ચૂંટણીના આયોજન માટે બધાં કામકાજ બંધ કરી દેવાં?

Published: Oct 12, 2019, 15:13 IST | ભક્તિ ડી દેસાઈ | મુંબઈ

સ્વતંત્રતાના સાત દાયકા પછીયે ઇલેક્શન વખતે દેશના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓને તડકે મૂકીને શિક્ષકોને રાજકારણ‌ીઓનું ભાવિ ઘડવા મોકલી દેવાય છે અને આ વખતે તો વિધાનસભાની ચૂંટણી માટે બૅન્ક-કર્મચારીઓને જોતરવામાં આવ્યા છે, બૅન્કો બંધ રાખીને.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સ્વતંત્રતાના સાત દાયકા પછીયે ઇલેક્શન વખતે દેશના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓને તડકે મૂકીને શિક્ષકોને રાજકારણ‌ીઓનું ભાવિ ઘડવા મોકલી દેવાય છે અને આ વખતે તો વિધાનસભાની ચૂંટણી માટે બૅન્ક-કર્મચારીઓને જોતરવામાં આવ્યા છે, બૅન્કો બંધ રાખીને. બોલો કેટલાને ખબર હતી કે અમુક બૅન્કો ચૂંટણીના કામસર બંધ રહી હતી? તાત્કાલિક પૈસાની જરૂર પડે તો એટીએમ કાર્ડ ન વાપરતા અને ખાસ કરીને સિનિયર સિટિઝનોએ ક્યાં જવું?

ભારત દેશને સ્વતંત્ર થયાને ૭ દાયકા વીતી ગયા છતાં ચૂંટણી યોજાવાની હોય, પછી એ સ્થાનિક સ્વરાજ્યની હોય, વિધાનસભા કે લોકસભાની ચૂંટણી હોય ત્યારે ઇલેક્શન-કમિશને આ કવાયત પાર પાડવા માટે લિટરલ સેન્સમાં કર્મચારીઓ ઉધાર લેવા પડે. મહાસત્તા બનવા માટે હોડ બકનાર દેશ માટે આ કેટલી ભયંકર કરુણતા છે કે એણે એની લોકશાહીના સૌથી મહત્વના કામ માટે કર્મચારીઓ વિવિધધ સંસ્થાઓ પાસે માગવા પડે છે. પહેલાં તો શિક્ષકોને જોતરવામાં આવે છે ચૂંટણીના કાર્યમાં, પછી દેશના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓને પછી તેનું જે થવાનું હોય તે થાય. એના પછી વારો આવે પીએસયુ બૅન્કો અને પીએસયુ એન્ટરપ્રાઇઝિસના કર્મચારીઓનો. દેશની નાણાકીય વ્યવસ્થા ભલે થંભી જાય, પણ બૅન્કના કર્મચારીઓએ ચૂંટણી પહેલાં ટ્રેઇનિંગ માટે બૅન્કો બંધ રાખીને ચૂંટણીનું કામ શીખવા જવું પડે છે અને એ પછી ચૂંટણ‌ીના દિવસો દરમ્યાન તો બૅન્કિંગ વ્યવસ્થાને તાળાં મારીને પહોંચી જવાનું ઇલેક્શન માટે. આમાં ચૂંટણી આયોગનું કામ તો વ્યવસ્થિત ચાલે છે, પણ કર્મચારીઓ જે સંસ્થા સાથે સંકળાયેલા હોય છે ત્યાંનાં કામ રવાડે ચડી જાય છે.

દશેરા અને દિવાળી જેવા તહેવારના દિવસોમાં બૅન્કમાં આખા વર્ષ કરતાં વધારે આર્થિક વહેવાર થાય છે અને આવા સમયમાં જાહેર ક્ષેત્ર ઉપક્રમ એટલે કે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ (પીએસયુ) બૅન્કના કર્મચારીઓને ચૂંટણી આયોગે મહારાષ્ટ્રમાં ૨૧ ઑક્ટોબરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ઇલેક્શન-ડ્યુટી કરવાની ફરજ પાડી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાના શિક્ષકો તથા અન્ય કર્મચારીઓને ઇલેક્શન-ડ્યુટીમાં સામેલ કર્યા છે.

ચૂંટણીનું કામ ખૂબ જવાબદારીવાળુ હોય છે એથી દરેક કર્મચારીઓએ પોતાના રોજિંદા કામને બાજુએ મૂકીને થોડા દિવસ સુધી રોજ ટ્રેઇનિંગ માટે હાજર રહેવું પડે છે. આની સીધી અસર તેમના રૂટીન કામ પર થાય છે.

બૅન્કનાં કામ ખોરવાતાં ગ્રાહકો હેરાન-પરેશાન

અહીં એક નોંધપાત્ર વાત એ છે કે બૅન્ક એ વાણિજ્ય સંસ્થા છે. લોકો એના પર પોતાના આર્થિક અથવા અન્ય અગત્યનાં કામ માટે નિર્ભર હોય છે. અહીં રોજ ખૂબ મોટા પ્રમાણમાં આર્થિક વ્યવહાર થાય એ સ્વાભાવિક છે. હાલમાં બૅન્કનાં બધાં જ કામ કર્મચારીઓએ હવે ઑનલાઇન કરવાનાં હોય છે અને આને માટે કર્મચારીઓનું હોવું જરૂરી છે.

જ્યારે એક બ્રાન્ચના અમુક કર્મચારીઓ ચૂંટણીની ટ્રેઇનિંગ માટે એકસાથે જતા રહે છે અને એમાં જો એક દિવસ પણ બૅન્કના કર્મચારીઓ ન હોય તો બૅન્કમાં શું પરિસ્થિતિ સર્જાય છે એ નૅશનલાઇઝ્‍ડ બૅન્કના ભૂતપૂર્વ કર્મચારી કીર્તિભાઈ શાહ કહે છે, ‘હું ૯ ઑક્ટોબરે એક નૅશનલાઇઝ્‍ડ બૅન્કમાં આર્થિક કામ માટે ગયો હતો અને મેં જોયું તો બૅન્કના મૅનેજર પૈસા આપવાનું, ચેક વટાવવાનું, લોકોના પ્રશ્નના ઉત્તર આપવા જેવાં બધાં કામ કરી રહ્યા હતા. લોકોની ભીડ વધતાં તેમણે બહાર ચોકીદારને ઊભો રાખ્યો અને કામના સમય દરમ્યાન બ્રાન્ચના દરવાજા બંધ કરીને બૅન્ક બંધ છે એવું જાહેર કર્યું. અહીં એક જણ તૈયાર થઈને લૉકરમાંથી પોતાના દાગીના લેવા આવ્યા હતા અને તેમને દાગીના ન મળ્યા. એક ગ્રાહક રજા લઈને પોતાનું કામ કરવા આવેલા અને તેમની રજા નકામી ગઈ અને કામ ન થયું. સવારનો સમય હતો એટલે લોકોએ પૂછ્યું કે આખા દિવસમાં ક્યારે બૅન્ક ખૂલશે તો ચોકીદારે ના પાડીને કીધું કે આખો દિવસ બૅન્ક બંધ રહેશે. અમને બધાને મોડેથી ખબર પડી કે મૅનેજર સિવાયના બધા કર્મચારીઓ ચૂંટણીની ટ્રેઇનિંગ માટે ગયા હતા. અહીં મુદ્દો એ છે કે નોટિફિકેશન વગર આખી બ્રાન્ચ અચાનક બંધ કરી ન શકાય. એક સામાન્ય વ્યક્તિ તરીકે પ્રશ્ન એ થાય કે આવું કરવાની સત્તા તેમને આપી કોણે? આવું પગલું કઈ રીતે લઈ શકાય?’

એક બૅન્કમાં કામ કરનાર કર્મચારી હોવાને કારણે પોતાના અનુભવ પરથી કીર્તિભાઈએ કહ્યું કે ‘જેમની ફિક્સ્ડ ડિપોઝિટ આ દિવસે ડ્યુ થઈ હોય અને રિન્યુ કરવાની હોય તેને વાંધો નથી, પણ જે ગ્રાહકોને એફડીના  પૈસા લઈ લેવા હોય તેમણે તો એક દિવસનું વ્યાજ ગુમાવ્યું હશે એની ભરપાઈ કોણ કરશે?’

ગુજરાતી સાહિત્યકાર દિનકરભાઈ જોષી એક બૅન્કના ગ્રાહક તરીકે પોતાની અને લોકોની હેરાનગતિ વિશે કહે છે, ‘હું ચેક વટાવવા બૅન્કમાં ગયો તો બૅન્ક બહારથી બંધ હતી. હું મૅનેજરને ઓળખું છું એટલે મેં તેમને ફોન કર્યો. અહીં નોંધપાત્ર વાત એ છે કે જ્યારે પણ એકસાથે આ બધા લોકો ટ્રેઇનિંગમાં જતા રહે તો બૅન્કનું કામ કોણ કરશે? લોકોને પહેલેથી ખબર પણ નથી કે કઈ બ્રાન્ચના કર્મચારી કયા દિવસે ટ્રેઇનિંગમાં જવાના છે.’

અધિકારીઓની પ્રતિક્રિયા

અહીં ઑલ ઇન્ડિયા બૅન્ક એમ્પ્લૉઈઝ અસોસિએશન (એઈબીઈએ)ના સંયુક્ત સચિવ અને મહારાષ્ટ્ર સ્ટેટ બૅન્ક એમ્પ્લૉઈઝ ફેડરેશનના જનરલ સેક્રેટરી દેવીદાસ તુળજાપુરકર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કહે છે, ‘બૅન્ક પર સરકારની માલિકી છે, પરંતુ સરકારે પણ એક વાત સમજવી જરૂરી છે કે સરકારી કાર્યાલય અને એક વાણિજ્ય સંસ્થામાં ફરક છે. બૅન્ક એક ગ્રાહકલક્ષી સ્થાપના છે. સરકારે આમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ. જો ચૂંટણી માટે કર્મચારીઓની જરૂર હોય જ તો બૅન્કની સેવામાં ખલેલ ન પહોંચે એવી રીતે જેટલા કર્મચારીઓને આ કામ માટે આપી શકાતા હોય એટલાને જ લેવા જોઈએ. આમ પણ બૅન્કની બ્રાન્ચમાં કર્મચારીઓ બહુ ઓછા છે એમાંથી જો એક બ્રાન્ચમાંથી ૪ કે ૬ માણસો ઓછા થઈ જાય તો બ્રાન્ચ ચાલે જ કઈ રીતે?’

તેઓ આગળ હાલની પરિસ્થિતિ સમજાવતાં કહે છે, ‘આમ પણ બૅન્કમાં મહિનાના પહેલા અઠવાડિયામાં ભીડ બહુ રહે છે. એવામાં આ સમય દરમ્યાન ચૂંટણીની ટ્રેઇનિંગ માટે બ્રાન્ચના અમુક કર્મચારીઓ એકસાથે જતા રહે તો ગ્રાહકોને સેવા આપવી અઘરી થઈ જાય છે. દશેરા અને દિવાળીમાં પૈસાની લેવડ-દેવડ બમણી હોય છે, એથી દૈનિક કામ પણ વધારે હોય છે.’ 

બૅન્કનું વધતું કામકાજ અને કર્મચારીઓની અછત

બૅન્કમાં હાલમાં કામ વધારે અને માણસો ઓછા એવી પરિસ્થિતિ છે. આ વાસ્તવિકતા જણાવતાં પંજાબ નૅશનલ બૅન્ક એમ્પ્લૉઈઝ યુનિયનના જનરલ સેક્રેટરી અનિલ પ્રભુ કહે છે, ‘હાલમાં બૅન્કમાં નવા કર્મચારીઓની જરૂર છે. ચૂંટણી આયોગે આપેલા આદેશ મુજબ પંજાબ નૅશનલ બૅન્કની આખા ફોર્ટ વિસ્તારની ત્રણ બ્રાન્ચમાંથી કુલ ૪૯ કર્મચારીઓની નિમણૂક ચૂંટણીના કામ માટે કરવામાં આવી છે. ગઈ કાલે અમારે ત્યાંના કર્મચારીઓ ટ્રેઇનિંગમાં ગયા હતા અને ગ્રાહકોને સેવા આપવામાં વિલંબ થયો એથી તેઓ મારામારી પર ઊતરી આવ્યા હતા. આવી પરિસ્થિતિમાં અમારે લોકોને કેવી રીતે સમજાવવા એ મોટો પ્રશ્ન છે.’

ગ્રાહક સેવા ખોરવાઈ

કૅનેરા બૅન્કના ઑલ ઇન્ડિયા સેક્રેટરી અને બૅન્ક એમ્પ્લૉઈઝ ફેડરેશન ઑફ ઇન્ડિયાના જૉઇન્ટ સેક્રેટરી વિજય વી. આરોસકર અહીં પોતાનો મત વ્યક્ત કરતાં કહે છે, ‘છેલ્લા અમુક વખતથી બૅન્કના કર્મચારીઓને ચૂંટણીની ડ્યુટીમાં લેવામાં આવે છે. બૅન્કનો સીધો સંબંધ ગ્રાહક સાથે છે એથી જો આ સેવામાં માણસોની કમી થાય તો બૅન્ક ગ્રાહકને સેવા ન આપી શકે એથી અમારા ઉપરીઓએ આ બાબતનો વિચાર કરીને બૅન્કમાંના લોકોને આ ડ્યુટી ન સોંપવી જોઈએ. જ્યારે પણ આવો કોઈ આદેશ આવે છે તો દરેક વિભાગમાં રીજનલ ઑફિસ અથવા સર્કલ ઑફિસ પાસે જાણકારી હોય છે કે બ્રાન્ચમાંથી કેટલા જણ ટ્રેઇનિંગમાં જશે અને આવા સમયે જ્યારે બૅન્કમાં કર્મચારીઓની કમી હોય ત્યારે એ રીજનલ કે સર્કલ ઑફિસની ફરજ છે કે તેમને ત્યાંથી લોકોને બ્રાન્ચમાં મોકલે, જેથી ગ્રાહકને સેવા આપવામાં એ બ્રાન્ચને કોઈ તકલીફ ન પડે, પણ આવું ન થવાને કારણે ગ્રાહકે મુશ્કેલી ભોગવવી પડે છે.’ 

સહર્ષ ડ્યુટીનો સ્વીકાર

શૈક્ષણિક ક્ષેત્રના કર્મચારીઓ વર્ષોથી ચૂંટણીના કામમાં પોતાનો સહકાર આપે છે. બોરીવલી પશ્ચિમની બોરીવલી એજ્યુકેશન સોસાયટીની આર. સી. પટેલ હાઈ સ્કૂલનાં પ્રિન્સિપાલ ચેતના ઓઝા પોતાનો મત વ્યક્ત કરતાં કહે છે, ‘આખા સ્ટાફને ચૂંટણીની ડ્યુટી આપવામાં આવે છે, પણ આ વર્ષે પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલને અચાનક આ ડ્યુટી આવી છે અને અમે સહર્ષ એ સ્વીકારી પણ છે. પરીક્ષાનો સમય છે એટલે કામ વધે છે, પણ મારું માનવું છે કે જ્યારે આપણે સરકારી નોકરી સ્વીકારીએ છીએ ત્યારે સરકારનું જેપણ કામ હોય એ કરવા માટે તત્પર રહેવું જોઈએ. બાકી તો સરકારે કોઈ પણ પ્રકારનો પક્ષપાત ન કરતાં બધાને સરખો ન્યાય આપવો એ સરકારની ફરજ છે. શિક્ષક તરીકે જ્યારે અમે બાળકોને તેમની ફરજ વિશે જાગ્રત કરતા હોઈએ તો આ અમારી ફરજ છે કે અમારે આવી તક ન ગુમાવવી જોઈએ. જો અમે જ આ ડ્યુટી કરતાં ખચકાટ અનુભવીએ તો પછી લોકશાહી, દેશભક્તિ કે નીતિનો કશો અર્થ નથી.  હા, એક વાત છે કે પરીક્ષાના સમયને ધ્યાનમાં રાખતાં શાળામાંથી આખા સ્ટાફને આ કામમાં ન લેતાં ઍડ્મિનિસ્ટ્રેશનના જરૂરી નિર્ણયો લેવા બે કર્મચારીઓને સ્કૂલના કામકાજ માટે રહેવા દેવા જોઈએ. આ કામ અમે સ્વીકારીએ છીએ, પણ પરિસ્થિતિ એવી છે કે સ્કૂલનું કામ ખૂબ વધી જાય છે.’

ચૂંટણીનું કામ બન્યું બાધા

અહીં બીજી એક શાળાના પ્રિન્સિપાલ સંજય પાટીલ પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહે છે, ‘અમારી સ્કૂલનું બધું કામ રખડી જાય છે. શાળામાં હાલમાં પ્રથમ સત્રની પરીક્ષા ચાલી રહી છે અને આ સમયમાં અમને અને વિદ્યાર્થીઓને ખૂબ ત્રાસ થાય છે. શાળામાંથી ચૂંટણી આયોગે ૧૦૦ ટકા સ્ટાફ લઈ લીધો છે. પ્યુનથી માંડીને પ્રિન્સિપાલ સુધીના બધા લોકો ચૂંટણીના કામમાં લાગી ગયા છે. બાળકોની પરીક્ષા ૧૯ ઑક્ટોબર સુધી છે અને ૨૧ તારીખથી દિવાળીની રજા શરૂ થાય છે. સિલેબસ પત્યો નથી એટલે પહેલાં પરીક્ષા લઈ શકાય એમ નથી એથી બાળકો અને અમે બધાં મુશ્કેલીમાં જ આવી ગયાં છીએ. આ બધો વિચાર ચૂંટણી આયોજે કરવો જોઈતો હતો. જ્યારે પણ સ્કૂલથી દૂર ટ્રેઇનિંગ માટે શિક્ષકોને કે સ્ટાફને બોલાવે ત્યારે આખો દિવસ નીકળી જાય છે અને એ લોકો એ દિવસે સ્કૂલમાં આવી જ નથી શકતા અને એનાથી અમારું બધું કામ રખડી ગયું છે.’

શાળા-કૉલેજમાં પરીક્ષા કેવી રીતે લેવી?

અહીં શ્રીમતી ગોકળીબાઈ હાઈ સ્કૂલ અને એ. વી. પટેલ જુનિયર કૉલેજનાં પ્રિન્સિપલ ધર્મિષ્ઠા ઘેડિયાએ ચૂંટણી આયોગના કામને કારણે પોતાની સ્કૂલ અને કૉલેજના ખોરવાયેલા કામકાજ વિશે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું, ‘છેલ્લા ૬ મહિનાથી મારી સંસ્થાના ૬માંથી ૩ પ્યુન ચૂંટણીના કામમાં લાગી ગયા છે. અમુક શિક્ષકોને ઑગસ્ટ મહિનાથી ચૂંટણી આયોગે કામ માટે બોલાવી લીધા છે, એટલું જ નહીં, અમારા લાઇબ્રેરિયન પણ ઑગસ્ટ મહિનાના અંતથી આ કામમાં જોતરાઈ ગયા છે.  આ વખતે અમને  પ્રિન્સિપાલને પણ અચાનક ડ્યુટી આપી દેવાઈ છે. અમે માન્ય કરીએ છીએ કે પાંચ વર્ષમાં એક વાર ચૂંટણી આવે છે. અમે આ કામ કરવા બંધાયેલા છીએ, પણ અમારી પણ ઘણી મુશ્કેલીઓ છે. અમે વિદ્યાર્થીઓને પરીક્ષાનું ટાઇમ-ટેબલ પણ આપી નથી શકતા, કારણ જો બધા જ આ કામમાં લાગી જશે તો સ્કૂલમાં સુપરવિઝન કોણ કરશે એ પણ મોટો પ્રશ્ન છેને.’

આ પણ વાંચો : સાડા ચાર વર્ષની સતામણી પછી અંતે મેડિક્લેઇમ મળ્યો

સ્કૂલ હોય કે બૅન્ક, સરકારી હૉસ્પિટલ હોય કે અન્ય સંસ્થા, ચૂંટણી આવે કે કર્મચારીઓની જવાબદારી બમણી થઈ જાય છે. એક વાત છે કે આ સેવામાં ચૂંટણી આયોગ આ દરેક કર્મચારીઓને આર્થિક વળતર આપી દે છે, પણ પોતપોતાની સંસ્થાઓનું વ્યવસ્થાપન ખોરવાઈ જાય છે અને હવે બૅન્કને આમાં સામેલ કરવાથી ગ્રાહક સેવામાં સમસ્યા આવી રહી છે. ચૂંટણી આયોગે આ બધી સંસ્થાઓ પર આટલું દબાણ ન આવે એ માટે યોગ્ય પગલાં લેવાં જોઈએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK