Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મારો જન્મદિવસ ભારતના શિક્ષકોને સમર્પિત કરો

મારો જન્મદિવસ ભારતના શિક્ષકોને સમર્પિત કરો

05 September, 2012 05:06 AM IST |

મારો જન્મદિવસ ભારતના શિક્ષકોને સમર્પિત કરો

મારો જન્મદિવસ ભારતના શિક્ષકોને સમર્પિત કરો


sarvapalli-radhakrushnaહિન્દુ શાસ્ત્રોમાં પુરાણકાળથી ગુરુ-શિષ્ય પરંપરા ચાલતી આવી છે. દરેક વ્યક્તિના જીવનમાં ગુરુ અને શિક્ષકનું અનેરું મહત્વ હોય છે. પરંતુ ગુરુ પ્રત્યેનો ભાવ વ્યક્ત કરવા માટે શાસ્ત્રોમાં અલગથી ગુરુપૂર્ણિમાનો મહિમા છે. ટીચર્સ ડે એ આધુનિક સમાજની ઉજવણી છે. પહેલાં શિક્ષકને ગુરુ કહેવામાં આવતા, હવે શિક્ષકોને સર અને મૅડમ સંબોધવામાં આવે છે; પણ હકીકતમાં જોવા જઈએ તો એક શિક્ષકનો ધર્મ અને સમાજ માટેનું તેમનું કર્તવ્ય પહેલાં જેવું જ રહ્યું છે.

શિક્ષક તો માત્ર ભણવાનું ભણાવે એવી માન્યતા આકાર લેતી ગઈ. જોકે આ શિક્ષકની ગરિમા જોખમમાં મુકાય એ પહેલાં જ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક ઍન્ડ કલ્ચરલ ઑર્ગેનાઇઝેશન દ્વારા ૧૯૪૨માં પાંચ ઑક્ટોબરને વર્લ્ડ ટીચર્સ ડે મનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો ને યુનાઇટેડ નેશન્સ સાથે સંકળાયેલા મોટા ભાગના દેશોએ એને સહર્ષ સ્વીકારી લીધો. આ દેશોમાં ભારત પણ સામેલ હતું, પણ શરૂઆતમાં એ માત્ર ફૉર્માલિટી જ રહી.



ભારતનો પોતાનો શિક્ષકદિન પાંચમી સપ્ટેમ્બરે ઊજવવાનું શરૂ થયું એનું નિમિત્ત હતો ભારતના પ્રથમ વાઇસ પ્રેસિડન્ટ, બીજા પ્રેસિડન્ટ અને નખશિખ શિક્ષક જીવ એવા ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નનનો જન્મદિવસ.


તામિલનાડુના ગરીબ તેલુગુ બ્રાહ્મણ પરિવારમાં ઊછરેલા ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નને જીવનના અઢી દાયકા વિવિધ કૉલેજોમાં ફિલોસૉફીના પ્રોફેસર રહી ચૂક્યા હતા. મદ્રાસ પ્રેસિડન્સી કૉલેજ, યુનિવર્સિટી ઑફ મૈસુર અને યુનિવર્સિટી ઑફ કલકત્તા જેવાં ભારતીય મહાવિદ્યાલયોમાં જ્ઞાનયજ્ઞ ચલાવ્યા પછી તેમણે અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી અને બ્રિટનની ઑક્સફર્ડની હૅરિસ મૅન્ચેસ્ટર કૉલેજમાં પણ શીખવ્યું. ૧૯૫૨માં ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા અને ૧૯૬૨માં બીજા રાષ્ટ્રપતિ. જીવનના આ તબક્કે રાધાક્રિષ્નનના ભૂતપૂર્વ શિષ્યો અને મિત્રોએ પાંચમી સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ ધામધૂમથી ઊજવવાની વિનંતી કરી. શિક્ષકો જ ભારતનું ભાવિ ઘડી શકે એમ છે એવું દૃઢપણે માનતા રાધાક્રિષ્નને આ અવસરે સામી વિનંતી કરીને કહેલું કે મારો જન્મદિવસ અલગથી ઊજવવાને બદલે આ દિવસને ભારતના તમામ શિક્ષકોને સમર્પિત કરો.

બસ, ત્યારથી એટલે કે ૧૯૬૨થી ભારતમાં પાંચમી સપ્ટેમ્બર શિક્ષકદિન તરીકે ઊજવાય છે. ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નનની ફિલોસૉફી હતી કે શિક્ષકો સમાજના ઘડતર માટે જે યોગદાન આપે છે એનું સન્માન કરવું જોઈએ અને તેઓ જે કામ કરે છે એ કેટલું અઘરું છે એ પણ સમજવું જોઈએ. એટલે જ મોટા ભાગની સ્કૂલોમાં આ દિવસે સ્કૂલના સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર ક્લાસમાં ટીચર બનીને ભણાવે છે અને આ એક દિવસ માટે ટીચર્સને ભણાવવામાંથી છુટ્ટી હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

05 September, 2012 05:06 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK