કૉલમ: વિચાર બદલો, દુનિયા બદલો

Updated: May 04, 2019, 13:42 IST | સંજય રાવલ-સંજયદૃષ્ટિ

જો વૉકમૅનથી સંતોષ માની લેવામાં આવ્યો હોત તો આઇપૉડ ન શોધાયાં હોત અને આઇપૉડથી સંતોષ માની લેવામાં આવતો હોત તો ક્યારેય પણ આઇફોન અસ્તિત્વમાં જ ન આવ્યા હોત.

બધા સવાલનો એક જવાબ બને એને સક્સેસફુલ કહેવાય
બધા સવાલનો એક જવાબ બને એને સક્સેસફુલ કહેવાય

આજે આપણે વાત કરવી છે સફળતા પર, સક્સેસ પર, પણ એ વાત શરૂ કરતાં પહેલાં મને થોડી સ્પષ્ટતા ગયા વીકના આર્ટિકલ પર પણ કરવી છે. ગયા વીકના આર્ટિકલનું હેડિંગ હતું, ‘બૈરીને અવગણીને માબાપને સાચવી જાણે એ સાચો મર્દ’. આ વાતથી કેટલાક વાચકમિત્રો નારાજ થયા. આ લેખ થકી એવાં સંતાનોનો કાન આમળવાની વાત હતી જે માબાપે કરેલી વષોર્ની તપર્યાને ભૂલી જતાં હોય છે, પરંતુ એ પછી પણ એમાં મહિલાઓનો વાંક હોય એવું જરા પણ જરૂરી નથી. આ માટેનો પૂરો વાંક પુરુષોનો પણ હોઈ જ શકે છે. મેં અનેક ઘર જોયાં છે જ્યાં સાસુ-સસરાનું ધ્યાન પુત્ર કરતાં પુત્રવધૂ વધારે રાખતી હોય અને સગાં માબાપ કરતાં પણ વિશેષ તેમને સાચવતી હોય. આવી પુત્રવધૂઓ નમનને પાત્ર છે. કહેવાનો ભાવાર્થ કંઈક જુદો હતો અને એનું અર્થઘટન કંઈક જુદું થયું પણ એમ છતાં એને લીધે જેકોઈ મિત્રોએ મને મેસેજ કર્યા એ સૌનો હું ધ્યાન દોરવા બદલ આભાર માનું છું અને સાથોસાથ એ સૌની માફી માગું છું જેમને આ શબ્દોથી કે એના દેખીતા અર્થથી નારાજગી થઈ છે.

માફી માગવામાં ક્યારેય ખચકાટ રાખવો નહીં અને માફી આપવામાં પણ ક્યારેય સંકોચ રાખવો નહીં. સંકોચ ન રાખવો એ સફળતાની દિશાનું પહેલું પગથિયું છે. સફળતા, સક્સેસ. અનેક લોકોના મનમાં પ્રશ્ન થતા હોય છે કે કેવી રીતે સક્સેસફુલ બનવું? સક્સેસ મેળવવા માટે શું કરવું? કેમ એવું બનતું રહે છે કે હું સક્સેસ માટે મહેનત કરું અને માંડ સક્સેસ સુધી પહોંચુ અને ત્યાં સક્સેસ દૂર ચાલી જાય. કેમ? આવા સવાલ મનમાં હોય એ સ્વાભાવિક છે, કારણ કે બધાને સક્સેસ ગમતી હોય છે, કોને ન ગમે અને શું કામ ન ગમે? બધાને ખૂબ બધા પૈસા કમાવવા છે, મોટી ગાડી ખરીદવી છે અને મોટો બંગલો બનાવવો છે તથા એ બધું કરવું છે જે એક સક્સેસફુલ માણસ કરતો હોય છે. સાચુંને, પણ મને એક પ્રશ્ન પૂછવો છે તમને કે તમે સક્સેસફુલ કોને માનો છો? જેની પાસે ખૂબબધા પૈસા હોય તેને કે પછી જેની પાસે ફેમ હોય તેને? ખૂબ સંપત્તિ હોય તેને કે પછી જેની ઓળખાણ મોટી હોય તેને? જેનો પડ્યો બોલ ઝિલાતો હોય તેને કે પછી જેને ધાર્યું કરવા મળતું હોય તેને?

હું કહીશ કે આ બધા સવાલનો એક જવાબ બને એને સક્સેસફુલ કહેવાય.

હવે જ્યારે તમને ખબર છે કે સક્સેસફુલ કોને ક્હેવાય ત્યારે સક્સેસ કેમ મેળવવી એ પણ તેમની પાસેથી જ શીખવું પડે અને એ શીખવા માટે તમારે જરા પણ હેરાન થવાની જરૂર નથી. તમારી આસપાસ લાઇબ્રેરી છે. ઇન્ટરનેટ પર બુક-સ્ટોર્સ છે. તમે જે વ્યક્તિને સક્સેસફુલ માનતા હો તેની બાયોગ્રાફી વાંચો. આ અગાઉ હું ઘણી વખત વાંચવા પર ભાર આપી ચુક્યો છું અને મેં એ પણ કહ્યું છે કે બાયોગ્રાફી ખાસ વાંચો. બાયોગ્રાફી એવું ફ્યુઅલ છે જે તમને સતત મોટિવેટ કરતું રહેશે. તમને ગમતી સક્સેસફુલ વ્યક્તિની લાઇફ વિશે વાંચો અને વિશ્લેષણ કરો કે એવું શું થયું કે તે વ્યક્તિ આટલી સફળ બની. શું તેના જીવનમાં ક્યારેય નિષ્ફળતા આવી જ નહીં હોય?

એવું તો બને જ નહીં કે કોઈના જીવનમાં ક્યારેય નિષ્ફળતા આવે નહીં. તો શું એ વ્યક્તિ ક્યારેય પડી ભાંગી નહીં હોય, એ વ્યક્તિને ક્યારેય ડિપ્રેશન નહીં આવ્યું હોય. તેને ક્યારેય બધું છોડીને મરવાનો વિચાર નહીં આવ્યો હોય? આ અને આવા અનેક સવાલના જવાબ તમને એ બુકમાંથી મળશે અને સાથે મળશે એક કામ કરવાની પ્રૉપર સિસ્ટમ. તમે જોજો જેટલા સફળ લોકો છે એ બધા ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ તબક્કે ડિપ્રેશનનો શિકાર તો બન્યા જ હશે. તો પછી એ લોકો કેમ ડિપ્રેશનમાંથી બહાર આવી ગયા? સક્સેસફુલ છે એટલે કે પછી તેમને ખબર હતી કે તેમને સક્સેસ મળવાની છે એટલે?

ના. એવું નથી. રૉન્ગ થિન્કિંગથી આવે છે ડિપ્રેશન અને રાઇટ થિન્કિંગથી આવે છે સક્સેસ. માત્ર થોટ પ્રોસેસ ચેન્જ કરવાની વાત છે. દરેકના જીવનમાં ડિપ્રેશન આવતું જ હોય છે અને દરેકને ક્યારેક હારનો સામનો કરવો જ પડતો હોય છે, પણ અમુક લોકો ડિપ્રેશન અને હારના રૉન્ગ થિન્કિંગમાંથી બહાર નથી આવતા અને અમુક લોકો તરત જ રાઇટ થિન્કિંગની દિશામાં આગળ વધીને ડિપ્રેશનમાંથી બહાર આવે છે અને ખરાબ કે ખોટી વાતને પાછળ છોડી દે છે. કોઈ પણની લાઇફ જોશો તો તમને આ જ જોવા મળશે કે બહુ મોટી હાર પછી બીજા જ દિવસે તેઓ નવા કામમાં લાગી ગયા હતા અને એ નવું કામ કરતા રહ્યા હતા ત્યારે તેમને સક્સેસ મળી હતી. કોઈ પણ મહાનુભાવ જોઈ લેજો, કોઈની પણ લાઇફમાં જોઈ લેજો. તમને દેખાઈ આવશે કે તેમણે જેકાંઈ કર્યું એ બધું હકારાત્મકતા સાથે કર્યું અને એટલે જ તેમને સહજ રીતે સફળતા મળી.

હવે આવીએ ફરી મૂળ સવાલ પર, શું કરીએ તો સક્સેસ મળે? યાદ રાખજો, ભણીને કે માત્ર હાર્ડ વર્કને કારણે સક્સેસ નથી મળતી. ના, ક્યારેય નહીં. સક્સેફુલ લોકો દરેક કામને એક અલગ રીતે કરે છે. સક્સેસફુલ માણસ ક્યારેય એ સર્કલ વિશે વિચારતો નથી જે તેને દેખાડવામાં આવ્યું છે અને જે પ્રમાણે બધા કરે છે. એ પોતાનું અલગ સર્કલ બનાવે છે અને દરેક વખતે નવું કરે છે. બાકીના બધા લોકો એક પ્રૉબ્લેમને એ જ રીતે સૉલ્વ કરવાનો પ્રયાસ કરે છે જે રીતે તેને કહેવામાં આવ્યું છે, પણ સક્સેસફુલ એ રસ્તો નહીં અપનાવે પણ એ પોતાનો રસ્તો પોતે બનાવશે. એ પ્રૉબ્લેમને વિચારશે, તેના વિશે દરેક સંભાવનાઓ જોશે અને પછી સૉલ્યુશનની દિશામાં કામ કરશે. માત્ર મેકૅનિકલી કામ કરવાને બદલે તેઓ ક્રીએટિવલી નવું સૉલ્યુશન શોધશે અને પછી કામને અલગ રીતે કરશે. સક્સેસ મેળવવા માટે એ દરેક અવેલેબલ મેકૅનિકલ પ્રોસેસને છોડવી પડશે. તમને જે રસ્તો દુનિયાએ બતાવ્યો છે એ રસ્તે ચાલીને જો તમે કામ કર્યા કરશો તો ક્યારેય સફળતા નહીં મળે, કારણ કે તમે નવું સર્કલ તો બનાવતા જ નથી. તમે એ જ રસ્તે ચાલો છો જે રસ્તો તમને દુનિયાએ દેખાડ્યો છે. સફળતા માટે તમારે તમારો રસ્તો બનાવવાનો છે. દરેક સફળ માણસ આ જ કરતો હોય છે. એ પ્રશ્નને મેકૅનિકલી સૉલ્વ કરવાને બદલે ક્રીએટિવલી હૅન્ડલ કરે છે અને આ જ ફરક છે સફળ અને અસફળ વ્યક્તિત્વમાં.

આ પણ વાંચો: કૉલમ : બૈરીને અવગણીને માબાપને સાચવી જાણે એ સાચો મર્દ

જો સફળ થવું હોય તો હંમેશાં સ્લેટ કોરી રાખો અને દરેક વખતે પ્રૉબ્લેમને રાઈના દાણા જેવડો સમજીને એને એવરેસ્ટ જેટલો સ્કૅન કરો અને પછી એનું સૉલ્યુશન શોધો. સફળ થવા માટે તમારે દૃષ્ટિકોણ બદલાવવાનો છે. જે માર્ગનો એક વાર ઉપયોગ થઈ ગયો છે એ રસ્તો વાપરીને તમે સફળ નહીં થઈ શકો, પણ ફક્ત એ કામને કરી શકશો. જો તમારે સફળ થવું હશે તો દરેક વખતે નવો રસ્તો, નવું સૉલ્યુશન લાવવું પડશે. તમે ૧૨-૧૫ વર્ષ પહેલાં ભણેલા હતા એ પછી લગભગ આખી દુનિયા બદલાઈ ગઈ છે. એ બદલાતી દુનિયા સાથે તમારે પણ બદલાઈને નવી રીતે પ્રૉબ્લેમનું સૉલ્યુશન શોધવાનું છે. યાદ રાખજો, દર ત્રીજી મિનિટે દુનિયા બદલાય છે, જો તમે નહીં બદલાઓ તો સફળતા નહીં મળે. સક્સેસફુલ બનવા સક્સેફુલની જેમ કામ કરો અને યાદ રાખો કે એ લોકો દરેક કામને અલગ રીતે, નવી રીતે કરે છે અને એટલે સક્સેસફુલ છે. જો એવું ન હોત તો ક્યારેય રેકૉર્ડની જગ્યાએ કૅસેટ આવી ન હોત, ક્યારેય વૉકમૅન ન શોધાયું હોત અને એ વૉકમૅનથી જો સ્ટીવ જૉબ્સને સંતોષ થઈ ગયો હોત તો ક્યારેય આઇપૉડ ન શોધાયું હોત. એ આઇપૉડથી જો નેક્સ્ટ લેવલ વિચાર્યું ન હોત તો આજે આપણે જે આઇફોન વાપરીએ છીએ એ ક્યારેય અસ્તિત્વમાં જ ન આવ્યો હોત. સવાલ માત્ર ને માત્ર થિન્કિંગનો છે, કામને અલગ રીતે કરવાનો છે. એ કરી લેશો તો તમે સક્સેસફુલ થઈ જશો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK