સાંતાક્રુઝ, વિલે પાર્લે, અંધેરીની આ હસ્તીઓને કેવું લાગે છે પોતાનું સબર્બ

Published: 14th October, 2011 20:10 IST

સાંતાક્રુઝ, વિલે પાર્લે અને અંધેરીમાં રહેતાં જાણીતા  ગુજરાતી કલાકારો અનુક્રમે અપરા મહેતા, મનોજ જોશી અને સિદ્ધાર્થ રાંદેરિયાની મિડ-ડેએ મુલાકાત લીધી હતી. આ દરમ્યાન પોતે રહેતા સબર્બની ખૂબીઓ અને અનુભવ વિશે પૂછવામાં આવ્યું હતું જે કંઈક આ પ્રમાણે હતું.

મુંબઈઆખાનું બેસ્ટ સબર્બ છે સાંતાક્રુઝ : અપરા મહેતા

૧૯૮૮માં મારાં મૅરેજ થયાં એટલે હું સાંતાક્રુઝ આવી. શરૂઆતમાં અમે સાંતાક્રુઝ-ઈસ્ટમાં રહેતાં હતાં. લગભગ દસેક વર્ષ ઈસ્ટમાં રહ્યા પછી ૧૯૯૮માં વેસ્ટમાં આવેલી ઓમ સાંઈનાથ સોસાયટીમાં રહેવા આવી. ત્યારથી હું આ અપાર્ટમેન્ટમાં જ રહું છું. ઘરનાં હવાઉજાસ એટલાં સરસ છે કે મેં બીજો ફ્લૅટ લીધો છે તો પણ ત્યાં રહેવા જવાનું મન જ નથી થતું. ઈસ્ટ-વેસ્ટ ઓપન ફ્લૅટ હોવાથી સવારના છ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી ઘરમાં લાઇટની જરૂર નથી પડતી. સૂર્યપ્રકાશ સતત મળતો રહેતો હોવાથી પૉઝિટિવ એનર્જી પણ ઘરમાં પુષ્કળ રહે છે. ઘરની નીચે સરસમજાનું કમ્પાઉન્ડ છે. કમ્પાઉન્ડમાં નાનકડું ગાર્ડન છે. મોડી સાંજે કે રાતે આ ગાર્ડનમાં બેસવાની બહુ મજા આવે છે.

આ થઈ મારા ઘરની અને અપાર્ટમેન્ટની વાત. હવે જો સાંતાક્રુઝની વાત કરું તો મારા માટે આ સબર્બ મુંબઈઆખાનું બેસ્ટ સબર્બ હોય એવું મને લાગે છે. એ માટેનું કારણ પણ લૉજિકલ છે.

એક સમયે બાંદરા મુંબઈનું સેન્ટર પૉઇન્ટ ગણાતું, પણ છેલ્લાં પંદર-સત્તર વર્ષમાં મુંબઈ એટલુંબધું ડેવલપ થઈ ગયું છે કે બાંદરાને બદલે હવે સાંતાક્રુઝ અને પાર્લા મુંબઈનાં સેન્ટર પૉઇન્ટ જેવાં થઈ ગયાં છે. એમાં પણ બાંદરા-વરલી સી-લિન્કને કારણે તો સાવ નિરાંત થઈ ગઈ છે. આજે મને મારા ઘરેથી નેહરુ ઑડિટોરિયમ પહોંચતાં મૅક્સિમમ ૨૦ મિનિટ લાગે છે અને તેજપાલ ઑડિટોરિયમ પહોંચતાં અડધો કલાક થાય. ભાઈદાસ ઑડિટોરિયમ પર હું આઠથી દસ મિનિટમાં પહોંચી જાઉં. બોરીવલીની વાત કરું તો બોરીવલીમાં આવેલા પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમ પહોંચતાં માંડ બાવીસથી પચીસ મિનિટ લાગે છે. મારું શૂટિંગ મોટા ભાગે ગોરેગામ, ચારકોપ કે ફિલ્મસિટીમાં હોય. આ બધી જગ્યાએ પહોંચવામાં પણ અડધો કલાકથી વધુ ટાઇમ નથી લાગતો. અંધેરી પણ સાંતાક્રુઝની લગોલગ છે એટલે પ્રોડક્શન હાઉસ સાથેનાં બધાં કામ પણ ટ્રાવેલિંગમાં વધુ સમય બગાડ્યા વિના સરળતાથી થાય છે. ઍરર્પોટ પણ અમારે ત્યાં જ છે એટલે એ રીતે પણ મને રાહત રહે છે. એજ્યુકેશનની દૃષ્ટિએ પોદાર કૉલેજ છે. મીઠીબાઈ કૉલેજ જવું હોય તો સાંતાક્રુઝથી સાત-આઠ મિનિટ માંડ લાગે. એટલે આમ જોઈએ તો અત્યારના તબક્કે સાંતાક્રુઝ મુંબઈગરા માટે રહેવાની બેસ્ટ જગ્યા છે એવું ચોક્કસ કહી શકાય.

બોરીવલીથી છેક દાદર સુધીનો એરિયા લઈએ તો આ બધાં સબબ્ર્સમાં સાંતાક્રુઝ બેસ્ટ શૉપિંગ એરિયા છે એવું હું મારા જાતઅનુભવે કહીં શકું. ખાસ કરીને આપણા ગુજરાતીઓને આ વાત લાગુ પડે છે. મુંબઈના મોટા ભાગના અને ગુજરાતના કેટલાય જાણીતા જ્વેલર્સના શોરૂમ સાંતાક્રુઝ સ્ટેશનની સામે આવેલા છે. આ જ જ્વેલર્સની બ્રાન્ચ નેપિયન સી રોડ કે કાર્ટર રોડ પર પણ હોય છે, પરંતુ ત્યાંની બ્રાન્ચ કરતાં અહીંની બ્રાન્ચમાં મજૂરી ઓછી હોય છે. કપડાંના પણ બેસ્ટ શોરૂમ સાંતાક્રુઝમાં છે અને એ પણ બીજે મળે એના કરતાં રીઝનેબલ. સ્ટેશનની બહાર બેસીને ઑર્નામેન્ટસ અને બીજી જ્વેલરી કે ફૅશનેબલ કપડાં વેચતા લોકોના ભાવ પણ બીજી જગ્યાઓ કરતાં સસ્તા હોય છે. એવું નહીં કે ખાલી સસ્તું જ મળે. સાંતાક્રુઝમાં મળતી આ ચીજવસ્તુઓની ક્વૉલિટી પણ બેસ્ટ હોય છે. મને શૉપિંગનો ખૂબ શોખ છે એટલે આ બધો મારો સેલ્ફ-એક્સપિરિયન્સ છે. અહીંની શાકમાર્કેટ બેસ્ટ છે. સીઝનલ ફ્રૂટ્સ તમને સૌથી પહેલાં સાંતાક્રુઝમાં જોવા મળે. કેટલીયે વખત એવું બને છે કે સાંતાક્રુઝમાં મળતાં ફ્રૂટ્સ પંદર ને વીસ દિવસ પછી છેક બોરીવલી અને કાંદિવલીમાં જોવા મળે છે. હું મારું કોઈ શૉપિંગ મોટા મૉલમાંથી નથી કરતી. મારું બધું શૉપિંગ, ઘરનો સામાન અને બીજી બધી વસ્તુઓ હું સ્ટેશનની પાસેની માર્કેટમાંથી જ ખરીદું છું. મને એમાં કોઈ છોછ નથી લાગતી. મૉલ કરતાં વધુ સારી ક્વૉલિટી સસ્તા ભાવે અહીંથી મળતી હોય તો હું શું કામ છેતરાવવા જાઉં?

સાંતાક્રુઝ મને અનહદ વહાલું છે એવું કહું તો કંઈ ખોટું નથી, પણ આ સબર્બના અમુક એરિયા એટલા ગંદા થઈ ગયા છે કે હવે ત્રાસ છૂટે છે. મિલન સબવે પર હવે બ્રિજ બની રહ્યો છે, પણ મને એ જ નથી સમજાતું કે આટલાં વષોર્ સુધી શું કામ કોઈને એ બ્રિજ બનાવવાનું નહોતું સૂઝ્યું. જ્યારે પણ વરસાદનું પાણી આ સબવેમાં ભરાઈ જતું ત્યારે ઈસ્ટ અને વેસ્ટ સાંતાક્રુઝ એકબીજાથી કટ-ઑફ થઈ જતા હતા. જ્યાં સુધી આ બ્રિજનું કામ પૂરું નહીં થાય ત્યાં સુધી આ તકલીફ રહેવાની જ છે. લિન્કિંગ રોડ પછીનો જે એક્સ્ટેન્શન રોડ છે એ પણ બહુ ખરાબ છે. આ રોડ પર તમને હંમેશાં ટ્રાફિક જૅમ થયેલો જોવા મળે. આગળની તરફ જઈએ એટલે રાઇટ સાઇડ પર સુનીલ દત્તની ઑફિસ આવે છે, જ્યાં હવે પ્રિયા દત્ત બેસે છે. એ આખો એરિયા પણ બહુ ખરાબ છે. ત્યાં ગંદકી હોય છે અને ટ્રાફિક જૅમનો પ્રૉબ્લેમ હોય છે. આ ગંદકી માટે મેં પ્રિયા દત્તને કહ્યું હતું અને એ પછી પણ આ પ્રૉબ્લેમ હજીયે એવો ને એવો જ છે. આ સિવાયનો જો કોઈ સૌથી મોટો પ્રૉબ્લેમ હોય તો એ કે પોદાર સ્કૂલથી સ્ટેશન સુધી સ્કાયવૉક શું કામ બનાવ્યો છે એ હજી સુધી અમને કોઈને સમજાતું નથી. આ સ્કાયવૉકનો કોઈ યુઝ જ નથી કરતું. ૬૦-૭૦ સ્ટેપ્સ ચડ્યા પછી ઉપર જવાનું અને ઉપર ગયા પછી પણ માત્ર ચાલ્યા કરવાનું, જેનો કોઈ અર્થ નથી. ખરેખર તો નીચે બેસતા ઠેલાવાળાને જો ઉપર બેસાડી દેવામાં આવે તો નીચેથી પસાર થતા લોકોને ઉપર ચાલવાની ઇચ્છા પણ થાય. અત્યારે તો આ સ્કાયવૉકનો યુઝ ભાગ્યે જ કોઈ કરે છે. હું તો છેલ્લા કેટલાય મહિનાઓથી આ ઑબ્ઝર્વ કરતી આવી છું. લોકોને રાહત મળે એ માટે બનાવવામાં આવેલા આ સ્કાયવૉકના નીચેના મોટા-મોટા પિલરને કારણે નીચે પણ કારપાર્કિંગમાં તકલીફ પડવા લાગી છે. આ સ્કાયવૉકની નીચે પે-પાર્કિંગ શરૂ કરવાની જરૂર છે. એનાથી સુધરાઈને ઇન્કમ પણ શરૂ થશે જેનો ઉપયોગ આ જ સ્કાયવૉકના મેઇન્ટેનસ માટે થઈ શકે. ખાર-લિન્કિંગ રોડમાં આડી પડતી શેરી-ગલીઓમાં મેકૅનિકોએ કબજો જમાવી લીધો છે. આ જ એરિયામાં માર્બલનાં મંદિર બનાવનારા લોકોએ પણ કબજો જમાવી લીધો છે. આ બધાને કારણે ગંદકી બહુ વધી ગઈ છે. જો આ બધી તકલીફો દૂર કરવામાં આવે તો ખરેખર સાંતાક્રુઝ હેવન જેવું બની જાય એમ છે.

- વાતચીત અને શબ્દાંકન : રશ્મિન શાહ

પાર્લાની હવામાં કલા છે એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી : મનોજ જોશી

પાર્લા-ઈસ્ટના હનુમાન રોડ પર રહેતા હિન્દી ફિલ્મો અને સિરિયલો તથા ગુજરાતી રંગભૂમિના જાણીતા ઍક્ટર મનોજ જોશીને આ આખો એરિયા ગુજરાતી અને મરાઠી કલ્ચરના સુભગ સમન્વય જેવો લાગે છે

હું ૧૯૭૯માં પાર્લામાં રહેવા આવ્યો. ત્યારે મારું ઘર ઈસ્ટમાં કંકુવાડીમાં હતું. એ પછી મેં અનેક ઘર બદલ્યાં અને હવે હનુમાન રોડ પર રહું છું; પણ પાર્લા છોડવાનું મેં ક્યારેય વિચાર્યું નથી. ઍક્ચ્યુઅલી, આ આખો એરિયા ગુજરાતી અને મરાઠી કલ્ચરના સુભગ સમન્વય જેવો છે અને સૌથી સરસ વાત એ છે કે આ કલ્ચર અને કલ્ચરના રૂટ્સ હજીયે અકબંધ રહ્યાં છે. અહીંનો ગણેશ-મહોત્સવ બેસ્ટ ગણાય છે તો અહીંના દાંડિયા પણ એટલા જ વખણાય છે. પરેશ રાવલ અને વિપુલ અમૃતલાલ શાહ જેવા ધુરંધર ઍક્ટર-ડિરેક્ટર પણ પાર્લામાં જ મોટા થયા અને વિજય તેન્ડુલકર જેવા દિગ્ગજ મરાઠી નાટ્યલેખક અને પી. એલ. દેશપાંડે જેવા અવ્વલ દરજ્જાના મરાઠી સાહિત્યકાર પણ પાર્લાના જ હતા. મોટા ભાગના કલાકારો આજે પણ વિલે પાર્લેમાં રહે છે. અહીંની હવામાં કલા છે એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. જો હું પાર્લામાં ન હોત તો કદાચ આજે આ લેવલ પર પહોંચ્યો ન હોત એવું મને લાગે છે. આ જ કારણે હું આજે પણ આ એરિયા છોડવા માટે રાજી નથી. માત્ર હું જ નહીં, અહીં રહેનારા કોઈને આ એરિયા છોડવાનું મન નથી.

પાર્લા-ઈસ્ટની ભાજીમાર્કેટ મારી ફેવરિટ જગ્યા છે. આજે પણ વીકમાં એકાદ વાર તો હું આ ભાજીમાર્કેટમાં જાઉં છું અને મારી જાતે ભાજી ખરીદું છું. અહીં બહુ સુંદર અને એકદમ ફ્રેશ ભાજી મળે છે. અહીંની માર્કેટમાં જઈને ભાજી ખરીદવાની મજા જ કંઈક જુદી છે. આ ભાજીમાર્કેટમાં જો સાંજના સમયે લટાર મારવા જાઓ તો બે-ચાર

ઍક્ટર-ઍક્ટ્રેસ અચૂક દેખાય. ઈસ્ટમાં આવેલી જીવન હોટેલનું મિસળ પણ મારું ફેવરિટ છે અને આ હોટેલની બાજુમાં આવેલી રામક્રિષ્ન હોટેલની કૉફી પણ મને બહુ ભાવે છે. રાતે બાર વાગ્યા પછી ઘરે આવતો હોઉં ત્યારે આ રામક્રિષ્ન હોટેલમાં કૉફી પીવાની જ. લગભગ વીસેક વર્ષનો મારો આ નિયમ છે, જે હજી સુધી તૂટ્યો નથી અને જ્યાં સુધી પાર્લામાં રહું છું ત્યાં સુધી આ નિયમ તૂટવાનો પણ નથી.

- વાતચીત અને શબ્દાંકન: રશ્મિન શાહઅંધેરીની તકલીફો દૂર કરવી હોય તો નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડશે, મૅનેજમેન્ટની કોઈ જરૂર નથી : સિદ્ધાર્થ રાંદેરિયા

૧૯૯૬થી ચાર બંગલા વિસ્તારમાં ગુડ શેફર્ડ ચર્ચની નજીક આવેલા નતાશા ગાર્ડન અપાર્ટમેન્ટમાં રહેતા ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ ઍક્ટર સિદ્ધાર્થ રાંદેરિયાને હવે આ એરિયાની ગીચતા, ઝંૂપડપટ્ટી ને અજાણ્યા લોકોથી ત્રાસ થવા લાગ્યો છે

પહેલાં હું ટાઉનમાં રહેતો હતો, સી. પી. ટૅન્ક પાસે. પછી હું પૃથ્વી થિયેટર પાસે રહેવા ગયો અને ૧૯૯૬માં અંધેરીના ચાર બંગલા એરિયામાં આવ્યો. હું અહીં આવ્યો ત્યારે આ આખો એરિયા એકદમ ગ્રીનરીવાળો હતો. આજુબાજુમાં ખુલ્લાં ગ્રાઉન્ડ હતાં અને એકદમ હવા-ઉજાસવાળો એરિયા હતો. મારા ઘરની વિન્ડોમાંથી મને ત્યારે ગોરેગામની આખી લાઇન અને ગોરેગામના પહાડો ચોખ્ખા દેખાતા. એકદમ ચોખ્ખી વેધર હતી. આમ પણ ચાર બંગલા એરિયા પહેલેથી ગ્રીનરીવાળો રહ્યો છે. ચાર બંગલાની આ ગ્રીનરીને જોઈને જ હું અહીં રહેવા આવ્યો. હા, સ્ટેશન મારા ઘરથી ખાસ્સું દૂર થાય, પણ મને કે મારી ફૅમિલીને એનું કોઈ એવું ટેન્શન નહોતું એટલે હું મારો ગ્રીનરીનો આગ્રહ પૂરો કરી શક્યો. મારા ઘરથી પા કિલોમીટર ચાલીએ ત્યાં જ ચાર બંગલા માર્કેટ આવી જાય છે. ત્યાં ફ્રૂટ્સથી માંડીને શાકભાજી સરસ મળે છે. બીજું નાનું-મોટું શૉપિંગ કરવું હોય તો એ પણ ત્યાં જ થઈ જાય. આમ તો મારે ટ્રાવેલિંગ બહુ રહેતું હોવાથી શૉપિંગમાં જવાનો મને ટાઇમ નથી મળતો, પણ જ્યારે મુંબઈમાં હોઉં અને આખો દિવસ ઘરમાં જ રહ્યો હોઉં ત્યારે હું સાંજના સમયે ફ્રેશ થવા માટે ચાર બંગલા માર્કેટમાં જાઉં અને ટાઇમપાસ કરું. મને શૉપિંગમાં ટાઇમપાસ કરવો ગમે પણ ખરો. ખાસ કરીને અમારા એરિયામાં આવેલી આ માર્કેટમાં, કારણ કે અહીં ભાવની બાબતમાં બહુ લપ્પનછપ્પન નથી થતી. બીજું, કાછિયાઓ પણ જરાક સમજુ છે એટલે ભાવ રીઝનેબલ હોય છે. મારા ઘરે નવી પેઢી આવી ગઈ એમ કાછિયાઓની પણ નવી પેઢી આવી ગઈ છે. માર્કેટ સાથે સોળ વર્ષનો સંબંધ છે એટલે સ્વાભાવિક રીતે આત્મીયતા થઈ ગઈ છે હવે.

આવી જ આત્મીયતા મને મારા એરિયાની ક્લીનલીનેસથી પણ છે. અમારા એરિયાનું લોકલ એરિયા મૅનેજમેન્ટ ગ્રુપ એટલું ઍક્ટિવ છે કે મારા અપાર્ટમેન્ટની ગલીમાંથી તમને સમ ખાવા પૂરતો પણ કચરો મળે નહીં. મને યાદ છે ત્યાં સુધી છેલ્લાં દસેક વર્ષથી બેસ્ટ ક્લીન સોસાયટીનો અવૉર્ડ અમારી સોસાયટીને અને અમારા આ ગ્રુપને મળી રહ્યો છે. અપાર્ટમેન્ટનું કમ્પાઉન્ડ ખાસ્સું મોટું છે. મોટું અને એકદમ શાંત કહેવાય એવું. ચાર બંગલા એરિયામાં કે પછી આખા અંધેરીમાં જો મારી કોઈ ફેવરિટ જગ્યા હોય તો એ આ કમ્પાઉન્ડ છે. ભીડભાડ મને બહુ પસંદ નથી એટલે જ મને આ કમ્પાઉન્ડ વધારે ગમે છે. શાંતિ મને ગમે છે એટલે જ તો ચાર બંગલામાં રહેવા આવ્યો હતો, પણ ખરું કહું તો હવે ચાર બંગલા એરિયાની અમારી એકની ગલી છોડીને રોડ પર આવીએ ત્યાં ટ્રાફિક નડવો શરૂ થઈ જાય છે.

ઘરની બહાર નીકળવાની વાત થાય ત્યાં મારા જેવા માણસને ડિપ્રેશન આવી જાય એવો ભરચક ટ્રાફિક છે. એમાં પણ જો લોખંડવાલા સર્કલને ક્રૉસ કરીને ભાઈદાસ હૉલ તરફ જવાનું હોય તો ખરેખર માથું ફાટી જાય. મારા ઘરથી લોખંડવાલા સર્કલ માંડ બે કિલોમીટર જેટલું દૂર છે. પાંચ-સાત વર્ષ પહેલાં મને આ સર્કલ ક્રૉસ કરવામાં સાતથી આઠ મિનિટ લાગતી, પણ હવે ત્રણથી ચાર વખત સિગ્નલ ઑન-ઑફ થાય એ પછી મને મારી ગાડી ક્રૉસ કરવા મળે છે. એક સમયનો પાંચ-સાત મિનિટનો આ રસ્તો હવે ક્રૉસ કરવામાં ૨૦થી ૨પ મિનિટ ઓછામાં ઓછી લાગે છે. ચાર બંગલામાં જે ત્રણ વર્ષથી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે એને કારણે પણ આ આખા એરિયાનો દાટ નીકળી ગયો છે. જે. પી. રોડ તો બિલકુલ ખરાબ થઈ ગયો છે અને રોડ હાર્ટ ઑફ ધ એરિયા જેવો છે એટલે પાર કર્યા વિના છૂટકો પણ નથી. મને એ જ સમજાતું નથી કે અલગ-અલગ સર્વે કરતી મહાનગરપાલિકા શું કામ એવો સર્વે નહીં કરતી હોય કે કયા રસ્તા પર કેટલી કાર દોડે તો એ રસ્તો ખરાબ થઈ જાય? આવો સર્વે કરે તો મુંબઈનો ટ્રાફિક કન્ટ્રોલમાં નહીં આવે પણ ખરાબ રસ્તાને કારણે ધીમા પડતા ટ્રાફિકમાં ચોક્કસ ફરક પડશે.

ચાર બંગલાને ખાલી ટ્રાફિકની સમસ્યા નડતી હોત તો હજી સમજાયું હોત, પણ હવે તો અહીં ઝૂંપડપટ્ટીઓની ગીચતા પણ વધવા લાગી છે. ગુડ શેફર્ડ ચર્ચની બાજુની કૉર્પોરેશનની જે ખુલ્લી જમીન હતી એ જમીન પર એક જ રાતમાં ૧૫ ઝૂંપડાં ઊભાં થઈ ગયાં છે. અમારા અપાર્ટમેન્ટની પાછળ પણ ૫૦થી ૧૦૦ જેટલાં ઝૂંપડાં બની ગયાં છે અને ડી. એન. નગર પોલીસ-સ્ટેશનની પાછળના એરિયાની પણ એવી જ હાલત થઈ છે. આ બધી ઝૂંપડપટ્ટીઓ મેં મારી આંખ સામે બનતી જોઈ છે એટલે પેઇન થાય છે. મને લાગે છે કે આ ઝૂંપડપટ્ટીઓને અટકાવવા માટે ગવર્નમેન્ટે સ્ટેટ રિઝર્વ પોલીસનો સર્પોટ લેવો જોઈએ.

ઝૂંપડપટ્ટીઓ ઉપરાંત અંધેરીની અને ખાસ કરીને ચાર બંગલા એરિયાની જો કોઈએ રોનક બગાડી હોય તો એ કૉર્પોરેશનના રીડેવલપમેન્ટ પ્લાને છે. મ્હાડાના ચાર માળના અપાર્ટમન્ટ પણ રીડેવલપમેન્ટને નામે ૧ર અને ૧૫ માળના થઈ ગયા. જે એક પ્લૉટમાં ચાર ફૅમિલી રહેતી હતી એ એક પ્લૉટ પર હવે પ૦થી પ૫ ફૅમિલી રહેવા લાગી છે. આવી સિચ્ાુએશન વચ્ચે મને લાગે છે કે અંધેરીને મૅનેજમેન્ટની નહીં પણ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે, જે ઊભું કરવામાં મહાનગરપાલિકા કૉન્સ્ટન્ટ નિષ્ફળ જઈ રહી છે. આ બધું એવા સમયે થઈ રહ્યું છે જ્યારે અંધેરી એક એન્ટરટેઇનમેન્ટ હબ બની ગયું છે.

૮૦ ટકા ફિલ્મ-પ્રોડકશન કંપનીની ઑફિસ અંધેરીમાં છે. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના એસ્ટૅબ્લિશ્ડ એવા ૭૦ ટકાથી વધુ ઍક્ટર, ટેક્નિશ્યન અને ડિરેક્ટર અંધેરીમાં રહે છે અને આજુબાજુનાં સબબ્ર્સમાં રહેતા સ્ટ્રગલર અને ફ્રેશર પણ સવારથી રાત સુધી અંધેરીમાં જ હોય છે. મુંબઈ જે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીને કારણે આટલું જાણીતું થયું છે એ જ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીને સાચવી રાખનારા અંધેરી પર કૉર્પોરેશન સહેજ પણ ધ્યાન દેતું નથી. લિન્ક રોડની ફૂટપાથ પર રીતસર ફેરિયાઓનું રાજ ચાલે છે. મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટની આજુબાજુનો એરિયા એટલો ગંદકીવાળો છે કે તમે ત્યાં જઈને પાંચ મિનિટ પણ ઊભા ન રહી શકો. રાત પડ્યે આ વિસ્તારમાં ફૂડની લારીઓ આવીને રસ્તાની ગંદકી વચ્ચે ગોઠવાય જાય છે, પણ કૉર્પોરેશનનું હેલ્થ-ડિપાર્ટમેન્ટ ક્યારેય આવીને તેમને હટાવતું નથી. આને કારણે જે બીમારી ફેલાતી હશે એના આંકડા ક્યારેય બહાર નથી આવતા, પણ જો કોઈ મોટો રોગચાળો ફાટશે તો બહુ બધા લોકોનો જીવ જશે.

મહારાષ્ટ્રિયન અને ગુજરાતીઓ ગાયબ

એક સમય હતો જ્યારે હું ચાર બંગલા રહેવા ગયો ત્યારે ત્યાં મોટા ભાગના ટિપિકલ મહારાષ્ટ્રિયન રહેતા હતા. છૂટાછવાયા ગુજરાતીઓ દેખાય. જોકે હવે એવું રહ્યું નથી. જમીનના ભાવ આસમાને પહોંચ્યા છે એટલે મહારાષ્ટ્રિયન જમીનો વેચી-વેચીને બીજે ચાલ્યા ગયા અને અંધેરીમાં પરપ્રાંતીય લોકો રહેવા માટે આવવા લાગ્યા. છેલ્લાં પાંચ વર્ષની વાત કરું તો મને અહીં ગુજરાતીઓ કે મહારાષ્ટ્રિયન દેખાતા જ નથી, પણ એને બદલે દેશની બાકીની કમ્યુનિટીના લોકો જ દેખાય છે. ભૈયા, પંજાબી, કેરેલિયન, મલયાલી અને એવા બીજા કેટલાય લોકો. હું ગુજરાતી છું એટલે સ્વાભાવિક રીતે મને ગુજરાતીઓ વધુ ગમે. મુંબઈમાં રહું છું એટલે મહારાષ્ટ્રિયન પણ મને પોતીકા લાગે, પણ બાકીની આ બધી કમ્યુનિટીના લોકોને લીધે અંધેરીમાં હવે સેફ્ટી નથી એવું પણ લાગ્યા કરે.

શું કામ મને અમદાવાદ બહુ ગમે?

બહુ વેલ-ડેવલપ્ડ સિટી છે આ. તમે શાંતિથી ટહેલવા નીકળી શકો, શાંતિથી કાર ડ્રાઇવ કરી શકો અને કાર પાર્ક કરીને શાંતિથી રસ્તા પર ઊભા રહી શકો. મને લાગે છે કે મુંબઈની મ્યુનિસિપલ કૉર્પોરેશનના તમામ સિનિયર ઑફિસરોએ એક વખત અમદાવાદ આવીને આ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સ્ટડી કરવો જોઈએ.

વેલ-ડિસિપ્લિન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચરને કારણે તમે રસ્તા પર હો તો પણ તમને શાંતિનો અનુભવ થાય એવું અહીંનું વાતાવરણ છે. મને લાગે છે કે અમદાવાદના ડેવલપમેન્ટ પાછળ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનું દિમાગ કામ કરતું હશે અને એટલે જ આટલું વ્યવસ્થિત શહેર બની રહ્યું છે. જો અમદાવાદ આમ જ ડેવલપ થતું રહેશે તો આવતાં પાંચ વર્ષમાં મુંબઈની અનેક ફૅમિલી ત્યાં શિફ્ટ થઈ જશે.

ખાવાનું મળે જગતભરનું

પરપ્રાંતીયોને કારણે અંધેરીમાં જગતભરનું ખાવાનું મળે છે. તમે નામ લો એ રીજનનું અને એ કન્ટ્રીનું ફૂડ તમને અંધેરીમાં ખાવા મળે. ઇટાલિયન અને ચાઇનીઝ ફૂડ મને ભાવે છે એટલે હું ઇટાલિયન રેસ્ટોરાં ‘માંગી ફેરા’ તથા ચાઇનીઝ રેસ્ટોરાં ‘ચાઇના ટાઉન’ અને ‘મેઇનલૅન્ડ ચાઇના’માં જવાનું પસંદ કરું છું. ભાઈદાસ હૉલની સામે મળતી સૅન્ડવિચ પણ મને ભાવે છે એટલે ટાઇમ મળે ત્યારે એ સૅન્ડવિચ પણ ખાઈ લઉં. આ સિવાયનું હું બહારનું ખાવાનું ટાળું છું, સિવાય કે ક્લીનલીનેસ જળવાયેલી જગ્યા હોય.

- વાતચીત અને શબ્દાંકન : રશ્મિન શાહ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK