Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ: 2019ને સલામ, પણ 1962 બાકી છે

કૉલમ: 2019ને સલામ, પણ 1962 બાકી છે

11 August, 2019 04:00 PM IST | મુંબઈ
ઉઘાડી બારી - ડૉ. દિનકર જોષી

કૉલમ: 2019ને સલામ, પણ 1962 બાકી છે

કૉલમ: 2019ને સલામ, પણ 1962 બાકી છે


શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. આ મહિનાના દિવસો પર્વોની ઉજવણીના ગણાયા છે. આ ઉજવણીને સાર્થક કરતું છેલ્લું અઠવાડિયું ભારે આનંદ અને ઉત્સાહથી ઊજવ્યું. (થોડા અપવાદ બાદ કરતાi. આવા અપવાદ તો ચંદ્રગુપ્ત મૌર્યના કાળથી આપણી વચ્ચે રહ્યા જ છે) કાશ્મીર દેશનો એક અવિચ્છિન્ન ભાગ તો ૧૯૪૮માં જ બની ચૂક્યો હતો. સરદારે આ કામ કર્યું હતું, પણ દસ્તાવેજ પર મતું મારી દેવાથી આ કામ પૂરું નહોતું થયું. આ અધૂરું કામ સંસદે ગયા અઠવાડિયે પૂરું કર્યું.

પણ પૂરું કર્યું એટલે શું? સંસદે મોટી બહુમતીથી એક ઠરાવ કર્યો. આ ઠરાવનો અમલ જો નિષ્ઠાપૂર્વક કરવામાં આવે તો પણ કાશ્મીરને (આ કાશ્મીરનો અર્થ Pak occupied Kashmir એટલે કે અત્યારે પાકિસ્તાનના કબજામાં જે ત્રીજા ભાગનો ભૂખંડ છે અને જેમાંથી પાકિસ્તાને ચીનને જે પ્રદેશ ભેટ આપ્યો છે એનો પણ સમાવેશ થઈ જાય) સાચા અર્થમાં દેશનો ભાગ ક્યારે કરી શકાશે એ કહેવું મુશ્કેલ છે. ૧૯૬૨માં પણ દેશની સંસદે સર્વાનુમતે એક ઠરાવ કર્યો હતો. આ ઠરાવ કદાચ આજે અનેક દેશવાસીઓને યાદ સુધ્ધાં નહીં હોય. ૧૯૬૨માં ચીને આક્રમણ કરીને હિમાલયના છેડાનો હજારો માઇલ પ્રદેશ આપણી પાસેથી આંચકી લીધો હતો. આપણે ભૂંડી રીતે હાર્યા હતા. એ વખતે શરમિંદા જવાહરલાલે સંસદ પાસેથી ગર્જના કરીને ઠરાવ કરાવ્યો હતો – ચીને આંચકી લીધેલા આ પ્રદેશની ઇંચેઇંચ જમીન અમારી છે અને અમે એ પાછી મેળવીશું. આજે આ ઠરાવને ૬ દાયકા જેટલો સમય થઈ ગયો છે. ઇંચેઇંચની વાત છોડો, એક ઇંચ સુધ્ધાં હજી પાછી મેળવી શકાઈ નથી.



પણ ૨૦૧૯માં કાશ્મીર વિશે જે ઠરાવ તાજેતરમાં થયો છે એ ૧૯૬૨ના પેલા ઠરાવ કરતાં સાવ જુદો છે. ૧૯૬૨માં જવાહરલાલ નેહરુ વડા પ્રધાન હતા અને આ ઠરાવથી આગળ જઈને વધુ કોઈ સમય તેમને મળ્યો પણ નહોતો. આજે ૨૦૧૯માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન છે અને ‘મોદી હૈ તો મુમકીન હૈ’ સૂત્ર આપણે ઉચ્ચારીએ ભલે નહીં, પણ યાદ તો રાખીએ જ.


કાશ્મીર વિશેના આ સારા સમાચારના ગડગડાટમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ બીજા એક સારા સમાચાર આપ્યા એ નોંધ લેવાયા વિના સાવ ભુલાઈ ગયા છે. ૧૭મી લોકસભાની આ પહેલી બેઠકે કુલ ૨૮૦ કલાક કામગીરી કરી છે. આ ૨૮૦ કલાકમાં ૩૬ ખરડાઓ પસાર કર્યા છે. ૧૯૫૨ પછી આ જ સુધી સંસદની કોઈ બેઠકે એકધારું ૨૮૦ કલાક કામ કર્યું નથી. આંકડાબાજી પ્રમાણે આ ૨૮૦ કલાક અને ૩૬ ખરડાઓ સંસદીય કાર્યવાહીના ઇતિહાસમાં એક વિક્રમ કહી શકાય. આપણે આ વિક્રમની પણ નોંધ લેવી જોઈએ. છેલ્લા થોડા દસકાઓથી સંસદની કાર્યવાહીના જે હાલહવાલ આપણે જોઈ રહ્યા હતા એમાં આ સમાચાર પણ કંઈ ઓછી ખુશીના નથી. આપણને રાજીના રેડ કરી મૂકે એવા આ સમાચાર છે.

પણ રાજીના રેડ થવું અને રાજીના રેડ રહેવું એ બે જુદી વાત છે. આપણે રાજીના રેડ થયા તો ખરા, પણ રાજીના રેડ રહેવા માટે કેટલોક પરિશ્રમ જાતે જ કરવો પડશે. બધું કામ સરકાર જ કરશે એમ માનીને આપણાથી રાહ જોતા બેસી નહીં રહેવાય. જે કામ કરવાનું છે એમાં નિષ્ઠાપૂર્વક સક્રિય થવાનું આપણા માટે પણ જરૂરી છે. વર્ષો પહેલાં જોયેલી એક હિન્દી ફિલ્મના ગીતની એક પંક્તિ આપણે સૌએ યાદ રાખવા જેવી છે – ‘સંભલ કે રહના અપને ઘર મેં છીપે હુએ ગદ્દારોં સે...’


સંસદ આપણા દેશમાં સર્વોપરી છે. એ જ રીતે સુપ્રીમ કોર્ટ પણ બંધારણીય માળખા અનુસાર સર્વોપરી છે. જે રીતે સંસદે પસાર કરેલા ખરડાઓ અમલ થયા વિના જ પડી રહે છે એ જ રીતે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાઓ પણ અમલમાં મુકાયા વિના જ વર્ષો સુધી એમ જ પડી રહે છે. રાતે ૧૦થી સવારે ૬ વાગ્યા સુધી ચોક્કસ ડેસિબલના અવાજથી વધુ મોટો અવાજ થવો ન જોઈએ એવો સુપ્રીમ કોર્ટનો આદેશ છે. આ ગાળામાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાય નહીં. એ જ રીતે જાહેર માર્ગો પર કોઈ પણ પ્રકારની પ્રાર્થના, બંદગી, નમાજ ઇત્યાદિ કરી શકાય નહીં એવી સ્પષ્ટ મનાઈ સુપ્રીમ કોર્ટે કરી છે. આ મનાઈનો અમલ કરવાનું કામ રાજ્ય સરકારનું છે. દેશની કોઈ રાજ્ય સરકારે આનો અમલ કર્યો નથી. એ જ રીતે શનિશિંગણાપુર, મુંબઈની હાજીઅલી દરગાહ કે શબરીમાલા ધર્મસ્થાનકોમાં મહિલા દર્શનાર્થીઓને પ્રવેશ માટે સુપ્રીમ કોર્ટે જાહેર આદેશ આપ્યો હોવા છતાં આ પ્રવેશ સ્વીકારાયો નથી. મહિલા ઍક્ટિવિસ્ટોને પોલીસરક્ષણ હેઠળ આ સ્થાનકોમાં પ્રવેશ માટે ક્યાંક ગોઠવણ કરવામાં આવી છે ખરી, પણ એનો સહજસ્વીકાર થયો નથી. આમ સુપ્રીમ કોર્ટના આદેશ સુધ્ધાં અમલી થઈ જાય એની કોઈ ખાતરી નથી.

સંસદના ઠરાવ દેશની બહુમતી પ્રજાનો પડઘો પાડે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ માટે આવું કહી શકાય નહીં. સુપ્રીમ કોર્ટ કાયદાપોથીમાં લખાયેલા અક્ષરો વાંચે છે અને એનું અર્થઘટન કરે છે. આ અર્થઘટનો પ્રજાની સાંપ્રત લાગણી સાથે એકરૂપ ન હોય એવું બને અને આવું બને છે ત્યારે આવા ચુકાદાઓ અમલી કરવા મુશ્કેલ જ નહીં, અશક્ય બની જાય છે. સંસદના ઠરાવો વિશે આવું કહી શકાય નહીં. ઉપર લખાયેલા સંસદના ઠરાવો અમલી બને એની આપણે રાહ જોઈએ.

અપરાધીઓને શિક્ષા કરવાનું કામ પણ સંસદ કે અદાલતનું જ છે. આ શિક્ષા પણ કાયદાપોથીના આધારે જ થાય છે. કાયદાપોથીઓમાં શિક્ષા વિશે બધા અપરાધીઓને એકસરખા જ ગણવામાં આવે છે. વ્યવહારમાં એવું બન્યું છે કે સંપત્તિવાન કે સત્તાધારીઓ યેનકેન પ્રકારેણ આવા અપરાધો કર્યા પછી પણ શિક્ષામાંથી છટકી જાય છે અને કાયદાની આંટીઘૂંટીમાં બધું ગૂંચવી નાખે છે. આવા માણસો ગુનેગાર હોવા છતાં ગુનેગાર ગણાતા નથી. હકીકતમાં આવા માણસોને અન્ય અપરાધીઓ કરતાં વધુ આકરી સજા થવી જોઈએ. ચાણક્યએ આ વિષયમાં એક ઉદાહરણ આપ્યું છે.

સમાજના ચાર વર્ગો એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ ચારેય વર્તમાનમાં જન્મ આધારિત નહીં, પણ સામાજિક સ્તરને લક્ષ્યમાં રાખીને ચાણક્યનું આ ઉદાહરણ સમજવા જેવું છે. એક અપરાધ ચાર વ્યક્તિઓ દ્વારા થાય છે અને આ ચારેયને જુદી-જુદી સજા કરવામાં આવે છે. શૂદ્રને સાવ હળવી સજા, વૈશ્યને એનાથી આકરી સજા, ક્ષત્રિયને એથી પણ વધુ આકરી સજા અને બ્રાહ્મણને અત્યંત ભારે સજા કરવી જોઈએ. આનું કારણ સમજાવતાં એવું કહ્યું છે કે બ્રાહ્મણ સમાજનો સૌથી ઉપલો સ્તર હોવાથી સમાજના અન્ય વર્ગો એના વર્તનનું અનુકરણ કરે છે. એ જ રીતે ક્ષત્રિય અને વૈશ્યના વર્તન પરથી ઉત્તરોત્તર નીચલા સામાજિક વર્ગો તેમનું અનુકરણ કરે છે. આમ હોવાથી ઉપલા વર્ગોએ તેમનું વર્તન નિષ્કલંક અને શુદ્ધ રાખવું જોઈએ. તેમની પાસેથી વધારે શુદ્ધિની અપેક્ષા રહે છે. જો તેઓ આમ ન કરે તો સમાજ તેમનું ઉદાહરણ લઈને વધુ ને વધુ અશુદ્ધ થતો જાય છે.

આ પણ વાંચો : કૉલમ: આકાશનો એક ટુકડો

આજે આપણે જન્મદત્ત ઉપલો કે નીચલો સ્તર કાનૂની દૃષ્ટિએ સ્વીકારતા નથી, પણ આવા ઉપલા કે નીચલા સ્તર સમાજમાં અસ્તિત્વ ધરાવે જ છે. શ્રીમંત વર્ગ, સત્તાધારી વર્ગ, સરકારી અધિકારીઓ, બાહુબળિયાઓ આ બધા જાણેઅજાણે પણ ઉપલો વર્ગ બની બેઠા છે. અપરાધી જ્યારે આ વર્ગનો હોય ત્યારે તેને વધુ આકરી સજા થવી જોઈએ.

દુર્ભાગ્યે આજે બન્યું છે સાવ ઊલટું. સંસદ અને સુપ્રીમ કોર્ટે આ ધ્યાનમાં રાખવા જેવું છે. 

Whatsapp-channel Whatsapp-channel

11 August, 2019 04:00 PM IST | મુંબઈ | ઉઘાડી બારી - ડૉ. દિનકર જોષી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK