આવતા વર્ષે તમને થાણેના રસ્તા પર એક પણ ખાડો નહીં દેખાય, કારણ કે થાણે મહાનગરપાલિકાએ અમેરિકન ટેક્નૉલૉજીની મદદથી થાણે શહેરના તમામ રસ્તાઓ ચકાચક બનાવવા માટે ૨૪૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
થાણે મહાનગરપાલિકાએ થાણે શહેરના રસ્તા માટે અધધધ રકમ મંજૂર કરી છે એ વિશે માહિતી આપતાં થાણે મહાનગરપાલિકાના પબ્લિક રિલેશન્સ ઑફિસર સંદીપ માળવીએ મિડ-ડે Localને કહ્યું હતું કે ‘શનિવારે થાણે મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં શહેરના લગભગ ૧૦૦ કિલોમીટર રસ્તાઓનું ડામરીકરણ, સિમેન્ટ કૉન્ક્રીટકરણ વગેરે માટે ૨૪૦ કરોડ રૂપિયા મંજૂર કરવાનો પ્રસ્તાવ બહુમતીએ મંજૂર થયો હતો. અઠવાડિયાની અંદર ઑલમોસ્ટ રસ્તાઓનું કામ શરૂ કરી દેવામાં આવશે અને નવેમ્બરના અંત સુધીમાં થાણેના રસ્તાઓ ચકાચક થઈ જશે. રસ્તાના ડામરીકરણ દરમ્યાન ૨૦ ચોકોનું સમારકામ પણ કરવામાં આવશે.’
થાણેના રસ્તા ખાડામુક્ત બનાવવા માટે અમેરિકન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવશે એવું જણાવતાં સંદીપ માળવીએ કહ્યું હતું કે ‘રસ્તાના સમારકામ માટે બિટૉમિન મૉડિફાય ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવશે. એમાં પહેલાં રસ્તા પર રહેલા ડામરના જૂના થરને સંપૂર્ણ કાઢી નાખવામાં આવશે અને એના પર ૫૦ સેન્ટિમીટર, ૭૦ સેન્ટિમીટર, અને ૪૦ સેન્ટિમીટરના ડામરના થર પાથરવામાં આવશે. ડામરનો છેલ્લો થર પૉલિમર-મિશ્રિત હશે. આ રસ્તાની ત્રણ વર્ષ સુધીની જવાબદારી રસ્તા બનાવનારા કૉન્ટ્રૅક્ટરની રહેશે.’
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK