ફેસબુક પર મેસેજ મૂકીને સુરતના બિઝનેસમૅને ટૂંકાવી દીધું જીવન

Published: 12th August, 2012 09:06 IST

પ્રેમમાં નિષ્ફળતા મળતાં ભર્યું પગલું : પરિવારજનોની સામે જ કપાળમાં ગોળી મારી

 

 

 

સુરતમાં મામાની સાથે મળીને પગરખાંનો શો-રૂમ ચલાવતા યુવાને આગ્રામાં પરિવારજનોની સામે જ કપાળમાં ગોળી મારીને આત્મહત્યા કરી હતી. ૨૪ વર્ષના ભરત લચ્છવાણી ઉર્ફે બન્ટીએ સુસાઇડ કરતાંપહેલાં ફેસબુક પર પોતાના દોસ્તોને જીવન ટૂંકાવવાનો નર્ણિય લીધો હોવાનો મેસેજ આપ્યો હતો. ડિપ્રેશનનો શિકાર બનેલા ભરતની આત્મહત્યાથી પરિવાર તથા તેના ફ્રેન્ડ-સર્કલમાં ખળભળાટ મચી ગયો છે.

 

સુરતથી આગ્રા પહોંચ્યા બાદ સુસાઇડ

 

ભરત ગુરુવારે સુરતથી આગ્રા પહોંચ્યો હતો. આગ્રાના ૩૯, ચંદ્રલોક કૉલોનીમાં આવેલા ઘર પાસે ગયો હતો, પરંતુ ઘરમાં જવાને બદલે તે ગેટ પાસેના દાદરા પર જ બેસી ગયો હતો. જ્યારે તેના પિતા, ભાભી તથા કૉલોનીના અન્ય સભ્યોએ ઘરમાં જવા માટે સમજાવવા લાગ્યા ત્યારે અચાનક જ તેણે પિસ્તોલ કાઢીને લમણા પર મૂકી દીધી હતી અને ગોળી છોડવાની ધમકી આપવા માંડ્યો હતો. તેને રોકવા માટે પરિવારજનોએ પોલીસ બોલાવી હતી, પરંતુ પોલીસ આવે એ પહેલાં જ તેણે ગોળી મારીને જીવનનો અંત લાવી દીધો હતો.

 

પ્રેમમાં નિષ્ફળતા મળતાં થયો હતો હતાશ

 

થોડાં વર્ષો પહેલાં ભરતને એક યુવતી સાથે પ્રેમ થયો હતો. જોકે બે વર્ષ પહેલાં ઍરહૉસ્ટેસ બન્યા પછી તે યુવતીએ ભરત સાથેના સંબંધો કાપી નાખ્યા હતા. બાદમાં આ યુવતીનાં અન્ય જગ્યાએ લગ્ન નક્કી થતાં ભરત સતત હતાશ રહેતો હતો. એ પછી તેના પરિવારજનોએ તેને સુરતમાં મામાની પાસે મોકલી દીધો હતો. સુરતમાં તેણે મામાની મદદથી પગરખાંનો શો-રૂમ શરૂ કર્યો હતો. બે વર્ષ થયાં હોવા છતાં ભરત યુવતીને ભૂલી નહોતો શક્યો. ત્રણ મહિના પહેલાં જ તેણે આગ્રાના હરિપર્વત વિસ્તારમાં આવેલા યુવતીના ભાવિ સાસરે જઈને ધમાલ મચાવી હતી તથા જે યુવક સાથે લગ્ન નક્કી થયાં હતાં તેનું માથું ફોડી નાખ્યું હતું. ડિપ્રેશનમાં સરી પડેલા ભરતને તેના પપ્પા મનોચિકિત્સક પાસે લઈ જવાના હતા. જોકે સારવાર શરૂ થાય એ પહેલાં જ તેણે અણધાર્યું પગલું ભરી લીધું હતું.  

 

ઘરના દાદર પાસે જ શા માટે કરી આત્મહત્યા?

 

ભરતના પિતા આગ્રામાં ડૉલી શૂઝ નામની દુકાન ચલાવતા હતા. ચાર બહેનોમાં ભરત સૌથી નાનો હતો. તે ૪ વર્ષનો હતો ત્યારે જ તેઓ આગ્રાની ચંદ્રલોક કૉલોનીમાં રહેવા આવ્યા હતા. નાની ઉંમરથી જ ભરતને ઘરના ગેટ પાસેના દાદરા પર બેસી રહેવાની આદત હતી. ઘરમાં સૌથી નાના ભરતને મોટી બહેનો અવારનવાર દાદરા પરથી બેઠો કરીને ઘરમાં લાવતી હતી. કરુણતા એ છે કે દાદરા પર બેસીને જ તેણે આત્મહત્યા કરી હતી. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK