થૅન્ક યુ લૉકડાઉન, તેં અમારી લત છોડાવી

Published: May 31, 2020, 23:15 IST | Varsha Chitaliya | Mumbai Desk

આજે ‘વર્લ્ડ નો ટબૅકો ડે’ના દિવસે મળીએ એવા યોદ્ધાઓને જેમણે પોતાની ઇચ્છાશક્તિ પર સંયમ રાખીને તેમ જ પરિવારના સાથ-સહકારથી વર્ષોજૂના તમાકુના સેવનને ત્યજીને સ્વસ્થ જીવન તરફ ડગ માંડ્યાં છે

પ્રતીકત્મક તસવીર
પ્રતીકત્મક તસવીર

તમાકુનું સેવન કૅન્સર જેવી જીવલેણ બીમારીનું કારણ બની શકે છે એ બાબતથી એના બંધાણીઓ પણ સારી રીતે વાકેફ છે છતાં મોટા ભાગના વ્યસનીઓ એને છોડવા તૈયાર નથી. જોકે ભૂતકાળમાં વ્યસન છોડવાના પ્રયાસ કરી ચૂકેલા અનેક લોકો માટે વર્તમાન પરિસ્થિતિ એક તક લઈને આવી છે. કોરાના-સંક્રમણને કારણે લાદવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનથી તમાકુ, ગુટકા અને સિગારેટનાં કાળાબજાર થવા માંડતાં ૨૦ ટકા જેટલા બંધાણીઓનું વ્યસન છૂટી ગયું હોવાનું એક સર્વેમાં જાણવા મળ્યું છે. આજે ‘વર્લ્ડ નો ટબૅકો ડે’ના દિવસે મળીએ એવા યોદ્ધાઓને જેમણે પોતાની ઇચ્છાશક્તિ પર સંયમ રાખીને તેમ જ પરિવારના સાથ-સહકારથી વર્ષોજૂના તમાકુના સેવનને ત્યજીને સ્વસ્થ જીવન તરફ ડગ માંડ્યાં છે

જે કામ કોઈ ન કરી શક્યું એ સંજોગોએ કરી આપ્યું : મહેશ મકવાણા

લગભગ ૧૫ વર્ષથી સ્મોકિંગની ટેવ ધરાવતા સેલ્ફ એમ્પ્લૉઈડ મહેશ મકવાણા અગાઉ બે-ત્રણ વાર વ્યસન છોડવાનો પ્રયાસ કરી ચૂક્યા હતા, પરંતુ સફળતા મળતી નહોતી. તેમનાં વાઇફ બીનાબહેને અનેક વાર સમજાવ્યા છતાં તેઓ સિગારેટ છોડતા નહોતા. જે કામ કોઈ ન કરી શક્યું એ સંજોગોએ કરી આપ્યું એવો જવાબ આપતાં મહેશભાઈ કહે છે, ‘ભૂતકાળમાં મને પોતાને ઘણી વાર ઇચ્છા થતી કે સિગારેટ છોડી દઉં, પણ પછી બહાર નીકળીએ એટલે પિવાઈ જ જાય. મિત્રો મળે, કામના સ્થળે ટેન્શન હોય એવાં અનેક કારણસર વ્યસન પર કન્ટ્રોલ કરવો મુશ્કેલ હોય છે. લૉકડાઉન આવ્યું એમાં બહાર નીકળવાનું બંધ થઈ ગયું. જીવનાવશ્યક વસ્તુ સિવાય બહાર કંઈ મળતું નથી એટલે આમેય સિગારેટનાં ફાંફાં પડવા લાગ્યાં. એકાદ વાર બ્લૅકમાં મળતી હોય તો પૂછપરછ કરી જોઈ, પણ જામ્યું નહીં. પછી વાઇફની વાત સાચી લાગી કે આ વખતે તક મળી છે અને સતત ઘરમાં રહેવાનું છે તો ફરીથી આ કુટેવ છોડવાનો પ્રયાસ કરવો જોઈએ. શરૂઆતના ત્રણ-ચાર દિવસ તો ખૂબ તલપ લાગી. સિગારેટ વગર રહેવાતું નહોતું, પછી ઇચ્છા જ મરી ગઈ. માઇન્ડને ડાઇવર્ટ કરી લીધું. હવે બધું ખૂલી જાય ને સિગારેટ મળવા લાગે તો પણ વ્યસનથી દૂર રહેવાનો સંકલ્પ કર્યો છે. આપણે પોતે સ્વસ્થ રહીશું તો ફૅમિલીને સંભાળી શકીશું એ વાત સમજાઈ ગઈ.’

સિગારેટ વગર મગજ કામ ન કરે એવો વહેમ હતો : જિતેન્દ્ર પંડ્યા

માર્કેટિંગ બિઝનેસને લીધે જિતેન્દ્ર પંડ્યાને બહારગામ જવાનું બહુ થાય. સિગારેટનું વ્યસન ૧૫ વર્ષ જૂનું હતું. કોઈક વાર આલ્કોહૉલ પણ લેતા હતા. અચાનક લૉકડાઉન આવી જતાં તેઓ શરૂઆતમાં રઘવાયા થઈ ગયા, કારણ કે તેમની પાસે બે દિવસ ચાલે એટલી જ સિગારેટ હતી. આ સંદર્ભે વાત કરતાં તેઓ કહે છે, ‘પહેલાં તો મનમાં થયું કે વધુ સ્ટૉક રાખ્યો હોત તો સારું થાત. સિગારેટ પીધા વગર મગજ ગરમ રહેશે. કોઈ કામ થાય નહીં. સ્ટૉક ખલાસ થયો એટલે બ્લૅકમાં શોધવા નીકળ્યો. કાળાબજારમાં ૧૦૦ના ૪૦૦ રૂપિયા સાંભળીને જીવનમાં પહેલી વાર અહેસાસ થયો કે આ તો ખોટા ખર્ચા છે. બજારમાં બેફામ લૂંટ ચાલે છે. આવનારા સમયમાં આર્થિક કટોકટીને પહોંચી વળવા હવે ફરજિયાત વ્યસન પર બ્રેક મારવી પડશે. દસેક દિવસ ખરેખર મગજ ગરમ રહ્યું હતું. આ સમય દરમ્યાન પરિવારનો બહુ સપોર્ટ મળ્યો. જેમ-જેમ મગજ શાંત થતું ગયું એમ સમજાવા લાગ્યું કે કોઈ વસ્તુ વગર ન ચાલે એવું નથી. જેમ અત્યારે ઘરમાં આપણે અનેક ચીજ-વસ્તુ વગર ચલાવી લઈએ છીએ એ જ રીતે સિગારેટ વગર પણ ચાલે. બસ, સંયમ અને સંકલ્પની જરૂર છે. નીરોગી જીવન માટે વ્યસન છોડવામાં જ મારું અને પરિવારનું હિત સમાયેલું છે. અત્યારે બધા ખૂબ ખુશ છે. જોકે વ્યસનીઓની ખરી કસોટી બધું ખૂલી જાય અને ફરીથી તમાકુ-સિગારેટ છૂટથી મળવા લાગશે પછી થવાની છે. એ વખતે સંયમ રહે એવો પ્રયાસ ચોક્કસ કરીશ.’

મારી ફૅમિલીનું માનવું છે કે આ તો ચમત્કાર થયો : ભાવેશ અમલાણી

ગાર્મેન્ટ્સના વ્યવસાય સાથે સંકળાયેલા ભાવેશ અમલાણીના મોઢામાં આખો દિવસ ગુટકા હોય. એક પડીકી પતે કે બીજી ખૂલી જાય એટલી હદે એડિક્શન. ૧૦ વર્ષથી તેમનાં વાઇફ ઉષાબહેને માથાં પછાડી જોયાં, અનેક બાધા-આખડીઓ લીધી, યાત્રાઓ કરી જોઈ તો પણ હસબન્ડનું વ્યસન છૂટતું નહોતું. વાતનો દોર હાથમાં લેતાં ભાવેશભાઈ કહે છે, ‘મારી વાઇફને શ્રીજી બાવા પર બહુ શ્રદ્ધા છે. હું રજનીગંધા છોડી દઉં એ માટે તેણે જાતજાતની બાધા‍ લીધી હતી. કેટલીયે વાર ગિરિરાજજીની પરિક્રમા કરી આવી. કોઈ પ્રકારનો જલસો કરે નહીં. બધાને પૂછપૂછ કરે કે તેમનું વ્યસન છોડાવવાનો કોઈ ઉપાય હોય તો જણાવોને. હવે આ બધાનો સુખદ અંત આવ્યો. હું હાર્યો ને તેની શ્રદ્ધા જીતી ગઈ. ફૅમિલીમાં બધાનું માનવું છે કે ચમત્કાર થયો છે. ઘરમાં ખુશીનો માહોલ છે. લૉકડાઉનમાં ગુટકા મળ્યા નહીં એટલે ફૅમિલીએ ફરી સમજાવવાનો પ્રયાસ કર્યો. આ વખતે તેઓ સફળ રહ્યા. ડબલ પૈસા આપીને શરીર બગાડવાનું એ મૂર્ખામી છે એવું હું પોતે માનવા લાગ્યો. જોકે વર્ષોથી મોઢામાં કંઈક ચગળતા રહેવાની ટેવ હતી એટલે શરૂઆતમાં ઘણી તકલીફ થઈ. આખો દિવસ સાદી સોપારી અને મુખવાસ ખાધા કરતો. એને કારણે દાંતને કસરત મળી. હવે સ્વસ્થ જીવન જીવવું છે. ગુટકા નથી જ ખાવા એવો પાક્કો નિર્ણય કરી લીધા પછી અત્યારે ઘણું સારું લાગે છે.’

વડીલો અને બાળકોથી છુપાઈને પીવાની ટેવ પ્લસ પૉઇન્ટ બની : મનોજ ભટ્ટ

વડીલો અને બાળકો સામે સિગારેટ ન પીવી, યાત્રાના સ્થળે પાનના ગલ્લે જવું નહીં, રજાના દિવસે ખાસ સિગારેટનો કશ લેવા નીચે ઊતરવું નહીં. શરૂઆતથી જ આવા કેટલાક નિયમોનું પાલન કરનારા વ્યવસાયે અકાઉન્ટન્ટ મનોજ ભટ્ટ ૩૦ વર્ષ જૂની આદત છોડવામાં સફળ રહ્યા છે. તેઓ કહે છે, ‘બહાર નીકળીએ એટલે મસ્તી આવી જાય. એમ થાય કે થોડી મજા કરી લઈએ. યંગ એજમાં આવી મસ્તી ચડે એ ધીમે-ધીમે આદતમાં કન્વર્ટ થઈ જાય. મારા કેસમાં આવું જ હતું. ચાલુ દિવસે ચર્ચગેટ વિસ્તારમાં આવેલી ઑફિસની બહાર ઊભા રહીને ત્રણ-ચાર સિગારેટ ફૂંકી લેતો. મારી આ ટેવની ઘરમાં કોઈને ખબર ન પડે એનું ખાસ ધ્યાન રાખતો. ઘણાં વર્ષો સુધી બધાથી છુપાવીને રાખ્યું. પાંચેક વર્ષ પહેલાં ફૅમિલીને ખબર પડી ગઈ ત્યારથી વાઇફ અને સંતાનોનું મારા પર પ્રેશર હતું. જોકે ઘરમાં તો નહોતો પીતો. અગાઉ અમરનાથની યાત્રા વખતે ઘણા દિવસ સુધી સિગારેટને અડ્યો નહોતો. બધાએ સમજાવ્યું કે તમે ધારો તો છોડી શકો છો. જરૂર પડ્યે કન્ટ્રોલ કરવાનો વિલપાવર અત્યારે કામ લાગ્યો. અન્ય વ્યસનીઓની જેમ સિગારેટ કે તમાકુ ખાધા પછી જ પેટ સાફ આવે જેવી શારીરિક તકલીફ નહોતી એ પણ પ્લસ પૉઇન્ટ કહેવાય. આખરે કમ્પ્લીટલી ગિવઅપ કરી દીધું. કોરોનાએ આપણને સ્વાસ્થ્ય અને પૈસાનું મહત્ત્વ સમજાવી દીધું છે. હવે તો કંઈ પણ થાય, હેલ્થ અને હૅપિનેસ માટે સોએ સો ટકા સિગારેટથી દૂર રહેવું છે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK