Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમઃઆપણને શું, કેટલું ને શા માટે જોઈએ છે એ સમજવું જરૂરી છે

કૉલમઃઆપણને શું, કેટલું ને શા માટે જોઈએ છે એ સમજવું જરૂરી છે

15 April, 2019 11:18 AM IST |
સોશ્યલ સાયન્સ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ

કૉલમઃઆપણને શું, કેટલું ને શા માટે જોઈએ છે એ સમજવું જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તાજેતરમાં એક ગેટ-ટુગેધરમાં ૨૦૦૮માં અમેરિકામાં આવેલી મંદીની વાત ચાલી રહી હતી. એ સમય દરમ્યાન અમેરિકામાં રહેતા અને હાલ ભારતમાં સ્થાયી થયેલા એક મિત્રે પોતાનો અનુભવ વર્ણવતાં કહ્યું કે, એ દિવસો ત્યાં રહેનારાઓ માટે ખરેખર કપરા હતા. મોટા ભાગની કંપનીઓ જે કર્મચારીને નોકરીમાંથી કાઢવાના હોય તેમને શુક્રવારે કાઢતી. એમ કરવા પાછળ કંપનીઓનો ઇરાદો એવો રહેતો કે નોકરી જતી રહેવાથી વ્યક્તિને જે માનસિક આઘાત લાગે તેમાંથી બહાર નીકળવા તેને તરત જ શનિ-રવિનો સમય પોતાના પરિવાર સાથે વિતાવવા મળી રહે તો તેને સારું પડે, પરંતુ તેનું પરિણામ એ આવતું કે શુક્રવાર આવે એટલે લોકોના પેટમાં રીતસરની ફાળ પડતી કે આજે હવે કોની નોકરી જવાની?

એવામાં એક દિવસ અચાનક મારા બેસ્ટ ફ્રેન્ડ દીપકની ખાલી ગાડી પોલીસને ત્યાંના એક ઓવરબ્રિજ પરથી મળી આવી. એ ગાડીમાં તેનો મોબાઇલ પણ પડ્યો હતો, જેમાં છેલ્લે ડાયલ કરેલા નંબરોમાંથી મારો નંબર મળી આવતાં પોલીસે મને તેની ગાડીની ઓળખવિધિ કરવા બોલાવ્યો. હું ત્યાં પહોંચ્યો ત્યારે ખબર પડી કે વાસ્તવમાં જે ઓવરબ્રિજ પરથી પોલીસને એ ગાડી મળી હતી એ જ ઓવરબ્રિજ પરથી કેટલાક કલાકો પહેલાં દીપકે નોકરી છૂટી જતાં કૂદકો મારી આત્મહત્યા કરી લીધી હતી. ફક્ત નોકરી છૂટી જવાથી પોતાની પાછળ પોતાની યુવાન અને સુંદર પત્ની તથા ફક્ત દોઢ જ વર્ષની નાની દીકરીને આમ છોડીને દીપક જતો રહે એ કેમેય કરીને મારા માનવામાં આવી રહ્યું નહોતું, પરંતુ આગામી દિવસોમાં ખબર પડી કે વાસ્તવ મંદી આવી તે પહેલાં સુધી બધી જ વસ્તુ લોન અને હપ્તા પર સરળતાથી મળી રહેતી હોવાથી દીપકે ગજા કરતાં મોટું ઘર, મોંઘી ગાડી જેવાં બીજાં અનેક દેવાં પોતાના માથે કરી લીધાં હતાં. નોકરી હતી ત્યાં સુધી બધું બરાબર ચાલ્યું, પરંતુ જેવી નોકરી ગઈ કે એ બધું દેવું કેવી રીતે ભરપાઈ કરવું અને જો ભરપાઈ ન થાય તો પોતાની અને પોતાની પાછળ પોતાના પરિવારજનોની શું હાલત થાય એ વિચારથી તેનું મગજ એવું તે બહેર મારી ગયું કે તેને એ બધાનો સામનો કરવા કરતાં પેલા ઓવરબ્રિજ પરથી કૂદકો મારી દેવો વધુ સરળ લાગ્યો અને તેણે એ જ કર્યું.



મિત્રના જીવનની આ સત્યઘટના સાંભળી રીતસરનો ગેટ-ટુગેધરમાં બે મિનિટ માટે સોપો પડી ગયો અને પછી તરત જ બધાના મનમાં એક જ વિચાર દોડવા લાગ્યો કે આપણે બધા કઈ દિશામાં જઈ રહ્યા છીએ? વિજ્ઞાન એમ કહે છે કે મનુષ્યને આ પૃથ્વી પર ટકવા માટે મૂળભૂત રીતે ફક્ત ત્રણ જ વસ્તુની જરૂર પડે છે. રોટી, કપડાં ઔર મકાન, પરંતુ એ વિજ્ઞાનની થિયરી છે. આ ત્રણ વસ્તુઓના આધારે આપણે આ પૃથ્વી પર માત્ર ટકી શકીએ છીએ. જીવનને એન્જૉય કરવા માટે તેનાથી બીજી ઘણી વસ્તુઓની આવશ્યકતા પડે છે. તેથી એક વાર આ મૂળભૂત જરૂરિયાતો સંતોષાઈ જાય ત્યાર બાદ આપણી સાચી ખુશી નવી આવશ્યક્તાઓ શોધવામાં તથા તેને પૂર્ણ કરવાના પ્રયત્નોમાં રહેલી છે.


ગ્લોબલાઇઝેશન તથા મૉડર્નાઇઝેશનના આ સમયે આખી દુનિયાનાં દ્વાર આપણી સામે ઉઘાડી દીધાં છે, પરંતુ એનું અવળું પરિણામ એ આવ્યું છે કે આપણે બધા આવશ્યકતાઓ અને ઇચ્છાઓ વચ્ચેનો તફાવત ભૂલી રહ્યા છીએ. એક સરેરાશ માણસ માટે હવે મોબાઇલ ફોન, લૅપટૉપ, કેટલીક જોડી સારાં કપડાં હવે ફક્ત ઇચ્છા નથી રહી, આવશ્યકતા બની ગઈ છે, કારણ આ બધા વિના તેના માટે કામ કરવું મુશ્કેલ બની ગયું છે. વળી ઉપર જણાવ્યું તેમ જીવન ફક્ત આ પૃથ્વી પર ટકી રહેવામાં નહીં, પરંતુ તેને એન્જૉય કરવામાં સમાયેલું છે, તેથી વચ્ચે વચ્ચે એકાદ સારી હોટેલમાં જઈને જમી આવવું કે કોઈ સારા થિયેટરમાં જઈને ફિલ્મ જોઈ આવવી કે પછી થોડી ખરીદી કરીને કે પાર્લરમાં જઈને પોતાની જાતને થોડાં લાડ લડાવવામાં પણ કોઈ હાનિ નથી.

પરંતુ આ સારી ગુણવત્તાભર્યા જીવન તથા લાડકોડના અતિરેક જેવા બે અંતિમો વચ્ચે પોતે ક્યાં રહેવું છે એ વ્યક્તિએ પોતે નક્કી કરવાનું છે. પરિણામે હવેના સમયમાં બધાને ફોન જોઈએ જ એ વાત બરાબર છે, પરંતુ શું એ આઇફોન જ હોવો આવશ્યક છે? તેવી જ રીતે ઘર હોવું જરૂરી છે, પરંતુ એ થકી બીએચકે (બેડરૂમ હૉલ કિચન) જ હોવું આવશ્યક છે? કે પછી વર્ષે એકાદ વાર બહારગામ ફરવા જવું જરૂરી છે, પરંતુ શું એ સ્થળ ફૉરેન લોકેશન જ હોવું આવશ્યક છે?


હવેના મોંઘવારીના સમયમાં આવશ્યકતાઓ અને ઇચ્છાઓ વચ્ચેનો ભેદ સમજવો જરૂરી બની ગયો છે. ક્યાંક આપણે બધા જ એવું માનવા લાગ્યા છીએ કે આપણને જે ગમે તે પામવાનો આપણને અધિકાર છે. આ વિચારધારા આવશ્યકતા અને ઇચ્છા વચ્ચેની ભેદરેખાને ઝાંખી કરી રહી છે અને આપણને સ્વાર્થી અને સ્વકેન્દ્રી બનાવી રહી છે. કયા કારણસર આપણી ઇચ્છા આપણી આવશ્યકતા બની રહી છે એ સમજવું પણ જરૂરી છે. મોટા ભાગે આ કારણ આપણે પોતે નહીં, પરંતુ કોઈ બીજું હોય છે. પેલો મોંઘો મોબાઇલ, મોટું ઘર, મોટી ગાડી કે વિદેશયાત્રા આપણને આપણા માટે નથી જોઈતાં, કોઈ બીજાને નીચા દેખાડવા માટે કે આપણે કોઈ રીતે તેમનાથી ઊતરતા નથી એ પુરવાર કરવા માટે જોઈએ છે. પરિણામે સ્પર્ધાની આ ભાવના કઈ ઘડીએ આપણી ઇચ્છાઓને આપણી આવશ્યક્તા બનાવી દે છે તેનો આપણને પણ ખ્યાલ રહેતો નથી.

વાસ્તવમાં કોઈ પણ ચીજવસ્તુની આવશ્યકતા તો જ સાચી કહેવાય જો એ આપણા અંતરમાંથી ઉદ્ભવતી હોય, જો એ આપણા આંતરિક વિકાસ માટે આવશ્યક હોય, જો એ આપણા આંતરિક આનંદ માટે જરૂરી હોય. આવશ્યકતા કોઈ બીજા માટે નહીં, આપણા ખુદ માટે હોવી જોઈએ. તેથી ગઈ કાલની અનાવશ્યકતાઓને આજની આવશ્યકતાઓ બનાવતાં પહેલાં આ મુદ્દાઓ વિશે પૂરતો વિચાર કરી લેવો જોઈએ. આપણે જેને આવશ્યકતા કહીએ છીએ એ આપણને બીજા કોઈ સાથે નહીં, પરંતુ ખુદ આપણી જ જાત સાથે સ્પર્ધામાં ઊતરવામાં મદદ કરી રહ્યું છે ખરું? આ સવાલના જવાબ જે વસ્તુઓ માટે હામાં આવતો હોય એ ચીજવસ્તુ તે ચોક્કસ વ્યક્તિની રોટી, કપડાં ઔર મકાન બાદ જીવનની મૂળભૂત જરૂરિયાત છે. આમ કોઈ પણ સ્વાર્થી ઇચ્છાને પોતાની આવશ્યકતા બનાવતાં તેની પૂરતી ચકાસણી કરી લેવી જોઈએ. આવશ્યકતાઓ સામે નહીં, પણ આવશ્યકતાઓ માટે લડો, પરંતુ કોઈ પણ ઇચ્છાને આવશ્યક્તા બનાવતા પહેલાં બે ઘડી વિચાર ચોક્કસ કરો.

Whatsapp-channel Whatsapp-channel

15 April, 2019 11:18 AM IST | | સોશ્યલ સાયન્સ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK