Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કોંગેસી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુરલી દેવડાનું મુંબઈમાં નિધન

કોંગેસી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુરલી દેવડાનું મુંબઈમાં નિધન

24 November, 2014 04:05 AM IST |

કોંગેસી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુરલી દેવડાનું મુંબઈમાં નિધન

કોંગેસી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુરલી દેવડાનું મુંબઈમાં નિધન



murli deora


કૉન્ગ્રેસના દિગ્ગજ નેતા અને ગાંધીપરિવાર સાથે નિકટના સંબંધ ધરાવતા મુંબઈના સિનિયર નેતા મુરલી દેવરાનું ગઈ કાલે વહેલી પરોઢે નિધન થયું હતું. મુરલીભાઈ તરીકે જાણીતા ૭૭ વર્ષના પીઢ કૉન્ગ્રેસી નેતાની લાંબા સમયથી કૅન્સરની સારવાર ચાલી રહી હતી. તેમના પરિવારમાં પત્ની હેમા અને ભૂતપૂર્વ સંસદસભ્ય પુત્ર મિલિંદ સહિત બે પુત્રો છે. કેન્દ્રમાં કૉન્ગ્રેસના નેતૃત્વ હેઠળની યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સની મનમોહન સિંહ સરકારમાં મુરલી દેવરા પેટ્રોલિયમ અને કૉર્પોરેટ અર્ફેસ મિનિસ્ટર રહી ચૂક્યા હતા અને તેઓ ત્રીજી ટર્મ માટે રાજ્યસભાના સભ્ય હતા. સ્વર્ગીય પ્રાઇમ મિનિસ્ટર રાજીવ ગાંધીના નજીકના નેતા ગણાતા મુરલીભાઈ દેશના ટોચના ઇન્ડસ્ટિÿયલિસ્ટો સાથે અંગત સંબંધો ધરાવતા હોવાથી કૉન્ગ્રેસના પાર્ટી-ફન્ડમાં હંમેશાં તેમનો મોટો ફાળો રહ્યો હતો. 

ચાર દાયકા કરતાં પણ લાંબી પૉલિટિકલ કરીઅરમાં મુરલીભાઈ પહેલાં નગરસેવક અને પછી મુંબઈના મેયર બન્યા તેમ જ લોકસભામાં સાઉથ મુંબઈની સીટ પરથી ચાર વખત ચૂંટાયા હતા. મુંબઈ કૉન્ગ્રેસના પ્રેસિડન્ટ તરીકે સતત બાવીસ વર્ષ ટકી રહેવાનો અને મનમોહન સરકારની બન્ને ટર્મમાં મળી સતત પાંચ વર્ષ (૨૦૦૬-૧૧) અને સૌથી લાંબા સમય માટે કેન્દ્રના પેટ્રોલિયમ મિનિસ્ટર બની રહેવાનો મુરલી દેવરાના નામે રેકૉર્ડ છે. ત્યાર બાદ મનમોહન સરકારમાં કૉન્ગ્રેસની નવી પેઢીને તક મળી એમાં તેમનો સાઉથ મુંબઈની સીટ પરથી ચૂંટાયેલો સંસદસભ્ય પુત્ર મિલિંદ મિનિસ્ટર બનતાં મુરલીભાઈએ મિનિસ્ટ્રી છોડી હતી અને રાજ્યસભાના સભ્ય બન્યા હતા. 

ચંદનવાડી સ્મશાનગૃહમાં કૉન્ગ્રેસના પીઢ નેતા મુરલી દેવરાના અંતિમ સંસ્કાર વખતે કૉન્ગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધી, પાર્ટીના વાઇસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધી અને જવલ્લે જ આવા પ્રસંગે જોવા મળતાં પ્રિયંકા ગાંધી તેમ જ કૉન્ગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતાં.

આ પહેલાં આઝાદ મેદાનમાં પ્રદેશ કૉન્ગ્રેસ ઑફિસમાં લોકદર્શનાર્થે રાખવામાં આવેલા તેમના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપવા MNSના ચીફ રાજ ઠાકરે, ગ્થ્ભ્ના નેતા અને કેન્દ્રીય મિનિસ્ટર પીયૂષ ગોયલ તેમ જ NCPના સિનિયર નેતા સુનીલ તટકરે સહિત અન્ય પાર્ટીના કેટલાય નેતાઓ આવ્યા હતા. પાર્ટીના વર્કરો પણ મોટી સંખ્યામાં હાજર હતા અને બે વાગ્યાને બદલે સાંજે સવાચારેક વાગ્યે ત્યાંથી અંતિમ યાત્રા શરૂ થઈ હતી. સાડાચાર વાગ્યા બાદ ચંદનવાડી સ્મશાનગૃહમાં આ યાત્રા પહોંચી ત્યારે ત્યાં ગાંધીપરિવાર તેમને અંતિમ વિદાય આપવા માટે હાજર હતો.

આ પીઢ કૉન્ગ્રેસી નેતાની સરકારી માન-સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી કૅન્સરની બીમારીથી પીડાતા આ નેતાને હજી બે દિવસ પહેલાં જ બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યા હતા. પિતાના મૃત્યુ પહેલાં તેમના પુત્ર મિલિંદ દેવરાએ તેમની બગડતી જતી તબિયત વિશે ટ્વીટ કર્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી પપ્પાની તબિયત નાજુક થતી હોવાનું લાગી રહ્યું છે.

૧૯૩૭માં જન્મેલા મુરલીભાઈની નગરસેવકથી મિનિસ્ટર સુધીની પૉલિટિકલ સફર

૩૧ વર્ષની વયે યંગ ઉદ્યોગપતિ અને સોશ્યલ સર્વન્ટ તરીકે જાણીતા થયા બાદ ૧૯૬૮થી ૧૯૭૮ સુધી નગરસેવકપદે ચૂંટાઈને પૉલિટિકલ કરીઅર શરૂ કરી.

ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી બાદ ૧૯૭૭માં શિવસેનાના સર્પોટથી એક વર્ષ માટે મુંબઈના મેયર બન્યા.

૧૯૮૦માં પહેલી વાર લોકસભાની ચૂંટણી લડ્યા, પરંતુ જનતા પાર્ટીના રતનસિંહ રાજડા સામે હારી ગયા.

૧૯૮૧થી ૨૦૦૩ સુધી સતત બાવીસ વર્ષ મુંબઈ કૉન્ગ્રેસના પ્રેસિડન્ટ રહ્યા હોવાનો રેકૉર્ડ.

૧૯૮૨થી ૧૯૮૫ દરમ્યાન તેઓ મહારાષ્ટ્ર વિધાનપરિષદના સભ્ય પણ હતા.

૧૯૮૪માં ગ્થ્ભ્નાં ઉમેદવાર જયવંતીબહેન મહેતાને હરાવીને પહેલી વાર સંસદસભ્ય બન્યા.

૧૯૮૯માં અને ૧૯૯૧માં લોકસભાની ચૂંટણીમાં પણ જયવંતીબહેનને હરાવ્યાં અને સતત ત્રીજી વાર સંસદસભ્ય બન્યા.

જોકે ૧૯૯૬ની ચૂંટણીમાં જયવંતીબહેને તેમને હરાવ્યા, પરંતુ બે વર્ષ બાદ ૧૯૯૮ની લોકસભાની ચૂંટણીમાં ફરીથી જયવંતીબહેન સામે ચોથી વાર જીત મેળવી.

૧૯૯૯ની ચૂંટણીમાં ફરીથી જયવંતીબહેનની સામે પરાજય થયો. ત્યાર બાદ તેઓ લોકસભાની ચૂંટણી લડ્યા નહોતા અને રાજ્યસભાના સભ્ય તરીકે રહ્યા હતા.

૨૦૦૪ અને ૨૦૦૯માં તેમના પુત્ર મિલિંદ દેવરાએ સાઉથ મુંબઈની સીટ પર વિજય મેળવ્યો હતો.

૨૦૦૬માં મનમોહન સરકારમાં પેટ્રોલિયમ મિનિસ્ટર બન્યા અને ૨૦૧૧ સુધી સતત પાંચ વર્ષ પેટ્રોલિયમ મિનિસ્ટર રહેવાનો તેમનો રેકૉર્ડ છે. 

મહાનુભાવોની શ્રદ્ધાંજલિ

પ્રેસિડન્ટ પ્રણવ મુખરજી : વર્ષો જૂના ફ્રેન્ડ અને પૉલિટિકલ સાથીદાર મુરલી દેવરાના નિધનના સમાચાર દુખદ છે. કેન્દ્રમાં મિનિસ્ટર, શિસ્તબદ્ધ સંસદસભ્ય, પીઢ નેતા અને કૉન્ગ્રેસના વફાદાર વર્કર રહીને તેમણે દેશની સેવા કરી છે. હું તેમના પરિવારને દિલસોજી પાઠવું છું.

પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી : વિવારે જ મેં દેવરાપરિવારને કૉલ કરીને મુરલીજીના ખબર-અંતર જાણ્યા હતા અને સોમવારે સવારે તેમના નિધનના મેસેજથી દુખ અનુભવું છું. તેઓ એક સમર્પિત નેતા હતા અને પાર્ટીલાઇનથી હટીને સાલસ સ્વભાવથી તેઓ બધાની સાથે આત્મીય સંબંધો ધરાવતા હતા. તેઓ પીઢ સંસદસભ્ય અને સારા ઍડ્મિનિસ્ટ્રેટર હતા. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

કૉન્ગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધી : મુરલી દેવરા મુંબઈમાં કૉન્ગ્રેસનો સિમ્બૉલ હતા. એક સમર્પિત પૉલિટિકલ વર્કરે નબળા અને સબળા સમયમાં હંમેશાં પાર્ટીના ગઢને જાળવી રાખ્યો. મિનિસ્ટર અને સંસદસભ્યપદે રહીને તેમણે નોંધપાત્ર દેશસેવા કરી હતી. સમગ્ર કૉન્ગ્રેસ પાર્ટી આ દુખની ઘડીમાં દેવરા પરિવારની સાથે છે.   



Whatsapp-channel Whatsapp-channel

24 November, 2014 04:05 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK