કૉન્ગ્રેસ અને ટીમ અણ્ણા વચ્ચેનું યુદ્ધ ભીષણ બન્યું
Published: 10th October, 2011 20:45 IST
નવી દિલ્હી: ટીમ અણ્ણાએ હરિયાણાના હિસારની પેટાચૂંટણીમાં કૉન્ગ્રેસનો ખુલ્લેઆમ વિરોધ કરતાં કૉન્ગ્રેસ અને ટીમ અણ્ણાનું યુદ્ધ ભીષણ બન્યું છે. કૉન્ગ્રેસના મહામંત્રી દિગ્વિજય સિંહે ગઈ કાલે કહ્યું હતું કે ‘બીજેપી અણ્ણા હઝારેને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે ઊભા રાખવાની છે. અણ્ણા ભ્રષ્ટ સમાજવાદી પાર્ટી કે બહુજન સમાજ પાર્ટીનો વિરોધ નથી કરતા એના પરથી તેમનું પક્ષપાતી વલણ ઊઘાડું પડે છે.’
બીજી બાજુ અણ્ણાના નિકટના સહયોગી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ‘અણ્ણા હઝારે સંસદથી પર છે અને તેમને એક નાગરિક તરીકે લોકપાલ બિલ માટે આંદોલન ચલાવવાનો અધિકાર છે. નાગરિકો સંસદથી વધારે મહત્વના છે. હું માનું છું કે બંધારણ આમ કહે છે. લોકપાલ બિલ લાવવાનું કામ કૉન્ગ્રેસનું છે અને માટે અમે હિસારમાં એનો વિરોધ કરી રહ્યા છીએ. જો બીજેપી જનલોકપાલ બિલને ટેકો આપવાનું પોતાનું વચન નહીં પાળે તો અમે ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીનો પણ વિરોધ કરીશું.’
દરમ્યાન બીજેપીના પ્રમુખ નીતિન ગડકરીએ હરિયાણાના હિસારમાં એક રૅલીને સંબોધતાં કહ્યું હતું કે ‘દેશના રાજકારણમાં હિસારની પેટાચૂંટણી ઐતિહાસિક બની રહેશે. અમે જનલોકપાલ બિલને સંપૂર્ણ ટેકો આપ્યો છે. હવે મતદાતાઓએ કૉન્ગ્રેસને હરાવીને જનલોકપાલ બિલને ટેકો આપવાનો છે.’
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK