Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમઃઅમારી દુનિયા તમારી દુનિયા બન્નેને પૂરતો આદર આપતા થઈએ?

કૉલમઃઅમારી દુનિયા તમારી દુનિયા બન્નેને પૂરતો આદર આપતા થઈએ?

10 April, 2019 10:06 AM IST |
સોશ્યલ સાયન્સ - સેજલ પોન્દા

કૉલમઃઅમારી દુનિયા તમારી દુનિયા બન્નેને પૂરતો આદર આપતા થઈએ?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આપણા દરેકની દુનિયા અલગ હોય છે. કોઈકની દુનિયા રૂપાળી તો કોઈકની કદરૂપી. કોઈકની ઠાવકી તો કોઈની રમતિયાળ. આપણી અને બીજાની દુનિયા વચ્ચે હંમેશાં વિરોધાભાસ જોવા મળે છે. આપણે બીજાની દુનિયા પ્રમાણે જીવી શકતા નથી અને બીજા આપણી દુનિયા પ્રમાણે જીવી શકતા નથી.

આપણા દરેકની દુનિયામાં અસંતોષ નામનો એક શબ્દ પર્મનન્ટ સ્થાયી થયો હોય છે. આ અસંતોષ જ આપણા બધાની દુનિયાની સહિયારી કડી કહેવાય. જ્યારે આપણે બીજાની દુનિયામાં ડોકિયું કરીએ છીએ ત્યારે આપણે એ વ્યક્તિને આપણી રીતે માપવા લાગીએ છીએ. જે આપણને ના ગમતું હોય એ બીજી વ્યક્તિ એની દુનિયામાં કરતી હોય તો આપણે એવું વિચારીએ કે એ માણસ ખરાબ છે. ભટકેલો છે, સ્વચ્છંદ છે, ખસકેલ છે. આપણે માણસોને જુદાં જુદાં લેબલ લગાડીએ છીએ, પણ આપણે ભૂલી જઈએ છીએ કે જે આપણને ગમે છે એ બીજી વ્યક્તિને ન ગમતું હોય અને એ પણ આપણા માટે કોઈ લેબલ લઈને ફરતી હોય.



માણસને જ્યારે આપણે લેબલ ચોંટાડતા થઈ જઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ નથી રહેતો કે આપણી માનસિકતા કેટલી સંકુચિત છે. કોઈ વ્યક્તિ એની દુનિયામાં મોજ-મજા કરતી હોય તો એ એની સ્વતંત્રતા છે. એની જિંદગી છે. એની દુનિયા છે. એવી રીતે જો આપણે આપણી દુનિયામાં મર્યાદામાં રહીને જીવતા હોઈએ અને કોઈ આપણા માટે વિચારે કે આપણે પછાત છીએ તો એ એમનો પ્રૉબ્લેમ છે. આપણો નહીં. આપણે કોઈને લેબલ ચોંટાડવા નહીં અને કોઈ આપણને ચોંટાડવા આવે તો સ્વીકારાવું નહીં.


છોકરીઓની દુનિયા પહેલેથી મર્યાદિત હોય છે. દરેક ઘરના જુદા જુદા સંસ્કાર પ્રમાણે તેમનો ઉછેર થતો હોય છે. અમુક ઘરમાં પહેલેથી જ છોકરીઓને સમાન ગણી સ્વતંત્રતા આપવામાં આવે છે. યુવાનીમાં પ્રવેશેલી છોકરી હોય કે છોકરો. દરેક પોતાને મળેલી સ્વતંત્રતા અને સંસ્કાર પ્રમાણે વર્તન કરે છે. દરેક વ્યક્તિએ એ જે દુનિયામાં જીવે છે એની મર્યાદા કે સ્વતંત્રતા પોતાની રીતે નક્કી કરી લેવી જોઈએ. જિવાતી જિંદગીમાં જ્યારે કંઈ પણ અતિ થાય છે ત્યારે એ આપણને વિનાશ તરફ લઈ જાય છે.

આપણે હંમેશાં બીજાની દુનિયાને જજ કરવા બેસી જઈએ છીએ. વ્યક્તિઓ માટે ધારણા બાંધવા બેસી જઈએ છીએ. એને સારા ખરાબ માણસની કૅટેગરીમાં મૂકતા જઈએ છીએ. આપણી દુનિયામાં આપણી દૃિક્ટએ બધું જ સારું અને સાચું આપણને લાગતું હોય છે. જ્યારે આપણે બીજાની દુનિયામાં પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણને જે માફક નથી આવતું એ બીજા કરી રહ્યા હોય તો એ માટે આપણે જજમેન્ટ આપી દઈએ છીએ. આવું કરીને ક્યાંક આપણે આપણી દુનિયાને સંકુચિત બનાવી દેતા હોઈએ છીએ.


આ પણ વાંચોઃ કૉલમ : બોલે તો હસને કા

ઠીક છે અમુક વસ્તુ, અમુક વાતો આપણને માફક નથી આવતી તો આપણે એ નહીં કરવાની, પણ બીજા પણ એ ન કરે એવો આગ્રહ ન રખાય, કે બીજા આવું શું કામ કરે છે એવા પ્રfનો પણ અસ્થાને છે. આપણી આસપાસની વ્યક્તિઓ માટે જ્યારે આપણે જજમેન્ટ બાંધતા થઈ જઈએ છીએ કે આ તો આવો જ છે, આ તો આવી જ છે એનો મતલબ એ છે કે પ્રૉબ્લેમ આપણને જ છે. એ વ્યક્તિ તો જેવી છે એવી જ છે. એ આપણા માટે બદલાવાની નથી. પછી એ બદલાય એવી અપેક્ષા કે એવો આગ્રહ આપણે શું કામ રાખીએ છીએ?

જ્યારે આપણે નવી વ્યક્તિઓ સાથે ઇન્ટરૅક્શન કરીએ છીએ ત્યારે થોડીક વારમાં આપણા મનમાં એ વ્યક્તિ કેવી છે એના વિચારો ચાલવા માંડે છે. આપણે છીએ કોણ કોઈ વ્યક્તિને સારા ખરાબનું લેબલ આપનારા? દરેક વ્યક્તિ એના ઉછેર, એના સંસ્કાર, એની સ્વતંત્રતા પ્રમાણે વર્તન કરવાની છે. આપણી ધારણા મુજબ નહીં. આપણે બીજી વ્યક્તિ માટે અભિપ્રાય બાંધવાની અને એ અભિપ્રાય વહેંચવાની બહુ ઉતાવળ હોય છે. અભિપ્રાય એટલે આપણને જે સાચું લાગે છે એ આપણે બીજી વ્યક્તિમાં જોવા માગીએ છીએ.

આ પણ વાંચોઃ બીજા પર નિયંત્રણ કરવાનું છોડી દઈએ

નવી વ્યક્તિને મળ્યા. આપણું જે કામ હતું તે પતાવ્યું અને પછી મુવ ઓન કરી જવાનું. એ પછી વિચારવાનુ નહીં કે કેવાં કપડાં પહેરેલાં નહીં. બહુ હાઈફાઈ હતા, નહીં? એકદમ ગામડિયણ હતા, નહીં? સાવ વંઠેલ હતા, નહીં? કેવા ભોળા હતા, નહીં? હા, તમારા રિલેશન આગળ વધવાના હોય, સાથે કામ કરવાનું હોય કે પછી પર્સનલ લેવલ પર સંબંધ સ્થાયી થવાનો હોય ત્યારે સામેની વ્યક્તિને ઓળખવી જરૂરી છે. ત્યારે એના શોખ, એનું વર્તન, એનો ઉછેર, સંસ્કાર, લાઇફસ્ટાઇલ બધાથી વાકેફ થવું પડે. કારણ સંબંધને આગળ લઈ જવાનો છે. એટલે પરખ જરૂરી છે, પણ જો પ્રોફેશનલ રિલેશન હોય તો તો ધારણાની ડાળથી દૂર જ રહેવું.

Whatsapp-channel Whatsapp-channel

10 April, 2019 10:06 AM IST | | સોશ્યલ સાયન્સ - સેજલ પોન્દા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK