કૉલમ : હરિનો મારગ છે શૂરાનો, કાયરનું નહીં કોઈ કામ

Updated: May 11, 2019, 10:26 IST | સંજય રાવલ-સંજયદૃષ્ટિ

ઈશ્વર પાસે માગવા જવાની આપણી આદત હવે એ સ્તરે પહોંચી ગઈ છે કે રસ્તામાં મંદિર આવે તો પણ આપણે આંખ નમાવીને એની પાસે માગી જ લઈએ છીએ. જરા વિચારો, આખો દિવસ ભીખ માગનારો તમારી આજુબાજુ ફર્યા કરે તો તમને ગમે? જો તમને ન ગમે તો ભગવાનને માણસનો આવો સ્વભાવ ગમે ખરો?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સંજયદૃષ્ટિ

આજના આર્ટિકલના હેડિંગમાં જે પંક્તિ કહેવામાં આવી છે એ ફરી એક વાર વાંચી લેજો.

હરિનો મારગ છે શૂરાનો, કાયરનું નહીં કોઈ કામ.

મિત્રો, આ પંક્તિ ઈશ્વરની તાકાતનું નિર્દેશન આપે છે. ઈશ્વર શું છે, તેની ઉપલબ્ધિ કેવી છે, તેની ક્ષમતા અને તેની શક્તિ કેવી છે એ દર્શાવે છે. હું કહીશ કે જ્યારે પણ તકલીફ, મુશ્કેલી, મુસીબત કે પીડા આવે ત્યારે એવી ફરિયાદ નહીં કરો કે ભગવાન મને શું કામ આ બધું જોવું પડે છે. તકલીફ, મુશ્કેલી અને મુસીબતો આપણને વધુ પાવરધા, વધુ હોશિયાર અને વધુ કસાયેલા બનાવવા માટે જ બનાવવામાં આવી હોય છે. તમે જોશો તો તમને દેખાશે કે ઈશ્વરે જેને તકલીફ ન આપી હોય એ નાનીએવી મુશ્કેલી આવે ત્યાં પાણીમાં બેસી જાય છે. તમે જુઓ, પેલા ફૉરેનર્સ ધોળિયાઓની આપણા દેશના તડકામાં શું હાલત થતી હોય છે. હું તો હંમેશાં કહેતો હોઉં છું કે ભગવાન બીજા બધા કરતાં આપણા પર વધારે મહેરબાન રહ્યો છે અને એટલે જ આપણે ગમે એવા સંજોગો વચ્ચે પણ મસ્તમજાના રહી શકીએ છીએ.

ભગવાનની વાત આવે ત્યારે મને દર વખતે એક વાત કહેવાનું મન થાય કે પાંચસો, હજાર કિલોમીટર દૂર જઈને માનતા માની, ભગવાનને પગે લાગવાનું કામ કરશો તો ભગવાન ખુશ થશે એવું માનવાની ભૂલ ક્યારેય નહીં કરતા. આ ભૂલ પુષ્કળ લોકો કરે છે અને એનું પુનરાવર્તન પણ એકધારું ચાલુ જ રહે છે, પણ હકીકત તો એ છે કે તમારી આજુબાજુમાં રહેલા કે પછી તમારા કુટુંબના કે પછી તમારા ઓળખીતા લોકોની તકલીફ દૂર કરશો તો ભગવાન વધારે ખુશ થશે. દુ:ખી લોકોને સાંત્વના આપવી એનાથી મોટી ભલાઈ બીજી કોઈ હોઈ પણ ન શકે. કોઈની વાત સાંભળવી, કોઈની તકલીફ સાંભળવી એ જ મોટું કામ છે. કોઈ જગ્યાએ કોઈ જરૂરિયાતમંદને ચીજવસ્તુ આપી હોય તો એનો ફોટો ફેસબુક પર અપલોડ કરવાની જરૂર નથી. એ એમ જ ભગવાન પાસે અપલોડ થઈ જાય છે. હૉસ્પિટલમાં બિસ્કિટનાં પૅકેટ આપવા પણ ફોટો ક્યારેય ન પડાવવા. આ ભગવાન પાસે સીધું જમા થાય છે અને ભગવાનને ક્યારેય કોઈ પુરાવાની જરૂર નથી. કોઈ જગ્યાએ દાન આપીને તકતી મુકાવવાનું કામ કરવું નહીં. દાનવીર અને શ્રેષ્ઠીઓ આ કામ ખૂબ કરે છે, પણ એવું કરીને આત્મશ્લાઘાઓમાં રાચવું નહીં, કારણ કે ઇસ્લામમાં પણ કહ્યું છે કે તારા ડાબા હાથે કરેલું કામ જમણા હાથને ખબર ન પડવી જોઈએ. પોતાના પરિવાર માટે, બાળકો માટે તો પશુપક્ષીઓ પણ જીવે છે, પણ બીજા માટે જે જીવે છે એ ઈશ્વરનો પ્રિય છે અને એવા લોકો માટે જ ઈશ્વર જીવતો રહે છે. હું તો કહીશ કે આવા લોકો ઈશ્વર બનવા માટે જ જન્મ્યા હોય છે અને એવું બન્યું પણ છે. લોકો માટે જીવનારા પરદુખ ભંજન કરનારાઓનાં આપણે ત્યાં મંદિરો બન્યાં છે અને એ મંદિરો આસ્થાનાં પ્રતીક બન્યાં છે.

જેને પોતાનો વિકાસ કરવો છે, જેને પોતાનું ઘર, પોતાનું કુટુંબ, સમાજનો વિકાસ કરવો છે તેણે આ ઈશ્વરની તાકાતની અજમાઇશ કરવાને બદલે પોતાની તાકાત પર મદાર રાખીને જીવવાની જરૂર છે. કારણ મેં આગળ કહ્યું એમ, પોતાના અને પોતાનાઓ માટે તો પશુપક્ષીઓ પણ જીવે છે. પારકા માટે જીવે અને પારકાઓની લાગણીઓનું ધ્યાન રાખે એનાથી ઉત્તમ બીજું કોઈ હોઈ શકે નહીં. હું તો કહીશ કે ઈશ્વરે જીવનને જે રીતે જીવવાનું કહ્યું છે એ જ રીતે, ઉત્સવ સાથે જીવવાની જરૂર છે. જો એ રીતે જીવન જીવી શક્યા તો અને તો જ જીવન જીવ્યાનું સાર્થક પુરવાર થશે.

ગયા વીકમાં આપણે વાત કરી હતી કે ઈશ્વર, અલ્લાહ, જીસસ જેવાં અલગ-અલગ નામો ધરાવતામાંથી કોનો સ્વીકાર કરવો? હું કહીશ કે કોઈ એક ફૂલને ફૂલ માનવાને બદલે સમગ્ર, આખા બાગને સ્વીકારવાની જરૂર છે. દરેકના ઈશ્વરની બહુ જ ઇજ્જત કરવાની જરૂર છે. કોઈનો ઈશ્વર ક્યારેય નાનો નથી હોતો અને કોઈનો ઈશ્વર ક્યારેય મોટો નથી હોતો. એવું જ માનો કે જે રીતે દરેકનાં માબાપ મહત્વનાં છે એવું જ ઈશ્વરમાં પણ હોતું હોય છે અને એવું જ હોય છે. દરેક કોમના મિત્રો બનાવી એ મિત્રતા આજીવન નિભાવવાની જરૂર છે. દરેક કોમના તહેવારો અને ઉત્સવો ઊજવવાની જરૂર છે. બાળપણથી જ આ ભેદ દૂર કરી બાળકોને મોટાં કરીશું તો ધર્મ માટે, ઈશ્વર માટે કોઈ એકબીજાની સામેસામાં આવશે નહીં. આપણે બાળકોને ઈશ્વરની ઓળખ કરાવીએ છીએ, પણ આ શબ્દમાં રહેલી તાકાત વિશે કોઈ વાત કરતાં નથી અને એટલે જ મતમતાંતર ઊભાં થાય છે. આ મતમતાંતર માટે પહેલેથી જ આપણે કામ કરવું પડશે અને એ કામ નાનપણથી જ કરવું પડશે. બાળક નાનું હશે ત્યારે જ જો તેને સમજાવીશું કે દરેક ઈશ્વર એ આપણો મિત્ર છે તો એનું પરિણામ એક જ આવશે કે ઈશ્વર પ્રત્યેની ગેરસમજ દૂર થઈ જશે અને એ જ દૂર કરવાનું કામ કરવાનું છે.

વાત હોય તો શ્રદ્ધાની તો પુરાવાની શી જરૂર, ગીતા કે કુરાનમાં ક્યાંય ઉપરવાળાની સહી નથી.

આપણને આપણા વ્યક્તિગત વિકાસમાં સૌથી પહેલાં આ ઈશ્વર શબ્દની ગેરસમજો નડે છે. તમે બધું ભૂલી જાવ, બધેબધું એક બાજુએ મૂકી દો. તમારે તમારું દિમાગ પણ નથી વાપરવાનું, તમારે કોઈ જાતની બીજી ચિંતા પણ કરવાની નથી. તમારે તો માત્ર એક જ વાત વિચારવાની છે કે બધા જ ઈશ્વર એક જ સંદેશ આપીને ગયા છે અને જ્યારે બધાની વાતમાં એક જ સૂર છે, એક જ સંદેશ છે અને બધાએ એક જ મુદ્દા પર રહેવાનું સૂચન આપ્યું છે તો પછી ઈશ્વર એક હોય કે હજાર હોય, એનાથી કોઈ ફરક નથી પડતો.

સર્વથા સૌ સુખી થાઓ,
સમતા સૌ ક્ષમા કરો,
સર્વત્ર દિવ્યતા વ્યાપો
સર્વત્ર શાંતિ વિસ્તરો.

બસ, આ વાત સાલ્લુ કોઈ સમજતું નથી, ગળે ઉતારતું નથી. ઈશ્વર સાથે વાત કરવી હોય તો શું કરવું આપણે? જવાબ સ્વરૂપે મને આ કવિતા એકદમ વાજબી લાગે છે.

સંજોગો વિકટ હોય ત્યારે સુંદર રીતે કેમ જીવવું એ મને શીખવ.
બધી બાબતો અવળી પડતી હોય ત્યારે હાસ્ય ને આનંદ કેમ મેળવવાં એ મને શીખવ.
પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે શાંતિ કેમ રાખવી એ મને શીખવ.
કામ અતિ મુશ્કેલ હોય ત્યારે ખંતથી એમાં કેમ લાગેલા રહેવું એ મને શીખવ.
કઠોર ટીકાઓના વરસાદ વરસે ત્યારે મારા ખપનું ગ્રહણ કેમ કરી લેવું એ મને શીખવ.
પ્રલોભનો, પ્રંશસા ને ખુશામતની વચ્ચે તટસ્થ કેમ રહેવું એ મને શીખવ.
ચારેબાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે,
પરિણામે શ્રદ્ધા ડગમગ થઈ જાય,
મન નિરાશાની ગર્તામાં ડૂબી જાય ત્યારે ધૈર્ય ને શાંતિથી તારી કૃપાની પ્રતીક્ષા કેમ કરવી એ મને શીખવ.

આ પણ વાંચો : કૉલમ: વિચાર બદલો, દુનિયા બદલો

ઈશ્વર સાથેનો આપણો સંબંધ માગવાનો જ બની ગયો છે. હમણાં મેં એક નાટક જોયું, એમાં એક સંવાદ આવે છે. ભગવાન એના ભક્તને કહે છે, માગવા તો રોજ આવે છે, એક વખત મને મળવા તો આવ. વાત કેટલી સરસ છે અને એકદમ સાચી પણ છે. આપણે માગવા જવાનું છોડીને ઈશ્વરને મળવા જવાનું શરૂ કરીએ. ઈશ્વરને મળીશું તો એ તો હજાર હાથવાળો ને બે હજાર ભેજાવાળો છે. એને ખબર પડી જશે કે આપણી શું જરૂર છે. જો આપણા માટે એ અનિવાર્ય હશે તો આપી પણ દેશે, પણ માગવા જવાનું છોડીને હવે એની સાથે સંવાદ કરવાનું શરૂ કરીએ, એને મળવા જવાનું શરૂ કરીએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK