Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ : કોઈ આ નાટકને નામ આપો

કૉલમ : કોઈ આ નાટકને નામ આપો

02 April, 2019 09:54 AM IST |
સંજય ગોરડિયા

કૉલમ : કોઈ આ નાટકને નામ આપો

ખમીર પ્રવીણનું: પ્રવીણ જોશીએ ડિરેક્ટ કરેલા ‘ઘેર ઘૂઘરો અને ઘોટાલો’ નાટક પરથી સો કરોડ ક્લબમાં સામેલ થયેલી આયુષ્યમાન ખુરાના, સાન્યા મલ્હોત્રા, ગજરાજ રાવ અને નીના ગુપ્તા અભિનીત ફિલ્મ ‘બધાઈ હો’ બની. પ્રવીણભાઈ પાસે વિષયનું વૈવિધ્ય હતું તો નવું કરવાનું ખમીર પણ તેમનામાં ભારોભાર ભર્યું હતું.

ખમીર પ્રવીણનું: પ્રવીણ જોશીએ ડિરેક્ટ કરેલા ‘ઘેર ઘૂઘરો અને ઘોટાલો’ નાટક પરથી સો કરોડ ક્લબમાં સામેલ થયેલી આયુષ્યમાન ખુરાના, સાન્યા મલ્હોત્રા, ગજરાજ રાવ અને નીના ગુપ્તા અભિનીત ફિલ્મ ‘બધાઈ હો’ બની. પ્રવીણભાઈ પાસે વિષયનું વૈવિધ્ય હતું તો નવું કરવાનું ખમીર પણ તેમનામાં ભારોભાર ભર્યું હતું.


જે જીવ્યું એ લખ્યું

ન ભૂતો, ન ભવિષ્યતી.



આ ઉક્તિ સાચી પડે અને ગુજરાતી રંગભૂમિએ ક્યારેય કલ્પના ન કરી હોય એવા કિસ્સાની વાત આપણે કરવાની છે. મૂળ આપણે વાત કરતા હતા ગુજરાતી નાટકોના પ્રોડ્યુસરની, જેમાં આઇએનટી મોખરાની એક સંસ્થા. આઇએનટીના નેજા હેઠળ ગુજરાતી નાટકો બનતાં. આ ઉપરાંત નાટ્ય શિક્ષણ, ગુજરાતી-મરાઠીમાં એકાંકી સ્પર્ધા, મરાઠીમાં નાટ્ય નિર્માણ અને આઇએનટીની એક પારસી વિંગ પણ હતી, જેમાં પારસી નાટકો થતાં. એ સમયે પારસી નાટકો ધૂમ ચાલતાં. એ પારસી વિંગમાં મુખ્યત્વે દિન્યાર કૉન્ટ્રૅક્ટર, બરજોર પટેલ, રૂબી પટેલ, દાદી સરકારી, દોરાબ મહેતા વગેરે હતાં. એ પારસી વિંગમાંથી પ્રવીણ જોશીએ ઘણાંબધાં નાટકો ડિરેક્ટ કરેલાં, પણ એ બધાં નાટકોમાં એક નાટક એવું બનવાનું શરૂ થયું જેણે ઇતિહાસમાં રંગભૂમિનું નામ સુવર્ણ અક્ષરે લખી નાખ્યું.


મિત્રો, નાટકના શોને પ્રયોગ કહેવામાં આવે છે. આ પ્રયોગ શબ્દને જરા સમજવો જોઈએ. નાટક એ મનોરંજનનું લાઇવ માધ્યમ છે. ફિલ્મ અને સિરિયલોમાં એક વખત શૂટ કરી લીધું એટલે વાત પતી ગઈ, પણ નાટકમાં ફેરફારને અવકાશ છે. આજે ભજવેલો સીન આવતી કાલે નવેસરથી લખીને કે પછી કોરિયોગ્રાફ કરીને ફરીથી ભજવી શકાય, નાટકને વધુ મનોરંજક બનાવવા માટે આવું કરવામાં આવે પણ છે. આમ, નાટકમાં સુધારાને અવકાશ હોવાને લીધે અને પ્રયોગાત્મક બની શકવાની સ્વતંત્રતા હોવાને લીધે એના શોને પ્રયોગ કહેવામાં આવે છે. પ્રવીણ જોશી જે નાટક બનાવતા હતા એ નાટકે એક એવો પ્રયોગ કર્યો જે આ પહેલાં ક્યારેય થયો નહોતો અને ત્યાર બાદ પણ એવું કરવાની કોઈની હિંમત ચાલી નહીં.

બન્યું એવું કે પ્રવીણ જોશી પારસી વિંગ માટે એક નાટક કરતા હતા. એના માટે તેઓ ટાઇટલ શોધે, પણ એ ટાઇટલ તેમને મળે જ નહીં. બહુ પ્રયાસો કર્યા, બહુ મથામણ કરી, પણ નાટકને અનુરૂપ ટાઇટલ મળે નહીં. એક આડવાત કહું તમને. થિયેટર ઇન્ડસ્ટ્રીમાં નાટકનું ટાઇટલ બહુ મહત્વનું છે. હું તો કહીશ કે અમારા જેવા પ્રોડ્યુસરની સૌથી મોટી તકલીફ જો કોઈ હોય તો એ નાટક ગોતવાની નથી હોતી, પણ નાટકનું ટાઇટલ ગોતવાની હોય છે. મારી અંગત વાત કરું તો નાટકોના સબ્જેક્ટ અને વાર્તાઓ તો હોય જ છે, પણ ટાઇટલનો અભાવ હોય છે. અત્યારની જ વાત કરું તો મારી પાસે અત્યારે ત્રણ નાટકો પાઇપલાઇનમાં રેડી છે, જે અમેરિકાની ટૂર પરથી પાછા આવીને એક પછી એક કરવાનાં છે, પણ એ નાટકનાં ટાઇટલ માટે ડિરેક્ટર કે રાઇટર સાથે સહમતી સધાતી જ નથી. નાટકનું ટાઇટલ એવું હોવું જોઈએ કે છાપામાં પ્રેક્ષક ઍડ જુએ અને એકઝાટકે ટાઇટલ લોકોને ગમી જાય અને લોકો નાટક જોવા આવે. ફિલ્મ અને ટીવીમાં બજેટ મોટાં હોય છે એટલે તેઓ ટાઇટલની પબ્લિસિટી કરી શકે, પણ નાટકના પ્રોડ્યુસર પાસે બજેટની કમી હોય એટલે અમારે સ્વબળે પૉપ્યુલર થઈ જાય એવું ટાઇટલ શોધવાનું હોય, જે શોધવામાં ખૂબ મુશ્કેલી થતી હોય છે.


એ સમયે પ્રવીણ જોશીની પણ આ જ પરિસ્થિતિ હતી. મૂળ અંગ્રેજી નાટક ‘નેવર ટુ લેટ’ ઉપર આધારિત હતું આ નાટક. રિહર્સલ્સ શરૂ થાય એ પહેલેથી જ ટાઇટલ માટેની તેમની મથામણ ચાલે, ચર્ચા ચાલે, પણ કોઈ મેળ પડે નહીં. નાટકનાં રિહર્સલ્સ પણ શરૂ થઈ ગયાં, પણ નાટકના ટાઇટલનો કોઈ પત્તો નહીં. આમ કરતાં-કરતાં નાટકની જાહેરખબર આપવાની તારીખ નજીક આવી ગઈ, પણ ટાઇટલ જડે નહીં. પ્રવીણ જોશી જેમનું નામ, તેમને એક યુક્તિ સૂઝી. તેમણે કહ્યું કે ટાઇટલ વગર જાહેરખબર જવા દો, જાહેરખબરમાં કળાકારોનાં, દિગ્દર્શક અને રાઇટરનાં નામ પણ લખી નાખો. પ્રવીણ જોશીએ આ બધી માહિતી ઉપરાંત એ જાહેરખબરમાં નીચે લખ્યું કે અમારી પાસે અત્યારે નાટકનું ટાઇટલ નથી, પણ પહેલા પ્રયોગ પછી પ્રેક્ષકો સાથે ચર્ચા કરીને આ નાટકનું નામ નક્કી કરવામાં આવશે. મિત્રો, કહેવાની જરૂર નથી કે આ જાહેરખબર સુપરહિટ રહી અને નાટકનો પહેલો શો હાઉસફુલ થઈ ગયો. લોકો નાટક જોવા આવ્યા અને તેમને નાટક ખૂબ ગમ્યું. નાટક પૂરું થયા પછી પ્રેક્ષકો સાથે વાતચીત કરવામાં આવી અને એ વાતચીત પછી નાટકનું ટાઇટલ નક્કી થયું. ઘેર, ઘૂઘરો અને ઘોટાલો.

હા, આ નાટકનું ટાઇટલ થયું ‘ઘેર ઘૂઘરો અને ઘોટાલો’.

આવું અળવીતરું, પણ નાટક સાથે બંધબેસતું ટાઇટલ ફાઇનલ થયું અને એ પછી આ જ ટાઇટલ સાથે નાટકના ખૂબ શો થયા. આ નાટકની બીજી પણ એક ખાસ વાત છે. હમણાં રિલીઝ થયેલી આયુષ્યમાન ખુરાના અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ ‘બધાઈ હો’ તમને યાદ હશે, જેમાં ગજરાજ રાવ અને નીના ગુપ્તા આયુષ્યમાન ખુરાનાનાં મમ્મી-પપ્પા છે. દીકરાનાં લગ્નની તૈયારીના દિવસોમાં આ મમ્મી-પપ્પા ફરી એક વાર મમ્મી-પપ્પા બનવાનાં છે જેને લઈને જે ક્ષોભજનક અવસ્થા ઊભી થઈ છે એ અવસ્થા પર જ આ ફિલ્મ છે અને આ ફિલ્મની વાર્તા પ્રવીણ જોશીના ‘ઘેર ઘૂઘરો અને ઘોટાલો’ સાથે ખૂબ બધી મળતી આવે છે. વિચાર કરો કે આ નાટક ૧૯૭૪-૭૫માં પ્રવીણ જોશીએ કર્યું હતું. પ્રવીણભાઈની સબ્જેક્ટની સૂઝ કેવી હતી એનું શ્રેષ્ઠ ઉદાહરણ એ જ કે આજે ઑલમોસ્ટ તેંતાલીસ વર્ષ પછી પણ આ સબ્જેક્ટ એટલો જ રિલેવન્ટ છે.

ટાઇટલ વિના નાટક રિલીઝ કરવાની જે હિંમત પ્રવીણ જોશીએ કરી એવી હિંમત ત્યાર પછી બીજા કોઈએ કરી નથી અને ભવિષ્યમાં પણ કદાચ કરશે પણ નહીં.

ફૂડ-ટિપ્સ

Sanjay Goradiya Food Tips

વાનગીઓની દુનિયામાં: ખીચડી જેવા સીધા અને સરળ ખોરાકને પણ કેટલો ઇન્ટરેસ્ટિંગ બનાવી શકાય એ જોવું હોય તો એક વાર ‘ખીચડી’ રેસ્ટોરાંમાં જજો.

મિત્રો, ગયા અઠવાડિયે મારે ‘મારો શત્રુ’ પુસ્તકના લોકાર્પણ માટે ભારતીય વિદ્યા ભવનમાં જવાનું થયું. આ પુસ્તકમાં અનેક મહાનુભાવોએ પોતાના શત્રુ વિશે લખ્યું છે અને એ મહાનુભાવો વચ્ચે મારો પણ લેખ છે એ સહેજ તમારી જાણ ખાતર. આ ફંક્શન પૂરું કરીને હું પાછો આવતો હતો ત્યારે મને થયું કે કંઈક ખાવું પડશે, કારણ કે ઘરે જમવાની ના પાડીને નીકળ્યો છું. મને થયું કે લાઇટ ફૂડ લેવું. પાર્લા સ્ટેશન પાસે પહોંચ્યો અને ત્યાં મેં ‘ખીચડી’ નામની રેસ્ટોરાં જોઈ. મિત્રો, આ રેસ્ટોરાંની ટૅગલાઇન જ છે, કુછ હલકા જો જાયે. નામ અને ટૅગલાઇન વાંચીને હું તો અંદર ઘૂસ્યો. અંદર ગયા પછી ખરેખર સરપ્રાઇઝ મળી. આ એસી રેસ્ટોરેાંને ગામઠી લુક અને એને અનુરૂપ કહેવાય એવું જ ઍમ્બિયન્સ આપવામાં આવ્યું છે અને એટલું જ નહીં, વાતાવરણને અનુરૂપ થઈને ક્રોકરીને પણ તિલાંજલિ આપવામાં આવી છે. તમને પાણી પણ માટીની બાટલીમાં આપે અને જમવાનું પતરાવળમાં આપે. બીજાં બધાં વાસણો પણ માટીનાં જ વાપરવામાં આવે અને રસોઈ પણ માટીના વાસણમાં બને.

‘ખીચડી’માં જાતજાતની ખીચડીઓ છે. કાઠિયાવાડી, સાદી, બાદશાહી, લેમન ગાર્લિક, નવરત્ન, પારસી ખીચડી, આયુર્વેદિક ખીચડી, મગની દાળની ખીચડી, લીલા કાંદાની ખીચડી, કાચી કેરીની ખીચડી, હર્બલ ખીચડી, થાઇ ખીચડી, સ્વામિનારાયણ ખીચડી અને બીજી અઢળક જાતની ખીચડી. છપ્પન જાતની ખીચડી તો મેં વાંચી. ખીચડી ઉપરાંત રોટલા, ભાખરી, થેપલાં પણ છે. મેથીનું થેપલું મેં મગાવ્યું, એમાં ચીઝ, કૉર્ન અને કૅપ્સિકમ ભરીને આપે છે, જે અદ્ભુત લાગે છે. આ પ્રકારનું સ્ટફિંગ મેં બ્રેડ સાથે ખાધું છે, પણ થેપલા સાથે એ બહુ ડિલિશિયસ લાગે છે. ઘણાં દેશી શાક પણ છે અહીંયાં અને ગરમ ચૂરમું, ગરમ મોહનથાળ, ગરમ ગાજરનો હલવો અને મગની દાળનો શીરો પણ છે. આ ઉપરાંત તમને દેશી ઘી, સફેદ માખણ, વઘારેલું દહીં, ખીચિયાં પણ મળે. ગુજરાતી અને મારવાડીઓની પકોડાં કઢી પણ મળે. મજા આવી ગઈ સાહેબ. હળવું ખાવાના આશયથી ગયો હતો, પણ ખૂબ બધું ખવાઈ ગયું અને પેટ આખું ભરાઈ ગયું, પણ મિત્રો, એક વાત કહીશ, આઇટમો સાત્વિક હોવાના કારણે જરા પણ ભારે ન પડ્યું.

આ પણ વાંચો : એંસીના દશકમાં વિષયોની દૃષ્ટિએ બોલ્ડ નાટકો બહુ બનતાં

જો તમને દેશી ખાવું હોય, સાત્વિક ખાવું હોય અને આપણી ઓરિજિનલ વરાઇટીઓ ખાવી હોય તો પાર્લા (વેસ્ટ)માં સ્ટેશનની બાજુમાં આવેલી બૅન્ક ઓફ બરોડાની પાછળ આવેલી ‘ખીચડી’માં એક વાર ચોક્કસ જજો.

Whatsapp-channel Whatsapp-channel

02 April, 2019 09:54 AM IST | | સંજય ગોરડિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK