Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ : ભરોસો કે શંકા? કોની સાથે જીવવું?

કૉલમ : ભરોસો કે શંકા? કોની સાથે જીવવું?

15 May, 2019 12:13 PM IST |
સેજલ પોન્દા - સોશ્યલ સાયન્સ

કૉલમ : ભરોસો કે શંકા? કોની સાથે જીવવું?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોશ્યલ સાયન્સ

વ્યક્તિને ઓળખ્યા પછી ભરોસો મુકાય કે પછી ભરોસો મૂક્યા પછી વ્યક્તિ ઓળખાય? ખરેખર તો બીજી વ્યક્તિ આપણી સાથે કેવો વ્યવહાર કરે છે એ પરથી ધીરે ધીરે એના પરનો ભરોસો આપણે કાયમ કરી શકીએ છીએ. અને વ્યક્તિના વ્યવહારમાં પરિવર્તન દેખાય કે તરત મનમાં શંકા નીપજે છે.



શંકા મનની સ્થિતિ છે કે વિચારોની? ભરોસો શ્રદ્ધાનો વિષય છે કે લાગણીનો? આ બન્ને પ્રશ્નોનો જવાબ આપણને આપણી ભીતરથી જ મળી શકે છે.


શંકા અને ભરોસો ક્યારેય એકસાથે રહી શકતાં નથી. શંકા આપણે જાત ઉપર કરીએ એમ જ શંકા આપણે બીજી વ્યક્તિ ઉપર પણ કરીએ છીએ. શંકા ઊપજે ત્યારે સાથે સાથે મનમાં ભય ઉત્પન્ન થાય છે. જાત પર શંકા આવે ત્યારે સૌથી પહેલાં અસફળ થવાના વિચાર ઘેરી વળે. બીજા પર શંકા કરીએ ત્યારે એ વ્યક્તિનો સાથ છૂટી જશે એવો ડર મનમાં પેસી જાય.

જ્યારે પોતીકી વ્યક્તિ માટે શંકા ઊપજે ત્યારે જાણે બહુ મોટો ગુનો કરી લીધો હોય એવા ગીલ્ટ સાથે જીવવાની જરૂર નથી. ઘણી વાર શંકા સાચી પણ પડતી હોય છે. શંકા ઊપજે ત્યારે સ્વસ્થતા જાળવવી બહુ જરૂરી છે. જેની પર શંકા છે એનો વ્યવહાર, વિચાર, રોજ-બરોજ થતી ઍક્ટિવિટી એ બધું જ ઝીણવટભરી રીતે ચકાસવું પડે.


જ્યારે ઘરની જ વ્યક્તિ દગો આપતી હોય, છેતરીને બીજા સંબંધોમાં ઇન્વૉલ્વ હોય અને આપણને શંકા થઈ આવે કે પછી આપણી ગટ ફીલિગ આપણને કહ્યા કરતી હોય કે બૉસ, કંઈક તો ગરબડ છે. એવા સમયે ઑનેસ્ટ જીવનસાથી ભીતરથી ભાંગી પડે છે અને પછી બળવો પોકારે છે. ત્યારે સામેથી જવાબ મળતો હોય કે તારો સ્વભાવ શંકાશીલ છે.

એક વાત સમજવા જેવી છે. સંબંધોમાંથી જેને બીજે સરકી જવું છે એ ક્યારેય તમારી રિસ્પેક્ટ નહીં કરે. અને જે ખરેખર ઑનેસ્ટ છે, પણ કોઈક રીતે તમારા મનમાં ખોટી શંકા ઊપજી આવી છે તો એ વ્યક્તિ તમારી શંકા છતાં તમારા માટેની રિસ્પેક્ટ ઓછી નહીં થવા દે. એ તમારી ઇન્સિક્યૉરિટીને સમજશે. તમને ભરોસો અપાવાનો પ્રયત્ન પણ કરશે. આવી વ્યક્તિ તમારી સામે આંખ મિલાવીને વાત કરશે. તેની બૉડી લૅન્ગવેજમાં કૉન્ફિડન્સ દેખાશે, જ્યારે બીજી તરફ જો વ્યક્તિ તમને છેતરતી હશે તો તેના બોલવા-ચાલવામાં તરત ફરક વર્તાઈ આવશે.

શંકા ક્યારેક ખોટી પડે છે તો ક્યારેક સાચી. સંબંધોમાં જ્યારે ઇન્સિક્યૉરિટી આવે છે ત્યારે સૌથી પહેલાં તો જાત પરનો ભરોસો અને પછી વ્યક્તિ પરનો ભરોસો તૂટવા લાગે છે. મનમાં ડર ઊપજે છે. વ્યક્તિ બીજા તરફ ઢળી જશે એનો ડર.

વ્યક્તિને ઓળખ્યા પછી ભરોસો મુકાય કે પછી ભરોસો મૂક્યા પછી વ્યક્તિ ઓળખાય? ખરેખર તો બીજી વ્યક્તિ આપણી સાથે કેવો વ્યવહાર કરે છે એ પરથી ધીરે ધીરે એના પરનો ભરોસો આપણે કાયમ કરી શકીએ છીએ. અને વ્યક્તિના વ્યવહારમાં પરિવર્તન દેખાય કે તરત મનમાં શંકા નીપજે છે.

એવું પણ બને કે ભરોસો મૂક્યા પછી અચાનક શંકા અને ડર પેસી જાય અને શંકાનું સમાધાન થતાં ફરી ભરોસો કાયમ થઈ જાય, પણ ડર અને શંકા સાથે જિવાતા સંબંધો હંમેશાં વીખરાઈ જાય છે. આમ પણ સંબંધોને આપણે ક્યારેય બાંધી શકતા નથી. જેને જવું છે એને આપણે રોકી શકતા નથી. જ્યાં લાગણી છે એ તમારો ભરોસો ક્યારેય તોડશે નહીં.

સંબંધોનું મૂળ જ લાગણી છે. અને લાગણી શબ્દો કરતાં વ્યવહારમાં છલકાતી જોવા મળે તો સમજી લેવું કે આ વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં તમને છોડીને નહીં જાય.

ખોટી શંકાને લીધે કેટલાંય ઘર અને સંબંધો બરબાદ થાય છે. શંકા પડે એટલે સૌથી પહેલાં આપણે વ્યક્તિનો ફોન ચેક કરવા લાગીએ છીએ. એમાંય ફોનમાં પાસવર્ડ હોય એટલે આપણી શંકા વધી જાય. બહારની દુનિયામાં આપણે અનેક વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવીએ. અમુક વ્યક્તિ સાથે આપણી વેવલેન્થ મળી જાય અને આપણે તેમની સાથે પ્રોફેશ્નલી કામ કરવામાં કમ્ફર્ટ અનુભવતા હોઈએ. દરેક વખતે આ કમ્ફર્ટનો અર્થ સંબંધમાં ઢળી ગયા છીએ એવો નથી હોતો. હા, એવા દાખલા જરૂર છે કે જ્યાં સતત સાથે કામ કરવાને લીધે બે વ્યક્તિઓ એકબીજાની નજીક આવી હોય. અને પોતાના અંગત જીવનની ખૂટતી કડી શોધવાનો પ્રયત્ન કરતી હોય. આવી વ્યક્તિઓનો અંગત જીવનમાં રસ ઓછો થતો જોવા મળે છે. એ સમયે આપણને થતી શંકા સાચી હોય છે. એ સમયે અંગત વ્યક્તિને સમજાવવું પડે કે બે હોડીમાં પગ નહીં રખાય. કોઈ એક તરફનો વ્યવહાર હંમેશ માટે કાપવો જ પડશે.

જ્યારે આપણને મનથી કોઈક વ્યક્તિ માટે સંપૂર્ણ ભરોસો કાયમ થઈ જાય છે ત્યારે ગમે તેવી શંકા ઊપજાવે એવી પરિસ્થિતિ કેમ ન આવે, આપણો ભરોસો તૂટતો નથી.

આ પણ વાંચો : કૉલમ : હવે નાચતાં-કૂદતાં વડીલોની ઊર્જા‍નો રાઝ સમજાય છેને!

મનમાં શંકા ઊપજે કે તરત આપણે નેગેટિવ વિચારો કરવા માંડીએ છીએ, અને જ્યારે મનમાં ભરોસો હોય ત્યારે આપણે પ્રસન્ન અને સ્વસ્થ હોઈએ છીએ. શંકાનો સીધો સંબંધ મન સાથે છે અને ભરોસાનો સીધો સંબંધ લાગણી સાથે છે. આપણે સંબંધમાં શંકા સાથે જીવીએ છીએ કે ભરોસા સાથે? શંકા સાચી છે કે ખોટી? એ દરેક વ્યક્તિએ જાતે ચકાસવાનું છે.

Whatsapp-channel Whatsapp-channel

15 May, 2019 12:13 PM IST | | સેજલ પોન્દા - સોશ્યલ સાયન્સ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK