ઈશ્વરોલૉજી - પ્રકરણ - 13

નવલકથા - ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક | મુંબઈ | Jul 07, 2019, 09:20 IST

ગતાંક - સંજય નામના માણસની ચૅલેન્જ સ્વીકારી સ્વયં ભગવાન ધરતી ઉપર રહેવા આવે છે.

ઈશ્વરોલૉજી
ઈશ્વરોલૉજી

ગતાંક - સંજય નામના માણસની ચૅલેન્જ સ્વીકારી સ્વયં ભગવાન ધરતી ઉપર રહેવા આવે છે. સંજયની શરત મુજબ ભગવાને કોઈ પણ પ્રકારની અઘરી જ્ઞાનની વાતો કે પછી સંસ્કૃતના શ્લોક સમજાવ્યા વગર જીવન જીવવાનું પ્રેક્ટિકલ જ્ઞાન આપવાનું છે. ભગવાન પણ એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે જેમાં સંજયને એવું ભાન થાય છે કે જ્યાં સુધી હું સંપૂર્ણ સમર્પણથી નહીં શીખું, આ જ્ઞાન મને મળવાનું નથી... અને એ ભગવાનના ચરણોમાં આવીને કહે  છે કે મારી બધી સમજણ બાજુમાં મૂકીને સાવ ખાલી થઈને હું હવે તમને સમજવા તૈયાર છું... બોલો સમજાવશો ને?...

હવે આગળ...

સંપૂર્ણ સમર્પણ એ કદાચ માણસને જીવનમાં અનુભવાતી ઉત્તમ અવસ્થાઓમાંથી એક છે... એ પછી પ્રેમનું સમર્પણ હોય કે ભક્તિનું, એની સંપૂર્ણતામાં જ દિવ્યતા અનુભવાતી હોય છે.

ભગવાન એક વખત માણસને કશું શીખવાડવાનું શરૂ કરે પછી એને પડતું મૂકવાનું એમને ગમતું નહીં. અહીં ઇશ્વર સંપૂર્ણપણે પોતાનું વચન પાળવા તૈયાર છે અને કદાચ એટલે જ સંજય જેવો વ્યક્તિ પણ સંપૂર્ણ સમર્પણની અવસ્થામાં આવી ગયો છે.

અર્જુન જેવો વિશ્વાસ લઈને બેઠેલા સંજય માટે કૃષ્ણે આધુનિક ગીતા કહેવાની તૈયારી કરવાની હતી... પરિસ્થિતિમાં બહું મોટો ફેર હતો. અર્જુનની સામે યુદ્ધ હતું અને નિર્ણય લેવાની ઘડી હતી જેમાં વીતતો હતો તો સમય... પણ અહીં સમય જ સમય હતો, ન કોઈ યુદ્ધ હતું ન તો કોઈ વિષાદ, હા હતા તો અઢળક પ્રશ્નો.

સાથે સાથે અર્જુન જેવો રિસીવર હતો જેની જોડે મેસેજ એનકોડ અને ડિકોડ બહું જલદી થઈ જતા. ફકત કૃષ્ણ ત્યાં ગીતા કહી નાખે તો ચાલે એમ હતું, કારણ કે એ સાંભળવાની તૈયારી અને યોગ્યતા બન્ને અર્જુનમાં હતા.

સંજય જેવા કળિયુગના સો- કૉલ્ડ અર્જુનમાં ન તો એ યોગ્યતા હતી અને ન તો ફકત ભગવાનના મુખે ગીતા સાંભળી અને એને સમજવાની આવડત.

હા, બન્નેમાં કૉમન એક વાત હતી કે બન્ને ઇશ્વરના વહાલા હતા, આમ તો આપણે સૌ પણ ઇશ્વરના વહાલા તો છીએ જ પણ ઇશ્વર ઉપર કરી શકાય એટલો હક કરતા એમને જેટલો આવડતો હતો તે કદાચ આપણને આવડતો નહીં હોય.

ભગવાને પીળા કલરના સ્કૂટરને ચાલુ કરતાં સંજયને પાછળ બેસવાનો ઇશારો કર્યો. રસ્તામાં કોઈ કશું જ ન બોલ્યું. સંજયને મનમાં થયું કે હવે શું કરવાનું? હું પૂછીશ ત્યારે એ કશું સમજાવશે કે પછી એમણે કહ્યું છે તો જાતે જ કંઈ કરશે? આ કશું પણ શીખવા માટે સૌથી પહેલાં શું હોવું જોઈએ?

અને એ આમ વિચારતો હતો ને ત્યાં જ ઇશ્વરે જોરથી સ્કૂટરને બ્રેક મારી, સંજય ચમક્યો. ઇશ્વરે હસીને એક ઇશારો કર્યો કે ત્યાં જો.

એણે જોયું તો રસ્તાની બાજુમાં આવેલ એક નાનકડા ઝૂંપડા જેવા ટી સ્ટોલમાં એક નાનકડું ટીવી ચાલું હતું. જેમાં ક્રિકેટની મૅચ ચાલુ હતી અને થોડા માણસો ત્યાં ટોળે વળીને તે જોઈ રહ્યા હતા.

સંજયને મનમાં થયું કે આ ભગવાન પણ અજીબ છે. હું જ્યારે અવળા પ્રશ્ન પૂછતો ત્યારે ફટ દઈને જવાબ આપતા અને આજે જ્યારે એમને શરણે જઈ અને મારી બધી જ સમજણ બાજુમાં મૂકી અને કંઈ શીખવાની કોશિશ કરું છું તો કશું સમજાવાની જગ્યાએ મૅચ દેખાડે છે.

અચાનક એને થયું કે આ મનમાં બોલું છું એ પણ સાંભળતા હશે. ભગવાને પાછળ જોઈને કહ્યું

‘રાઇટ વત્સ.’

‘શું રાઇટ ભગવાન, હું અહીં તમારી પાસેથી સૌથી અગત્યનું જ્ઞાન લેવાની તૈયારી કરું છું અને તમે મને ક્રિકેટ બતાવો છો?’

‘તે જ કહ્યું હતું કે ખાલી વાતો કરીને નહીં, પ્રેક્ટિકલ કશું શીખવાડવું હોય તો શીખવાડજો અને તું જ તારી શરત ભૂલી ગયો?’ ભગવાને એને એની જ જાળમાં ફસાવ્યો.

‘ના એટલે એવું નથી, પણ તમે કશું સમજાય એવું કરો તો ખબર પડે.’

ઇશ્વરે એને જ્ઞાન આપવાનું શરૂ કર્યુ. ‘હમણાં જ તુ બહું જ અગત્યનો પ્રશ્ન વિચારતો હતો કે કશું પણ શીખવા માટે સૌથી પહેલાં શું હોવું જોઇએ?’

‘રાઇટ.’

અને ઇશ્વરે ફરી પાછા પેલા ટી સ્ટોલ ઉપર આંગળી કરીને પૂછ્યું કે ત્યાં જો ખૂણામાં શું દેખાય છે?

સંજયે સહેજ ધ્યાનથી જોયું તો ટીવી જોનારા લોકોની બાજુમાં ખાટલા ઉપર એક અંધ ઘરડી વ્યક્તિ  દેખાઈ. સંજય એને જોઈને કશું બોલે એ પહેલાં ભગવાને બીજો પ્રશ્ન પૂછ્યો ‘જરા ધ્યાનથી જો કે એ અંધ માણસ શું કરી રહ્યો છે?’

એણે જોયું તો બાકીનાની જેમ એ પણ અંધ હોવા છતાં પોતાનું સંપૂર્ણ ધ્યાન પેલા ટીવીમાં રાખીને બેઠો હતો. દરેક બૉલ ઉપર થતી કૉમેન્ટરીને ધ્યાનથી સાંભળતો હતો અને એટલું ઓછું હોય એમ વચ્ચે વચ્ચે ‘શું થયું? કેમ થયું? કઈ રીતે થયું?’ એવા અઢળક પ્રશ્નો પૂછે રાખે છે અને આજુબાજુમાંથી કોઈ પણ એને જવાબો આપ્યા કરે છે.

સંજયને ખબર ન પડી એટલે ભગવાને કહ્યું ‘આખો ખેલ જિજ્ઞાસાનો છે, એ પછી મેં અર્જુનને કહેલી ગીતા હોય કે તને સમજાવી રહેલી આધુનિક ગીતા, વાત હંમેશાં અંધ માણસની જિજ્ઞાસાથી જ શરૂ થાય છે. આ આંધળાપણું ન હોય તો જિજ્ઞાસા રહેતી નથી એટલે એ જરૂરી છે. આંધળાને હંમેશાં એ જ જોવું હોય છે જે એને દેખાતું નથી. બહેરાને એ જ સાંભળવું હોય છે, જે એને સંભળાતું નથી. ખરેખર તો એ બધામાં એક જ વસ્તુ કૉમન છે - જે દેખાતું કે સંભળાતું નથી એ જાણવાની જિજ્ઞાસા.

સત્યની ઓળખ કરવા માટે પણ જિજ્ઞાસા અને એ પણ એક આંધળા જેવી જિજ્ઞાસા હોવી જોઈએ. એને ખબર છે કે ક્રિકેટને હું કયારેય જોઈ શકવાનો નથી, પણ એને જાણી અને એની મજા લેવાની જિજ્ઞાસા પણ એની અકબંધ છે. જે સત્યની તને શોધ છે એને પામવા પણ તારામાં રહેલી જિજ્ઞાસા જ પહેલું પગથિયું બનશે.

સંજયથી અનાયાસે બોલાઈ ગયું કે એનાથી શું ફરક પડશે? અને આ બોલતાની સાથે જ એના મગજમાં વિચારોનો મારો ચાલ્યો કે જે સત્યને શોધવા હું ઇશ્વરને કંઈ પૂછી રહ્યો છું એ સત્ય હોય તોય શું ફર્ક પડે? અને ન હોય તો પણ શું?

ઇશ્વર કંઈ બોલવા ગયા અને ત્યાં જ એમને પ્રોમિસ યાદ આવી. એટલે કશું પણ લાંબુલચક ભાષણ આપીને શીખવાડવા કરતાં પ્રોમિસ મુજબ પ્રેક્ટિકલી શીખવાડવાનું નક્કી કર્યું.

સ્કૂટર ઉપર સંજયના મનમાં થયું કે કયાં પેલા અંધ ધુતરાષ્ટ્ર અને યુદ્ધની લાઇવ કૉમેન્ટરી કરતા સંજય અને કયાં પેલો અંધ ચા વાળો અને ક્રિકેટની કૉમેન્ટરી. બૉસ ભગવાન પણ જબરા ક્રિએટીવ છે. શીખવાની મજા તો આવશે જ.

અને આ સાથે જ ઇશ્વરે આગળથી કહ્યું ‘હવે મને આટલે દૂરથી બોલાવ્યો છે અને મજા ન પડે એ શક્ય છે ખરું?’ અને બન્ને જણ હસી પડ્યા.

ઇશ્વરે એક સ્કૂલની પાછળના ભાગમાં સ્કૂટર ઊભું રાખ્યું. સંજયને આશ્ચર્ય થયું કે એક સ્કૂલની પાછળ આમ ઊભા રહેવાનું કારણ. ભગવાને સ્કૂટર પાર્ક કરીને એને પોતાની પાછળ આવવા જણાવ્યું. નીચેના માળના ક્લાસની બારી ખુલ્લી હતી. કશું જ બોલ્યા વગર એમણે ત્યાં ઊભા રહી અંદર શું થાય છે તે જોવાનો ઇશારો કર્યો.

સંજયે બારીની બાજુમાં ઊભા રહી સહેજ અધ્ધર થઈ અંદર જોવાનું શરૂ કર્યું. કલાસમાં વિદ્યાર્થીઓ હતા પણ શિક્ષક ન હતા. ટીચરની ગેરહાજરી એ બાળકો માટે જલસો હતો. શોરગૂલ હતો. તોફાન હતું. ચીસો હતી, વાતો હતી. એક ખૂણે મારામારી પણ હતી તો બીજા ખૂણે ભાઈબંધી પણ હતી. ત્યાં જ શિક્ષક અંદર આવ્યા. અને એ આવતાંની સાથે જ એક જ ક્ષણમાં પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ. શિક્ષક એક શબ્દ પણ બોલ્યા ન હતા. ન તો એમણે આવીને કશું કર્યું. એ ખાલી ક્લાસમાં દાખલ જ થયા અને એક જ ક્ષણમાં તો બધા જ સેલ્ફ ડિસિપ્લીનમાં આવી ગયા. ટીચરે ચૂપ રહેવાની બૂમ ન પાડી હતી કે ન તો તમે તોફાન બંધ કરોની શીખ આપી હતી. એમની હાજરી માત્રથી આખા કલાસનું ચિત્ર બદલાઈ ગયું.

સંજય બારીની બહારથી આ જોઈ રહ્યો હતો અને ત્યાં જ એના માથા ઉપર ઇશ્વરે ટપલી મારી પૂછ્યું ‘શું સમજ્યો?’

સંજયે કહ્યું કે ‘આવું તો અમારી જોડે પણ થતું હતું. આમાંથી શું સમજાય?’

આ પણ વાંચો : ઈશ્વરોલૉજી - પ્રકરણ - 12

ઇશ્વરે હસીને કહ્યું કે ‘પેલો વિખરાયેલો કલાસ એ જીવન છે. જે જાતજાતના તોફાનોથી ભરાયેલું છે, જે ક્ષણે સત્યની એન્ટ્રી પડે છે એ તોફાનો આપોઆપ બંધ થઈ જાય છે. સત્યની હાજરી માત્ર સઘળી પરિસ્થિતિને કન્ટ્રોલ કરવા પૂરતી હોય છે અને એટલે એના હોવાનો ફર્ક પડે છે.’

સંજયને થયું કે ઇશ્વરની ઇશ્વરોલૉજીમાં દમ તો છે હો !

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK