Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



હમામ મેં સબ નંગે

09 September, 2012 08:02 AM IST |

હમામ મેં સબ નંગે

હમામ મેં સબ નંગે




૧૯૮૦થી ૧૯૯૦ના દાયકામાં મુંબઈના એક ઊગતા ગુજરાતી ઉદ્યોગપતિની અને મુંબઈના વેપારીઓના મિત્ર તરીકે ઓળખાતા એક રાજકારણીની બે ટિકિટ ઇન્ડિયન ઍરલાઇન્સની દર સોમવારે સવારની દિલ્હીની ફ્લાઇટમાં બુક રહેતી. એ જ રીતે દર સોમવારે દિલ્હીમાં જનપથ પર આવેલી અશોકા હોટેલમાં તેમના માટે બે રૂમ બુક રહેતા. તે બન્ને જણ દિલ્હીમાં લૉબિઇંગ કરવા જતા. આ સિલસિલો લગભગ અખંડ કહી શકાય એમ એક દાયકો ચાલ્યો હતો. ઉદ્યોગપતિ પોતાના હિતમાં આદેશો કઢાવતા અને નેતા એમાં તેમને મદદ કરતા. અંગ્રેજીમાં જેને પાવર-બ્રોકર્સ કહેવાય એવા સત્તાના દલાલો દરેક રાજ્યમાં હતા જે વેપારીઓ અને ઉદ્યોગપતિઓના મિત્ર હતા અને દિલ્હીમાં તેમના માટે દલાલી કરતા. અનુકૂળ આદેશો કઢાવવા માટે જે મહેનતાણું મળતું હતું એ જે-તે વિભાગના પ્રધાન, અમલદાર અને નેતા-કમ-દલાલ આપસમાં વહેંચી લેતા.





ચક્રવર્તી રાજગોપાલાચારીની ભાષામાં કહીએ તો લાઇસન્સ તથા પરમિટરાજના એ દિવસો હતા. પ્રસાદી આપો તો લાઇસન્સ અને પરમિટ મળી શકે અને જો વધુ પ્રસાદી આપો હતો હરીફ વેપારીને લાઇસન્સ અને પરમિટ મેળવતાં રોકી પણ શકો. આધેડ વયના વાચકોને મધરાતે નીકળતાં નોટિફિકેશન્સ યાદ હશે. લાભાર્થીની એલસી (લેટર ઑફ ક્રેડિટ) ખૂલતાંની સાથે જ દિલ્હી ફોન જતો અને એ માલની આયાત પર પ્રતિબંધ કે અંકુશ મૂકતું નોટિફિકેશન અડધી રાતે નીકળી જતું. એ જમાનામાં ઉત્પાદન માટેની વસ્તુઓનું અલગ-અલગ વર્ગમાં વર્ગીકરણ કરવામાં આવતું. જેમ કે ભારે ઉદ્યોગ, મધ્યમ કદના ઉદ્યોગ, કુટિર ઉદ્યોગ વગેરે. સત્તાના દલાલો ઉદ્યોગપતિ-મિત્રને જોઈતી ચીજ એકથી બીજી કૅટેગરીમાં નખાવવાનું અને એ રીતે ઉદ્યોગ માટે દરવાજા ખોલી આપવાનાં કે હરીફ ઉદ્યોગપતિ માટે દરવાજા બંધ કરી આપવાનાં કામ કરતા.

સી. રાજગોપાલાચારી અને જમણેરી અર્થશાસ્ત્રીઓ ત્યારે એમ કહેતા કે ભ્રષ્ટાચારનું કારણ સરકારી અંકુશો છે, અર્થતંત્રને અંકુશમુક્ત કરવામાં આવશે તો ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જશે. ૧૯૯૧માં અર્થતંત્રને અંકુશમુક્ત તો કરવામાં આવ્યું, પરંતુ દેશ ભ્રષ્ટાચારમુક્ત નથી થયો. કાયમ છીંડાં શોધતા ધનપતિઓ અને સત્તાના દલાલોએ ટૂંકે રસ્તે પૈસા કમાવાનું એક નવું ક્ષેત્ર શોધી કાઢ્યું છે જે હજી સરકારી અંકુશ હેઠળ છે. એ ક્ષેત્ર છે કુદરતી સંપત્તિ, જેની માલિકી રાજ્યની એટલે કે સરકારની છે. તમે નોંધ્યું હશે કે છેલ્લાં વર્ષોમાં ભ્રષ્ટાચારનાં મોટા ભાગનાં પ્રકરણો કુદરતી સંપત્તિની લૂંટને લગતાં છે. મોબાઇલ નેટવર્ક માટેના સ્પેક્ટ્રમ કુદરતી સંપત્તિ ભલે નથી, પણ રાષ્ટ્રીય સંપત્તિ છે અને એથી સરકારી અંકુશ હેઠળ છે. છીંડાં શોધતા વેપારીઓ, નેતાઓ અને બાબુઓ મળીને અત્યારે આ રાષ્ટ્રીય સંપત્તિને લૂંટી રહ્યા છે.



કુદરતી ગૅસ અને તેલ સહિતની ખનિજ સંપત્તિ, જંગલની સંપત્તિ, જળસંપત્તિ, જમીનસંપત્તિ અને ટેક્નૉલૉજીએ પેદા કરેલી રાષ્ટ્રીય સંપત્તિ પર આ લોકોનો ડોળો છે. આમાંનું એક પણ ક્ષેત્ર એવું નથી જેમાં ભ્રષ્ટાચાર ન ચાલતો હોય અને ભ્રષ્ટાચારનાં પ્રકરણો બહાર ન આવ્યાં હોય. ગૅસ કાઢવા માટેના ગૅસ-બ્લૉક્સ, તેલ કાઢવા માટેના ઑઇલ-બ્લૉક્સ, ખનિજ કાઢવા માટેના માઇન-બ્લૉક્સ, સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોનના નામે ફાળવવામાં આવતા લૅન્ડ-બ્લૉક્સ, મોબાઇલ નેટવર્ક માટેના સ્પેક્ટ્રમ (જે એક પ્રકારનો બ્લૉક છે) અને મુંબઈમાં ઝૂંપડપટ્ટી પુનર્વિકાસના નામે બિલ્ડરોને ફાળવવામાં આવતા લૅન્ડ-બ્લૉક્સ ભ્રષ્ટાચારનાં ફળદ્રુપ ક્ષેત્રો છે. એના પર સરકાર અંકુશ ધરાવે છે અને માટે એની સહિયારી લૂંટ ચાલી રહી છે. આ લૂંટની કિંમત એ સામાન્ય માણસ ચૂકવે છે જે લૂંટારાઓ દ્વારા પસંદ કરવામાં આવેલા બ્લૉક સાથે કાં રહેણાકનો અથવા ખેતીનો સંબંધ ધરાવે છે. આજે સ્થિતિ એવી છે કે જે જમીનની એક કે બીજા કારણે કિંમત છે એ પ્રત્યેક જમીન ‘બ્લૉક’ છે અને એના પર ખેતી કરતો માણસ વિકાસના માર્ગમાં અવરોધક છે. એ સામાન્ય માણસના હિતની વકીલાત કરનાર કર્મશીલ વિકાસનો દુશ્મન છે.

કોલસાકાંડ વિશે જે ચર્ચા ચાલી રહી છે એને તમે જો ધ્યાનથી સાંભળી હશે તો તમારા ધ્યાનમાં આવ્યું હશે કે દરેક રાજકીય પક્ષ આક્ષેપ અને પ્રતિઆક્ષેપ કરે છે, પરંતુ કોઈ વિકલ્પ નથી સૂચવતું.

આક્ષેપ-પ્રતિઆક્ષેપ એટલા માટે ચાલી રહ્યા છે કે દરેકે રાષ્ટ્રીય સંપત્તિની લૂંટ ચલાવી છે. લાઇસન્સ તથા પરમિટરાજના જમાનામાં કેન્દ્રમાં અને મોટા ભાગનાં રાજ્યોમાં એકલી કૉન્ગ્રેસ રાજ કરતી હતી એટલે કૉન્ગ્રેસીઓને છોડીને બાકીના રાજકારણીઓ પવિત્ર હતા. હવે પવિત્ર કોઈ જ નથી. ‘હમામ મેં સબ નંગે હૈ’ માટે આક્ષેપબાજી સરળ માર્ગ છે. વિકલ્પ એટલા માટે નથી સૂચવવામાં આવતો કે જાહેરમાં વિકલ્પ બતાવતી વખતે એ વ્યવહારુની સાથે ન્યાયી લાગવો જોઈએ. તેમને ભાવતો વિકલ્પ તો સરકારી અંકુશ દ્વારા લૂંટવાનો છે, પરંતુ લોકોની વચ્ચે વાત કરતી વખતે પ્રામાણિક હોવાનો દેખાવ કરવો જરૂરી હોય છે.

કેટલાક લોકો હરાજીનો વિકલ્પ સૂચવે છે, પરંતુ એ પણ દોષરહિત નથી. હરાજી દ્વારા કદાચ ભ્રષ્ટાચાર ઓછો થઈ શકે, પરંતુ એ બ્લૉક પર વસતા કે આજીવિકા રળતા સામાન્ય માણસના હિતનું શું? સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે કોઈ સંપત્તિ વાપરવા દેવી અને કેટલા પ્રમાણમાં એ વાપરવા દેવી એનો નિર્ણય કોણ કરશે? જો આ બધા નિર્ણય સરકાર જ કરવાની હોય તો થઈ રહ્યું. વધુમાં વધુ એ ભ્રષ્ટાચારરહિત પારદર્શક લૂંટ હશે, પણ લૂંટ તો હશે જ. ભારતની ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કરેલી લૂંટ ગરબડગોટાળાવાળી અપારદર્શક હતી, જ્યારે બ્રિટિશ સરકારે કરેલી લૂંટ ખુલ્લા દસ્તાવેજો સહિતની પારદર્શક હતી. એ સમયે લૂંટનું સ્વરૂપ બદલાવાથી ભારતને કોઈ ફાયદો નહોતો થયો અને એ જ ન્યાયે વેચાણની મેથડ બદલવાથી એ અમૂલ્ય બ્લૉક પર વસતા સામાન્ય માણસને કોઈ ફાયદો નથી થવાનો.

કુદરતી સંપત્તિના વ્યાવસાયિક વિનિયોગમાં પ્રત્યેકને ન્યાય એ પહેલી શરત છે. કુદરતી સંપત્તિના સર્જનમાં લાખો વર્ષ લાગે છે માટે વિવેકપૂર્વકનો ઉપયોગ એ બીજી શરત છે અને એના વિનિયોગમાં પારદર્શકતા એ ત્રીજી શરત છે. આ ત્રણેય જરૂરિયાતની રખેવાળી કરે એવી કોઈ યંત્રણા ઊભી કરવાની જરૂર છે. ટીવી-ચૅનલો પર ઘાંટા પાડીને બોલનારાઓ અને અખબારોમાં ઊહાપોહ કરનારાઓ પહેલી બે શરત વિશે કાંઈ કહેતા હોય એવું જોવા નથી મળ્યું. કુદરતી સંપત્તિના વિનિયોગમાં ચાલતા ભ્રષ્ટાચાર વિશે ચર્ચા થઈ રહી છે અને હરાજીને વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવે છે. હકીકતમાં આ સમસ્યાનું સરળીકરણ છે. સ્વામીનાથન અય્યર જેવા કોઈ પણ ભોગે વિકાસવાદીઓને પહેલી બે શરતમાં રસ નથી. એને તે વિકાસ માટેની કિંમત સમજે છે. તેમને મન વિનિયોગ પારદર્શક હોય એટલું પૂરતું છે. બાકીના લોકો વિકાસવાદીઓ સાથે સૂરમાં સૂર પુરાવે છે, કારણ કે તેમનો પોતાનો અભ્યાસ ઉપરછલ્લો છે.

ગયા વર્ષના એપ્રિલ મહિનામાં અણ્ણા હઝારેના સફળ આંદોલનને પગલે કેન્દ્ર સરકારે લોકપાલ ખરડાનો મુસદ્દો બનાવવામાં નાગરિક સમાજના સભ્યોને સાથે લેવાની જાહેરાત કરી ત્યારે મને એ ઐતિહાસિક લાગી હતી. મારી એવી અપેક્ષા હતી કે વિકાસના નામે સામાન્ય માણસને જે રીતે હાંસિયામાં ધકેલવામાં આવી રહ્યો છે એને ન્યાય આપવાનું કામ નાગરિક સમાજના સભ્યો કરી શકશે. નાગરિક સમાજ અને સરકાર મળીને એક એવી વ્યવસ્થા ઊભી કરશે જેમાં ઉપર કહી એ ત્રણેય શરતો સચવાતી હોય.

આપણા દુર્ભાગ્યે ટીમ અણ્ણાએ ગણપતિ ઊંધા માંડ્યા અને વાત બગડી ગઈ. તેમણે અરુણા રૉય અને જયપ્રકાશ નારાયણ જેવા અન્ય સામાજિક સંસ્થાના અભ્યાસી માણસોને સરકાર સાથેની સહિયારી ડ્રાફ્ટિંગ કમિટીમાં સાથે લીધા હોત તો આજે સ્થિતિ જુદી હોત. ડ્રાફ્ટિંગ કમિટીમાં વિરોધપક્ષના સભ્યોને લેવાનો તેમણે આગ્રહ રાખ્યો હોત તો આજે સ્થિતિ જુદી હોત. તેમણે ઉપર કહેલી ત્રણ શરતોનો ક્રમ ન ઊલટાવ્યો હોત અને ભ્રષ્ટાચારને એકમાત્ર મુદ્દો ન બનાવ્યો હોત તો આજે સ્થિતિ જુદી હોત. તેમણે સરકારના પક્ષને અને સરકારની મજબૂરીને સાંભળવા-સમજવા જેટલી ઉદારતા બતાવી હોત તો આજે સ્થિતિ જુદી હોત. શાસકો અને નાગરિક સમાજ મળીને કદાચ શકવર્તી સુધારાઓ કરી શક્યા હોત અને કાયદાઓ ઘડી શક્યા હોત. દુર્ભાગ્યે અમે કહીએ એમ જ થવું જોઈએ અને અમને એકલાને જ શ્રેય મળવું જોઈએ એવી લાલસાને કારણે એક અણમોલ અવસર હાથમાંથી જતો રહ્યો હતો. સર્વકાલીન કામ કરવા માટે સાર્વજનિક બનવું જોઈએ એ ટીમ અણ્ણાને સમજાયું નહીં.

રાજકારણીઓ આક્ષેપો-પ્રતિઆક્ષેપોમાં મશગૂલ છે. વિકાસવાદીઓ પ્રશ્નનું સરળીકરણ કરી રહ્યા છે. લોકશક્તિ વિખેરાઈ ગઈ છે અને હવે તો આબરૂહીન છે. પારધી-લૂંટારાઓ ગરમ વાતાવરણ ઠંડું થાય એની રાહ જોઈને બેઠા છે. પેલા બ્લૉક પર બેઠેલો સામાન્ય માણસ ગમે ત્યારે તેની ગરદન વધેરાઈ જવાની છે એના ફફડાટ સાથે ઊચકજીવે દિવસો વિતાવે છે. આજના ભારતની આ વાસ્તવિકતા છે.    

Whatsapp-channel Whatsapp-channel

09 September, 2012 08:02 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK