Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઈશ્વરોલૉજી - પ્રકરણ - 12

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 12

30 June, 2019 10:04 AM IST | મુંબઈ ડેસ્ક
નવલકથા - ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 12

ઈશ્વરોલૉજી

ઈશ્વરોલૉજી


ગતાંક - માણસ બનીને આવેલા ભગવાન સાથે સંજય એની શૂટિંગની જગ્યાએ જાય છે જ્યાં ભગવાન એને મૃત્યુનાં દર્શન કરાવે છે. યમદૂત આવીને ઉભો છે. ઉપરની તરફ લટકતા લોખંડના પુલ ઉપર કેટલાક લોકો છે અને બીજો દૂર દીવાલ પાસે બેસીને એક વ્યક્તિ જમી રહી છે. ભગવાન સંજય ઉપર છોડે છે. જો સંજય ઉપરની તરફ હાથ કરે તો યમદૂત ઉપર બેઠેલા સઘળાનો જીવ લઈ લે અને નીચે ઇશારો કરે તો એકનો જ જીવ જાય... ગમે તે એક ઇશારો તો કરવો જ પડશે..

હવે આગળ...



આમ તો કોઈને જીવન આપવું અને કોઈનો જીવ લઈ લેવો એ પાવર તો ફક્ત ઈશ્વરને જ છે અને કદાચ એટલે જ ઈશ્વર આપણાથી અલગ છે. જો આ જ પાવર માણસમાં પણ આવી જાય તો પછી એનામાં અને જગતનિયંતામાં શું ફેર?


પણ નિયતિ પ્રમાણે નિર્ણય કરવાની આવડત માણસ ક્યારેય કેળવી શકવાનો નથી અને એટલે જ માણસ ક્યારેય ઈશ્વર થઈ શકવાનો નથી. જે પાવરની ઇચ્છા માણસને હોય એ જ અચાનક મળી જાય ત્યારે મગજ શૂન્ય પણ થઈ જાય... આવી જ અવઢવમાં હતો સંજય...

મહાભારતના યુદ્ધની શરૂઆતમાં જેવી અર્જુનની હાલત હતી એવી જ હાલત અહીં સંજયની હતી... શું કરવું? એનો નિર્ણય લઈ શકવાને અસમર્થ... કારણ કે કોઈ પણ નિર્ણય આખરે તો કોઈકને મારશે જ...


મજાની વાત એ હતી કે મહાભારતમાં પણ કૃષ્ણ હાજર હતા અને અહીંયાં પણ...

સંજયનો ઊંચો થતો હાથ અટકી ગયો... એ ભગવાનની સામે જોયા વગર પાછું વળીને પરિસ્થિતિથી ભાગવા ગયો અને ત્યાં જ ઈશ્વરનો સત્તાવાહી અવાજ સંભળાયો... ઊભો રહે... ભાગીશ નહી... જે સામે છે એનો સામનો કર.

કદાચ ગીતાની શરૂઆતમાં ધનુષ્ય નાખીને રડમસ ચહેરે ઊભા રહેલા અને વન તરફ ભાગી જવા તત્પર થયેલા અર્જુનને એમણે આમ જ રોક્યો હશે.

સંજયના પગ સ્થિર થઈ ગયા. ભગવાને પાસે આવીને કહ્યું કે નિર્ણય લેવાનો વખત હોય ત્યારે નિર્ણય લે...

સંજયની આંખોમાં પાણી હતું... એણે બોલવાનું શરૂ કર્યું, તમે ઈશ્વર છો. તમને તો ખબર જ હશે કે આ કેટલા ગરીબ માણસો છે... આમ અચાનક એકઝાટકે મરી જશે તો એમનો પરિવાર રસ્તા ઉપર આવી જશે... તમે સમજતા કેમ નથી!! અને મને કારણ વગરનો નિમિત્ત કેમ બનાવો છો?

ઈશ્વર હસ્યા, તમે લોકો પણ કારણ વગર મને જ નિમિત્ત બનાવો છો ને? હવે સમજાયું કે ઈશ્વર થવું પણ સહેલું નથી... તારું કહેવું હતું કે સ્વર્ગમાં બેસીને દુનિયા ચલાવવી સહેલી છે... મારી જોડે આવીને પ્રૅક્ટિકલી મને શીખવાડો... તો લે... આખી દુનિયા ચલાવાનું બાજુમાં, ખાલી આ એક નિર્ણય તો મારી જગ્યાએ લઈ બતાવ.

સંજયને લાગ્યું કે ભગવાન નક્કી કોઈ રમત રમી રહ્યા છે... પણ એનું ભોળું હૃદય કોઈ નિર્દોષના જીવ લઈ લેવા તૈયાર નહોતું...

ઈશ્વરની સામે એણે બે હાથ જોડ્યા... આંખમાં આંસુ હતાં અને ડોકું હલાવીને એ ના કહી રહ્યો હતો.

ઈશ્વર ખડખડાટ હસ્યા... હવે ખબર પડી કે મારું કામ સહેલું નથી... એકમાં જ થાકી ગયો... ચિંતા ન કરીશ... ભગવાન હોવાનો એક બીજો પણ ફાયદો છે.... મારી ઉપસ્થિતિ માત્રમાં ક્યાંય કોઈનું અહિત નથી થતું... એટલે અગર તું કહી દેત તો પણ કોઈનું મૃ઼ત્યુ થવાનું નથી... આ તો તને ચેક કરવા મારી જરા અમથી મજાક હતી..

સંજયને શું બોલવું ખબર ન પડી... એની પરિસ્થિતિ પામીને ઈશ્વરે પૂછ્યું, અચ્છા તો એમ કહે કે જો તારે કહેવું જ પડત કે મૃત્યુ કોને મારે? ઉપર લટકતા બેઠેલા ઘણા બધાને કે પછી પેલી દીવાલ પાસે બેઠેલા એક ને? તો તું શું નિર્ણય લેત?

હવે કોઈને કંઈ થવાનું નથી એ બાબતે નિશ્ચિંત થતાં જ સંજયે તરત જ કહ્યું કે જો એમ જ હોત તો હું કહેત કે મૃત્યુએ પેલા એક માણસને મારવો જોઈએ...

ભગવાનના ચહેરા ઉપર એક રમતિયાળ સ્મિત આવ્યું, એમણે પૂછ્યું કેમ?

સંજયે તરત જ કહ્યું કે મોત તો બન્ને બાજુએ થાત, પણ અહીં એક જ જણ મરત અને જો ઉપર આંગળી કરું તો બધા બહુ લોકો મરત... એટલે જ્યારે ઘણાનો જીવ બચતો હોય ત્યારે એકનો જીવ જ અપાય ને?

ભગવાને તક ઝડપી... તને ખબર છે... જો ખરેખર અહીં કોઈનો જીવ લેવાનો સાચો નિર્ણય લેવાનો હોત તો ચોક્કસપણે ઉપર બેઠેલા દરેકનો જીવ હોત નહીં કે પેલા એક માણસનો...

સંજય ફરી મૂંઝાયો, કારણકે ભગવાન એના તર્કથી તદ્દન વિરુદ્ધ વાત કરી રહ્યા હતા.

એની મૂંઝવણને સમજી ગયેલા ઈશ્વરે આગળ ચલાવ્યુ... નિર્ણયો હંમેશાં ઇમોશનલી ન લેવા... લાગણીને પ્રાધાન્ય આપીને લેવાતા નિર્ણયમાં સત્ય અને સમજણ ન હોય તો ખોટો નિર્ણય પણ લેવાઈ જાય...

સંજય કહે, એટલે?

એટલે એમ કે સમય રિસેસનો હતો... એ બધી જ વ્યક્તિઓ જેના ઉપર બેઠેલા હતા તેમણે પેલા માણસની જેમ નીચે આવીને જમવાનું હતું. આમ લટકીને કામ કરવું અલગ વાત છે અને ત્યાં લટકતા બેસીને જમવું અલગ વાત. એ યોગ્ય જગ્યા નથી. નિયમ વિરુદ્ધનુ કામ છે, જ્યારે પેલો માણસ નિયમને અનુસરીને નીચે ઊતરીને અલગ જગ્યાએ બેસી જમી રહ્યો છે.

એટલે અજાણતાં તો અજાણતાં પણ દોષીએ ઉપર બેઠેલા લોકો છે અને પેલો માણસ તો નિર્દોષ છે.

સંજયને થયું કે ભગવાનની ફિલસૂફી કંઈક સમજણની બહાર છે.

ભગવાને પણ કહ્યું કે નિયતિ પણ મૃત્યુ નક્કી કરતી વખતે આ જ બધું જુએ છે. બસ નિર્ણય એ તર્કસંગત કરે છે, ઇમોશનમાં આવીને નહીં. રહી વાત એ લોકોના મૃત્યુ પછી એમના પરિવારનું શું? તો એમના માટે પણ નિયતિએ કશું ગોઠવી જ રાખ્યું હોય.

આ નિયતિ જો બધું કરે છે તો તમે શું કરો છો? ભગવાનના મોઢે જ એણે પૂછ્યું,

ભગવાને હસીને કહ્યું કે હું સઘળું કરું છું અને કશું પણ નહીં... ચાલ છોડ અત્યારે તું એમ માન કે ખરેખર મારું કામ છે જણાવવું અને જગાડવું....

ખરેખર સાવ સમજણની બહાર છો તમે. આ કોઈને કંઈ સમજાય એવું બોલવામાં શરમ આવે છે? તકલીફ છે કંઈ? એક તો ના પાડી છે તોય એવી પરિસ્થિતિઓમાં નાખી દો છો કે જીવ અધ્ધર થઈ જાય. અને પછી શીખવાડવામાં એવી એવી વાતો કરો છો કે બધું અધ્ધર જ જાય. થોડાક જ સમયમાં ઈશ્વર ઉપર આવી ગયેલા અનરાધાર અધિકારનો ઉપયોગ કરતાં સંજય ઈશ્વર સામે રિસાયો..

સમજાવા જ તો આવ્યો છું. કદાચ સમજવા માટે તું તૈયાર નથી થયો. ભગવાને જાણી જોઈને સંજયનો ઈગો હર્ટ કર્યો.

તો પછી તૈયાર કેવી રીતે થવું એ શીખવાડો, સંજયના શબ્દોમાં અકળામણ અને અધીરાઈ બન્ને હતાં.

એ શીખવાડવાનું તો કયારનુંય શરૂ કર્યું છે, પણ હજી તને અનુભવાયું નથી એમ બોલી ઈશ્વર બહારની તરફ ચાલ્યા. અને આખી ઘટનામાં કશું જ ન સમજેલો સંજય થોડી વાર ત્યાં જ ઊભો રહ્યો અને પછી એમની પાછળ પાછળ બહાર નીકળ્યો.

પીળા કલરના સ્કૂટર ઉપર માથે હેલ્મેટ પહેરીને ઈશ્વર એની રાહ જોતા ઊભા હતા. સંજયે એમની પાસે પહોચીને વિવેક કર્યો કે લાવો હું સ્કૂટર ચલાવી લઉં.

ભગવાને ડોકું હલાવતાં કહ્યું કે અર્જુનનો રથ હોય કે સંજયનું સ્કૂટર, સારથિ તો હું જ રહેવાનો.

સ્વયં ભગવાને એની સરખામણી અર્જુન સાથે કરી એ સાંભળીને સંજયને શેર લોહી ચડ્યું. ભગવાનની પાછળ બેઠેલા એને કોઈ જબરદસ્ત ફીલિંગ આવવા લાગી.

મનમાં થયું કે ભગવાનની સાથે વાત કરતાં કરતાં કંઈક વધારે જ બોલાઈ ગયું, પણ શું કરું એ જ તો ખબર નથી પડતી અને ત્યાં જ પપ્પાની નાનપણમાં શીખવાડેલી વાત યાદ આવી ગઈ.

એક દિવસ એણે દૂધ માગ્યું અને એ રમવા ચડી ગયો. મમ્મીએ બે વખત સામે પડેલા ગ્લાસમાં રહેલું પાણી ખાલી કરવાનું કહ્યું, પણ રમવામાં એણે સાંભળ્યું નહીં. તરત જ પપ્પાએ મમ્મીના હાથમાંથી તપેલી લઈને પાણી ભરેલા ગ્લાસમાં જ દૂધ રેડવાનું શરૂ કર્યું. જગ્યા જેટલી હતી એટલું દૂધ પાણી સાથે મિક્સ થયું અને પછી ઊભરાવા લાગ્યું. નાનકડા સંજયે પણ એ જોયું કે ગ્લાસ ભરેલો હતો તોય પપ્પા દૂધ રેડે જતા હતા અને એ બહાર પડી રહ્યું હતું. અને આખરે પપ્પાએ સમજાવ્યું કે કશું ભરવું હોય તો પહેલાં પાત્ર ખાલી કરવું પડે.

અચાનક આજે એ વાતનો ખરો અર્થ એ સમજયો. એણે બૂમ પાડી ભગવાનને ઊભા રહેવા કહ્યું. જેવું સ્કૂટર ઊભું રહ્યું એ આગળ આવીને ભગવાનનાં ચરણોમાં બેસી પડ્યો. એણે કહ્યું કે મારી બધી સમજણ બાજુમાં મૂકીને સાવ ખાલી થઈને હું હવે તમને સમજવા તૈયાર છુ. બોલો સમજાવશો ને?

એક આંગળીમાં કિચેન ભરવીને હલાવતાં કેશવે પૂછ્યું, હું તો સઘળું સમજાવીશ, પણ મારું કહેલું પાળીશ?

આ પણ વાંચો : ઈશ્વરોલૉજી - પ્રકરણ - 11

પાછળ રહેલા મંદિરની દીવાલ ઉપર ગીતાદર્શનનું મોટું દીવાલચિત્ર હતું. બસ ત્યાં જ રથની આગળ પીળું સ્કૂટર ઊભું હતું. પરંપરાગત વસ્ત્રો અને મુગટ સાથે એક હાથ ઊંચો કરીને ઊભેલા શ્રીકૃષ્ણના ચિત્રની બરોબર આગળ અરધી બાંયનું ખમીસ અને હેલ્મેટ પહેરીને એક હાથ ઊંચો કરેલા ઈશ્વરભાઈ લક્ષ્મીપ્રસાદ ગગનવાસી હતા અને સામે જમીન પર અરધો પગ વાળીને સંજય બેઠો હતો.

જાણે ચિત્રમાં રહેલા અર્જુન અને રસ્તા પર રહેલા સંજયના મનમાં એક જ શબ્દો હતા.

Whatsapp-channel Whatsapp-channel

30 June, 2019 10:04 AM IST | મુંબઈ ડેસ્ક | નવલકથા - ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK