ઈશ્વરોલૉજી - પ્રકરણ - 20

Published: Aug 25, 2019, 15:58 IST | નવલકથા - ડૉ. હા‌ર્દિક ‌નિકુંજ યાજ્ઞિક

સંજયના જૂના બૉસ સાહુસાહેબના ત્રણ જમાઈઓમાંથી એક યોગ્ય જમાઈને બિઝનેસ આપવાની અવઢવમાંથી રસ્તો કાઢવા ઈશ્વરે એક પરિસ્થિતિનું આયોજન કર્યું.

ઈશ્વરોલૉજી
ઈશ્વરોલૉજી

ગતાંક...

સંજયના જૂના બૉસ સાહુસાહેબના ત્રણ જમાઈઓમાંથી એક યોગ્ય જમાઈને બિઝનેસ આપવાની અવઢવમાંથી રસ્તો કાઢવા ઈશ્વરે એક પરિસ્થિતિનું આયોજન કર્યું. તેમના ત્રણમાંથી બે જમાઈઓ સમજ્યા વગર પ્રૉબ્લેમ સૉલ્વ કરવાની તૈયારીની આંધળી દોટમાં પડ્યા અને ત્રીજા જમાઈએ સૌપ્રથમ તો એ તપાસ કરી કે જે પ્રૉબ્લેમ તેમને સૉલ્વ કરવાનો છે એ પ્રૉબ્લેમ ખરેખર છે કે નહીં? એ વ્યક્તિને પસંદ કરીને ખૂબ જ સરળ રીતે ઈશ્વરે રસ્તો શોધ્યો. આ દરમ્યાન સંજયના મનમાં પ્રશ્ન થયો કે શું ખરેખર ઈશ્વર માણસોના પ્રશ્નનો જવાબ આપે છે? અને ઈશ્વરે મનોમન નક્કી કર્યું કે હવે તો આ માણસને બતાવવું જ પડશે...

હવે આગળ...

ઈશ્વર માણસનું સાંભળે ખરો? યુગોથી અનેકાનેક વ્યક્તિઓના હૃદયમાં આ પ્રશ્ન જન્મ લીધા જ કરે છે. મોટા ભાગે લોકો આ પ્રશ્નનો જવાબ શોધવાની માથાકૂટમાં પડતા જ નથી, કારણ કે એવા ઘણા લોકો છે જે ભગવાનને ભયથી વધારે ભજે છે અને ભાવથી ઓછા. આમ કરનારા લોકોનો આખો વર્ગ છે જે આપણી આસપાસ જ રહે છે. તેઓ ભગવાનને માત્ર એટલા માટે ભજે છે, કારણ કે તેમને બીક છે કે જો તે ભગવાનને નમશે નહીં તો ભગવાન તેમનું ખરાબ કરશે અથવા તો ભગવાનને ભજીએ તો જ આપણું કંઈક સારું થાય.

ઈશ્વર વેપારી નથી. જો અને તોનો હિસાબ તેના ચોપડે હોય, પણ મનમાં નથી. એ મોટા ભાગે હિસાબ કરતો જ નથી અને હિસાબ કરવા બેસે તો પછી રાતી પાઈ પણ છોડતો નથી.

બોલતાં તો સંજય ભગવાનને બોલી ગયો કે શું તમને એમ લાગે છે કે તમે અમારા પ્રશ્નોના જવાબ આપો છો? પણ પછી તેને થયું કે જે ઈશ્વર મારા જેવા એક સાવ સામાન્ય અને જરાય આસ્તિક નહીં એવા માણસની સાવ હેસિયત વગરની ચૅલેન્જ સ્વીકારી મારી સાથે સાવ સામાન્ય માણસ બનીને આવી શકે તો તે શું ન કરતો હોય? પણ હવે તીર છૂટી ગયું હતું અને આ તરફ ઈશ્વરે પણ મનોમન નક્કી કરી લીધું હતું કે સંજયને બતાવવું જ પડશે.

ઈશ્વરની ઇશ્વરોલૉજીનો એક નવો અધ્યાય અહીં શરૂ થઈ રહ્યો હતો. સદીઓથી જે સિસ્ટમને કોઈ સમજી શક્યું નહોતું એ સિસ્ટમની સમજણ એક સાવ સામાન્ય માણસને આપવાની હતી.

ઈશ્વરે ઉપનિષદોના સમયથી ચાલી આવતી એક પ્રખ્યાત વાર્તા અને એની અંદર રહેલા પ્રશ્નથી પોતાની વાત શરૂ કરી. આ એ વાર્તા છે જે સદીઓથી અનેક ગુરુજનોએ અનેક શિષ્યોને પૂછી છે પણ એનો મર્મ જાણવામાં શિષ્યો હંમેશાં છેતરાયા છે. તેમણે સંજયને એ સદીઓ જૂની વાત કહેવાની શરૂઆત કરી...

‘એક જંગલમાં એક નાનકડું મંદિર હતું. ચોતરફ હરિયાળી અને ડુંગરોથી ઘેરાયલા એ મંદિરમાં એક મોટો ઓરડો અને એક નાનકડો કૂવો હતો. જંગલ એટલું મોટું હતું કે એક દિવસમાં તો પસાર ન જ કરી શકાય. આ એ જમાનો હતો જ્યારે લોકો ઘોડા કે બળદગાડામાં પરિવહન કરતા હતા. એટલે રાતવાસો કરવા મુસાફરો આ મંદિરમાં જ રહેતા.

એક રાતે બે મુસાફરો આ મંદિરમાં પહોંચ્યા હતા અને પારસ્પરિક ઔપચારિક ઓળખાણ પછી મંદિરના ઓરડામાં બન્ને રાતવાસો કરવા રોકાયા. સંધ્યાકાળનો સમય થયો. મંદિરમાં બન્ને સિવાય કોઈ નહીં. બન્ને જણ પોતપોતાનું ભાથું કાઢીને જમવા જાય ત્યાં તો અલખનો સાદ થયો. એક અતિ મેધાવી સાધુ ત્યાં પહોંચ્યા. સાધુમહારાજને જોઈ બન્ને જણે તેમને નમન કર્યા અને પોતાની સાથે જમવાનું આમંત્રણ આપ્યું. સાધુએ બન્નેનો ભાવ જોઈ તેમનું આમંત્રણ સ્વીકાર્યું.

ભાથું ખોલતાંની સાથે જ ખબર પડી કે એક મુસાફર પાસે ત્રણ રોટલી હતી અને બીજા મુસાફર પાસે પાંચ રોટલી હતી. આમ તેઓ પાસે કુલ આઠ રોટલી હતી. આઠ રોટલીઓને ત્રણ જણ વચ્ચે સરખી રીતે વહેંચવી શક્ય નહોતી. મુસાફરોએ ચાર રોટલી સાધુને આપી અને પોતે બે-બે રોટલી ખાવાનું નક્કી કર્યું, પણ આ વાત સાધુને પસંદ નહોતી. તેમણે કહ્યું કે પોતે બે રોટલી ખાશે અને એ લોકો ત્રણ-ત્રણ રોટલી લઈ લે. આ વાત મુસાફરો માટે સ્વીકાર્ય નહોતી.

આખરે એમ નક્કી થયું કે કુલ ૮ રોટલીમાંથી દરેક રોટલીને ત્રણ સરખા ભાગે વહેંચવી એટલે કુલ ૨૪ ટુકડા થશે, જેથી ત્રણેયના ભાગે ૮-૮ ટુકડા આવશે. સૌએ માન્ય રાખ્યું. આમ ત્રણે જણે સરખે ભાગે આવેલી રોટલીઓના ટુકડા ખાધા. બીજા દિવસે વહેલી સવારે નીકળતાં સાધુએ ખુશ થઈ ૮ ટુકડાઓ બદલ ૮ સોનાના દુર્લભ સિક્કા આપી અલોપ થઈ ગયા.

બન્ને મુસાફરો રાજીના રેડ થઈ ગયા. પહેલા મુસાફરે તરત જ કહ્યું, ‘આવી જા ભાઈ, ચાલ આમાંથી ચાર સોનાના સિક્કા તું લઈ લે અને ચાર હું લઈ લઉં.’

બીજા મુસાફરે કહ્યું, ‘મારી પાંચ રોટલી હતી અને તારી ત્રણ જ એટલે મને પાંચ સિક્કા મળવા જોઈએ અને તને ત્રણ.’

પહેલા મુસાફરને આ મંજૂર નહોતું અને બન્ને વચ્ચેનો ઝઘડો આગળ વધ્યો. બન્નેએ અંદર જઈ મૂર્તિ પાસે સિક્કા મૂકી દીધા અને મનોમન પ્રાર્થના કરી કે ‘જે વ્યક્તિ યોગ્ય હોય તેને એટલા સિક્કા આપજો.’

હવે તને શું લાગે છે? મારે કોનું સાંભળવું જોઈએ? ન્યાય શું કહે છે? જો આ આઠ સિક્કા તારા હાથમાં આપવામાં આવે અને તારે એ બન્નેને આપવાના હોય તો તું કોને કેટલા સિક્કા આપે અને કેમ?’

સંજયને થયું કે ભગવાન ફરી પાછા આમાં મને ભરાવવાનો પ્રયત્ન કરે છે કે શું? આમાં કંઈ વિચારવા જેવું છે જ નહીં. ન્યાયની જ અને લૉજિકની જ વાત કરવાની હોય તો ખૂબ સરળ છે. બીજો માણસ ૧૦૦ ટકા સાચો છે, જેણે જેટલું આપ્યું હોય તેને એટલું મળે. વાવ્યું એટલું ઊગે. આ તો બહુ જૂનો નિયમ છે.

આ વિચારની સાથે જ તેણે ક્ષણનોય વિલંબ કર્યા વગર કહ્યું, ‘એમાં શું? બહુ જ સિમ્પલ છે ભગવાન, તમારે સાચાનું જ સાંભળવાનું હોયને! બીજો માણસ સાચો જ છે. તેણે પાંચ રોટલીઓ આપી અને પહેલાએ ત્રણ એથી પાંચ સિક્કા બીજા માણસને અને ત્રણ સિક્કા પહેલા માણસને જ તમારે આપવા જોઈએ.’

સંજયનો ન્યાય સાંભળીને ભગવાન ખડખડાટ હસી પડ્યા અને તેમને હસતા જોઈ સંજયને વિસ્મય થયું કે આમને શું થયું?

સહેજ સંકોચ સાથે તેણે ભગવાનને પૂછ્યું, ‘મે કાંઈ ખોટું કહ્યું?’

ભગવાને તરત જ કહ્યું, ‘કંઈક નહીં, તેં સદંતર ખોટું કહ્યું.’

સંજયે આંખ સહેજ ઝીણી કરીને પૂછ્યું, ‘એટલે? બૉસ હું સમજ્યો નહીં.’

અને ઈશ્વરે કહ્યું, ‘ઍક્ચ્યુઅલી મારો ન્યાય એમ કહે છે કે પહેલા માણસને એક જ સિક્કો મળવો જોઈએ અને બીજા માણસને ૭ સિક્કા.’

સંજયે વિચાર્યા વગર જ બોલવાનું શરૂ કર્યું, ‘બસ આ જ, આ જ વાત તમારી મને ગમતી નથી. અરે ગમતી તો નથી, સમજાતી પણ નથી. માફ કરજો, પણ ગણિતમાં તમે બહુ કાચા અને એમાં ને એમાં અહીં પૃથ્વી પર બધી સિસ્ટમ હાલી ગઈ છે. યોગ્ય માણસોને જે મળવું જોઈએ એનાથી ઓછું આપી દો છો અને કોઈકને એટલું બધું આપી દો છો કે અધધધ થઈ જાય.’

‘અરે ભાઈ, અમુક ખાસ માણસોનાં ખિસ્સાં ભરવામાં જ તમને કેમ મજા આવે છે? થોડું યોગ્ય બૅલૅન્સિંગ કરતા હો તો તમારું શું જાય બૉસ?’

સંજયને એકશ્વાસે આટલા બધા આરોપ લગાવતા જોઈ ઈશ્વરને સંજય પર ગુસ્સો આવવાની જગ્યાએ વહાલ આવ્યું.

‘ઈશ્વરની આજ તો મજા છે. તેનાથી ડરવાની જગ્યાએ તેની સાથે દિલથી લડી લો તો પણ તમારાથી નાખુશ ક્યારેય ન થાય. અહીં સંજય પણ ખોટો નહોતો, કારણ કે આ બધા એના હૃદયમાં ઊઠતા સવાલ હતા. હવે જો એ પ્રશ્નોતે ઈશ્વરને ન પૂછત તો પણ તેના દિલમાં ચાલતી વાત તો પરમેશ્વર જાણી જ જવાના હતા, એટલે ખોટો દંભ કરવા કરતાં મનમાં જે સંશય ઊભો થાય એ પૂછી નાખવો એ જ સાચો રસ્તો તેને લાગ્યો અને આમેય ભગવાન ક્યાં રોજ-રોજ તેના જવાબ આપવા તેને મળવાના હતા.

ઈશ્વરે સંજયને ઈશ્વરોલૉજી સમજાવા માંડી...

‘પહેલા માણસે પોતાની પાસે રહેલી ત્રણ રોટલીના ત્રણ-ત્રણ ટુકડા કર્યા હતા એટલે કેટલા ટુકડા થયા?’

‘ટોટલ નવ.’

‘અને બીજા માણસે પોતાની પાસે રહેલી પાંચ રોટલીના પણ ત્રણ-ત્રણ ટુકડા કર્યા એટલે કેટલા ટુકડા થયા?’

‘પંદર પ્રભુ.’

‘હવે જ્યારે બધી રોટલીઓના ટુકડા સરખા ભાગે વહેંચાયા ત્યારે પહેલા માણસના ભાગે કેટલા ટુકડા આવ્યા?’

‘એ તો બધાને સરખા જ આવેને, આઠ-આઠ ટુકડા.’

‘અને બીજાના ભાગે?’

‘આઠ જ...’ બોલ્યા પછી સંજયને કંઈક સમજાવાનું શરૂ થયું.

‘ખરેખર પોતાના ૯ ટુકડામાંથી પહેલા માણસે માત્ર એક જ ટુકડો બહાર આપ્યો અને બાકીના આઠ પોતે ખાધા એટલે તેને એક જ સિક્કો મળે. જ્યારે બીજા માણસે પોતાના પંદર ટુકડામાંથી સાત ટુકડા બીજાને આપ્યા એટલે તે સાત સિક્કાનો હકદાર બને છે. આ મારો ન્યાય છે.’

ઈશ્વરનું ગણિત સાંભળીને સંજય આભો બની ગયો.

તમારી પાસે જે છે એમાંથી તમે કેટલું બીજાને અર્પણ કરો છો એના પરથી તમને કેટલું મળે છે એ નક્કી થાય છે. આશા છે કે તમારી ગણિતની પરીક્ષામાં હું પાસ થયો હોઈશ, સંજયલાલ...’

આ પણ વાંચો : ઈશ્વરોલૉજી - પ્રકરણ - 19

ઈશ્વર મલકાઈ રહ્યા હતા અને સંજય આભો બનીને તેમને જોઈ રહ્યો હતો.

ત્યાં જ...

(વધુ આવતા અંકે)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK