Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ : સંબંધોમાં પણ અનિવાર્ય છે રાજકારણ

કૉલમ : સંબંધોમાં પણ અનિવાર્ય છે રાજકારણ

31 May, 2019 10:48 AM IST |
રશ્મિન શાહ - સોશ્યલ સાયન્સ

કૉલમ : સંબંધોમાં પણ અનિવાર્ય છે રાજકારણ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોશ્યલ સાયન્સ

રાજકારણ જરા પણ એવો વિષય નથી કે એ દેશ માટે, રાજ્ય માટે કે શહેર માટે જ જરૂરી હોય. રાજકારણ ઘર માટે, પરિવાર માટે અને પરિવારના એકેક સભ્યને એકસાથે રાખવા માટે પણ આવશ્યક છે અને એમાં કશું ખોટું પણ નથી. રાજકારણ જો સકારાત્મકતા સાથેનું હોય તો એનો ઉપયોગ થવો પણ જોઈએ. જો પરિવારના સભ્યોને એક રાખવા હોય, જો પરિવારના દરેક સદસ્યને એકબીજાનું ઇમ્પોર્ટન્સ સમજાવતાં રહેવું હોય અને દરેકને એકમેકની નજરમાં ઉચ્ચ સ્થાન પર રહેવા દેવા હોય તો સંબંધોમાં પણ રાજકારણ અનિવાર્ય છે. માનજો મારી વાત, જો રાજકારણને ઘરથી દૂર કરવા ગયા તો ઘરનો એકેક સભ્ય પેઇંગ ગેસ્ટ બની જશે. એને ઘર માટે લાગણી નહીં હોય, ઘરની ચાર દીવાલ માટે પ્રેમ નહીં હોય અને ચાર દીવાલ વચ્ચે રહેતા એક પણ ફૅમિલી મેમ્બર માટે તૂટી પડવાની ખેવના નહીં હોય. રાજકારણ આવશ્યક છે. વાઇફ સાથે પણ એ રમવું પડે અને ગર્લફ્રેન્ડના હિતમાં એના માટે પણ રમી લેવું પડે. દીકરીને કુસંગતથી છોડાવવા માટે પણ એનો ઉપયોગ કરવો પડે અને દીકરાને સીધા રસ્તે લઈ આવવા માટે પણ સ્ક્રિપ્ટ-બેઝ્ડ રાજકારણ રમી લેવું પડે, પણ હા, આ બધું કરવામાં શરત માત્ર એટલી કે રાજકારણમાં સકારાત્મકતા હોવી જોઈએ. એમાં ત્રાહિતનું હિત થતું હોવું જોઈએ અને એની ત્રિરાશિમાં કોઈની ભલાઈ ટપકતી હોવી જોઈએ.



રાજકારણ રમો તો જ આખો દિવસ ઘરમાં ઢસરડા કરતી માનું મહત્વ અકબંધ રહેશે. બાકી સંતાનોને તો માની લાઇફમાં કોઈ રસ જ નથી. માનું સ્થાન અદકેરું છે એ દેખાડવા માટે પણ રાજનીતિ વાપરતાં રહેવી પડશે. અંગત રીતે તોડેલી ફિક્સ્ડ ડિપોઝિટના રૂપિયા ભલે દીકરીના હાથમાં તમે મૂકતા હો, પણ મૂકવામાં આવતા એ પૈસાને બાના હાથની બંગડીની આવક ગણાવી દેવામાં આવશે તો દીકરીની દાદી માટેની સહાનુભૂતિનું સ્તર અદકેરું થઈ જશે. ખિસ્સામાંથી નીકળેલા પૈસા દીકરાના ખાતામાં જમા કરાવતી વખતે રિસીપ્ટમાં વાઇફનું નામ લખીને ખેલી લેવામાં આવેલું રાજકારણ સરવાળે માનું મૂલ્ય વેંત ઊંચું કરતું હોય છે. રાજકારણ જરા પણ ખોટું નથી, સંબંધોમાં ખેલાતું રાજકારણ પણ ગેરવાજબી નથી. શરત માત્ર એટલી કે એ ‘સર્વજન સુખાય, સર્વજન હિતાય’ના ભાવથી રમવામાં આવ્યું હોય.


જે ઘરમાં, જે પરિવારમાં રાજકારણ નથી રમાતું એ પરિવારમાં ક્યાંક અને ક્યાંક, ક્યારેક અને ક્યારેક અંતરાયો વધી જતા હોય છે. સંવાદિતા પણ નહીંવત્ સ્તર પર આવી જાય છે અને લાગણીઓના સંબંધોમાં શૂન્યાવકાશ છવાઈ જતો હોય છે. ભાઈની ગર્લફ્રેન્ડ ખિસ્સામાં હાથ નાખવા રાજી ન થતી હોય એવા સમયે ભાઈની સામે બોલાયેલું ગર્લફ્રેન્ડ માટે લાગણી વધારે એવું જૂઠાણું પણ હિતકારી છે અને ભાભીના નામે વાઇફને આપી દેવામાં આવેલી ગિફ્ટ સરવાળે તો દેરાણી-જેઠાણી વચ્ચેનો અંતરાય દૂર કરવાનું કામ કરે છે. અંતરાય કે પછી વિખવાદ, ગેરસમજણ કે પછી આડોડાઈને દૂર કરવા માટે રમવામાં આવતી રમત સત્યવચન કરતાં એક હજા રગણી વધારે ઈfવરીય તાકાત ધરાવતી હોય છે. કૃષ્ણે શ્રીમદ ભગવદ્ગીતામાં કહ્યું છે કે કોઈના હિત માટે બોલવામાં આવેલું જૂઠાણું અહિત કરનારા સત્ય કરતાં જોજનો ઊંચું છે. કૃષ્ણે કહ્યું જ નથી, કૃષ્ણે જૂઠાણાનો ઉપયોગ પણ કરી લીધો છે અને રાજકીય કાવાદાવાઓ પણ રમી લીધા છે.

કશું ખોટું નથી એમાં. જો સત્ય માટે ખેલવામાં આવેલું રાજકારણ અહિતકારી ન હોય તો પરિવાર માટે, પોતાના માટે રમવામાં આવેલા રાજકારણમાં કોઈ પાપ નથી. નાનો ભાઈ ઘરની જવાબદારી સમજવા રાજી ન હોય એવા સમયે એને જવાબદારીની સભાનતા કરાવવા માટે મોટી બહેન તરીકેની ફરજ નિભાવવા રાજકારણ રમવું પડે તો રાજકારણ પાંચ આયંબિલ કરતાં વધારે પુણ્ય આપનારું પુરવાર થાય છે. મોટી બહેનની ખુશી માટે લીધેલી લોનની વાત સંતાડી રાખવામાં આવે અને બહેનની ખુશી પૂરી કરવામાં આવે તો એમાં પણ કશું ગેરવાજબી નથી. વાઇફથી ડર હોય એટલે જાહેરમાં આપવાને બદલે કોઈને કહ્યા વિના ચોરીછૂપીથી બહેનના પર્સમાં પૈસા મૂકી દેવા જેવું મોટું પુણ્ય બીજું કોઈ નથી અને મમ્મીના પર્સમાંથી પૈસા ચોરીને ખરીદેલી ચૉકલેટમાં ભાઈનો ભાગ રાખીને એને પણ ચૉકલેટ ખાવા આપવી એનાથી મોટો બીજો કોઈ અન્નકૂટ નથી. જો સંબંધોની ખુશબૂ અકબંધ રાખવી હોય, જો લાગણીઓનો બહાવ અકબંધ રાખવો હોય અને જો સ્નેહની સરવાણીથી અંગત જીવનની મહેક સલામત રાખવી હોય તો સંબંધોમાં પણ રાજકારણ રમવું પડે ત્યારે રમવું જોઈએ. રમાયેલા રાજકારણની પહેલી અને અંતિમ શરત એક છે, ‘સર્વજન સુખાય, સર્વજન હિતાય’.


આ પણ વાંચો : શું તમારો થોડો ટાઇમ આપશો?

સંબંધોમાં ખેલાયેલા રાજકારણનું જ સકારાત્મક પરિણામ છે સંયુક્ત પરિવાર. જે ઘરો તૂટ્યાં છે, વિભક્ત થયાં છે એ પરિવાર પાસે સકારાત્મક કાવાદાવા રમનારો કૃષ્ણનો વંશજ નહોતો અને એટલે જ એ પરિવારોએ ભાંગી પડવાનું કામ કયુર્ં છે. માનું મહત્વ વધારવા ચાર ડાયલૉગ્સ માના મોઢે મૂકવા પણ પડે અને ત્રણ ડાયલૉગ્સ માના નામે ઉમેરવા પણ પડે. બાપનું વર્ચસ અકબંધ રાખવા બે ડાયલૉગ્સ એડિટ કરવા પણ પડે અને ત્રણ શબ્દો નવા મૂકવા પણ પડે. મુકાયેલા એ શબ્દો બાપનું મહત્વ અકબંધ રાખે છે અને એડિટ કરવામાં આવેલા એ બે ડાયલૉગ્સ, એ બે ડાયલૉગ્સ સંબંધોનું મહત્વ અદકેરું કરી નાખે છે.

Whatsapp-channel Whatsapp-channel

31 May, 2019 10:48 AM IST | | રશ્મિન શાહ - સોશ્યલ સાયન્સ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK