી ત્યારે. તો વર્ષમાં એક વાર ઘરે દરજી બેસે. ઘરનાં નાનાં-મોટાં, સ્ત્રી-પુરુષ-બાળક બધાનાં આખા વર્ષનાં કપડાં સીવે. બધા માટેના કાપડની ખરીદી એકસાથે તાકાને હિસાબે થાય એટલે બધા છોકરાનાં ખમીસ-પાટલૂન એક જ કપડાનાં, છોકરીઓનાં ફરાક એક જ કપડાનાં. દરજી દર વર્ષે આવે એટલે તેને માપ લેવાની ભાગ્યે જ જરૂર પડે. છતાં જરૂર પડે તો પુરુષો-છોકરાઓનાં માપ લે, પણ મા-બહેનોનાં માપ તો લેવાય જ નહીં. જરૂર પડે તો અગાઉ સીવેલું કોઈ કપડું નમૂના તરીકે માગી લે. એવી જ રીતે લગ્નસરા પહેલાં ઘરે પરોણીગર બેસે. મોતીના બંગાળી, માળા વગેરે ઘરેણાં પરોવીને નવાં તૈયાર કરી આપે. એ માટેનાં સોનાનો ઢોળ ચડાવેલાં ચાંદીનાં ‘ઘરા’ કે ખોખાં પહેલેથી ગુલાલવાડી જઈને ખરીદી લીધાં હોય. જે ઘરેણાં ભાંગ્યાં-તૂટ્યાં હોય એ સામાનમાં પણ કરી આપે.      

 

મહાલક્ષ્મી પાસેનો ધોબીઘાટ અને રવિવારની સવારનો આગંતૂક ધોબી.

 

 

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK