Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સ્પોર્ટ્‍સમૅન સ્પિરિટ કેટલું છે તમારામાં?

સ્પોર્ટ્‍સમૅન સ્પિરિટ કેટલું છે તમારામાં?

29 August, 2019 03:26 PM IST | મુંબઈ
સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

સ્પોર્ટ્‍સમૅન સ્પિરિટ કેટલું છે તમારામાં?

નેશનલ સ્પોર્ટ્સ ડે

નેશનલ સ્પોર્ટ્સ ડે


દરેકને એક યા બીજી રમત ઉર્ફે સ્પોર્ટમાં રસ હોવાનો પાકો, નાનપણની સાદી રમત હોય કે યુવા વયની રમત હોય. જો કે સ્પોર્ટ્‍સનું ખરું મહત્વ આપણને ત્યારે જ લાગે છે જ્યારે એમાં સ્પર્ધા હોય છે. એથી પણ વધુ એ સ્પોર્ટ્‍સમાં રસ જન્મે છે, ખીલે છે કે ફેલાય છે જેમાં વધુમાં વધુ લોકોને મજા આવે છે. માત્ર રમવાની નહીં, જોવાની પણ. બાળપણની અમુક રમત યુવા વયે ભુલાઈ જાય છે અથવા આઉટ ઑફ ડેટ બની જાય છે. આપણે એને યાદ પણ કરીએ તો બાળપણમાં એ રમતમાં કેટલી બધી મજા આવતી હતી એ રીતે ભલે કરીએ, પરંતુ આપણે એ રમત પાછી યુવાનીમાં રમતા નથી; કારણ કે આપણી ભીતરનું બાળપણ વિદાય લઈ ચૂક્યું હોય છે. અલબત્ત, અમુક બાળપણની યાદગાર-રસપ્રદ રમત યુવાનીમાં પણ રમવાનું મન થાય અને મજા પણ આવે. કદાચ વધુ મજા આવે અને આપણે એને યાદ કરતાં કહી પણ દઈએ કે કોઈ લૌટા દે મેરે બિતે હુએ દિન અથવા પછી બચપન કે દિન ભી ક્યા દિન થે, ઉડતે ફિરતે તિતલી બનકે...

રમવું એ દરેક બાળકનો અધિકાર



રમવું એ પ્રત્યેક બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે. રમત-ગમત માત્ર બાળકના જીવનનું જ નહીં બલકે દરેકના જીવનઘડતરનું અનિવાર્ય અંગ છે. આપણે કોઈ પણ બાળકને રમતા જોઈએ ત્યારે તેની માત્ર રમત ન જોવી જોઈએ બલકે તેની મગ્નતા પણ જોવી જોઈએ. રમતાં-રમતાં બાળક, યુવાન કે વૃદ્ધ સુધ્ધાં ધ્યાનમાં ઊતરી જઈ શકે છે. મુંબઈમાં દેવેન્દ્રભાઈ દેસાઈ નામના એક સજ્જન  ચિલ્ડ્રન ટૉય ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવે છે અને બાળકોના રમવાના અધિકાર માટે પાંચ દાયકાથી માત્ર ઝુંબેશ ચલાવી રહ્યા નથી બલકે આ બાબતને તેમણે પોતાના જીવનનું મિશન બનાવી જીવન સમર્પિત કરી દીધું છે. તેમણે બાળકો માટે ટૉય્ઝ-ગેમ્સ લાઇબ્રેરીના વિચારને જબરદસ્ત આકાર આપ્યો છે, જેને પરિણામે આજે દેશભરમાં અઢીસોથી વધુ ટૉય્ઝ-ગેમ્સ લાઇબ્રેરી કામ કરી રહી છે. તેઓ ગરીબ અને સ્લમ વિસ્તારોમાં રહેતાં બાળકો માટે મોબાઇલ ટૉય્ઝ-ગેમ્સ લાઇબ્રેરી પણ ચલાવે છે. હૉસ્પિટલોમાં બાળદરદીઓના દર્દને ભુલાવવામાં સહાયરૂપ થવા દર સપ્તાહે અમુક હૉસ્પિટલના ચિલ્ડ્રન વૉર્ડની મુલાકાત પણ લેવાય છે અને ત્યાંનાં બાળદરદીઓને રમતમાં વ્યસ્ત કરી તેમના દર્દને હળવું કરવાનો સતત પ્રયાસ કરાય છે. આને એક પ્રકારની હીલિંગ પ્રોસેસ કહી શકાય.


સૌથી મહત્વનું પરિબળ સ્પિરિટ

આપણે માત્ર સ્પોર્ટ્‍સની વાત કરવી નથી બલકે સ્પોર્ટ્‍સ માર્ગે આપણા જીવનમાં પ્રવેશતી સ્પિરિટની વાત કરવી છે. તેથી જ એક શબ્દ વરસોથી જાણીતો થયો છે, સ્પોર્ટ્‍સમૅન સ્પિરિટ. સ્પોર્ટ્‍સ સાથે સૌથી ઉત્તમ બાબત સંકળાયેલી છે એ છે સ્પોર્ટ્‍સમૅન સ્પિરિટ. આ સ્પિરિટનું મહત્વ એટલુંબધું ગણાય કે સ્પોર્ટ્‍સ વિનાના જીવનના દરેક ક્ષેત્રમાં પણ ડગલે ને પગલે એ સ્પિરિટની આપણને જરૂર પડે અથવા એને જાળવવી જોઈએ એવી સમજ કેળવવી પડે. સ્પોર્ટ્‍સ સાથે સંકળાયેલા આ શબ્દની વ્યાખ્યા રમત-ગમતની દૃષ્ટિએ જોઈએ તો રમત રમતી વખતે સામેના પક્ષ સાથે રમતમાં નૈતિક, વાજબી, યોગ્ય, નમ્રતાપૂર્વકનો વ્યવહાર રાખવો. ઘણી વાર રમતમાં એવી રસાકસી થાય છે કે જીતવા માટે ઘણા લોકો જુદા-જુદા પેંતરા પણ અજમાવવા લાગે છે, જે ગેરવાજબી ગણાય. આ સમય સમતુલા જાળવવાનો હોય છે, જેના માટે સ્પિરિટ હોવી આવશ્યક છે. સ્પોર્ટ્‍સમૅન સ્પિરિટથી  ટીમવર્ક મજબૂત બને છે. શિસ્ત વધે છે, પરસ્પર માન વધે છે. સ્પોર્ટ્‍સમૅન સ્પિરિટ બાળપણથી જ વિકસાવવામાં આવે તો જીવનભર એ કામ આવે છે એટલું જ નહીં; જીવનનાં વિભિન્ન ક્ષેત્રમાં  સમતોલપણું, નૈતિકતા, વાજબીપણું અને શિસ્ત જાળવવામાં એ ઉપયોગી થાય છે. 


હાર અને જીત તો ચાલ્યા કરે

સ્પોર્ટ્‍સમાં હાર અને જીત તો સિક્કાની બે બાજુ જેવાં છે, ક્યારેક સિક્કો એક તરફ, ક્યારેક બીજી તરફ. ક્રિકેટ સહિતની ઘણી રમત શરૂ કરતી વખતે સિક્કો (કૉઇન) ઉછાળવામાં આવે છે જે  સંભવતઃ આ જ વાતનો સંકેત આપે છે કે ક્યારેક જીત, ક્યારેક હાર. ઘણી વાર નંબર ગેમની રેસ ચાલે છે; કોણ પહેલું, કોણ બીજું કે ત્રીજું આવ્યું એવું ચર્ચાય છે. જ્યારે કે વાસ્તવમાં રમતી વખતે કોણે વધુ આનંદ પ્રાપ્ત કર્યો એ વધુ મહત્વનું હોય છે.

ભેદભાવ ભુલાઈ જાય છે

રમતી વખતે એક સૌથી રસપ્રદ અને સંવેદનશીલ વાત એ બને છે કે એમાં ગરીબ-અમીરના, ઊંચ-નીચના ભેદ ભુલાઈ જાય છે. તમે ક્યારેય રસ્તા પર કે ફુટપાથ પર રમતાં બાળકોને જોયાં છે? તેમને જરા જુદી રીતે જોવાની કોશિશ કરજો, પોતાના વિશાળ ફ્લૅટ કે બંગલોમાં કમ્પ્યુટર યા મોબાઇલ પર રમતાં કરોડપતિનાં સંતાનો કરતાં પણ આ રસ્તા પરનાં બાળકોના ચહેરા પર વધુ   આનંદ જોવા મળશે. આજે બાળપણની રમત મેદાનને બદલે હાથની હથેળીમાં સમાઈ જતા મોબાઇલ કે એના જેવા કોઈ સાધનમાં ખોવાઈ ગઈ છે.  

સ્પિરિટ અને સ્પિરિચ્યુઍલિટી

આ શબ્દ પછી સ્પોર્ટ્‍સ સિવાયની બાબતો માટે પણ વપરાય છે. માનવીના ઘડતરમાં ભાગ ભજવે છે. આ શબ્દ આપણને હાર પચાવતાં, નિષ્ફળતાનો સ્વીકાર કરતાં શીખવે છે. તેથી જ જીવનના ઘડતરમાં પાયાનું કામ કરે છે. આ સ્પિરિટ શબ્દ કદાચ સ્પિરિચ્યુઍલિટીમાંથી સર્જાયો હોય અથવા સ્પિરિચ્યુઍલિટી શબ્દ સ્પિરિટમાંથી રૂપાંતર પામ્યો હોય. કહેવાનો ભાવાર્થ એ છે કે આ સ્પિરિટ શબ્દનું સ્થાન આધ્યાત્મિકતા જેવું પણ ગણી શકાય. આવી જ સંવેદનામાંથી વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની જેવાં ગીત પણ લોકોના હૃદયમાં વસી જાય છે. જીવન પણ એક રમત ગણતા હોઈએ તો એમાં આવતી હાર-જીત (સુખ-દુઃખ) પણ સ્વીકારતાં શીખી જવું પડે. સફળતા અને નિષ્ફળતાનો સ્વીકાર પણ કરવો પડે. કોઈ જીત કે સફળતા કાયમી નથી હોતી એમ કોઈ હાર કે નિષ્ફળતા પણ કાયમી નથી હોતી. જીવન છે ત્યાં સુધી રમત ચાલુ રાખવી પડે છે અને એ ચાલુ રહે પણ છે. જેમ જીવન માટે કહેવાય છે કે કેટલું જીવ્યા એ નહીં, કેવું જીવ્યા એ મહત્વનું છે એમ રમતમાં કેટલી વાર જીત્યા એ કરતાં કેવું રમ્યા એ મહત્વનું ગણાય. જીવનની સ્પિરિટને કેટલી જાળવવી અને વિકસાવવી એ વધુ મહત્વનું છે.

એક વાર આવેલા વિચારમાંથી સર્જાયેલી પંક્તિથી વાતને પૂરી કરીએ.

જિંદગીથી હું શા માટે હાર માની લઉં

હજી રમત ક્યાં પૂરી થઈ છે?

- જ.ચિ.

આ પણ વાંચો : રંગરૂપ અને પૈસો નહીં, પણ માયાળુ સ્વભાવ જુએ છે આજની કન્યાઓ

સ્પોર્ટ્‍સના વિષય પર બનેલી ફિલ્મોએ પણ સમાજમાં દાખલા બેસાડ્યા છે

સ્પોર્ટ્‍સના વિષય પર આમ તો આપણા દેશમાં ઘણી ફિલ્મો બની છે, જેમાંથી અમુક યાદગાર અને તાજી ફિલ્મોને જોઈએ તો એમાં સ્પોર્ટ્‍સ સાથે સંકળાયેલી સ્પિરિટ અને અન્ય લાગણીઓ પણ જોવા મળે છે જે જીવન માટે પણ માર્ગદર્શક-પ્રોત્સાહક કે મોટિવેશનલ બને છે. આમિર ખાનની ‘લગાન’માં અંગ્રેજો સામે ક્રિકેટ મૅચ રમતા ગામડિયાઓની સ્પિરિટને જોવા જેવી હતી, કેમ કે એમાં માત્ર રમત નહોતી બલકે ગુલામી, અન્યાય અને શોષણ સામેની લડતનો આક્રોશ હતો. આમિરની બીજી ફિલ્મ ‘દંગલ’માં યુવતીઓને અખાડામાં ઉતારવાની સત્યઘટના આધારિત વાત હતી જેમાં પણ ધગશ, હિંમત અને જુસ્સાની સ્પિરિટ કેન્દ્રમાં હતી. એના એક સંવાદે પણ દેશભરમાં નવી વિચારધારાને  સ્થાન અપાવ્યું હતું. એ હતો, હમાર છોરિયાં છોરોં સે કમ હૈ ક્યા? શાહરુખ ખાનની ‘ચક દે ઇન્ડિયા’માં પણ મહિલાઓની હૉકી ટીમને વૈશ્વિક મંચ પર તૈયાર કરી જિતાડવાની પાછળ એક જુસ્સો અને ઝનૂન હતાં. સલમાનની ‘સુલતાન’માં તો કુસ્તીની સાથે-સાથે માણસની જિંદગી માટે પણ મોટો સબક કહેતો એક સંવાદ હતો. એ જ કે માણસ પોતે જ્યાં સુધી હાર નથી માનતો ત્યાં સુધી તે હારતો નથી. માણસની એક લડાઈ પોતાની સાથે પણ ચાલતી હોય છે. આવા તો અનેક સંદેશ સ્પોર્ટ્‍સ અને એમાંથી સર્જાતી સ્પિરિટમાંથી મળતા રહે છે.

Whatsapp-channel Whatsapp-channel

29 August, 2019 03:26 PM IST | મુંબઈ | સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK