Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નાની વયે યુવાનોના હાથમાં બંદૂક પકડાવી દેનારા આ દેશો હવે પસ્તાય છે

નાની વયે યુવાનોના હાથમાં બંદૂક પકડાવી દેનારા આ દેશો હવે પસ્તાય છે

08 September, 2019 02:42 PM IST | મુંબઈ
વર્ષા ચિતલિયા

નાની વયે યુવાનોના હાથમાં બંદૂક પકડાવી દેનારા આ દેશો હવે પસ્તાય છે

પિસ્તોલ

પિસ્તોલ


વૈશ્વિક મહાસત્તા અમેરિકાનાં ચાળીસ ટકા ઘરોમાં એક કરતાં વધુ હથિયારો છે તો ન્યુ ઝીલૅન્ડ જેવા ઓછી વસ્તી ધરાવતા દેશમાં દર ચોથી વ્યક્તિ પોતાની પાસે હથિયાર રાખે છે. સામૂહિક હત્યાકાંડની ઘટનાઓથી અત્યારે આખી દુનિયા ત્રાહિમામ્ પોકારી ગઈ છે અને ગન કલ્ચરને લઈને હોબાળો મચ્યો છે ત્યારે જાણી લો કે ખાનગી હથિયારની પરવાનગીને લગતા સૌથી કડક અને શ્રેષ્ઠ કાયદા ભારતમાં છે.

આખી દુનિયા અત્યારે આતંકવાદ નામના બૉમ્બ પર બેઠી છે. ડ્રગ્સના રવાડે ચડી યુવાનો નાસીપાસ થઈ રહ્યા છે. બેરોજગારી અને મંદીએ લોકોની ઊંઘ ઉડાડી દીધી છે. એવામાં ખાનગી માલિકીના હથિયારના દુરુપયોગથી સામૂહિક હત્યાકાંડના વધી રહેલા બનાવોએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. અમેરિકાની નોન પ્રોફિટ સંસ્થા ગન વાયોલન્સ આર્કાઇવ (જીવીએ)ના ડેટા પ્રમાણે વર્ષ ૨૦૧૯માં વિશ્વમાં કુલ ૩૭,૬૬૨ માસ શૂટિંગ થયાં છે, જેમાં ૯,૯૩૨ લોકો મૃત્યુ પામ્યા છે અને ૧૯,૮૬૮ લોકો ઘાયલ થયા છે. જીવીએના રિપોર્ટ અનુસાર પહેલી સપ્ટેમ્બર (આ વર્ષનો ૨૪૪મો દિવસ) સુધીમાં એકલા યુનાઇટેડ સ્ટેટ્સમાં ઘટેલી ૨૮૩ સામૂહિક ગોળીબારની ઘટનાઓમાં ૨૭૫થી વધુ લોકો માર્યા ગયા છે અને ૯૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાઓથી ફરી એક વાર હથિયારની માલિકી અને નિયંત્રણને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે.



ગન કલ્ચરને લઈને આખી દુનિયામાં અત્યારે જે હોબાળો મચ્યો છે, એ વિકાસની કાળી બાજુ દર્શાવે છે. ખાનગી માલિકીના હથિયાર વડે સામૂહિક હત્યાકાંડની ઘટનાઓ પર એક નજર નાખીએ તો વિકસિત દેશોનો દર ઘણો ઊંચો છે. મોડર્ન લાઇફસ્ટાઇલ, ફ્રીડમ અને ડેવલપમેન્ટના નામે યુવાનોના હાથમાં રિવૉલ્વર પકડાવી દેનારા દેશોની સરકારના પેટમાં હવે ફાળ પડી છે. ગન કલ્ચર વિરુદ્ધ નાગરિકોનો આક્રોશ વધતાં અમેરિકાની જ નહીં વિશ્વના અનેક દેશોની સરકારને હથિયારની પરવાનગીને લગતા કાયદાને નિયંત્રિત કરવાની ફરજ પડી છે. હથિયારની માલિકી અને નિયંત્રણને લગતા કાયદાઓ, વૈશ્વિક આંકડાઓ, સરકારી પ્રયાસો અને આ ચાર્ટ પર ભારત ક્યાં છે એ જોઈએ.


યુનાઇટેડ સ્ટેટ્સ

બીજા વિશ્વ યુદ્ધ બાદ સૌથી વધુ માસ શૂટિંગની ઘટનાઓ અમેરિકામાં ઘટી છે. દર વર્ષે દુનિયામાં ઘટતી આવી ઘટનાઓમાંથી ૩૧ ટકા અમેરિકામાં બને છે. સાયન્સ, ફૅશન, બિઝનેસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પોતાને નંબર વન ગણતા અને આખી દુનિયાના દેશોનું નાક દબાવવામાં ગર્વ અનુભવતા અમેરિકાએ વિશ્વને ગન કલ્ચરનો વારસો આપ્યો છે. વિશ્વના અન્ય દેશની તુલનામાં આ દેશના સામાન્ય નાગરિકો સૌથી વધુ હથિયાર ધરાવે છે. બીબીસી ન્યૂઝના રિપોર્ટ અનુસાર અમેરિકામાં ચાળીસ ટકા લોકોના ઘરમાં એક કરતાં વધુ હથિયાર છે.


અમેરિકામાં નેશનલ ફાયર આર્મ્સ એક્ટનો સૌપ્રથમ કાયદો ૨૬ જૂન, ૧૯૩૪ના દિવસે પસાર કરવામાં આવ્યો હતો. ખાટલે મોટી ખોડ એ છે કે આ દેશનાં અલગ અલગ રાજ્યોમાં હથિયાર રાખવાના કાયદા પણ પાછા જુદા છે. વ્યક્તિગત સ્વતંત્રતા અને વિકાસના નામ પર ગૂંચવાઈ જવાય એવા કાયદા ધરાવતા યુનાઇટેડ સ્ટેટ્સમાં ગન કલ્ચરને કન્ટ્રૉલમાં કરવા ટ્રમ્પ સરકાર પર દબાણ વધતું જાય છે. નાગરિકોનો અવાજ બુલંદ બનતાં હવે વિશ્વની મહાસત્તાનો શ્વાસ રુંધાયો છે. આજે એના જ દેશના ૧૮થી ૨૯ વર્ષની વયના પંચોતેર ટકા યુવાનોએ હથિયાર પર પ્રતિબંધ મૂકવા સરકાર સામે મોરચો માંડ્યો છે. વહેલી તકે સરકાર કડક કાયદા નહીં બનાવે તો લોકોનો રોષ વહોરવો પડશે એવી સ્થિતિ ઊભી થઈ છે.

યુરોપ

આજથી થોડાં વર્ષ પહેલાં ગન કલ્ચરમાં અમેરિકા નહીં પણ યુરોપના દેશો આગળ હતા. પ્રાપ્ત માહિતી મુજબ ખાનગી હથિયારના દુરુપયોગના કારણે યુરોપમાં છેલ્લા એક દાયકામાં ૮૭ હજાર નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. ૨૦૧૫માં પેરિસમાં થયેલા ઘાતકી હુમલા બાદ અહીંની સરકારે રાઇફલ્સમાં ૧૧ અને પિસ્તોલમાં ૨૧ રાઉન્ડથી વધુ પર પ્રતિબંધ મૂક્યો છે. હાલમાં યુરોપિયન યુનિયનના પાંચ અબજ તેર કરોડની વસ્તી સામે અંદાજે આઠ કરોડ હથિયારો છે. યુરોપના મોન્ટેનેગ્રોમાં સૌથી વધુ (દર સો વ્યક્તિએ ૩૯.૧) બંદુક છે જ્યારે રશિયા, જર્મની અને ફ્રાન્સમાં દર સો નાગરિકોએ ૧૫થી ૧૭ જણ પાસે પોતાની માલિકીનાં ખાનગી હથિયાર છે. આ દેશોમાં શિકારની પરવાનગી હોવાથી હથિયાર રાખવાનો ટ્રેન્ડ છે. યુરોપ બહારના દેશોમાં આ આંકડો નવ કરોડ જેટલો અંદાજવામાં આવ્યો છે.

gun-01

૧૪ એપ્રિલ, ૧૮૬૫માં શૂટર જૉહ્‌ન વિલ્કિસ બુથે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની હત્યા માટે ઉપયોગમાં લીધેલી માત્ર છ ઇંચની ડેરિંગર ગનને ફોર્ડ્સ થિયેટરની નેશનલ હિસ્ટોરિક સાઇટ પર સાચવીને રાખવામાં આવી છે. એ વખતે આ ગનની કિંમત માત્ર પચીસ ડૉલર (અત્યારના અંદાજે ૧૮૦૦ રૂપિયા) હતી. આ રક્તરંજિત ગનની કિંમત અમૂલ્ય આંકવામાં આવી છે. કહે છે કે જો એને વેચાણમાં મૂકવામાં આવે તો કરોડો રૂપિયા ઊપજે એમ છે, પરંતુ એને ક્યારેય વેચાણમાં મૂકવામાં આવે એવી શક્યતા નહિવત્ છે.

યુનાઇટેડ કિંગ્ડમ

યુકેમાં ગન કલ્ચરનો ઇતિહાસ ઘણો જૂનો છે. શરૂઆતમાં અહીંના લોકો મનોરંજનના હેતુથી ખાનગી હથિયાર રાખતા હતા. ધીમેધીમે હથિયારોનો આખો ઉદ્યોગ ધમધમવા લાગ્યો. શૂટિંગ અને સેલ્ફ ડિફેન્સના નામે ખાનગી હથિયાર રાખવું જાણે કે ફૅશન બની ગઈ! લોકો એકબીજાને હથિયારની ભેટ પણ આપતા હતા. કાયદા એટલા સરળ હતા કે બંદુક પર પ્રતિબંધના વિરોધીઓ યુકેનો દાખલો આપતા. છેલ્લાં થોડાં વર્ષોમાં ઇંગ્લૅન્ડમાં હથિયાર સંબંધિત ગુનામાં વધારો થતાં સરકારે ‘ગન ક્રાઇમ ફ્રી યુકે’ પહેલ શરૂ કરી છે. જોકે, આજે પણ અનેક નાગરિકો હથિયાર રાખવાની તરફેણ કરી રહ્યા છે.

ઇઝરાયલ

આ દેશમાં મિલિટ્રી તાલીમ ફરજિયાત હોવાથી નાગરિકો પાસે બંદૂક હોવી, એ નવાઈ નથી. ઇઝરાયલમાં અઢાર વર્ષથી ઉપરની વયના દરેક નાગરિકને બાકાયદા પિસ્તોલ ચલાવવાની તાલીમ આપવામાં આવે છે. અહીંના નાગરિકો કાયદાને આધીન હથિયારનો ઉપયોગ કરવામાં માને છે, તેથી હથિયારનો દુરુપયોગ થવાની ઘટના ભાગ્યે જ બને છે. સશસ્ત્રદળમાં સેવા આપ્યા બાદ હથિયાર રાખવા સરકારી નોંધણી કરાવવાનો કાયદો પણ અમલમાં છે. સરકાર માત્ર ઈઝરાયલના નાગરિક અને હિબ્રુ ભાષાના જાણકારને જ ખાનગી હથિયાર રાખવાની પરવાનગી આપે છે.

ન્યુ ઝીલૅન્ડ

અત્યારના માહોલમાં ‘જાગ્યા ત્યારથી સવાર’ ઉક્તિ પ્રમાણે આ દિશામાં સૌથી પહેલો ડગ ન્યુ ઝીલૅન્ડની સરકારે માંડ્યો છે. ક્રાઇસ્ટ ચર્ચની મસ્જિદમાં થયેલા અંધાધૂંધ ગોળીબાર બાદ હચમચી ગયેલી ન્યુ ઝીલૅન્ડની સરકારે આ ઘટનાના ટૂંકા ગાળામાં જ મિલિટ્રી સ્ટાઇલ હથિયારો અને રાઇફલના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. થોડા સમય પહેલાં સરકારે ‘ગન બાય બેક’ નામની અનોખી સ્કિમ શરૂ કરી છે. હથિયાર પરત આપનારને ન્યુ ઝીલૅન્ડ સરકાર ૨૫થી ૭૫ ટકા રકમ ચૂકવે છે. આ ઝુંબેશને નાગરિકોનો પ્રતિસાદ મળતાં પચાસ દિવસમાં ૧૨ હજારથી વધુ હથિયારો પરત મેળવવામાં સરકારને સફળતા મળી છે, જેમાંથી આશરે ૧૧ હજાર હથિયારો પ્રતિબંધિત શ્રેણીનાં છે. અનેક બંદુકોની કિંમત સાત લાખથી સિત્તેર લાખ અંદાજવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે નાગરિકો પાસે કેટલાં હથિયાર છે, એના ચોક્કસ આંકડા સરકારી રેકોર્ડમાં પણ નથી. ન્યુ ઝીલૅન્ડની ૪૭.૯ લાખની વસ્તીમાં ૧૨ લાખ હથિયાર હોવાનો અંદાજ સરકારે લગાવ્યો છે. એનો અર્થ, આ દેશમાં દર ચોથી વ્યક્તિ બંદૂક ધરાવે છે. જોકે, નાગરિકો સ્વેચ્છાએ હથિયાર પાછા આપવા તૈયાર થતાં ટૂંક સમયમાં ચોક્કસ આંકડો સામે આવશે, એવી સરકારને અપેક્ષા છે. આ સિવાય ન્યુ ઝીલૅન્ડ ફરવા આવતા વિદેશી સહેલાણીઓ માટે પણ ગનની ખરીદી પર પ્રતિબંધ મૂકવાનો વિચાર કર્યો છે.

ભારત

ગન કલ્ચરમાં દુનિયાની પરિસ્થિતિ વિશે આપણે જોયું. આ ચાર્ટ પર આપણો દેશ ક્યાં છે એ જાણી લો. સ્મોલ આર્મ્સ એક્ટ સરવે, ૨૦૧૮ના અહેવાલ અનુસાર વૈશ્વિક વસ્તીનો માત્ર ચાર ટકા હિસ્સો ધરાવતા અમેરિકામાં ખાનગી માલિકીના વૈશ્વિક હથિયારનો ૪૬ ટકા જથ્થો છે જ્યારે ૧.૩ અબજથી વધુ વસ્તી ધરાવતા ભારતમાં ખાનગી માલિકીના હથિયારની સંખ્યા સાત કરોડ જેટલી છે. ભારતમાં હથિયાર રાખવા માટેના સૌથી કડક અને શ્રેષ્ઠ કાયદા પહેલેથી જ અસ્તિત્વમાં છે. આર્મ્સ એક્ટ, ૧૯૫૯ મુજબ ભારતમાં લાઇસન્સ વગર હથિયારના વેચાણ અને ખરીદી પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. ઉલ્લેખનીય છે કે આપણા દેશમાં સામાન્ય નાગરિકો માટે બંદુક ધરાવવી મુશ્કેલ છે. બંધારણીય આટીઘૂંટીના કારણે બંદૂકનો પરવાનો મેળવવામાં વર્ષો નીકળી જાય છે. હાઈ રેન્કિંગ ગવર્મેન્ટ ઑફિસર, ડિફેન્સ ઑફિસર અને સિલેક્ટેડ પ્રોફેશનલ શૂટર્સને નોન પ્રોહિબિટેડ બોર (એનપીબી) કૅટેગરી હેઠળ નાનાં હથિયાર રાખવાની પરવાનગી આપવામાં આવે છે તેમ જ દર ત્રણ વર્ષે લાઇસન્સ રિન્યુ કરાવવું ફરજિયાત છે.

સેલ્ફ ડિફેન્સ, ક્રોપ (ખેતીવાડી) પ્રોટેક્શન અને સ્પોર્ટ્સ, આ ત્રણ કૅટેગરીમાં જ સામાન્ય વ્યક્તિ લાઇસન્સ માટે અરજી કરી શકે છે. અરજદારે ત્રણ વર્ષના ઇન્કમટેક્સ રિટર્ન, એજ્યુકેશનલ સર્ટિફિકેટ્સ અને જન્મનો તેમ જ રહેવાસીનો દાખલો રજૂ કરવા ઉપરાંત લોકલ પોલીસ વેરિફિકેશન, નાર્કોટિક્સ ટેસ્ટ, મેન્ટલ ફિટનેસ, એમ અનેક તબક્કામાંથી પસાર થવું પડે છે. હન્ટિંગ, પેસ્ટ કંટ્રોલ, રિક્રિએશનલ શૂટિંગ અને કોમ્પિટિટિવ સ્પોર્ટ્સમાં વપરાતી ઍર ગન માટે પણ આપણા દેશમાં લાઇસન્સ અને તાલીમ અનિવાર્ય છે. વૈશ્વિક આંકડા સામે આવ્યા બાદ સરકાર સમકાલીન કાયદાને હજી વધુ કડક બનાવવાનું વિચારી રહી છે.

આ પણ વાંચો : મિશન ઇસરોઃ પોણાચાર લાખ કિલોમીટર હેમખેમ અને છેલ્લાં બે ‌કિલોમીટરમાં શ્વાસ છૂટ્યો

જોકે, કેટલાંક રાજ્યોમાં હથિયારના ગેરકાયદે વેપારને ડામવા સરકાર સામે ઘણી અડચણો છે. આપણા દેશમાં છૂટકછૂટક ઘટનાઓ બનતી રહે છે. તેમ છતાં ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક ક્ષેત્રે ઝડપથી હરણફાળ ભરી રહેલા તેમ જ વિશ્વમાં યુવાનોની સૌથી વધુ સંખ્યા ધરાવતા ભારતમાં હથિયાર નિયંત્રણ માટેના કડક કાયદાની વિકસિત દેશોની સરકાર અને નાગરિકોએ ગંભીરતાથી નોંધ લીધી છે. અનેક દેશો ભારત જેવા કાયદા અમલી બનાવવાની દિશામાં વિચારી રહ્યા છે, એ બતાવે છે કે હથિયાર નિયંત્રણમાં પારદર્શિતા લાવવા, ગેરકાયદે વેપારને અટકાવવા તેમ જ યુવાધનના સંરક્ષણ માટે ભારતનો હેતુ સ્પષ્ટ છે.

Whatsapp-channel Whatsapp-channel

08 September, 2019 02:42 PM IST | મુંબઈ | વર્ષા ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK