Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દસ્તકઃ સભ્ય ઘરના દરવાજે અસભ્યતાના ટકોરા

દસ્તકઃ સભ્ય ઘરના દરવાજે અસભ્યતાના ટકોરા

20 February, 2021 03:17 PM IST | Mumbai
Raj swami

દસ્તકઃ સભ્ય ઘરના દરવાજે અસભ્યતાના ટકોરા

દસ્તકઃ સભ્ય ઘરના દરવાજે અસભ્યતાના ટકોરા


મુંબઈ માટે કહેવાય છે કે અહીં રોટલો મળે, પણ ઓટલો ન મળે. દેશ આર્થિક રાજધાની કહેવાતા આ શહેરમાં દેશના ખૂણે-ખૂણેથી એટલા લોકો કામની તલાશમાં આવે છે કે તેમને રહેવા માટે છત ખૂટી પડે છે. મુંબઈ શહેર અને એના લોકોનું અજીબોગરીબ જીવન ઘણી હિન્દી ફિલ્મોનું બૅકગ્રાઉન્ડ બન્યું છે. એમાંથી આ ઓટલાની કમી પણ એક વિષય રહ્યો છે. ૧૯૭૨માં બાસુ ચૅટરજીએ ‘પિયા કા ઘર’ ફિલ્મમાં નવપરિણીત જયા ભાદુરી અને અનિલ ધવનને એક રૂમના અપાર્ટમેન્ટમાં એક મોટા પરિવાર વચ્ચે ‘પ્રેમ’ કરવાની પણ જગ્યા મળતી નથી એ તકલીફની વાતને રમૂજી રીતે રજૂ કરી હતી.

એનાં બે વર્ષ પહેલાં ૧૯૭૦માં રાજિન્દર સિંહ બેદીએ ‘દસ્તક’ ફિલ્મમાં આક્રમક રીતે આવો જ મુદ્દો છેડ્યો હતો, જેમાં મુંબઈની લોકાલિટીને કારણે એક નવપરિણીત યુગલનો પ્રેમ કેવી રીતે હવા થઈ જાય છે એની વાર્તા હતી. ‘લોકાલિટી’ મુંબઈનો શબ્દ છે. બીજાં શહેરોમાં ‘એરિયા’ હોય, પણ મુંબઈનું ‘કૅરૅક્ટર’ લોકલ લોકો પરથી નક્કી થાય. મુંબઈ એક શહેર નથી. એની અંદર નાનાં-નાનાં અનેક શહેર છે, જે લોકાલિટી તરીકે ઓળખાય છે.



‘દસ્તક’ની કહાની અસાધારણ હતી; બૉમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ક્લર્કની નોકરી કરતો હમીદ અહેમદ (સંજીવ કુમાર) ગામડામાં એક સંગીતકારની દીકરી સલમા સાથે લગ્ન કરે છે અને મુંબઈની ગરીબ લોકાલિટીમાં સસ્તા ભાડામાં નાનકડો ફ્લૅટ ભાડે લે છે. લોકાલિટી શું કહેવાય એનાથી તદ્દન બેખબર આ નવપરિણીત યુગલ, તેમના વૈવાહિત જીવનની ‘શુભ શરૂઆત’ કરે છે, એ સુહાગરાત છે. સલમા બનીઠનીને પથારીમાં બેસે છે. દૂરથી ઠૂમરીનો અવાજ આવે છે. સલમા પોતે સંગીતમાં પારંગત છે, પણ તેને આ ઠૂમરી જરા ‘જુદી’ રીતે ગવાતી હોય એવું લાગે છે. હમીદ હસીને તેની વાત ઉડાડી દે છે કે અહીંના લોકો સારા છે. આશ્વત થયેલી સલમા તેના ખૂબસૂરત અવાજમાં ગાય છે, ‘બૈયાં ના ધરો ઓ બાલમા...’


ગીત પૂરું થાય છે અને ફ્લૅટના દરવાજે દસ્તક પડે છે. એક શરાબી માણસ ‘ગાયન’ સાંભળવા આવ્યો છે. એક દિવસ માટે હોય તો સમજમાં આવે, પણ રોજ રાત પડે એટલે તેમના દરવાજે ટકોરા પડે છે.

પડે જને! હમીદે લોકલ પાનવાળાની મદદથી ભાડે રાખેલો આ ફ્લૅટ રેડ લાઇટ વિસ્તારમાં હતો અને ફ્લૅટમાં અગાઉ તવાયફ શમશાદ બેગમ (શકીલાબાનો ભોપાલી) રહેતી હતી. તેના ગ્રાહકો માટે તો દરરોજ રાતે અહીં આવવાનો નિત્યક્રમ હતો. પતિ-પત્ની તેમનો સંસાર પાટે ચડાવવા ફાંફાં મારે છે, પણ હમીદની અકળામણ અને સલમાની શરમ વચ્ચે બન્નેને રેડ લાઇટવાળાં જ ગણી લેવામાં આવે છે અને તેમનો દરવાજો દસ્તકનો અને તેઓ ગપસપનો વિષય બની જાય છે.


એમાં પાડોશમાં રહેતા એક વડીલ વૃદ્ધ (મનમોહન ક્રિષ્ન)ને યુગલની દયા આવે છે અને તે સ્થાનિક લોકો સામે અવાજ ઉઠાવે છે, પણ લોકોની નજરોથી (રાતની દસ્તકથી) પરેશાન થઈ ગયેલો હમીદ ભલા-ભોળા વડીલને પણ શંકાની નજરે જોવા માંડે છે.

રોજેરોજની આ ગૉસિપથી હમીદના દિમાગ પર એટલી અસર થાય છે કે અકળાઈને કહો કે હતાશ થઈને, એક દિવસ તે આક્રમક બનીને પત્નીને ‘પ્રેમ’ કરવા માંડે છે. બીજા શબ્દોમાં તેને ‘વૈવાહિક બળાત્કાર’ જ કહેવાય અને લોકાલિટીની ભાષામાં એને વેશ્યાગીરી કહેવાય. દરવાજા બહાર લોકોની શિકારી નજરોથી ગૂંગળામણ અનુભવતી સલમા ગુસ્સામાં આવીને તેનાં તમામ વસ્ત્રો ઉતારી ફેંકે છે અને ગાય છે...

‘ન તડપને કી ઈજાઝત હૈ ન ફરિયાદ કી હૈ

ઘુટ કે મર જાઉં યે મર્ઝી મેરી સય્યાદ કી હૈ

માઇ રી, મૈ કાસે કહૂં પીર અપને પિયા કી, માઇ રે...’

સલમા પોતે સંગીતની શોખીન છે, સરસ ગાઈ-વગાડી-નાચી જાણે છે, પણ આખી લોકાલિટીમાં તવાયફો અને વેશ્યાઓનાં નાચ-ગાન ચાલતાં હોવાથી હમીદ તેની પત્નીનું ‘નામ’ બચાવવા માટે તેને તેનો શોખ જતો કરવાનું કહે છે.

આ ગીત, હમીદનો ‘બળાત્કાર,’ સલમાએ વસ્ત્રો ઉતારીને ફેંકી દેવાં વગેરે નિર્દેશક રાજિન્દર બેદીએ સાંકેતિક રીતે ફિલ્માવ્યું હતું. મુંબઈ શહેર કેટલું ક્રૂર છે અને એના લોકો કેટલા અસંવેદનશીલ થઈ શકે છે એને બેદીએ કુનેહથી અભિવ્યક્ત કર્યું હતું.

આખી ફિલ્મમાં સિમ્બૉલિઝમ જબરદસ્ત છે. એક દૃશ્યમાં સલમા જોર-જોરથી પ્રાઇમસમાં એવી રીતે હવા ભરે છે, જાણે તે હમીદમાં જોશ ભરી રહી હોય. શરૂઆતના દૃશ્યમાં જ હમીદ ઑફિસ જવાની તૈયારીમાં છે. સલમા તેને માટે ચાનો કપ લાવે છે. એ વખતે રૂમમાં લટકતા પીંજરામાં બંધ પોપટ સલમાના અવાજની નકલ કરે છે. એમાં હમીદને લાગે છે કે સલમા સાચે જ કશુંક બોલી. સલમાને હમીદની ભૂલ સમજાય છે અને તે તોફાની હાસ્ય સાથે તેના ગામના દૂરના ભાઈના નામનો ઉલ્લેખ કરીને કહે છે...

સલમા ઃ વો કહા કરતે થે, પિંજરે મેં પંછી કો બંધ કરને સે બડા પાપ લગતા હૈ.

હમીદ (હસીને) ઃ છોડ દેને સે ભી તો લગતા હૈ.

સલમા ઃ વો કૈસે?

હમીદ ઃ બાહર સેંકડો શિકારી બાઝ... કોઈ ભી ખા જાયેગા.

(અહીં સલમા પોતે જ ફ્લૅટમાં કેદમાં હોવાનો અને બહાર નીકળે તો ‘બાજ પક્ષી’ તેને ખાઈ જવાનો ભાવ છે.)

રાજિન્દર બેદી તરક્કી પસંદ લેખક સંઘ (પ્રોગ્રેસિવ રાઇટર્સ મૂવમેન્ટ)ના એક અગત્યના કહાનીકાર હતા. બ્રિટિશ ઇન્ડિયામાં ડાબેરી ઝોક ધરાવતા રાષ્ટ્રવાદી લેખકોનું એક મજબૂત મંડળ હતું. એમાં સહાદત હસન મન્ટો, કૃષ્ણ ચંદર અને રાજિન્દર સિંહ બેદી એમ ત્રણની ટુકડી મશહૂર હતી. તેમનાં સર્જનોમાં સામાજિક સમાનતાનું સમર્થન અને કુરીતિઓ, અન્યાય તેમ જ પછાતપણાનો વિરોધ રહેતો હતો.

બેદી હૃષીકેશ મુખરજીની ‘અભિમાન,’ અનુપમા’ અને ‘સત્યકામ’ની પટકથા અને સંવાદ માટે જાણીતા છે. ૧૯૪૪માં બેદીએ ઑલ ઇન્ડિયા રેડિયો, લાહોર માટે ‘નકી-એ-મકાની’ નામનું નાટક લખ્યું હતું. ‘દસ્તક’ એનું જ ફિલ્મી વર્ઝન હતું. બેદીની નિર્દેશક તરીકેની આ પહેલી જ ફિલ્મ હતી, અને એમાં તેમણે એ બતાવવાની કોશિશ કરી હતી કે સામાજિક પરિવેશ કેવી રીતે માણસને પ્રભાવિત કરે છે અને એકલો માણસ એની સામે કેવો વિવશ થઈ જાય છે. સમાજમાં જો ૯૯ ટકા લોકો બેઈમાન થઈ જાય તો તે ૧૦૦મા માણસનું જીવવાનું મુશ્કેલ કરી દે, કારણ કે તેની ઈમાનદારી તેઓ સહન ન કરી શકે.

ફિલ્મ જેટલી અસાધારણ હતી એટલી જ સરસ રીતે એને બેદીએ બનાવી હતી. એ વર્ષે ‘જૉની મેરા નામ’, ‘સચ્ચા-ઝૂઠા’, ‘આન મિલો સજના’, ‘પૂરબ ઔર પશ્ચિમ’ અને ‘સફર’ જેવી મોટી ફિલ્મો પણ રિલીઝ થઈ હતી અને એની વચ્ચે ‘દસ્તક’ શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ સંગીત અને શ્રેષ્ઠ સિનેમૅટોગ્રાફીના ચાર-ચાર રાષ્ટ્રીય પુરષ્કાર લઈ ગઈ હતી.

રેહાના સુલતાનની આ પહેલી જ ફિલ્મ

(એ જ વર્ષે તેણે ‘ચેતના’ ફિલ્મમાં વેશ્યાવૃત્તિ ત્યજીને ઠરીઠામ થવા મથતી સ્ત્રીની ભૂમિકા કરી હતી). મૂળ અલાહાબાદની રેહાના પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી ગ્રૅજ્યુએટ થઈને મુંબઈ આવી હતી. બન્ને ફિલ્મો એ સમયે ‘બોલ્ડ’ હતી અને એમાં રેહાના રાતોરાત મશહૂર થઈ હતી.

ફિલ્મનું સંગીત યાદગાર હતું. ગીતકાર મજરૂહ સુલતાનપુરી (જે પોતે તરક્કી પસંદ લેખકો પૈકીના એક હતા) અને સંગીતકાર મદન મોહને તેમનું કરીઅર-બેસ્ટ સર્જન ‘દસ્તક’માં આપ્યું હતું. એમાં કુલ ચાર ગીત હતાં; લતા મંગેશકરનું ‘બૈયાં ના ધરો ઓ બલમા’, ‘માઇ રી મૈં કાસે કહૂં’ અને મોહમ્મદ રફીનું ‘તુમસે કહું એક બાત’ અને લતાનું ‘હમ હૈ મતા-એ-કુચા-ઓ-બાઝાર...’

એમાં આ છેલ્લી મજરૂહની સર્વશ્રેષ્ઠ ગઝલ છે. મદન મોહન અને લતા મંગેશકર વચ્ચે ભાઈ-બહેનનો સ્નેહ હતો અને એ લગાવમાંથી મદન મોહને લતા પાસેથી જે અફલાતૂન ગીતો ગવડાવ્યાં હતાં એમાં ‘દસ્તક’ની આ ગઝલ મોખરે આવે છે.

કહાની પ્રમાણે સલમા ગાયિકીમાં પારંગત છે, પણ લોકાલિટીને કારણે તે પોતાનો શોખ કેળવી શકતી નથી. હમીદની મ્યુનિસિપાલટીની નોકરીમાં ઘર ચલાવવાનું અઘરું થઈ પડતાં સલમા નાછૂટકે તાનપૂરો ઉઠાવે છે અને ઘરમાં અગાઉ જે રહેતી હતી એ તવાયફ શમશાદના એક સમયના ધનવાન ગ્રાહક બ્રિજમોહન સામે ગીત છેડે છે. એ ગીતમાં સલમાની વર્તમાન સ્થિતિની પીડા છે. એ ગીત ‘દસ્તક’નું હાર્દ પણ છે...

‘હમ હૈ મતા-એ-કૂચા-ઓ-બાઝાર કી તરહ

ઉઠતી હૈ હર નિગાહ ખરીદાર કી તરહ...’

(હું જાણે બજારની વસ્તુ હોઉં એમ દરેક માણસ મને ગ્રાહકની નજરે જુએ છે)

વો તો કહીં હૈ ઔર મગર દિલ કે આસપાસ

ફિરતી હૈ કોઈ શહ નિગાહ-એ-યાર કી તરહ

(મારો પ્રેમી અત્યારે બીજે ક્યાંક છે, પણ મારા દિલની આસપાસ પ્રેમીની નજર જેવું કશું ફરે છે - મતલબ કે હું બિકાઉ ચીજ નથી)

મજરૂહ લિખ રહે હૈં વો અહલ-એ-વફા કા નામ

હમ ભી ખડે હુએ હૈં ગુનહગાર કી તરહ

(છેલ્લી પંક્તિમાં મજરૂહ સુલતાનપુરીનો પ્રગતિશીલ-તરક્કીપસંદ જીવ કકળી ઊઠે છે. તે કહે છે કે મજરૂહ આ ગઝલપ્રેમીઓ માટે લખી રહ્યા છે અને તેમને શરમ આવે છે કે એક સ્ત્રી માટે આવી પરિસ્થિતિ ઊભી થાય અને ગુનેગારની જેમ તેઓ માથું નીચે કરીને ઊભા છે.)

મજરૂહે એક જગ્યાએ કહ્યું હતું કે ‘મદન મોહનથી વધુ સારી ગઝલ બનાવવાવાળું કોઈ નથી. ગઝલમાં જે રોમાંસ જોઈએ એ હંમેશાં તેમણે સૂર-સંગીતથી આપ્યો હતો.’ આ ગઝલ ફિલ્મ માટે નહોતી. મજરૂહના એક પુસ્તકમાં એ ગઝલ છપાઈ હતી અને બેદીને તેના ત્રણ શેર ‘દસ્તક’ ફિલ્મ માટે એકદમ અનુકૂળ લાગ્યા હતા. ફિલ્મમાં જે નહોતા એ બાકીના ચાર શેર આ પ્રમાણે છે:

ઇસ કૂ-એ-તિશ્‍નગી મેં બહુત હૈ એક હી જામ

હાથ આ ગયા હૈ દૌલત-એ-બેદાર કી તરહ

સીધી હૈ રાહ-એ-શૌક પર યૂં હી કભી કભી

ખમ હો ગઈ હૈ ગેસૂ-એ-દિલદાર કી તરહ

બે-તેશા-એ-નઝર ન ચલો રાહ-એ-રફતગાં

હર નક્શ-એ-પા બુલંદ હૈ દીવાર કી તરહ

અબ જા કે કુછ ખુલા હુનર-એ-નાખૂન-એ-ઝુનૂન

જખ્મ-એ-જિગર હુએ લબોં રૂખસાર કી તરહ

Whatsapp-channel Whatsapp-channel

20 February, 2021 03:17 PM IST | Mumbai | Raj swami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK