હૉસ્પિટલના ડૉક્ટરોના ઉદાસીન વલણથી યુવાને ગુમાવ્યા જમણો હાથ અને પગ

Published: 11th September, 2012 05:18 IST

૧૯ વર્ષના મહાવીર સિંહ દેવરા પર અકસ્માતના ૨૮ કલાક પછી ઑપરેશન કરવામાં આવ્યું : એ પહેલાં ૧૨ કલાક તો ઑપરેશન થિયેટરની બહાર સ્ટ્રેચર પર રાખવામાં આવ્યો૧૯ વર્ષના મહાવીર સિંહ દેવરાએ ક્યારેય નહીં વિચાર્યું હોય કે ટ્રેનમાં ઑફિસ જતી વખતે તેણે જમણો હાથ અને જમણો પગ હંમેશ માટે ગુમાવવા પડશે. ગ્રાન્ટ રોડ સ્ટેશન પર ટ્રેનમાંથી ઊતરતી વખતે તે ભીના થયેલા પ્લૅટફૉર્મ પરથી લપસી ગયો અને સીધો ટ્રેનની નીચે જતો રહ્યો એને પરિણામે આ દુર્ઘટના બની. આ અકસ્માતથી તેની જિંદગી બદલાઈ ગઈ, પણ નાયર હૉસ્પિટલના ડૉક્ટરો અને સજ્ર્યનોના ઉદાસીન અભિગમને કારણે તેને આજીવન શારીરિક રીતે અક્ષમનું લેબલ લાગી ગયું.

મહાવીરનાં માતા-પિતા હયાત નથી. તે તેના કાકાના ગ્રાન્ટ રોડમાં આવેલા ઇલેક્ટ્રૉનિક્સના બિઝનેસમાં તેમને મદદ કરે છે. રોજની જેમ તે શનિવારે બપોરે બે વાગ્યે ગ્રાન્ટ રોડ સ્ટેશન પર ઊતર્યો, પણ એ સમયે પડેલા વરસાદને કારણે ભીના થયેલા પ્લૅટફૉર્મ પર તેનો પગ લપસ્યો અને તે સીધો ટ્રેનની નીચે જતો રહ્યો. બપોરે ૨.૩૫ વાગ્યે તેને નાયર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. અકસ્માતમાં તેના શરીરથી છૂટા પડી ગયેલા હાથ અને પગને પણ ગવર્નમેન્ટ રેલવે-પોલીસના અધિકારીઓએ બરફમાં મૂકીને ૩૦ મિનિટમાં હૉસ્પિટલમાં પહોંચાડી દીધા હતા. હૉસ્પિટલમાં તેને ઇમર્જન્સી વૉર્ડમાં રાખવામાં આવ્યો. શનિવારે સાંજે તેના પર ઑપરેશન કરવામાં આવશે એમ કહેવામાં આવ્યું છતાં અકસ્માતના ૨૮ કલાક પછી ઑપરેશન કરવામાં આવ્યું. તેને ૧૨ કલાક સુધી ઑપરેશન થિયેટરની બહાર સ્ટ્રેચર પર રાખવામાં આવ્યો હતો.

તેના કાકા વિક્રમ સિંહે કહ્યું હતું કે ‘મહાવીરને ઇમર્જન્સી વૉર્ડમાં દાખલ કરવા છતાં ડૉક્ટરો અમને એમ જ કહેતા હતા કે તેનું ઑપરેશન જલદી કરવામાં આવશે અને સાંજે ઑપરેશન થશે. હૉસ્પિટલનો સ્ટાફ તેને ઍન્ટિ-વાઇરલ ઈન્જેક્શન આપતો રહ્યો અને ઑપરેશન આગળ ઠેલાતું રહ્યું. સાંજે ફરી ટેસ્ટ કરવામાં આવી અને એ કન્ફર્મ થયું કે તે ઘણું બ્લડ ગુમાવ્યું છે. આમ આખી રાત મારો ભત્રીજો પીડામાં રહ્યો. આખરે રવિવારે સવારે તેને ઑપરેશન થિયેટરમાં લઈ જવાયો, પણ ઑપરેશન તો સાંજે પાંચ વાગ્યે જ થયું.’

હૉસ્પિટલનું શું કહેવું છે?

જોકે નાયર હૉસ્પિટલના ઍક્ટિંગ ડીન અને જનરલ સર્જરી વિભાગના હેડ ડૉ. મીનુ સંજાણાએ કહ્યું હતું કે ‘અકસ્માતગ્રસ્ત આ યુવાનને શનિવારે બપોરે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને અમે તરત જ તેના પર ઉપચાર શરૂ કરી દીધો હતો. અમારા કૉસ્મેટિક સજ્ર્યનોએ તેનું પરીક્ષણ કરીને કહી દીધું હતું કે તેનાં અંગો ફરી જૉઇન કરી શકાય એવાં નથી. તેના શરીરમાંથી ઘણું લોહી વહી ગયું હોવાથી તેનું બ્લડપ્રેશર ઘટી ગયું હતું અને પલ્સ-રેટ ઘણા ઊંચા હતા એટલે અમે ઑપરેશન કરી શકીએ એમ નહોતા. રવિવારે ઑર્થોપેડિક સજ્ર્યન બોન ફ્રૅક્ચરના એક બીજા દરદીનું ઑપરેશન કરી રહ્યા હોવાથી મહાવીર પર સર્જરી કરવામાં મોડું થયું હતું. વળી ઑપરેશન વખતે ચડાવવા માટેનું લોહી પણ અમારી બ્લડ-બૅન્કમાં નહોતું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK