કથા સપ્તાહ : ડેવિલ્સ ઍડ્વોકેટ (4)

Published: Jun 06, 2019, 14:13 IST | રશ્મિન શાહ - કથા સપ્તાહ | મુંબઈ

શાઇસ્તામાં શૈતાનનો વાસ છે એ વાતે મનેકમને ડૉક્ટર કંદર્પ ત્રિવેદી પણ સહમત થઈ રહ્યા હતા.

ડેવિલ
ડેવિલ

શાઇસ્તામાં શૈતાનનો વાસ છે એ વાતે મનેકમને ડૉક્ટર કંદર્પ ત્રિવેદી પણ સહમત થઈ રહ્યા હતા. તેમની પાસે બીજો કોઈ છૂટકો પણ નહોતો. આંખ સામે ઘટી રહેલી ઘટનાઓ તેને મજબૂરીવશ આ બાબતમાં સમજવાની ક્ષમતા આપતી હતી. ૨૧ દિવસ, એકધારા છેલ્લા ૨૧ દિવસથી તે સતત મૌલવીચાચા સાથે રહેતા હતા. મૌલવીચાચા, કંદર્પ ત્રિવેદી, તૌસિફ ખાન અને શાઇસ્તા. જોકે એ પછી પણ હકીકત તો એ જ હતી કે શાઇસ્તામાં રહેલો આત્મા કોઈ કાળે બહાર નીકળવા તૈયાર નહોતો થઈ રહ્યો અને હવે તો લિટરલી શાઇસ્તાને નહીં છોડવાની જીદ પર આવી ગયો હતો.

‘લગતા હૈ તેરે પાસ ઔર કોઈ કામ નહીં હૈ...’

મૌલવીચાચા જેવા રૂમમાં દાખલ થયા કે શાઇસ્તાની નાભિમાંથી એક મોટો, ભરાવદાર અને વજનવાળો અવાજ બહાર આવ્યો,

‘બચ્ચી કો પરેશાન દેખકર હર કોઈ બાપ બેકાર હો જાતા હૈ...’

‘અચ્છા મેરે બાપ... તુ ભી સૂન લે, મૈં યહાં પરેશાન નહીં હૂં, અબ તુ યહાં સે કટ લે.

‘અરે, આ શું?’

શાઇસ્તામાંથી આ અવાજ અગાઉ ક્યારેય સાંભળવા નહોતો મળ્યો. આ અવાજ પહેલી વખત આવ્યો હતો. અગાઉ દરેક વખતે જે અવાજ આવતો એ જુદો હતો અને અત્યારે, આ સમયે, જે વાત કરતો હતો એ અવાજ પણ જુદો હતો.

મૌલવીચાચાની આંખો ચમકી.

‘કૌન હૈ તુ...’

‘તેરી અમ્મી, બેટે... અમ્મી કો નહીં પહચાનતા...’

નવો અને ત્રીજો અવાજ...

‘ચાચા, આ શું થઈ રહ્યું છે?’

ડૉક્ટર કંદર્પ ત્રિવેદીને હવે ખરેખર ગભરાટ થઈ રહ્યો હતો. જો મૌલવીચાચાની થિયરીથી જ વાતને વિચારવામાં આવે, સમજવામાં આવે તો અત્યાર સુધી શાઇસ્તામાં એક શૈતાન હતો પણ હવે, હવે તેના શરીરમાં ત્રણ-ત્રણ આત્મા છે.

‘કૌન હો તુમ લોગ... ખુદા કી ખાતિર

અબ તુમ... ’

મૌલવીચાચાએ પોતાના એક હાથમાં પકડેલા લવિંગની ટોપી સળગાવી, બીજા હાથમાં રાખેલી ટાંકણીને ગરમ કરી.

‘ચાચા, મને બહુ પેઇન થાય છે... ચાચા...’ શાઇસ્તા એકાએક નૉર્મલ થઈને બોલી, તેની આંખોમાં અપાર વેદના હતી. ‘પ્લીઝ... મને આ બધામાંથી છોડાવોને... મારે હજી એક્ઝામ આપવાની છે... બહુ પેઇન થાય છે ચાચા... ’

‘બેટા તુ ખુદા કા નામ લે, સબ ખૈરિયત હોગી...’

‘બેટા સબ, ખૈરિયત હોગી...’

શાઇસ્તાએ મૌલવીચાચાના ચાળા પાડ્યા, મૌલવીચાચા જોઈ રહ્યા.

‘હા... હા... ઓ... હા...’

એકાએક શાઇસ્તાના શરીરમાંથી અનેક લોકોનો હસવાનો અવાજ આવ્યો.

કોઈ ઔરતનો, કોઈ બાળકનો, કોઈ બુઢ્ઢીનો, કોઈ ટપોરીનો...

‘ચાચા, યે સબ ક્યા હો રહા હૈ...’

તૌસિફ ખાનનો અવાજ ગળગળો થઈ ગયો હતો. આંખો ભીની હતી, પણ તેણે આંસુને જબરદસ્ત મહેનતથી દબાવી રાખ્યાં હતાં.

‘મિયાં, ઐસી કસૌટી તો કભી ખુદા કી ભી નહીં હુઈ હોગી...’

સટાક...

હજી તો તૌસિફ ખાન પોતાનું વાક્ય બોલવાનું પૂરું કરે એ પહેલાં શાઇસ્તાએ પોતાના ડાબા હાથથી પોતાના જમણા ગાલ પર એક જોરદાર તમાચો ઠોકી દીધો. મૌલવીચાચા, ડૉ. કંદર્પ ત્રિવેદી અને તૌસિફ ખાન માટે આ કોઈ નવી વાત નહોતી. જ્યારે-જ્યારે શાઇસ્તા પર શૈતાન હાવી થતો ત્યારે તે શાઇસ્તાને પોતાની પાસે જ માર મરાવતો, પણ આજની વાત જુદી હતી. આજે આ કમરામાં રહેલા ત્રણેય મર્દને ખબર પડી ગઈ હતી કે શાઇસ્તાના શરીરમાં એક નહીં, એકથી વધારે શૈતાન વસી રહ્યા છે.

ધડામ...

શાઇસ્તાએ પલંગની બાજુમાં પડેલી ટિપૉઇ પરથી પાણીનો જગ ઉપાડીને પોતાના માથા પર ઠોકી દીધો.

‘મત મારો, મેરી બેટી કો મત મારો...’

તૌસિફ ખાન ઘૂંટણિયે પડીને કરગરવા લાગ્યા. એક ન્યુરો ફિઝિશ્યન તરીકે ડૉક્ટર કંદર્પ ત્રિવેદી માનસશાસ્ત્ર માટે પડકારજનક હોય એવા ઘણા કેસ જોયા હતા, પણ શાઇસ્તા જેવો કેસ તેઓ પહેલી વાર જોઈ રહ્યા હતા.

‘છોડ દો ઉસે, ચાહે તો ઉસકે બદલે મુઝે કાબૂ મેં લે લો, મગર ખુદા કી ખાત‌િર બચ્ચી કો છોડ દો...’

‘અબ તો હમ સાથ હી સાથ રહેંગે, ઠીક હૈના શાઇસ્તા?’

આત્મા જાણે કે શાઇસ્તા સાથે વાત કરતો હોય એ રીતે તેણે શાઇસ્તાને સવાલ પૂછ્યો અને શાઇસ્તા રડવા માંડી.

‘મગર ઉસકા કસૂર ક્યા હૈ, ઉસે તુમ કૌન સે ગુનાહોં કી કી સજા દે રહે હો...’

‘ગુનાહ? હમને ભી તો કોઈ ગુનાહ નહીં કિયા થા...’

‘મતલબ, યું હી... ’

આ વખતે સવાલ મૌલવીચાચાએ કર્યો. ચાચાને શાઇસ્તામાં રહેલા શૈતાનના જવાબથી ખરેખર આશ્ચર્ય થયું હતું. આશ્ચર્ય અને આશ્ચર્યની સાથોસાથ ડર પણ. દરેક હેરાનગત‌િની પાછળ કોઈ કારણ, કોઈ મક્સદ જરૂર હોય છે, પણ જ્યારે કોઈ કારણ વગરની હેરાનગતિ કરે ત્યારે તેની હેરાનગતિને અટકાવવી, હેરાનગત‌િને રોકવી અઘરી જ નહીં, અશક્ય પણ બની જાય છે. આ શૈતાનના કહેવા પ્રમાણે તેની પાસે શાઇસ્તાને કબજામાં રાખવા માટેનું કોઈ કારણ નહોતું, પણ એમ છતાં તે શાઇસ્તાને પોતાની પ્રૉપર્ટી માનીને એમાં ઘૂસી ગયો હતો.

‘બસ, અબ બચ્ચી કો ઇસકે હાલ પે

છોડ દો...’

મૌલવીચાચા ઊભા થઈને શાઇસ્તા પાસે જવા લાગ્યા કે તરત જ તૌસિફમિયાંએ તેમને રોક્યા. તૌસિફમિયામાં રહેલા એક પિતા શૈતાન સામે સરેન્ડર કરી રહ્યા હતા.

 ‘ચાચા, જલદી...’

હજી તો મૌલવીચાચા માંડ દરવાજે પહોંચ્યા હશે ત્યાં પાછળથી ડૉક્ટર કંદર્પ ત્રિવેદીનો અવાજ આવ્યો.

મૌલવીચાચાને પણ જાણે આવા કોઈ સાદની અપેક્ષા હોય એમ તેઓ ત્વરિત પાછા ફરીને ઉપરની તરફ ભાગ્યા.

શાઇસ્તાની રૂમનું દૃશ્ય જોઈને મૌલવીચાચા હેબતાઈ ગયા.

પલંગ પર શાઇસ્તા બેઠી હતી અને તેણે પોતાનો આખો હાથ મોઢામાં ઘુસાડી દીધો હતો. બીજા હાથથી તૌસિફમિયાંને પકડ્યા હતા.

મૌલવીચાચાએ સૌથી પહેલું કામ તૌસિફમિયાંને શાઇસ્તાની પકડમાંથી છોડાવવાનું કરવાનું હતું. તેમણે શાઇસ્તાના હાથ પર જોરદાર ફટકો માર્યો, પણ આ ફટકાથી જાણે શાઇસ્તાને મજા આવી હોય એમ તેણે મોઢામાંથી હાથ બહાર કાઢીને મૌલવીચાચાની સામે હસી લીધું. શાઇસ્તાનું શરીર એકદમ અક્કડ થઈ ગયું હતું અને તેની પકડમાંથી તૌસિફમિયાંને છોડાવવાનું કામ અઘરું હતું.

‘ડૉક્ટર, શૉક... ’

ડૉક્ટર કંદર્પ ત્રિવેદી જ્યારે શાઇસ્તાના ઘરે આવતા ત્યારે પોતાની સાથે અલ્ટ્રા શૉક કિટ લાવતા.

મૌલવીચાચાની બૂમની સાથે કંદર્પ ત્રિવેદીએ શૉક કિટ ખોલી નાખી. જોકે આ શૉક સૉકેટ લઈને શાઇસ્તા પાસે જતાં તેમને ડર લાગતો હતો. ડૉક્ટરનો ડર જાણે મૌલવીચાચા જાણી ગયા હોય એમ તેમણે હાથ લંબાવ્યો. કંદર્પ ત્રિવેદીએ સૉકેટ ચાચાના હાથમાં પકડાવી દીધું. આજે પહેલી વાર એવું બન્યું હતું કે ગાંડાના ડૉક્ટરને ગાંડપણ કાઢતી વ્યક્તિ પાસે જતાં ડર લાગતો હતો. હકીકત એ હતી કે આ ડર ગાંડપણનો નહીં, શાઇસ્તા અને તેની અંદર હૉસ્ટેલ બનાવીને બેસી રહેલા આત્માઓનો હતો.

ચાચા હવે તૌસિફમિયાં અને શાઇસ્તાની બરાબર વચ્ચે હતા. શાઇસ્તા પલંગ પર બેઠી હતી અને તૌસિફમિયાં પલંગની નીચે હતા અને તેનો હાથ પકડીને શાઇસ્તા ખેંચી રહી હતી.

મૌલવીચાચાએ ક્ષણભર માટે આંખો બંધ કરીને ખુદાને યાદ કરી લીધા. કુરાનની આયત પઢી લીધી.

તેમણે જ્યારે આંખો ખોલી ત્યારે શાઇસ્તા પોતાના મોઢામાંથી હાથ બહાર કાઢીને જોઈ રહી હતી. તેણે પોતાના જ દાંત પોતાના હાથમાં ઘુસાડી દીધા હતા. શાઇસ્તાના હાથમાંથી લોહી વહેતું હતું અને તેની મોંફાડના બંને ખૂણા ફાટી ગયા હોવાથી એમાંથી પણ લોહી વહેવા માંડ્યું હતું. ભારોભાર જુગુપ્સા જન્માવે એવું આ દૃશ્ય હતું.

મૌલવીચાચાએ પોતાના હાથમાં રહેલા શૉક-સૉકેટને એક જ ક્ષણમાં શાઇસ્તાના માથા પર જડી દીધા. શૉક-સૉકેટમાંથી ૨પ૦ વૉટનો પાવર સપ્લાય થતો હતો. ૨પ૦ વૉટની પાવર સપ્લાયનો શૉક એક સેકન્ડથી વધુ ક્યારેય ન આપી શકાય. આ એક સેકન્ડનો શૉટ પણ પેશન્ટને ૪થી ૬ કલાક માટે બેભાન કરી દેતો હોય છે.

પણ આ શું...

મૌલવીચાચાએ શાઇસ્તાના લમણા પર મૂકી દીધેલા શૉક-સૉકેટ પછી પણ શાઇસ્તા તો આરામથી પોતાનો હાથ ખાઈ રહી હતી. ડૉક્ટર કંદર્પ ત્રિવેદીએ બૅગ તરફ જોયું. બૅગમાં જડેલા મીટરની લાલ લાઇટ કહી રહી હતી કે શૉક-સૉકેટ એનું કામ કરી રહ્યાં છે અને છતાં...

એ સમયે ન્યુરોસર્જ્યન ડૉક્ટર કંદર્પ ત્રિવેદીએ મનોમન સ્વીકારી લીધું હતું કે આ પૃથ્વી પર ભગવાન હોય કે ન હોય, પણ શૈતાન તો છે જ છે.

 ‘બાબા, મૈં બહોત પરેશાન કર રહી હૂં ના...’

શાઇસ્તા પલંગ પર સૂતી હતી. તૌસિફમિયાં પલંગની જમણી બાજુએ ઊભા હતા. તેની પાછળ ભાઈ શબ્બીર ઊભો હતો. સામી બાજુએ શાઇસ્તાનાં અમ્મી હતાં, અમ્મીની બાજુમાં શાસિન હતી અને પલંગની બરાબર સામે મૌલવીચાચા અને ડૉક્ટર કંદર્પ ત્રિવેદી

ઊભા હતા.

‘નહીં, બેટા... તુમ જલદી ઠીક હો જાઓગી...’

‘ના, બાબા... અબ કુછ નહીં હો સકતા...’

‘મેરે બચ્ચે, ઐસા નહીં બોલતે...’

શાઇસ્તાએ ધીરેથી ડોક ઘુમાવીને મૌલવીચાચા સામે જોયું.

‘ચાચા, જો કુછ ભી હુઆ... ’

‘બચ્ચે, ખુદા પે વિશ્વાસ રખ...’

શાઇસ્તાના ચહેરા પર માંદલું સ્મિત

આવી ગયું.

‘મારે ચાલવું છે... ’

‘ના બેટા... ’

અમ્મીએ શાઇસ્તાના કપાળ પર હાથ પ્રસરાવ્યો.

‘અરે આઘી મર કુત્તી... કહેતી હૂં જો વો સમઝ મેં નહીં આતા, મારે ચાલવું છે... ’

શાઇસ્તામાં એકાએક તાકાત આવી ગઈ. તે ઝાટકા સાથે પલંગ પર ઊભી થઈ ગઈ. શાઇસ્તાના આ ઝાટકાથી મૌલવીચાચા સિવાયના બધા બેડથી દૂર ખસી ગયા.

શાઇસ્તાએ મૌલવીચાચા સામે આંખ માંડી.

‘ચાલ ત્યારે, પાછા મળીશું...’

મૌલવીચાચા કંઈ કરે કે સમજે એ પહેલાં તો શાઇસ્તા છલાંગ મારીને સીધી સામેની દીવાલ સાથે ભટકાઈ.

ખટાક...

શાઇસ્તાની ખોપરી ફાટી ગઈ.

‘આખિર મેં શૈતાન જીત હી ગયા... ’

મૌલવીચાચાની આંખના ખૂણા ભીના થઈ રહ્યા હતા. મૌલવીચાચાની આંખોમાંથી ઊભરાઈ રહેલાં આ આંસુઓમાં શાઇસ્તાના મોત કરતાં શૈતાનની જીતનું દુઃખ વધુ હતું.

લગભગ ૬ મહિના પછી મૌલવી ઝફર કુરેશીનો કેસ ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં શરૂ થયો. એક હોનહાર સાયન્સ સ્ટુડન્ટની હત્યાનો તેમના પર આરોપ હતો. તેમના પર આરોપ હતો કે તેઓ અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે.

ન્યુઝપેપર અને ટીવી મીડિયાને આ કેસમાં સૌથી વધારે રસ હતો. અંધવિશ્વાસ અને વિજ્ઞાન વચ્ચેનો આ જંગ હતો. ૬ મહિનાથી બધા શાઇસ્તાના પરિવારના ઇન્ટરવ્યુ માટે મહેનત કરતા હતા, પણ ખાનપરિવાર તરફથી કોઈ જવાબ મળતો નહોતો. મૌલવી ઝફર કુરેશીની મુલાકાત માટે પણ અનેક જર્નલિસ્ટ તૈયાર થઈ ગયા હતા, પણ જેલમાં હોવાને લીધે મથામણ મોટી હતી અને લોકસભા ઇલેક્શનને કારણે પણ કોઈને જેલમાં જવાની લાંબીચલક પ્રોસીજર કરવી નહોતી.

આ પણ વાંચો : કથા સપ્તાહ : ડેવિલ્સ ઍડ્વોકેટ (3)

ચાર્જશીટ સાંભળ્યા પછી મૅજિસ્ટ્રેટ કમલ નૌતમે પ્રથમ સાક્ષી તરીકે પોસ્ટમૉર્ટમ રિપોર્ટને ચકાસ્યો. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ અનુસાર શાઇસ્તાના શરીર પર માર માર્યાની અસંખ્ય નિશાનીઓ હતી. આ નિશાન સાથે એ પણ પુરવાર થતું હતું કે શાઇસ્તા પર જોર અજમાવવામાં આવ્યું છે. શાઇસ્તાનાં ફેફસાંનાં બે હાડકાં તૂટી ગયાં હતાં. માથું જોરથી અફળાવાને કારણે ખોપરીનું હાડકું પણ ભાંગી ગયું હતું. શાઇસ્તાના મોઢામાંથી બે દાંત પણ મળી આવ્યા હતા. આ બધાં નિશાન કહેતાં હતાં કે શાઇસ્તા સાથે દેખીતો જુલમ થયો છે. આ જુલમ કોણે કર્યો છે એ મુદ્દો ચાર્જશીટમાં પણ દર્શાવવામાં આવ્યો નહોતો. ચાર્જશીટ સાથે જોડવામાં આવેલી ઍપ્લિકેશનમાં એવી વિનંતી કરવામાં આવી હતી કે જ્યારે આ કેસ શરૂ થાય ત્યારે કેસની તપાસ કરનારા ઇન્સ્પેક્ટર અતુલ પરાંજપેને હાજર રાખવામાં આવે.

(ક્રમશઃ)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK