Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આપણો પણ અણમોલ ખજાનો લૉક થઈ ગયો છે

આપણો પણ અણમોલ ખજાનો લૉક થઈ ગયો છે

05 March, 2019 01:22 PM IST |
તરુ કજારિયા

આપણો પણ અણમોલ ખજાનો લૉક થઈ ગયો છે

જેરાલ્ડ કૉટન

જેરાલ્ડ કૉટન


સોશ્યલ સાયન્સ

થોડા સમય અગાઉ કૅનેડાના એક એક્સચેન્જના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર જેરાલ્ડ કૉટન ભારતના પ્રવાસે આવ્યા હતા. ત્યાં તેમનું અચાનક મૃત્યુ થયું. સ્વાભાવિક છે કોઈ પણ વ્યક્તિની આવી આકસ્મિક વિદાય તેના સ્વજનો માટે અત્યંત આઘાતજનક હોય અને એ પણ પારકા પ્રદેશમાં બને ત્યારે વધુ પીડાદાયક બની રહે. જોકે જેરાલ્ડ કૉટનની વિદાય તેમના પરિવારજનો ઉપરાંત તેઓ જ્યાંના CEO હતા એ ક્વૉડ્રિગા એક્સચેન્જ અને કૅનેડાના લાખો ઇન્વેસ્ટર્સ માટે પણ ભારે પીડાદાયક બની ગઈ, કારણ કે એક્સચેન્જમાં સવા લાખ જેટલા ગ્રાહકોની જમા લાખો પાઉન્ડ્સના મૂલ્યની ક્રિપ્ટોકરન્સી હંમેશ માટે ગુમાવવી પડે એવી પરિસ્થિતિ તેમના મૃત્યુ સાથે ઊભી થઈ છે. એક્સચેન્જના જે ડિજિટલ લૉકરમાં એ ક્રિપ્ટોકરન્સી સેવ કરેલી હતી એનો પાસવર્ડ માત્ર જેરાલ્ડ પાસે જ હતો. ગ્રાહકોની સંપત્તિની સલામતી માટે તેણે કોઈની પણ સાથે એ પાસવર્ડ શૅર કર્યો નહોતો. હવે તેની ગેરહાજરીમાં એ સંપત્તિ ખોલવાનું લગભગ અશક્ય બની ગયું. એક્સચેન્જના અધિકારીઓએ દુનિયાના ટોચના ટેક્નોસૅવી પ્રોફેશનલ્સને એ પાસવર્ડ બ્રેક કરવા માટે તેડાવ્યા, પરંતુ હજી સુધી કોઈને પાસવર્ડ બ્રેક કરવામાં સફળતા મળી નથી. પરિણામે જેરાલ્ડની સાથે એ લાખો પાઉન્ડના મૂલ્યની સંપત્તિ પણ હાથથી નીકળી ગઈ છે. આ નુકસાનનો ભોગ બનેલા લાખો ગ્રાહકોને અને ક્વૉડ્રિગા એક્સચેન્જને રાતા પાણીએ રોવાનો વખત આવ્યો છે. એક પાસવર્ડમાં બંધ છે અબજો ડૉલર્સનો ખજાનો.



આજના ડિજિટાઇઝેશનના જમાનામાં મોટા ભાગના લોકો નેટબૅન્કિંગનો ઉપયોગ કરતા હોય છે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ATM કે ઑનલાઇન શૉપિંગ બધામાં પાસવર્ડ લાગતા હોય છે. ઘણા લોકોની પર્સનલ અને પ્રોફેશનલ વિગતો તેમના ઈ-મેઇલ અકાઉન્ટમાં કે કમ્પ્યુટરમાં સચવાયેલી હોય છે. આવામાં બૅન્કોનાં ખાતાં કે ડીમૅટ અકાઉન્ટના પાસવર્ડ સંદર્ભે કેટલાક કિસ્સામાં સંબંધિત વ્યક્તિના મૃત્યુ બાદ તેના પરિવારજનો માટે વિકટ સ્થિતિ સર્જા‍ય છે. આવી ઘટનાઓ બની પણ છે. આ કારણે જ આજકાલ વ્યક્તિની આવી અંગત માહિતીઓને પણ વિલમાં મૂકવાની જરૂરિયાત અનુભવાઈ છે.


કૅનેડાની ઘટનામાં અત્યંત મોટી રકમ અને અનેક લોકો સંકળાયેલા હોવાથી એ દુનિયાભરના મીડિયામાં ગાજી અને પાસવર્ડ વિશે જાગરૂકતા ફેલાઈ. આ ઘટનાએ દિમાગમાં ઘણા સમયથી ઘૂમરાતી એક વાતને વાચા આપવાનું યોગ્ય પ્લૅટફૉર્મ પૂરું પાડ્યું. આપણા કેટલાય વડીલો કે પૂર્વજોની વિદાય સાથે આપણો પણ અણમોલ ખજાનો લૉક થઈ ગયો છે એનો આપણને ખ્યાલ છે? ચમકતા નહીં. યાદ કરો, આપણા ઘરની વડીલ સ્ત્રીઓ પાસે જે ઘરગથ્થુ દવાઓ કે નુસખાઓની જાણકારી હતી એ કયાં ગઈ? નાના બાળકને અચાનક થતા પેટના દુખાવા પર ચપટીક હિંગ પાણીમાં ગરમ કરીને પેટ પર લગાવાતી અને થોડી જ વારમાં બાળક રમવા માંડતું. એ જ રીતે શરદીથી બાળકનું નાક બંધ થઈ ગયું હોય, છાતી હણહણતી હોય અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય ત્યારે ગરમ કપડાના ગોટાનો કે અજમાની પોટલીનો શેક કરાતો અને થોડી જ વારમાં બચ્ચું નિરાંતે સૂઈ જતું. આ બધી અનુભવજ્ઞાનની સંપત્તિ પણ આપણા એ વડીલોની વિદાય સાથે લૉક જ નથી થઈ ગઈ?

એ જ રીતે તેમની આવડત, કલા, કસબ, કુનેહ ઇત્યાદિની સંપત્તિ જેના આપણે ચોક્કસ વારસ બની શકત એ પણ આપણે ગુમાવી જ બેઠા છીએને? એના પાસવર્ડ પણ આપણે ક્યાં હસ્તગત કર્યા છે?


આપણી દાદી કે નાનીના હાથના અફલાતૂન ચૂરમાના લાડુ કે સ્વાદિષ્ટ દાળઢોકળી આપણે તેમની ગેરહાજરીમાં પણ અચૂક યાદ કરીએ છીએ. મમ્મીના હાથની તલની ચિક્કી આજ સુધી ઘરમાં કોઈ બનાવી નથી શક્યું એવું આપણે બોલીએ કે સાંભળીએ છીએ અને મમ્મીની વિદાય સાથે એ બેનમૂન ચિક્કી પણ વિદાય થઈ જાય છે. આવું શા માટે? કારણ કે એ બધી વાનગીઓ એ સ્ત્રીઓ કેવી રીતે બનાવતી એ જોવાની કે શીખવાની દરકાર આપણે નથી કરી. એક યુવતીને જાણું છું. તેના ઘરમાં ચા હંમેશાં તેનાં સાસુ જ બનાવે, કેમ કે તેમની મસાલાવાળી ચા બધાને ખૂબ ભાવે. ઘરે આવતા મહેમાનો પણ તેમની ચાના પ્રેમી હતા. તે યુવતીએ તેમની પાસેથી ચા બનાવતાં શીખી લીધું. કઈ ચાપત્તી વાપરવી, કયો મસાલો વાપરવો, બીજી પણ જે સામગ્રી ચામાં પડતી એ બધાનું પ્રમાણ સમજી લીધું. એ મસાલો બનાવતાં પણ શીખી લીધું. પછી તે અવારનવાર ચા બનાવવા લાગી. એક દિવસ તેનાં સાસુએ અને ઘરના બધાય સભ્યોએ તેને સર્ટિફિકેટ આપી દીધું : મમ્મી જેવી જ ચા બને છે. આપણે કહી શકીએ કે તે યુવતીએ તેની સાસુની આવડતરૂપી સંપત્તિનો પાસવર્ડ અનલૉક કરી લીધો એટલે તેના કુટુંબનો સ્વાદ સચવાઈ રહ્યો!

આ પણ વાંચો : આતંકવાદ ફેલાવતા દુશ્મનની ક્રૂર હરકતો રોકે એવાં કોઈક પગલાં આપણે લઈ શકીએ

આ તો થઈ ભૌતિક વસ્તુઓ વિશેની વાત, પણ આપણા સ્વજનોએ રચેલી અને વિકસાવેલી સંબંધોની મૂલ્યવાન સંપત્તિનું શું? તેમની વિદાય સાથે એ પણ ગુમાવી બેઠા હોવાનો અનેક સંતાનોનો અનુભવ નથી? એ વડીલોની જિંદગીમાં સગાંસંબંધીઓનું એક ચોક્ક્સ સ્થાન હતું, તેમનો બિનશરતી સાથ અને હૂંફ હતાં. આ બધાને કારણે તેમની સમસ્યાઓ કે સુખ-દુ:ખ સહિયારાં બનતાં. તેમના સબળા-નબળા સમય એકબીજાની સહાયથી સચવાઈ જતા. ના તેઓ ડિપ્રેશનમાં સરી પડતા કે ના એકલતામાં ડૂબી જતા. સામાજિક સંબંધો તેમને માટે જિંદગીની એક સ્ટ્રૉન્ગ સર્પોટ સિસ્ટમ હતી. આ મૂડીનો વારસો આપણામાંથી કેટલા લોકો પામી શક્યા છે? એકમેકના સથવારે સુખનો ગુણાકાર અને દુ:ખનો ભાગાકાર કરતા એ સંબંધોની સંપત્તિ કે પારિવારિક મૂલ્યોની મૂડી અનલૉક કરવાનો પાસવર્ડ પણ આપણા વડીલોની સાથે જ વિદાય નથી થઈ ગયો? સદ્નસીબે આ પાસવર્ડ ખાનગી કે ગોપનીય નથી હોતા એટલે આપણે ઇચ્છીએ અને ધારીએ તો તેમની હાજરીમાં એ હસ્તગત કરી શકીએ એમ છીએ. એટલે આવા વડીલોની હાજરી જે પરિવારોમાં આજેય છે તેમણે તો આ અનોખી સંપત્તિનો પાસવર્ડ પામવાની શક્યતા સો ટકા છે.

Whatsapp-channel Whatsapp-channel

05 March, 2019 01:22 PM IST | | તરુ કજારિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK