Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ: આકાશનો એક ટુકડો

કૉલમ: આકાશનો એક ટુકડો

04 August, 2019 02:19 PM IST | મુંબઈ
ઉઘાડી બારી - ડૉ. દિનકર જોષી

કૉલમ: આકાશનો એક ટુકડો

કૉલમ: આકાશનો એક ટુકડો


સમયગાળો ઘણુંખરું ૧૯૭૭ની આસપાસનો હશે. આજે વિશ્વવંદ્ય ગણાતા શ્રદ્ધેય કથાકાર મોરારિબાપુની કારકિર્દીનાં એ આરંભનાં વર્ષો હતાં. બાપુની એક કથા ત્યારે કાંદિવલીમાં હતી. યોગાનુયોગ એવો હતો કે અસ્વસ્થ તબિયતને કારણે ત્યારે હું પણ ઘરે જ હતો. બાપુની કથા સાંભળવામાં મને રસ હતો, પણ સવાર-સાંજ બે વાર ત્રણ-ત્રણ કે ચાર-ચાર કલાક સુધી ખુરસીમાં બેસી રહેવાય એમ નહોતું. કથાના આયોજકોએ સદ્ભાવપૂર્વક બાપુની બેઠકની નજીક જ મારા માટે વિશેષ સોઈસગવડવાળી એક ખાસ બેઠક-વ્યવસ્થા કરી આપી હતી. રામકથા કે ભાગવતકથા સળંગ સૂત્રે અને એકવાચને સાંભળી હોય એવો મારી જિંદગીનો આ એક જ પ્રસંગ છે. ટેપરેકૉર્ડર ત્યારે નવી-નવી સમૃદ્ધિમાં ગણાતું હતું અને ત્યારે આ આખી કથા રેકૉર્ડ કરી હતી એવું આજે યાદ છે.

સીતામાતા સગર્ભાવસ્થામાં હતાં અને સુખનો સૂરજ હવે સોળે કળાએ ખીલ્યો હતો ત્યારે રાજા રામે સીતાને ત્યજી દીધાં. આ ઘટના વિશે બાપુએ ભગવાન રામના ધર્મસંકટની વાત કરી હતી. રાજા તરીકે અને પતિ તરીકે એમ બેવડી ભૂમિકા વચ્ચે સંકટ પેદા થયું હતું. આ સંકટની બન્ને બાજુ ભાવનાત્મક રીતે રજૂ કર્યા પછી બાપુએ શ્રોતાઓ સમક્ષ પ્રશ્ન કર્યો હતો, ‘કહો જોઈએ, હવે તમને શું લાગે છે? રામે કઈ ભૂમિકા નિભાવવી જોઈએ?’ શ્રોતાઓ સ્તબ્ધ. કોઈ ચૂં કે ચા ન કરે, કોઈ જવાબ નહીં.



કથા તો પછી પૂરી થઈ ગઈ. બાપુનો એ પ્રશ્ન પણ બધા ભૂલી ગયા હશે. સંભવ છે કે કદાચ બાપુને પણ આ નહીં સાંભરતું હોય, પણ મને સાંભરે છે. આ સાંભરણનો મારે મન એક ખાસ અર્થ છે. બાપુએ પૂછેલા આ પ્રશ્નનો ઉત્તર ત્યારે તો કદાચ મેં પણ નહીં વાળ્યો હોય, પણ આટલા દસકાઓ પછી પણ આ પ્રશ્ન પાછળ મને હંમેશાં એક વિરાટ પ્રશ્નાર્થચિહ્‍ન દેખાયું છે. આજે અહીં આ વિરાટની વાત કરવી છે. 


જ્યારે આપણે એમ કહીએ છીએ કે આ મારો મત છે ત્યારે શું ખરેખર આપણો સ્વતંત્ર અને નિર્ભેળ મત હોય છે ખરો? અનેક માણસોએ આ વિષય પર અનેક વાતો કરી હોય છે, આપણે આ બધું સાંભળ્યું હોય છે. અખબારોએ આ વિષયમાં કાનના પડદા ફૂટી જાય એટલી હદે ઢોલત્રાંસા વગાડ્યાં હોય છે એ પણ આપણે સાંભળ્યાં હોય છે. અખબારોનાં ઢોલત્રાંસા ચોક્કસ વ્યક્તિલક્ષી અને પ્રેરિત હોય છે એ હવે કોનાથી અજાણ્યું છે? ચોક્કસ ઘટના વિશે ટીવી પર રાડારોળ કરી મૂકનારા ચર્ચાનંદોએ જે રમખાણ મચાવ્યું હોય છે એનાથી સરેરાશ શ્રોતાના મન પર કોઈ અસર નથી પડતી એવું કહેનારો માણસ તો ભોળોભટાક જ હોવો જોઈએ. મહત્વનો પ્રશ્ન તો આ જ છે કે ‘તમારે શું કહેવું છે?’

એક પ્રાધ્યાપક વિશે એવું કહેવાતું કે વર્ગમાં જઈને પોતાનું વ્યાખ્યાન શરૂ કરતાં પહેલાં પોતાના બન્ને હાથની પહેલી બબ્બે આંગળીઓ અવતરણચિહ્‍નની જેમ હવામાં વીંઝતા અને એ પછી જ પોતાનું વ્યાખ્યાન શરૂ કરતા. વ્યાખ્યાન ખૂબ સરસ રહેતું. તેમની વાતો વિદ્યાર્થીઓને ખૂબ પસંદ પણ પડતી, પરંતુ વ્યાખ્યાનના આરંભે રોજ હવામાં વીંઝાતી આ બે આંગળીઓની નિશાની વિદ્યાર્થીઓને સમજાતી નહીં. એક દિવસ પ્રોફેસરને હળવા મૂડમાં જોઈને વિદ્યાર્થીઓએ પોતાનો આ પ્રશ્ન તેમને પૂછી લીધો. પ્રોફેસરે સહેજ હસીને આનો ખુલાસો પણ કર્યો, ‘દોસ્તો, મારા વ્યાખ્યાનમાં રોજેરોજ હું તમને જેકાંઈ કહું છું એ બધું મારા પહેલાં અનેક વિદ્વાનો અને સંશોધકો કહી ચૂક્યા છે. આ બધું મેં વાંચ્યું છે અને વાંચ્યા પછી તમને કહું છું. આમ હોવાથી વ્યાખ્યાનની શરૂઆતમાં જ હું તમને સંકેત આપી દઉં છું કે હવે પછી જેકાંઈ કહેવાય છે એ બધું આ બે અવતરણચિહ્‍નોની વચ્ચે જ છે. આમાં મારું કંઈ નથી, હું માત્ર નિમિત્ત છું.’ 


પ્રોફેસરસાહેબે પ્રામાણિકતાપૂર્વક જે વાત કરી એના ગર્ભિતાર્થો દરેક વિચારશીલ માણસે સમજવા જેવા છે. આપણે જાતજાતની અને ભાતભાતની રોજિંદા જીવનની ઘટનાઓ વિશે અમુકતમુક મત ધરાવીને પ્રશ્નો પેદા કરતા હોઈએ છીએ. આપણો ચોક્કસ મત એ જ સત્ય છે એમ માનીને વિરોધી મતને આપણે અસત્ય ઠરાવવા મથતા હોઈએ છીએ. આ મથામણ એટલે સીધો સંઘર્ષ એવો અર્થ થતો નથી, પણ આપણે આપણી જાતને સાચી માની લઈએ અને પછી કેટલીક વાર આપણી સચ્ચાઈનો બીજા પણ સ્વીકાર કરે એવા એક અહંકારી ક્ષેત્રમાં લપસી પડીએ છીએ. આ મારો મત છે એવું જ્યારે આપણે ટકોરાબંધ કહીએ છીએ ત્યારે અહંકારની પેલી લપસણી ભૂમિ આપણા પગ પાસે લગોલગ જ આવી જાય છે એનો ખ્યાલ સુધ્ધાં આપણને રહેતો નથી.

ફલાણી-ફલાણી બાબતમાં તમને શું લાગે છે એવું જ્યારે કોઈ આપણને પૂછે છે ત્યારે એનો ગર્ભિત અર્થ તમારો મત જાણવાનો નથી હોતો, પણ પ્રશ્નકર્તાએ પોતાના મનમાં નિશ્ચિત કરી રાખેલા મતનું સમર્થન શોધવાનો હોય છે. આવો પ્રશ્ન આપણે જ્યારે કોઈને પૂછીએ છીએ ત્યારે આપણો સૂચિતાર્થ પણ એ જ હોય છે. સામેવાળાનો મત જાણીને આપણે વાત પૂરી નથી કરતા, પણ જો એ મત આપણે મનોમન નિર્ધારેલા મતથી વિરુદ્ધ હોય તો તરત જ દલીલબાજીમાં ઊતરીને તમે ખોટા છો અને અમે સાચા છીએ એવું સિદ્ધ કરવાની મથામણમાં અજાણતાં જ ઊતરી પડીએ છીએ.

દુનિયાના દરેક ધર્મો પાસે પોતપોતાની પુરાણકથાઓ હોય છે. આ બધી જ પુરાણકથાઓ સ્થળકાળના સંદર્ભમાં વહેંચાયેલી હોય છે. પુરાણકથાઓ એટલે એ ઇતિહાસ નથી. આમ ખરેખર બન્યું એનું નામ ઇતિહાસ છે. પુરાણકથાઓ ક્યારેક આમ ખરેખર બન્યું એવા અર્થમાં હોય પણ ખરી, પરંતુ એમ જ હોય એવું ઇતિહાસની જેમ ખાતરીપૂર્વક કહી શકાય નહીં. પુરાણકથા એટલે આમ બન્યું એ કરતાં વિશેષ આમ બનવું જોઈએ એવા અર્થમાં આપણી સમક્ષ રજૂ થાય છે. ભવિષ્યમાં પણ આવું જ બનતું રહે એવો આશાવાદ પણ એમાં છે. આમ હોવાનું કારણ આ કથાઓ શાશ્વતી ભલે ન હોય, પણ લાંબા સમયના એના અસ્તિત્વને કારણે માણસના મનના ઘડતર પર એની પ્રભાવક અસર પેદા થાય છે.

આ કથાઓ જુદા-જુદા કાળમાં અને જુદી-જુદી સંસ્કૃતિઓ વચ્ચે લખાયેલી હોવાને કારણે પહેલી નજરે જ પરસ્પરવિરોધી લાગે એવી ઘણી ઘટનાઓ એમાં છે. આપણે જ્યારે આપણા મતની વાત કરીએ છીએ ત્યારે આ પુરાણકથાઓના કેટલાય સૂચિતાર્થ આપણે આપણી સાથે ગોઠવી દઈએ છીએ. આ ગોઠવણ કરતી વખતે આનાથી સાવ ઊલટા સૂચિતાર્થવાળા પ્રસંગો પણ પુરાણકથાઓમાં છે એ વાત આપણે સહેલાઈથી ભૂલી જઈએ છીએ. વહેવારમાં બને છે એવું કે જરૂર પડ્યે પોતપોતાના મતના સમર્થનમાં પુરાણકથાઓને પણ આપણે ઘસડી લાવીએ છીએ.

આ પણ વાંચો : કચ્છી સમાજે અમને જે માન-સન્માન આપ્યું છે એ જીવનભર ભૂલી શકાય એમ નથી

લગભગ ૪૦ વર્ષ પહેલાં મોરારિબાપુએ કથાના પ્રવાહમાં સહજભાવે શ્રોતાઓ સમક્ષ જે પ્રશ્ન પેદા કર્યો હતો એ પ્રશ્ન એના અકળ સ્વરૂપે મારા મનમાં સંકળાઈ ગયો છે. ક્યારેય પણ ક્યાંક મત આપવાનો પ્રસંગ ઉપસ્થિત થાય છે અથવા તો કોઈકનો મત લેવાનો પ્રસંગ પેદા થાય છે ત્યારે એક ક્ષણ ૪૦ વર્ષ પૂર્વેની રામકથા યાદ આવી જાય છે. સહજભાવે પુછાયેલો એક પ્રશ્ન એવા જ સહજભાવે અપાતા ઉત્તરને થોડા વધુ ઊંડા ઊતરીએ ત્યારે એની પાછળ એક વિરાટ આકાશનો ટુકડો ઝળૂંબતો હોય એવું લાગે છે.

Whatsapp-channel Whatsapp-channel

04 August, 2019 02:19 PM IST | મુંબઈ | ઉઘાડી બારી - ડૉ. દિનકર જોષી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK