Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > 1931માં ગાંધીજીની દરિયાઈ મુસાફરી મુંબઈ ટુ લંડન વાયા રાણપુર!

1931માં ગાંધીજીની દરિયાઈ મુસાફરી મુંબઈ ટુ લંડન વાયા રાણપુર!

05 October, 2019 03:54 PM IST | મુંબઈ
ચલ મન મુંબઈ નગરી - દીપક મહેતા

1931માં ગાંધીજીની દરિયાઈ મુસાફરી મુંબઈ ટુ લંડન વાયા રાણપુર!

ગાંધી બાપુ

ગાંધી બાપુ


મુંબઈથી લંડન જવા માટે જે જમાનામાં બીજી કોઈ સગવડ નહોતી ત્યારે ગાંધીજી આગબોટનો ઉપયોગ કરે એ તો સમજાય, પણ રાણપુર એ તો કાઠિયાવાડનું એક નાનકડું ગામ. બંદર પણ નહીં, તો ગાંધીજી વાયા રાણપુર કઈ રીતે જઈ શકે? પણ એવું બન્યું હતું. કઈ રીતે બન્યું એ જાણવા માટે આગળ વાંચો...

૧૯૧૫માં ગાંધીજી મુંબઈના એપોલો બંદર ઊતર્યા એ ઘટના જેમ હિન્દુસ્તાનના ઇતિહાસમાં મહત્ત્વની બની ગઈ એમ ૧૯૩૧માં ગાંધીજી મુંબઈથી ઇંગ્લૅન્ડ જવા રવાના થયા એ ઘટના પણ મહત્ત્વની બની ગઈ અને એ ઘટના વિશે લખાયેલું એક ગીત ગુજરાતી કાવ્યસાહિત્યમાં અનોખું સ્થાન ધરાવતું થઈ ગયું. આજે એ ઘટના વિશે અને એ ગીત વિશે થોડી વાતો. બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ૧૯૩૧ના ઑગસ્ટની ૨૯મી તારીખે ગાંધીજી મુંબઈથી એસ. એસ. રાજપૂતાના નામની સ્ટીમરમાં બેઠા. આ પરિષદમાં ભાગ લેવા જવાનું લગભગ છેલ્લી ઘડીએ નક્કી થયું હતું. વાટાઘાટ માટે શિમલા આવવાનું વાઇસરૉયે તારથી આમંત્રણ આપ્યું ત્યારે ગાંધીજી અમદાવાદ હતા. ‘આવું છું’ એમ તારથી જણાવીને ગાંધીજી અમદાવાદથી શિમલા ગયા. ૨૫ ઑગસ્ટની સવારે વલ્લભભાઈ પટેલ, સર પ્રભાશંકર પટણી, એમ. એ. અન્સારી અને પંડિત જવાહરલાલ નેહરુ સાથે ગાંધીજી શિમલા પહોંચ્યા અને સર હર્બર્ટ ડબ્લ્યુ. એમર્સનને મળ્યા. એમર્સન બ્રિટિશ સિવિલ સર્વન્ટ હતા અને બ્રિટિશ સરકાર તથા ગાંધીજી વચ્ચેની વાટાઘાટોમાં વચેટિયા તરીકે કામ કરતા હતા. તેમની સાથે ચર્ચા કર્યા પછી બીજા દિવસે સવારે આ સૌ વાઇસરૉય અર્લ ઑફ વિલિન્ગડનને મળ્યા. એ મીટિંગ ત્રણ કલાક ચાલી. ત્યાર બાદ એક જાહેરનામું જારી કરવામાં આવ્યું (જે ‘નવા કરાર’ તરીકે ઓળખાય છે) જેમાં જણાવવામાં આવ્યું કે બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી કૉન્ગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે હાજર રહેશે. આ જાહેરનામા પર ૨૭મીએ સહીસિક્કા થયા અને ૨૮મીએ એ બહાર પાડવામાં આવ્યું, પણ લંડન જવા માટેની સ્ટીમર ૨૯મીએ મુંબઈથી ઊપડવાની હતી. ગાંધીજી સમયસર મુંબઈ પહોંચી શકે એ માટે વાઇસરૉયે શિમલાથી કાલકા સુધી ખાસ ટ્રેનની સગવડ કરી. ૨૯મીએ ગાંધીજી મુંબઈ પહોંચ્યા. મુસાફરીની સગવડ તો થઈ, પણ બીજી એક મુશ્કેલી હતી. ગાંધીજી પાસે પાસપોર્ટ જ નહોતો એટલે ૨૭મીએ હોમ ડિપાર્ટમેન્ટે શિમલાથી મુંબઈના પોલીસ-કમિશનરને તાર કર્યો કે ગાંધી ૨૯મીએ મુંબઈ પહોંચે એ વખતે તેમને ખાસ પાસપોર્ટ મળી જાય એવી વ્યવસ્થા કરશો. એટલે ગાંધીજી મુંબઈ પહોંચ્યા ત્યારે તેમના હાથમાં પાસપોર્ટ મૂકવામાં આવ્યો. પાસપોર્ટનું કામ ખૂબ ઉતાવળે કરવું પડ્યું હતું એથી એમાં ગાંધીજીના જન્મનું વર્ષ ભૂલથી ૧૮૭૦ લખાયું છે. તારીખ અને મહિનો તો લખ્યાં જ નથી.



શિમલાથી નીકળતાં પહેલાં ગાંધીજીએ ઘનશ્યામદસ બિરલાને તાર કર્યો હતો ઃ ‘અમારે માટે પાંચ ટિકિટ સૌથી નીચેના વર્ગની લેજો.’ પણ એસ. એસ. રાજપૂતાના પર બે જ વર્ગ હતા ઃ પહેલો અને બીજો. એટલે નાછૂટકે ગાંધીજી અને તેમના સાથીઓએ બીજા વર્ગમાં મુસાફરી કરવી પડી. ગાંધીજીએ જે સ્ટીમરમાં પ્રવાસ કર્યો એનોય નાનકડો પણ રસપ્રદ ઇતિહાસ છે. પી. ઍન્ડ ઓ. સ્ટીમ નેવિગેશન કંપની માટે હાર્લેન્ડ ઍન્ડ વૉલ્ફ ગ્રીનોક નામની કંપનીએ ૧૯૨૫માં આ સ્ટીમર બાંધી હતી. ૧૬,૫૬૮ ગ્રોસ ટન વજનની આ સ્ટીમર ૫૪૭ ફુટ લાંબી અને ૭૧ ફુટ પહોળી હતી. એમાં પહેલા વર્ગના ૩૦૭ અને બીજા વર્ગના ૨૮૮ મુસાફરોની સગવડ હતી. કંપની હિન્દુસ્તાન અને ગ્રેટ બ્રિટનના રૂટ પર જ આ સ્ટીમર વાપરતી. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયા પછી ૧૯૩૯ની ૪ સપ્ટેમ્બરે બીજી ઘણી ઉતારુ સ્ટીમરોની જેમ આ સ્ટીમર પણ લડાઈ માટે રૉયલ નેવીએ હસ્તગત કરી લીધી એટલે એ એચએમએસ રાજપૂતાના બની. પહેલા વિશ્વયુદ્ધ પહેલાંની ૮ જરીપુરાણી તોપ એના પર બેસાડવામાં આવી. દરેક તોપ ફક્ત છ ઇંચના વ્યાસવાળી હતી. ૧૯૩૯ના ડિસેમ્બરથી આ સ્ટીમર વેપારી સ્ટીમરોના કાફલા સાથે જતી વળાવિયા સ્ટીમર તરીકે કામ કરતી થઈ. અમેરિકા, વેસ્ટ ઇન્ડીઝ, બર્મ્યુડા, નૉર્થ ઍટલાન્ટિક વગેરેના દરિયાઈ વિસ્તારોમાં એણે ફરજ બજાવી, પણ ૧૯૪૧ની ૧૩ એપ્રિલે સવારે પાંચ વાગ્યે જર્મનીની યુ-૧૦૮ પ્રકારની સબમરીને બે ટૉર્પિડો વડે રાજપૂતાના પર હુમલો કર્યો. સ્ટીમરના એન્જિન-રૂમનો કચ્ચરઘાણ નીકળી ગયો. ૭ ખલાસીઓ તાત્કાલિક મૃત્યુ પામ્યા. સ્ટીમર ખોટકાઈને દરિયાના પાણીમાં ફસાઈ ગઈ. ગવર્નિંગ ઑફિસરે બધી તોપ વડે ચારેય દિશામાં ગોળા વરસાવવાનો હુકમ આપ્યો. આટલી જરીપુરાણી તોપો વડે આટલા નાના ગોળા છોડવાનો કશો અર્થ નહોતો, પણ દુશ્મનનો સામનો કર્યા વગર મરવું નહીં, એટલે સૈનિક-ખલાસીઓએ એ આદેશનું પાલન કર્યું. પછી સ્ટીમર ધીમે-ધીમે ડૂબવા લાગી. હુમલાના દોઢ કલાક પછી એનો ઘણોખરો ભાગ પાણીની નીચે હતો ત્યારે સ્ટીમર પરના સૌને સ્ટીમરનો ત્યાગ કરવાનો હુકમ અપાયો. ૨૮૩ ખલાસીઓ મહામહેનતે બચી ગયા, પણ કૅપ્ટન કમાન્ડર સીટીઓ રિચર્ડસન અને બીજા ૪૨ ખલાસીઓએ સ્વેચ્છાએ જળસમાધિ લીધી અને આમ શાંતિદૂત ગાંધીજીએ જે સ્ટીમર પર પ્રવાસ કર્યો હતો એ યુદ્ધનો ભોગ બનીને નાશ પામી.


નાઉ ઓવર ટુ રાણપુર ઇન કાઠિયાવાડ. અમૃતલાલ શેઠ ત્યાંથી ‘સૌરાષ્ટ્ર’ નામનું સાપ્તાહિક ચલાવતા. પછીથી જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળ્યું એ કવિ ઝવેરચંદ મેઘાણી ‘સૌરાષ્ટ્ર’માં કામ કરે. એ વખતે છાપવા માટે આજના જેવાં ઝડપી મશીનો નહોતાં. આઠ કે સોળ પાનાંનો એક-એક ફર્મો છપાતો અને પછી બધા ફર્મા ભેગા કરી અંક તૈયાર થતો. લગભગ બધાં અખબાર-સામાયિક આ જ રીતે છપાતાં. ‘સૌરાષ્ટ્ર’નો પહેલો ફર્મો દર ગુરુવારે સાંજે છાપવા માટે મશીન પર ચડતો. એ પહેલાંના કલાકમાં મેઘાણીએ ગીત લખ્યું ઃ ‘છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બંધુ.’ લખ્યા પછી તરત અમૃતલાલ શેઠને બતાવ્યું. તેમને એ ખૂબ ગમ્યું, પણ તેમણે એક સુધારો સૂચવ્યો ઃ ‘બંધુ’ને બદલે ‘બાપુ’ કરો. મેઘાણીએ તરત સૂચન સ્વીકારીને ફેરફાર કર્યા. અમૃતલાલ શેઠે તાબડતોબ જાડા આર્ટ કાર્ડ પર ગીતની નકલો છપાવી અને એ જ દિવસે મુંબઈ મોકલી. એક-બે નકલ ગાંધીજીને પહોંચાડવી અને બાકીની ગાંધીજીને વિદાય આપવા બંદર પર આવેલા લોકોમાં વહેંચવી એવી ખાસ તાકીદ કરી. એ રીતે ગાંધીજી માટેની નકલ તેમના વતી મહાદેવભાઈ દેસાઈએ સ્વીકારી. બંદર પર નકલ વહેંચી ત્યારે થોડું ન ધારેલું બન્યું. મેઘાણીના જ શબ્દોમાં જોઈએ ઃ ‘બંદર પર આ વહેંચાયું ત્યારે રમૂજી ઇતિહાસ બની ગયો. ‘ઝેર’ ‘કટોરો’ વગેરે રૂપકો પરથી કેટલીક પારસી બહેનોને આ ક્રૂર કટાક્ષ-ગીત લાગ્યું. તેમનાં હૃદય દુભાયાં. એક ગુજરાતી બહેને ભાવ સ્પષ્ટ કર્યો ત્યારે પેલાં બહેનોનાં હૃદય આનંદિત બની ઊઠ્યાં.’

ગાંધીજીએ મુસાફરી શરૂ કરી એ પહેલાં તેમના પર ઢગલાબંધ કાગળ અને તાર આવ્યાં હતાં. સ્ટીમર ઊપડ્યા પછી એ બધાં વાંચવાનું તેમણે શરૂ કર્યું. એમાં આ ગીત ગાંધીજીના હાથમાં આવ્યું. આખું વાંચી ગયા પછી ગાંધીજીએ મહાદેવભાઈ અને મીરાબહેનને કહ્યું ઃ ‘મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે એ તદ્દન સાચું છે. કવિએ તો તેનું આખું હૃદય એમાં ઠાલવ્યું છે.’ ગાંધીજીના આ શબ્દો મહાદેવભાઈએ તેમની ડાયરીમાં નોંધ્યા છે. મહાદેવભાઈ જ્યારે તેમની ડાયરી લખતા હતા ત્યારે ભવિષ્યમાં એ પ્રગટ થશે એવો ખ્યાલ તેમને ન જ હોય, પણ ૧૯૩૧ની ૨૯ ઑગસ્ટે જ તેમણે પોતાની ડાયરીમાં ‘છેલ્લો કટોરો’ કાવ્યનું છાપેલાં ચાર પાનાં  (મહાદેવભાઈની ડાયરી, ભાગ-૧૫, પાનાં ૪-૭) જેટલું વિસ્તૃત વિવરણ કે રસદર્શન લખ્યું છે. એટલે આ કાવ્ય તેમને પણ ખૂબ સ્પર્શી ગયું હશે. મહાદેવભાઈ લખે છે ઃ ‘મેઘાણીના કાવ્યને વાંચતાં તો જાણે મેઘાણીનો આત્મા ગાંધીજીના છેલ્લા ૧૫ દિવસનો સતત સાક્ષી રહ્યો હોય એમ પ્રતીત થાય છે. ૧૧ ઑગસ્ટે હોટ્સનસાહેબનો કાગળ આવ્યો ત્યારથી માંડીને ૨૭મીએ શિમલાથી નીકળ્યા ત્યાં સુધીનું દરેક પગલું જાણે મેઘાણીજીએ ક્યાંક છુપાઈને - પેલી આપણી પ્રાચીન વાર્તાઓનો અંધારપછેડો ઓઢીને - જોયા કીધું હોય એમ લાગે છે. છેલ્લા ૧૫ દિવસના કડવા ઘૂંટડાનો કટોરો હજી પૂરો થયો નહીં હોય એમ એ પૂરો કરવા માટે વિલાયત જતા હોય એ કવિની ભવ્ય કલ્પના હૃદયસોંસરી ચાલી જાય છે.’     


મહાદેવભાઈની વાતનું મહત્ત્વ સમજવા માટે એ દિવસોનો ઘટનાક્રમ જરા વિગતે જોઈએ. કાલકાથી મુંબઈ ટ્રેનમાં આવતાં રસ્તામાં ગાંધીજીએ ‘બૉમ્બે ક્રોનિકલ’ના પ્રતિનિધિને ખાસ મુલાકાત આપી. ‘ગોળમેજી પરિષદનાં પરિણામો વિશે આપ આશાવાદી છો?’ એવા સવાલના જવાબમાં ગાંધીજીએ કહેલું ઃ ‘જો મારે આજની સ્થિતિ જોઈને ભવિષ્યનો ખ્યાલ કરવાનો હોય તો કહીશ કે ‘ના.’ પણ હું જન્મથી જ આશાવાદી હોવાથી મેં કદી અભેદ્ય અંધકારમાં આશા ગુમાવી નથી.’ ગાંધીજી ૨૯મીની સવારે મુંબઈ આવ્યા. એ પછી આઝાદ મેદાન પર જાહેર સભામાં ભાષણ કર્યું હતું. એમાં તેણે કહ્યું હતું, ‘સામાન્ય સંજોગોમાં જો તમારો વિશ્વાસ ન હોત તો મેં લંડન જવાની ના પાડી હોત, પણ તમારો વિશ્વાસ મને બળ આપશે. મને મારી ઊણપો અને નબળાઈઓની પૂરેપૂરી ખબર છે, પણ સત્ય અને અહિંસા મારા માર્ગદર્શક સિદ્ધાંતો રહેશે અને હું આશા રાખું છું કે મારા લંડનના કાર્યમાં એ સોળે કળાએ પ્રગટ થશે. મણિભવનથી લખેલા એક પત્રમાં પણ ગાંધીજીએ લખ્યું હતું કે ક્ષિતિજ તો હોઈ શકે એટલી ધૂંધળી છે, પણ ઈશ્વરને એકમાત્ર ભોમિયા તરીકે રાખીને મારે લંડન તો જવું જ રહ્યું.’

એસ. એસ. રાજપૂતાનાએ મુંબઈનું બારું છોડ્યું તએ પહેલાં એસોસિયેટેડ પ્રેસને સ્ટીમર પરથી આપેલા નિવેદનમાં ગાંધીજીએ ફરી કહેલું ઃ ‘ક્ષિતિજ પર આશા પ્રેરે એવું કશું જ દેખાતું નથી, છતાં હું જન્મથી આશાવાદી હોવાથી નિરાશામાં પણ હું આશા સેવી રહ્યો છું’ (‘ગાંધીજીનો અક્ષરદેહ’, ભાગ-૪૭). બૉમ્બે ક્રોનિકલના પ્રતિનિધિ સમક્ષ બોલાયેલા શબ્દો, જાહેર સભામાં બોલાયેલા શબ્દો અને સ્ટીમર ઊપડતાં પહેલાં બોલાયેલા શબ્દો ૨૭મીની સાંજે કાવ્ય લખતાં પહેલાં મેઘાણી સુધી પહોંચ્યા હોય એ શક્ય જ નથી, છતાં કેવળ કલ્પનાના બળે મેઘાણી ગાંધીજીની મનોદશાને તંતોતંત પામી ગયા છે અને અત્યંત અસરકારક રીતે એને પોતાના કાવ્યમાં વ્યક્ત કરી છે. આને પરકાયાપ્રવેશ નહીં તો બીજું શું કહી શકાય?

આ પણ વાંચો : ‘શોલે’નાં પાંચ ડાઇમેન્શન :ઠાકુર, ગબ્બર, જય, વીરુ અને સંગીત

૧૯૧૩માં કવિ લલિતજીએ ગાંધીજી વિશેનું પહેલવહેલું કાવ્ય લખ્યું એ પછી આજ સુધીમાં ગાંધીજી વિશે કાવ્યો તો ઢગલાબંધ લખાયાં છે, પણ ‘છેલ્લો કટોરો’ની તોલે આવે એવાં કાવ્યો ભાગ્યે જ લખાયાં છે. આ કાવ્યમાં જે રીતે ગાંધીજીની મનોવેદના મેઘાણીએ વ્યક્ત કરી છે એ જોતાં થાય કે મુંબઈથી લંડન જતાં પહેલાં ગાંધીજી રાણપુર જઈને મેઘાણીને મળ્યા તો નહીં હોયને? પોતાની વેદના શું ગાંધીજીએ તેમની પાસે વ્યક્ત કરી હશે? ના. પોતાની સર્જકપ્રતિભાના બળે મેઘાણીએ ગાંધીજીની મનોવેદના અનુભવી અને એને અત્યંત અસરકારક રીતે પ્રગટ કરી.

Whatsapp-channel Whatsapp-channel

05 October, 2019 03:54 PM IST | મુંબઈ | ચલ મન મુંબઈ નગરી - દીપક મહેતા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK