Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તો તમે સાક્ષર છો એમ?

તો તમે સાક્ષર છો એમ?

08 September, 2019 02:53 PM IST | મુંબઈ
રુચિતા શાહ

તો તમે સાક્ષર છો એમ?

ગુણવંત શાહ

ગુણવંત શાહ


કોઈ વ્યક્તિ ભણવાના પોતાના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે અને અક્ષરજ્ઞાન પામે એવા વૈશ્વિક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સાક્ષરતા અભિયાન દ્વારા ભારત સરકારની કોશિશ બાદ અત્યારે લગભગ પોણા ભાગના ભારતીયો સાક્ષરતાની કૅટેગરીમાં આવે છે એવું આંકડા કહે છે. આજે ઇન્ફર્મેશનના યુગમાં લખ્યા વિના પણ માહિતીનો ઢગલો મળી જતો હોય ત્યારે લિટરેટ હોવું એટલે શું એ વિશે ‘ઇન્ટરનૅશનલ લિટરસી ડે’ નિમિત્તે વાત કરીએ કેટલાક દિગ્ગજો સાથે

મેં પીએચડી થયેલા અભણોને જોયા છે, પુસ્તકો ન વાંચતા હોય તેને કેમ કરી સાક્ષર કહેવાય?



મારી દૃષ્ટિએ સાક્ષર માણસ પણ જો પુસ્તક ન વાંચે તો એ અભણ છે. મેં અભણ એન્જિનિયર, અભણ ડૉક્ટરો અને અભણ પીએચડી થયેલાઓને જોયા છે; જેમણે અભ્યાસ પૂરો કર્યા પછી ફરી પાછું પોતાના હાથમાં પુસ્તક નથી લીધું. અક્ષરજ્ઞાન એ સાક્ષરતાની નિશાની હોઈ શકે, પરંતુ એ સાક્ષરતાની પૂર્ણ વ્યાખ્યા નથી, કારણ કે સાક્ષર માણસ બળાત્કાર ન કરી શકે, સાક્ષર માણસ ભિન્ન મત આવતાં આક્રમક ન બને અને એની સાથે દુશ્મનાવટ પર ન ઊતરી આવે. મેં એવા લોકો જોયા છે જેઓ હું મોદીની તરફેણમાં લખું તો રઘવાયા બની જાય છે. આવું કરનારને તમે કેમ સાક્ષર કહો? સાક્ષર વ્યક્તિ અન્યના જુદા મતને પચાવવાની ક્ષમતા રાખતો હોય, સાક્ષર માણસ પોતાનાથી નીચા સ્તરે કામ કરી રહેલા લોકો સાથે અસભ્ય ન હોય. મેં ઘણાં એવાં ઘર જોયાં છે જ્યાં ૬૦ વર્ષની કામવાળીનું નામ જો રામી હોય તો તેનાથી અડધી ઉંમરના લોકો તેને રામી કહીને બોલાવતા હોય. આવું ન હોય, તેને રામી નહીં, માસી કહીને બોલાવાય એટલી સમજ સાક્ષર લોકોમાં હોય અને તેમણે પોતાનાં સંતાનોને પણ આ સમજ આપેલી હોય. મને યાદ છે કે એક વાર વિનોબા ભાવેએ સર્વોદય સંમેલનમાં ભણેલાગણેલા લોકો ક્યારેય અવિવેકી ન હોય એવું કહેલું.


- ગુણવંત શાહ, ‌ચિંતક

swaroop


તમે ખૂબ ભણ્યા એટલે જ તમે લિટરેટ થઈ ગયા એવું કહેવું એ મારી દૃષ્ટિએ મૂર્ખામી સિવાય બીજું કાંઈ નથી

અત્યારના યુગમાં લિટરસીની વ્યાખ્યાને બદલવાની સખત જરૂર છે. ગૂગલ પર એક ક્લિકથી તમને સર્જરી કેમ કરાય એની પણ માહિતી મળી જાય છે, પરંતુ એ જાણીને તમે કોઈની સર્જરી કરવા માંડો તો? કેમ, તમને વાંચતાં આવડે છે, તમે વિડિયો જોઈ રહ્યા છો અને તમને અક્ષરજ્ઞાન છે, પરંતુ વિડિયોમાં જોઈને સર્જરી કરવા સુધીની દિશામાં આગળ ન વધાય એટલી બેઝિક સમજ હોય એ સાક્ષરતાની નિશાની છે. આજે સાક્ષરતા એટલે તમારી વિચારશીલતા, તમારી રિફ્લેક્ટિવનેસ. તમારી પાસે રહેલા માહિતીના ઢગલામાં શું સારું અને શું ખરાબ છે એના પ્રત્યેની તમારી સભાનતા એ સાક્ષરતાની નિશાની છે. ખોટી અફવાઓનો પ્રચાર કે પ્રસાર ન કરવો, ખોટી માહિતીઓને પ્રમોટ ન કરવી એવી કૉમન સેન્સ સાક્ષરતા છે. ઇન ફૅક્ટ, અત્યારે આપણે ત્યાંની શિક્ષણ પદ્ધતિ પણ ટેરિબલ છે. આપણે ત્યાં ફીલ ઇન ધ બ્રેઇન્સથી શિક્ષણ ચાલે છે. માત્ર ઇન્ફર્મેશન, ઇન્ફર્મેશન અને ઇન્ફર્મેશન. વિઝ્‍ડમ ક્યાં છે? જે શિક્ષણ તમને સારી વ્યક્તિ બનવામાં મદદ ન કરવાનું હોય એનો અર્થ શું? કોઈ પણ નૉલેજ તમારું, તમારા સમાજનું, તમારા દેશનું અપલિફ્ટમેન્ટ ન કરે એને કઈ રીતે નૉલેજ કહેવાય? મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને માહિતીનો યોગ્ય ઉપયોગ કરવાની સભાનતા એ જ છે લિટરેટ હોવાની નિશાની.

- સ્વરૂપ સંપટ, અભિનેત્રી અને શિક્ષણક્ષેત્રે સક્રિય ચળવળકાર

pravin-solanki

જે વિચારનો, શબ્દનો વિસ્તાર કરી શકે, એના પર વિવેચન કરી શકે એને સાક્ષર કહેવાય

અક્ષરની ઓળખાણ સાક્ષરતાનો માપદંડ નથી. એ અક્ષરજ્ઞાન હોઈ શકે, પરંતુ સાક્ષરતા તો નથી જ. જે વ્યક્તિ શબ્દને બ્રહ્મ સમજીને એનું પૃથક્કરણ કરી શકે, એનું અનુસરણ કરી શકે એ જ સાક્ષર છે. અક્ષરજ્ઞાન જુદી બાબત છે. માહિતી હોય એ પણ સાક્ષરતા નથી. તમે માહિતગાર છો એમ કહી શકાય, પરંતુ ઉપલબ્ધ માહિતી પર વિચાર કરી શકે, એનો વિસ્તાર કરી શકે એ સાક્ષર છે. આમ તો મેં ભણેલાગણેલા અભણ જોયા છે. ફરી એક વાર કહું છું કે અક્ષરજ્ઞાનને તમારી સાક્ષરતા સાથે કશુંયે લાગતુંવળગતું નથી એવો મારો પ્રબળ મત છે. હું મારી જ વાત કરુંને, હા હું લેખક છું. વ્યાવસાયિક લેખક છતાં હું પણ સંપૂર્ણ સાક્ષર છું એવું કહી શકતો નથી. નાટકની સમજ હોવી એ સાક્ષરતા નથી. આપણે ત્યાં વર્ષો પહેલાં વિવેચકો સાક્ષર ગણાતા હતા. કોઈ કૃતિ કે પુસ્તકનું વિવેચન કરે એ ખરા સાક્ષરતાની યાદીમાં આવતા. આજે તો જે વ્યક્તિ અક્ષરજ્ઞાનનો ઉપયોગ નથી કરી શકતો તેની સાક્ષરતા નિરર્થક છે. ગોવર્ધનરામ ત્રિપાઠી સાક્ષર કહેવાય, પરંતુ પન્નાલાલ પટેલને નવલકથાકાર જ કહેવા પડે. મારી દૃષ્ટિએ સાક્ષરતાની વ્યાખ્યા ખૂબ વિસ્તૃત અને વ્યાપ્ત છે.

- પ્રવીણ સોલંકી, નાટ્યલેખક

maharaj

લગભગ બે વર્ષ પહેલાંની વાત છે. હું પાલિતાણામાં હતો. નજીકમાં જ સાક્ષરતા અભિયાન અંતર્ગત એક સભા યોજાયેલી. સભાને સંબોધન કરી રહેલા વક્તા બોલ્યા કે જો તમે ભણેલા હશો તો તમને ૧૦૦ રૂપિયાના ચલણપેપર પર અંગૂઠો મરાવીને ૫૦,૦૦૦ રૂપિયા મજૂરી આપતા લોકો સંકોચાશે. તમને વાંચતાં આવડતું હશે તો તમારી સાથે કોઈ છેતરપિંડી નહીં કરી શકે. સભા પૂરી થયા પછી એ ભાઈને મળવાનું થયું. મેં તેમને તેમના સંબોધન વિશે પૂછ્યું, તો તેઓ કહે, ‘કેમ, સાહેબ, કંઈ ખોટું બોલ્યા, ભણેલા હોય તો કોઈ છેતરી તો ન શકેને?’ મેં કહ્યું, ‘વાત તો તમારી સાચી છે, પરંતુ તમે મને એ કહો કે એ અભણોને છેતરવાનું કામ કરી રહેલા લોકો પણ ભણેલા જ છેને? ભણતર પામ્યા પછીયે તેઓ કામ તો છેતરવાનું જ કરી રહ્યા છે.’ સાક્ષરતા અભિયાનની સાથે આ એક મહત્ત્વના મુદ્દા તરફ ભયંકર દુર્લક્ષ સેવાયું છે. સાક્ષરતા સાથે સંસ્કારિતા અને મૂલ્યનિષ્ઠા પણ ફાઉન્ડેશનમાં મળે એવા પ્રયત્ન ભાગ્યે જ થયા છે. સંસ્કાર વિનાની સાક્ષરતા સાકર વિનાના દૂધ જેવી છે. કારકિર્દી ટૉપ પર હશે, પણ કૅરેક્ટરની વાત નહીં હોય તો એ સાક્ષરતા નહીં કહેવાય. આજે ૧૦૦ ટકા સાક્ષર ગણાતા કેરળમાં શું કામ આપઘાતના બનાવો બને છે. સાક્ષરતા એટલે સંજોગોને પહોંચી વળવાની, ખમવાની ક્ષમતા. સંજોગોમાં અડીખમ રહેવાની ક્ષમતા. આજે જે શિક્ષણ-વ્યવસ્થા છે એમાં તમે સાક્ષરતા તરફ સમાજને વાળી રહ્યા છો એવું કેવી રીતે કહી શકાય? ઘડો નિંભાડામાં તૈયાર થયા બાદ આગમાં બરાબર તપે પછી જ બજારમાં વેચાવા જાય છે. કયા કુંભારે સીધો નિંભાડામાંથી જ ઘડાને બહાર બજારમાં મૂક્યો છે? એ ઘડો ટકે ખરો? આજની શિક્ષણ-વ્યવસ્થા સાક્ષરતાની આ સામાન્ય કસોટીમાં પણ ખરી નથી ઊતરી રહી. જો ઊતરતી હોત તો દર વર્ષે સેંકડો વિદ્યાર્થીઓ આપઘાત ન કરતા હોત. યાદ રહે, બિફોર ટાઇમ દુઃખ મળે તો માણસ વધુ મજબૂત થઈને બહાર આવે છે. પાંચ વર્ષની ઉંમરે મેં મારી માતાને ગુમાવી હતી અને એ દુખદ ઘટનાએ મને વધુ બહેતર જ બનાવ્યો. આજના ‌વિદ્યાર્થીઓને બિફોર ટાઇમ દુનિયાભરનાં સુખ મળી ગયાં છે તે ક્યાંથી સામાન્ય દુખને પણ પચાવી જાણે.

આ પણ વાંચો : મૉડર્ન લાઇફસ્ટાઇલના નામે યુવાનોના હાથમાં પિસ્તોલ પકડાવી દેનારા આ દેશો હવે પેટ ભરીને પસ્તાય છે

શિક્ષણમાં ત્રણ મહત્ત્વના મુદ્દા છે; ટીચિંગ, ટચિંગ અને ટર્નિંગ. આજે માત્ર ટીચ‌િંગ જ થાય છે. ટચિંગ એટલે કે ભણતરની એકેય બાબત સ્પર્શતી તો છે જ નહીં એટલે જીવનમાં ટર્નિંગ આવવાનો તો પ્રશ્ન જ નથી રહેતો. સંસ્કૃતમાં કહેવાય છે કે સાક્ષરતા વિપરીત થાય તો રાક્ષસરૂપી બને છે. આજે એ જ થઈ રહ્યું છે. ચારિત્ર્યની મૂડી વિનાની સાક્ષરતાનો જ પ્રચાર થતો રહ્યો તો આપણે રાક્ષસો જ પેદા કરવાના છીએ એ વાત ન ભુલાય.

- પદ‍્મભૂષણ આચાર્યશ્રી રત્નસુંદર સૂરિશ્વરજી મ.સા

Whatsapp-channel Whatsapp-channel

08 September, 2019 02:53 PM IST | મુંબઈ | રુચિતા શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK