Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઇન્ફોસિસના કિસ્સાએ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઉદ્યોગ સામે શંકા સર્જી દીધી

ઇન્ફોસિસના કિસ્સાએ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઉદ્યોગ સામે શંકા સર્જી દીધી

26 October, 2019 04:04 PM IST |
જયેશ ચિતલિયા

ઇન્ફોસિસના કિસ્સાએ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઉદ્યોગ સામે શંકા સર્જી દીધી

ઇન્ફોસિસ

ઇન્ફોસિસ


ઇન્ફોસિસનાં અકાઉન્ટ્સમાં ગરબડ હોવાની વ્હિસલબ્લોઅરની ફરિયાદ અને આક્ષેપે આઇટી કંપનીઓ સામે શંકા વધારી દીધી છે. કંપનીના સ્થાપકો-પ્રમોટર્સ તેમ જ નિયમન તંત્ર સેબી સામે પણ કપરો પડકાર આવ્યો છે. શૅરના ભાવ તો તૂટ્યા, પરંતુ સાથે-સાથે વિશ્વાસ પણ ડગમગી ગયો છે. આ મામલો ગ્લોબલ સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યો છે. શું થયું છે આ કિસ્સામાં? ચાલો સમજીએ.

તાજેતરમાં ઇન્ફોસિસ જેવી પ્રતિષ્ઠિત કંપનીમાં જે હિસાબી ગરબડ-ગોટાળાના આક્ષેપ થયા અને એની ગંભીર તપાસ કરવી પડે એવી નોબત આવી છે, જેણે સમગ્ર આઇટી (ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી) ઉદ્યોગ માટે સવાલ અને શંકા ઊભાં કરી દીધાં છે. ઇન્ફોસિસનાં અકાઉન્ટ્સમાં ગરબડ કરાઈ હોવાની જાણ (ગુપ્ત સ્વરૂપે) વ્હિસલબ્લોઅરે કરી છે. સેબીને આ ફરિયાદ ઈ-મેઇલ (સપોર્ટિંગ દસ્તાવેજ સાથે) તેમ જ વૉઇસ રેકૉર્ડિંગ મારફત મળી હતી. ફરિયાદ અનુસાર કંપનીના સીઈઓ અને સીએફઓએ કંપનીનો નફો કૃત્રિમ રીતે વધુ બતાવવાની પેરવી કરી હતી અને બોર્ડની કમિટીથી મહત્વની હકીકત છુપાવી હતી. કંપનીએ તેના ચોક્કસ સોદાઓમાં ઊંચું વળતર બતાવવાની પણ ચાલાકી કરવા કર્મચારીઓને કહ્યું હતું. આ ફરિયાદ આમ તો સપ્ટેમ્બરમાં થઈ હતી છતાં કંપની મૅનેજમેન્ટે એની જાહેરાત અને તપાસ મોડી શરૂ કરી એમાં પણ ક્યાંક દાળમાં કાળું જણાય છે. હાલમાં આ કિસ્સાને કારણે કંપનીના શૅરના ભાવને મોટો ફટકો પડ્યો છે અને શૅરધારકોની ચિંતા પણ વધી ગઈ છે. જે કંપની આદર્શ કંપની ગણાતી હોય એમાં પણ ભીતર નૈતિક સ્તરે પોકળતા નીકળે તો વિશ્વાસ કોનો કરવો એવો સવાલ સહજ ઊભો થાય. 



nandan


સીઈઓ-સીએફઓ સામે આક્ષેપ

આમ પણ આ ગંભીર ફરિયાદ અને આક્ષેપ કંપનીના ચીફ એક્ઝિકયુટિવ ઑફિસર તેમ જ ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસર સામે કરાયા છે જેથી સવાલ એ હતો કે ફરિયાદ હાથ કોણ ધરે? જોકે આ મુદ્દો મીડિયામાં ગાજતાં કંપનીના સ્થાપક પ્રમોટર નંદન નિલકેણીએ નેતૃત્વ લઈને આ વિષયની તપાસ માટે ખાસ ઑડિટ કમિટી રચી છે. કંપની તરફથી સ્ટૉક એક્સચેન્જને કરવી જોઈતી જાણ (જેને કૉર્પોરેટ ભાષામાં ડિસ્કલોઝર કહે છે) પણ મોડી કરી હોવાની ફરિયાદ થઈ હતી. બીએસઈ (બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ)એ કંપની પાસે ખુલાસો માગવો પડ્યો હતો. હવે તો સેબીએ પણ આ મામલામાં તપાસ શરૂ કરી દીધી છે. કંપની તેના સીઈઓ અને સીએફઓ પાસે જવાબ માગી રહી છે. જોકે હજી આ આક્ષેપ પુરવાર થયા નથી એથી તપાસના પરિણામની રાહ જોવી રહી. કમનસીબે કંપનીએ આ તપાસ માટે સમયની કોઈ મર્યાદા પણ નક્કી કરી નથી, જ્યારે કે  વિશ્વાસની પુનઃ સ્થાપના માટે આ સૌથી અગત્યની બાબત છે. બે વરસ પહેલાં આ જ કંપનીના સીઈઓ વિશાલ સિક્કા સામે એક વિદેશી સોદામાં કથિત ગરબડ બદલ વ્હિસલબ્લોઅરની ફરિયાદ થઈ હતી જેમાં સિક્કાએ કંપની છોડવી પડી હતી.


ભારતીય સેબી અને યુએસનું સેક

સેબીએ ઇન્ફોસિસને એની તપાસની માહિતી પોતાની (રેગ્યુલેટર) સાથે વહેંચવાની સૂચના આપી છે. સેબીએ આ સમયગાળામાં કંપનીના શૅરમાં કેવી અને કેટલી લે-વેચ થઈ? કોણે કરી? એની ડેરિવેટિવ્ઝની પૉઝિશન શું રહી? વગેરેના આંકડા પણ મેળવવાનું શરૂ કર્યું છે. આ વિષય એટલો ગંભીર છે કે એ માત્ર ભારત પૂરતો સીમિત રહી શકતો નથી. ઇન્ફોસિસ અમેરિકન એક્સચેન્જ (નાસ્દાક) પર પણ લિસ્ટેડ હોવાથી એમાં યુએસએનું નિયમન તંત્ર સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશન (સેક) પણ સામેલ થયું છે. કંપનીએ સેકને પણ બધી જ હકીકત જણાવવી પડશે. આ ઉપરાંત સેબીએ અને સેકએ પણ પરસ્પર માહિતીની આપ-લે કરવાની રહેશે.

કૉર્પોરેટ સેક્ટર સામે વધતી શંકા

આપણા દેશમાં છેલ્લાં અમુક વરસથી કૉર્પોરેટ ગવર્નન્સના ગંભીર સવાલો બહાર આવતા રહ્યા છે.  સંખ્યાબંધ કંપનીઓના કિસ્સામાં અકાઉન્ટિંગ ગરબડ, પારદર્શકતા અને ઑડિટર્સની જવાબદારીના પાલનનો અભાવ, કંપની મૅનેજમેન્ટની જ સ્કૅમમાં સામેલગીરી (વાડ પોતે જ ચિભડાં ગળે) જેવી બાબતોએ કૉર્પોરેટ સેક્ટર સામે શંકાનું સિરિયસ વાતાવરણ વધારી દીધું છે. તાજેતરનાં વરસોમાં અનેક ફાઇનૅન્સ કંપનીઓ, હાઉસિંગ કંપનીઓ, બૅન્કો, રેટિંગ એજન્સીઓ સામે પણ સવાલો ઊભા થતા રહ્યા છે. એક સમયની બહુ જાણીતી કંપનીઓ આજે ઇન્સૉલ્વન્સી કોડ (નાદારી ધારા) હેઠળની કાર્યવાહી હેઠળ કતારમાં છે. છેલ્લાં દોઢ-બે વરસથી નૅશનલ સ્ટૉક એક્સચેન્જના કો-લોકેશન સ્કૅમમાં પણ માત્ર તપાસ ચાલી રહી છે, કોઈ ગંભીર ઍક્શન લેવાઈ નથી. કો-લોકેશન કૌભાંડમાં ચોક્કસ બ્રોકરોને અમુક મિનિટ વહેલું  ટ્રેડિંગ કરવાની સુવિધા આપી દેવાઈ હતી જેને લીધે અનેક ઇન્વેસ્ટર્સ-બ્રોકર્સે સહન કરવું પડ્યું હતું, જ્યારે કે ચોક્કસ બ્રોકરો મસમોટો લાભ લઈ ગયા હતા. આ મામલો અંદાજિત ૫૦,૦૦૦ કરોડનો કહેવાય છે જેનો પર્દાફાશ પણ વ્હિસલબ્લોઅરે જ કર્યો હતો. આમ અને આવા વિવિધ કિસ્સામાં ક્યાંક નિયમનકાર સામે પણ સવાલ ઊભા થાય છે.

તપાસમાં અટવાઈ જતા કિસ્સા

આપણા દેશમાં આવા અનેક કિસ્સા માત્ર લાંબી તપાસમાં અટવાઈ જતા હોય છે. નવા-નવા ગરબડ-ગોટાળાના કિસ્સા બહાર આવતા રહે છે એથી જૂના ભુલાતા જાય છે અથવા જૂના કિસ્સા સામે ઍક્શન આવતાં વરસો લાગી જતાં એની અસર વિસરાઈ જાય છે કે પછી કડક દાખલા બેસતા નથી. આવા હિસાબી કે આર્થિક સ્કૅમ પકડવાની જવાબદારી આમ તો ઑડિટરની પહેલી આવે, પરંતુ ઘણા કિસસામાં તો આવા લોકો જ પોતે સ્થાપિત હિત બની જાય છે. નિયમન તંત્ર સુધી આ સ્કૅમની ગંધ પહોંચતાં સમય લાગે છે યા એની ગૂંચવણને ઉકેલતાં લાંબો સમય લાગી જાય છે. એ પછી પણ અસરકારક ઍક્શનને તો વધુ લાંબો સમય લાગી જાય છે. હવેના સમયમાં વ્હિસલબ્લોઅરની ભૂમિકા વધી છે જે સંબંધિત કંપની યા સંસ્થાના અંદરના અથવા નજીકના સંકળાયેલા માણસો હોય છે. ઘણી વાર પરસ્પરની દુશ્મની પણ રમત રમી જાય છે. વ્હિસલબ્લોઅર આમ કોના હિતમાં કરે છે એ સમજવું પણ કઠિન હોય છે, જેને કારણે માત્ર આક્ષેપના આધારે તરત ઍક્શન લઈ શકાતી નથી. જોકે હાલમાં તો વ્હિસલબ્લોઅરે ભય ઊભો કરી દીધો છે. કોઈ પણ સંસ્થા-કંપની મૅનેજમેન્ટ ગરબડ કરતી હોય ત્યારે એના મનમાં ક્યાંક કોઈ વ્યક્તિ વ્હિસલબ્લોઅર તો નહીં બની જાયને? એવો ડર પેદા થઈ રહ્યો છે. સેબીએ આવા વ્હિસલબ્લોઅર માટેની પૉલિસીને ચોક્કસ સ્વરૂપ અને રક્ષણ આપવું જરૂરી બન્યું છે.

વ્હિસલબ્લોઅરને એક કરોડ સુધીનું ઇનામ

કંપનીમાં ચાલતાં કૌભાંડ-ગરબડ-ગોટાળા વિશે મોટે ભાગે કંપનીની અંદર કામ કરતા કર્મચારી કે અધિકારીને ખબર હોય છે. જો આ કર્મચારી-અધિકારી વ્હિસલબ્લોઅર (ચેતવણીકાર) બનીને આ ગોટાળાની માહિતી પદ્ધતિસર સેબીને આપશે તો સેબી તેને એક કરોડ રૂપિયા સુધીનું ઇનામ આપશે એવાં ધોરણો તૈયાર કરાયાં છે. સેબી આ હસ્તીની વિગત કે ઓળખ કૉન્ફિડન્શિયલ (ગુપ્ત) રાખશે. કંપનીઓમાં વધતી જતી ગેરરીતિ-ગરબડ અને કૌભાંડને ધ્યાનમાં રાખી સેબીએ આવું વિચારવાની ફરજ પડી છે તેમ જ તાજેતરમાં ઘણા કિસ્સામાં વ્હિસલબ્લોઅરે આવું કામ કર્યું હોવાનું નોંધાયું છે જે દેશના જાહેર હિતમાં અને કૉર્પોરેટ તેમ જ શૅરધારકોના હિતમાં મહત્વનું ગણાય છે. આને પરિણામે કંપનીઓમાં ગરબડ કરવા સામે ભય રહેશે. અલબત્ત, આની મારફત કોઈ અધિકારી કંપની મૅનેજમેન્ટને બ્લૅકમેઇલ ન કરે કે એનો દુરુપયોગ ન કરે એની તકેદારી પણ રાખવી જોઈશે. વાસ્તવમાં વ્હિસલબ્લોઅર સંબંધી ચોક્કસ નીતિ ઘડી કાઢવાનો સમય આવી ગયો છે. આ પ્રકારના કિસ્સા વધવા લાગ્યા છે અને હજી વધી શકે એવી શક્યતા છે.

વ્હિસલબ્લોઅરનું પ્રોટેક્શન જરૂરી

વાસ્તવમાં વ્હિસલબ્લોઅર પ્રોટેક્શન ઍક્ટ ૨૦૧૪માં નોટિફાઇડ થયો હતો. દેશની સલામતી સામે કે કૉર્પોરેટ ગવર્નન્સ સામે જોખમ હોય ત્યાં કોઈ હસ્તી ગુપ્ત-સંવેદનશીલ માહિતી પૂરી પાડે તો તેની સુરક્ષાનું ધ્યાન રાખવું જરૂરી ગણીને સરકારે આ કાનૂનને સુધારા સાથે પુનઃ ઘડ્યો, જે મે ૨૦૧૫માં લોકસભામાં પસાર થયો. આના  અમલમાં સરકારી બ્યુરોક્રસીની ઑથોરિટીઝની  દરમ્યાનગીરીથી અવરોધ સર્જાવા જોઈએ નહીં એવા મત વ્યક્ત થયા છે અન્યથા તે એના હેતુને બર આવવા દેશે નહીં. ઘણી વાર જુનિયર ઑફિસર તેના સિનિયર ઑફિસર સામે ફરિયાદ કરે તો તેને જોખમ રહે છે. આની કાળજી લેવાવી જોઈએ. ગુપ્ત માહિતી ઑથોરિટીઝ સમક્ષ જાહેર કરવાની બાબતમાં મર્યાદા કે અંકુશ હોવા જોઈએ નહીં. વ્હિસલબ્લોઅર એક છુપો ચહેરો હોય છે, એક ગુપ્ત નામ હોય છે. તે જે ગરબડ-ગોટાળાની માહિતી ઑથોરિટીઝને આપે છે તેની મારફત ઘણાં ગેરવાજબી-ગેરકાનૂની કામ અટકાવી શકાય છે. અનેક લોકોનાં હિતો સામેના જોખમ રોકી શકાય છે યા ઊગતા ડામી શકાય છે. આ હસ્તીના રક્ષણ માટે યોગ્ય માળખું હોવું જ જોઈએ. યાદ રહે, જેટ ઍરવેઝ, આઇસીઆઇસીઆઇ બૅન્ક સહિત વિવિધ કંપનીઓમાં વ્હિસલબ્લોઅરની ભૂમિકા રહી હતી. કૉર્પોરેટ સેક્ટરમાં સ્વચ્છતા ઝુંબેશ માટે વ્હિસલબ્લોઅરનું હોવું મહત્વનું છે.

Whatsapp-channel Whatsapp-channel

26 October, 2019 04:04 PM IST | | જયેશ ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK