Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સ્ટ્રેસ સિચુએશન છે, બીમારી નહીં

સ્ટ્રેસ સિચુએશન છે, બીમારી નહીં

19 July, 2020 10:40 PM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

સ્ટ્રેસ સિચુએશન છે, બીમારી નહીં

સ્ટ્રેસ સિચુએશન છે, બીમારી નહીં


ટેન્શન, ઓવર થિન્કિંગ, કામમાં સૅટિસ્ફૅક્શન ન મળવું, ટ્રાફિક જૅમમાં ફસાઈ જવું અને પછી એને લીધે કામ પર મોડું પહોંચવું, ગમતું હોય એ કામ કરવા ન મળે અને મળે એ કામમાં જરા પણ ખબર ન પડતી હોય, મનમાં ઘમસાણ ચાલતું હોય, પણ એ કહેવાની હિંમત ન હોય અને હિંમત હોય તો સંબંધો તૂટવાની બીક લાગતી હોય એટલે કહેવાનું ટાળી દેવામાં આવતું હોય. આવી અને આ પ્રકારની સિચુએશન વચ્ચે મનમાં જે જન્મે એનું નામ સ્ટ્રેસ. સ્ટ્રેસ આવે છે અને પછી એ પોતાનું કામ જાતે જ શરૂ કરી દે છે. સ્ટ્રેસ આવીને તમારું કામ બગાડવાનું શરૂ કરે છે, કામની સાથોસાથ એ તમારા શરીર પર પણ અસર કરવાનું શરૂ કરે છે અને પછી એ તમારું બધું બગાડવાનું શરૂ કરી દે છે.

આજના સમયમાં સ્ટ્રેસ બધાને છે, નાનામાં નાના માણસથી માંડીને મોટામાં મોટી વ્યક્તિને પણ સ્ટ્રેસની અસર છે. યંગસ્ટર્સને પણ છે અને વડીલોને પણ છે, પરંતુ એ બધાને કેવી વાતમાં અને કેવા કારણસર હોય છે એ જોવા જેવું છે.



ધારો કે તમારે કોઈ જગ્યાએ પહોંચવાનું છે અને તમે ઘરેથી સમયસર નીકળી પણ ગયા છો. એકદમ વ્યવસ્થિત તૈયાર થયા છો અને પરફ્યુમ પણ લગાવી લીધું છે અને તમારો મૂડ પણ એ બધાને લીધે એકદમ સરસ છે. તમે બિલ્ડિંગમાંથી પાર્કિંગમાં આવ્યા અને હવે તમે બાઇક સ્ટાર્ટ કરો છો. બાઇક સાથે તમે બહાર આવ્યા, માંડ સો-બસ્સો ફુટ આગળ ગયા હશો ત્યાં તમારી બાઇકમાં પંક્ચર પડે છે. તમે આરામથી બાઇક પાર્ક કરીને મૂડ બગાડ્યા વગર રિક્ષા કે ટૅક્સી શોધો છો, મળતી જ નથી, મળતી જ નથી, મળતી જ નથી. થોડી વારમાં તમે ઇર્રિટેટ થવાના શરૂ થાઓ છો અને ત્યાં તમને ટૅક્સી મળી જાય છે અને તમે તમારી મંઝિલ પર આગળ નીકળો છો. તમે આરામથી ટૅક્સીમાં બેઠા છો અને સામેવાળી વ્યક્તિને જેને તમે મળવા જાઓ છો તેને મેસેજ કરો છો અને કહો છો કે આવું બન્યું એટલે મને આવતાં પાંચેક મિનિટ મોડું થશે. તમે મેસેજ મોકલ્યો એની બીજી જ સેકન્ડે તમારી ટૅક્સી ટ્રાફિકમાં ફસાઈ જાય છે અને આટલું ઓછું હોય એમ કીડીની ગતિથી આગળ વધતા ટ્રાફિકને અટકાવવાનું કામ હવે વરસાદ કરે છે. ધોધમાર વરસાદ ચાલુ થઈ જાય છે. તમે નથી ટૅક્સી છોડી શકતા કે ન તો તમે ટૅક્સીમાં ચેનથી બેસી શકતા. જો બેઠા રહો તો મોડું થવાનું છે અને જો બહાર નીકળો તો વરસાદ તમને રોકવાનો છે. સમય પસાર થતો જાય છે અને પરસેવો હવે તમારા પરફ્યુમને દબાવવાનું કામ કરે છે. સવારે ઘરેથી નીકળતી વખતે જે કપડાં પહેર્યાં હતાં એ કપડાં એકદમ ઇસ્ત્રી-ટાઇટ હતાં, પણ હવે પરસેવાને લીધે મહોતા જેવાં થઈ ગયાં છે.


તમારો હવે કોઈ મૂડ રહ્યો નથી. કોઈને મળવા જવાની ઇચ્છા હવે તમને રહી નથી. મન થાય છે કે જલદીથી પાછો ઘરે ચાલ્યો જાઉં. મનમાંથી એક જ અવાજ નીકળ્યા કરે છે કે મારાં નસીબ જ ખરાબ છે અને આ ખરાબ નસીબને લીધે જ આમ થયું છે. બસ, આ જે અવાજ આવે છે એ છે સ્ટ્રેસ. ધાર્યાં કામ ન થાય ત્યારે શરૂઆતમાં માણસ ઇરિટેટ થાય અને પછી આવે છે સ્ટ્રેસનો તબક્કો. સ્ટ્રેસ અનેક પ્રકારનાં છે. ઘણી વાર કામમાં મોડું થવાનું સ્ટ્રેસ હોય છે તો ઘણી વાર કામ બગડવાનું સ્ટ્રેસ કામ બગડે એ પહેલાંથી જ આવી જાય છે. ઘણી વાર કામ મળવાને કારણે સ્ટ્રેસ આવે તો ઘણી વાર કામ શોધવા છતાં પણ ન મળવાને કારણે સ્ટ્રેસ આવે. સદ્ગુરુ જગ્ગીજીની એક વાત સમજવા જેવી છે.

જગ્ગીજી કહે છે કે સ્ટ્રેસ એ સિચુએશન છે, એ કોઈ રોગ નથી. અણગમતું બને ત્યારે તમારું દિમાગ જે દિશામાં કામ કરવા માંડે એ નકારાત્મક સિચુએશન એટલે સ્ટ્રેસ. હા, એ વાત સાચી છે કે આ સ્ટ્રેસ તમને ખરા અર્થમાં નેગેટિવ બનાવે છે અને એ નેગેટિવિટી વચ્ચે એ તમારા શરીર માટે નુકસાનકારક બને છે. સ્ટ્રેસ માટે બધા એવું કહે છે કે સ્ટ્રેસને આવવા ન દેવું, પણ હકીકત એ છે કે સ્ટ્રેસ આવ્યા વિના રહેશે જ નહીં. ગમે એ કરો, પણ સ્ટ્રેસ પોતાની જગ્યા બનાવી જ લેવાનું છે અને તમે એનાથી જરા પણ દૂર ભાગી નથી શકવાના. વડીલો એવું કહે છે કે અમારા જેવા યંગસ્ટર્સમાં સ્ટ્રેસ નથી, પણ હું કહીશ કે વડીલો કરતાં પણ યંગસ્ટર્સમાં વધારે સ્ટ્રેસ હોય છે. છોકરો હોય કે છોકરી, સ્ટ્રેસનું લેવલ યંગસ્ટર્સમાં સમાન હોય છે. સ્ટ્રેસ કોઈને છોડતું નથી અને તમને નવાઈ લાગશે, પણ સ્ટ્રેસની વાત કરવાને કારણે પણ સ્ટ્રેસ આવે અને ‍ઍડ્વાઇઝના ઓવરડોઝને લીધે પણ ઘણી વાર સ્ટ્રેસ આવી જાય.


અમેરિકામાં ૧૦માંથી ૮ લોકો સ્ટ્રેસનો શિકાર છે અને ભારતની વાત કરીએ તો આપણે પણ ૮૭ ટકા સાથે આગળ છીએ. હા, આપણા ૧૦૦માંથી ૮૭ એટલે કે ૧૦માંથી ૮.૭ લોકો સ્ટ્રેસ વચ્ચે જીવે છે કે પછી સ્ટ્રેસ સહન કરે છે. તમને થાય કે અમેરિકા કરતાં આપણે આગળ કેવી રીતે તો એનો જવાબ છે જૉબ-સિક્યૉરિટી, આપણે ત્યાં એ નથી જ્યારે અમેરિકામાં જૉબ-સિક્યૉરિટી નથી, પણ એની સામે તમે બેકાર હો તો ગવર્નમેન્ટ પાસેથી સ્ટાઇપન્ડ મળે છે એટલે દરરોજ ખાઈશું અને રહીશું કેવી રીતે જેવી વાતનું સ્ટ્રેસ ત્યાં જોવા નથી મળતું. વિશ્વમાં ૯૦ ટકાથી વધુ કામ સ્ટ્રેસને લીધે બગડે છે અને ૩૨ ટકા કામ એવાં છે જેમાં કોઈ સ્ટ્રેસ નથી લાગતું, પણ એમ છતાં એ કામ સ્ટ્રેસથી ભરેલાં છે.

ફ્રેન્ડ્સ, પ્રશ્ન એ જ છે કે આ સ્ટ્રેસ આવે છે ક્યાંથી? આ સ્ટ્રેસ ઊભું કરવાનું કામ મૅક્સિમમ આપણે જ કરીએ છીએ. કેવી રીતે એ આપણે સમજવું જોઈએ. જ્યારે આપણે સ્ટ્રેસ અનુભવી રહ્યા છીએ ત્યારે આપણે સ્ટ્રેસ ઊભું કેવી રીતે કરી શકવાના તો એનો જવાબ છે હા, સ્ટ્રેસ જ નવા સ્ટ્રેસને જનરેટ કરે છે. મેં તમને આગળ કહી એ જ સિચ્યુએશનને તમે જોશો તો તમને સમજાશે કે આ વાત ખોટી નથી.

બાઇકમાં પંક્ચર પડ્યું એ કોઈ નવી વાત નથી. ટૅક્સી મળતી નથી એમાં પણ કોઈ નવી વાત નથી. ટૅક્સી ટ્રાફિકમાં અટવાઈ, અગેઇન એમાં કોઈ નવી વાત નથી, વરસાદ શરૂ થયો તો એ પણ રૂટીન જ છે. આ કિસ્સામાં કશું તમારા હાથમાં નથી અને છતાં એ બધી ઘટના તમને સ્ટ્રેસ આપવાનું કામ કરે છે અને તમે એ લો પણ છો.

કહેવાની એક જ વાત કે જે ઘટના તમારા હાથમાં નથી કે જે પરિસ્થિતિ તમારા હાથમાં નથી એવી ઘટનાનું સ્ટ્રેસ લેવાથી કોઈ ફાયદો થવાનો નથી. આને માટે એક જ રસ્તો બેસ્ટ છે કે તમે શાંતચિત્તે એ બધામાંથી બહાર કેવી રીતે આવવું એના વિશે વિચારો અને આગળ નીકળી જાઓ. ખરેખર, આ એક જ રસ્તો છે.

હજી એક વાત સાંભળો તમે.

એક પાણીનો આખો ભરેલો ગ્લાસ લો. એને હાથમાં પકડીને એ હાથને એકદમ તમારા ખભાને સમાંતર રાખો, હાથ એકદમ સીધો અને કડક રાખવાનો છે. હાથમાં રહેલો ગ્લાસ પકડી રાખવાનો છે અને એ જ સ્થિતિમાં તમારે ઊભા રહેવાનું છે. હવે તમે જ કહો કે તમે કેટલા કલાક આ જ રીતે ઊભા રહી શકશો? ૧૦ મિનિટ, ૧૫ મિનિટ, ૧ કલાક? મૅક્સિમમ એક કલાક, એ એક કલાક પછી તમે થાકી જ જવાના અને હાથ નીચે કરી દેશો. તમારા હાથમાં જે ગ્લાસ છે એ સ્ટ્રેસ છે, તમે એને જેટલો સમય ઊંચકીને સાથે ફેરવશો એટલો સમય તમને એનો ભાર લાગશે અને એ ભાર તમને થકવી દેશે, ઇરિટેટ કરશે અને એ પછી એ ઇરિટેશનને કારણે તમે તમારી જીભ પરથી, મન પરથી કાબૂ ગુમાવી દેશો અને તમે બધું બગાડી બેસશો, જે તમને હેરાન કરશે.

એ ગ્લાસ એ રીતે હાથમાં પકડી રાખવાથી નથી તમારું કામ થવાનું કે નથી તમને કોઈ રાહત થવાની, ઊલટું તમે એનાથી વાતને બગાડી રહ્યા છો. આ ગ્લાસ જેવા સ્ટ્રેસને પણ પકડી રાખવાથી કંઈ વળવાનું નથી અને જો કંઈ વળવાનું ન હોય તો પછી એને પકડી રાખવાની જરૂર નથી. મને તો એ પણ ખબર છે કે આ આર્ટિકલ વાંચીને પણ અમુક લોકો તો એવું બોલવાના જ છે કે આ મારી એજ નથી કે હું આ સબ્જેક્ટ વિશે વાત કરવાને લાયક નથી, પણ એવું કરીને પણ એ લોકો તો પોતાનું સ્ટ્રેસ જ વધારવાનું કામ કરવાના છે. સ્ટ્રેસ માટે જગ્ગીજીએ જ કહેલી એક વાત મને ખૂબ ગમી છે, જે મારે તમને કહેવી છે. સ્ટ્રેસ હવા જેવું છે. એને જરાઅમસ્તી જગ્યા મળશે કે તરત જ એ આવી જશે અને તમે નીકળવા માટે પણ જરાઅમસ્તી જગ્યા કરી આપશો તો એ તરત જ નીકળી જશે. નક્કી હવે તમારે કરવાનું છે કે તમે જગ્યા આપીને એને અંદર આવકારવા માગો છો કે પછી જગ્યા આપીને એને બહાર ધકેલવા માગો છો.

Whatsapp-channel Whatsapp-channel

19 July, 2020 10:40 PM IST | Mumbai | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK