Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > રોજ જો સાચું બોલવાનો આગ્રહ રાખશો તો એક દિવસ તમે જે બોલશો એ જ થશે

રોજ જો સાચું બોલવાનો આગ્રહ રાખશો તો એક દિવસ તમે જે બોલશો એ જ થશે

18 July, 2019 11:30 AM IST | મુંબઈ ડેસ્ક
રુચિતા શાહ - રોજેરોજ યોગ

રોજ જો સાચું બોલવાનો આગ્રહ રાખશો તો એક દિવસ તમે જે બોલશો એ જ થશે

યમ

યમ


રોજેરોજ યોગ

યસ, આ વચનસિદ્ધિની ગૅરન્ટી મહર્ષિ પતંજલિ આપે છે. શ્રી પાતંજલ યોગસૂત્રના આઠ અંગમાં પહેલું અંગ છે યમ. જેમાં સત્ય, અહિંસા, ચોરી ન કરવી, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય વગેરેનું પાલન કરો તો શું ફળ મળે એ કહેવાયું છે. આ પાંચ યમનું પાલન નહીં કરીને આપણે આપણું જ લાંબા ગાળાનું નુકસાન કરી રહ્યા છીએ. પથ્થરમાંથી પાણી કાઢવાની ક્ષમતા કેળવવી હોય તો આ પાંચ બાબતોનું પાલન કરવું, કરવું અને કરવું જ પડશે



યોગ વિજ્ઞાન છે એનો પરિચય એના પહેલા અંગથી જ થવાનો શરૂ થઈ જાય છે. લગભગ દરેક ધર્મશાસ્ત્રનો પાયો ગણાતી કેટલીક બાબતોનો સમાવેશ મહર્ષિ પતંજલિએ પોતાના પહેલા અંગમાં કર્યો છે. આઠ અંગમાં વિભાજિત થયેલી યોગની યાત્રામાં સૌથી પહેલાં જ જેને પ્રાયોરિટી આપી હોય એની મહત્તા અને એની અનિવાર્યતા તેમને કેટલી વધુ જણાઈ હશે એ કૉમન સેન્સથી સમજી શકાય એમ છે. સત્ય એટલે સાચું જ બોલવું, અહિંસા એટલે કોઈને હાનિ પહોંચાડવી, અસ્તેય એટલે ખોટું ન બોલવું,
ચોરી ન કરવી અને બ્રહ્મચર્ય એટલે સેન્સિસ પર કન્ટ્રોલ રાખવો. સામાન્ય રીતે જોઈએ તો આ પાંચ બાબત આપણે એટલી વાર સાંભળી ચૂક્યા છીએ, વાંચી ચૂક્યા છીએ કે ક્યાંક ને ક્યાંક એની તીવ્રતા આપણા માટે રહી જ નથી. કાં તો આપણે એને ટૂ આઇડિયલિસ્ટિક કહીને પડતું મૂકીને સો-કૉલ્ડ આધુનિક અને પ્રૅક્ટિકલ દેખાઈ જઈએ છીએ કાં તો એનું હાર્દ સમજ્યા વિના સ્થૂળરૂપે એને પાળીએ છીએ.
શ્રી પાતંજલ યોગસૂત્રને રાજયોગ કહે છે, જેનો ઉલ્લેખ શ્રી ભગવદ્ગીતામાં પણ છે. આ સંદર્ભે યોગનિષ્ણાત પ્રો. રક્ષા વાઢૈયા કહે છે, ‘ગીતામાં કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ અને રાજયોગનો ઉલ્લેખ છે. આને રાજયોગ શું કામ કહે છે? દરેક યોગમાં પણ જે રાજા સમાન છે, જે હાઇએસ્ટ છે, જેના ઉપર કંઈ નથી, જે સૌથી ઉપર હોય એ સ્વાભાવિક રીતે સૌથી શ્રેષ્ઠ પણ હોય. એટલે જ દરેક રીતે તમને સક્ષમ બનાવવાની પ્રોસેસ મહર્ષિ પતંજલિએ પોતાનાં આઠ અંગમાં સમજાવી છે જેમાં તેમણે પહેલું અંગ યમ આપ્યું છે. આજે લોકો માત્ર આસન પાછળ પડ્યા છે. જોકે દરેક અંગ મહત્ત્વનું છે. માત્ર આસન કરવાનો અર્થ તો એટલો જ ઠરે છે કે તમે કોહિનૂરનો ઉપયોગ પેપરવેઇટ તરીકે કરી રહ્યા છો. જરા વિચારો, પેપરવેઇટ તરીકે પણ કોહિનૂર તમને કામમાં આવી રહ્યો છે. પરંતુ એની ઉપયોગિતા એટલી જ છે. યોગમાં હવે એ બાબત સમજવાની જરૂર છે લોકોએ. આજે લોકો યોગના પહેલા અંગ યોગ પર વધુ ફોકસ નથી કરી રહ્યા, પરંતુ આ અંગ આખા યોગશાસ્ત્રનો અને આપણા આખાય અસ્તિત્વનો આધારસ્તંભ છે.’
આસન અને પ્રાણાયામ સિવાયનાં અંગો વિશે હવે આવનારા દિવસોમાં આપણે વિગતવાર વાત કરીશું. આજે યમના કન્સેપ્ટ વિશે સહેજ પ્રૅક્ટિકલ અને લૉજિકલ અંદાજમાં પ્રો. રક્ષા વાઢૈયા પાસેથી સમજીએ.
સત્ય
હંમેશાં સાચું જ બોલવું એ તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ ઘણી વાર અનાયાસ કારણ વગર ખોટું બોલી નાખીએ છીએ. બિનજરૂરી રીતે. આમ કરીને આપણે આપણી અંદર રહેલી સબકૉન્શિયસ શક્તિઓને જ ડૅમેજ કરવાનું કામ કરીએ છીએ. જ્યારે તમે ખોટું બોલો છો ત્યારે તમારી અંદર રહેલા કૉન્શિયસને તો ખબર જ છે કે તમે ખોટું બોલો છો. વારંવાર-વારંવાર ખોટું બોલવાથી જે બોલાયું એ કરવાની તમારી ક્ષમતા તમે ખોઈ બેસો છો. તમારી અંદરની સિસ્ટમને કે જે આપણી સમજણની પાર છે એને નબળી પાડવી હોય તો ખોટું બોલો. તમારી એકેએક ક્રિયાની, તમારા એકેએક શબ્દની અસર તમારા પર અને આ આખા બ્રહ્માંડ પર પડે છે. પેલો ફિલ્મી ડાયલૉગ સાંભળ્યો છેને, જબ કિસી ચીઝ કો પૂરે શિદ્દત સે ચાહતે હો તો પૂરી કાયનાત ઉસે તુમસે મિલાને મેં લગ જાતી હૈ. આ શું છે? તમારી ઇચ્છા, તમારી વાણી, તમારી ક્રિયામાં કુદરતનો પણ રોલ હોય છે. ખોટું બોલવાથી તમે નિસર્ગની એ સહજ ક્રિયામાં વિક્ષેપ ઊભો કરો છો અને તમે જાતે તમારા પગ પર કુહાડી મારો છો. તમારા શબ્દોનું વજન ન ઘટાડવું હોય તો તમારી વાણીમાં સત્યનું પ્રમાણ વધે એવા પ્રયત્નો કરો. એક દાખલો આપું. સંત જ્ઞાનેશ્વરના ભાઈ નિવૃત્તિનાથ ખૂબ પ્રખર હઠયોગી હતા. એક વાર જંગલમાં સાધના કરી રહ્યા હતા. એ સમયે એક સ્ત્રી તેમની પાસે આવી. તેમણે સહજ સ્ત્રીને આશીર્વાદ આપ્યા કે સૌભાગ્ય વતી ભવ. હકીકતમાં થોડીક જ મિનિટો પહેલાં એ સ્ત્રીના પતિનું મૃત્યુ થયું હતું અને તેને અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવ્યા અને તેમની પાછળ દોડતી-દોડતી તે આવી ત્યાં આ સંત તેમને મળી ગયા. આ સંતના બોલાયેલા શબ્દોની અસર એ થઈ કે મૃત્યુ પામેલા તેના પતિ ફરીથી જીવંત થયા. જ્યારે તમે સતત સત્ય બોલવાની ટેવ પાડો છો ત્યારે તમારા જૂઠને પણ સત્યમાં ફેરવવા માટે કુદરત સક્રિય થઈ જાય છે. શું કામ તમે સાચા હો છો ત્યારે તમારો સેલ્ફ-કૉન્ફિડન્સ સાતમા આસમાન પર હોય છે? શું કામ તમે સત્ય બોલતા હો છો ત્યારે તમારા શબ્દોનો રણકાર જુદો હોય છે? કારણ એટલું જ કે સત્ય તમારા અસ્તિત્વનો સ્વભાવ છે અને એ સ્વભાવ મુજબ આગળ વધો છો ત્યારે કુદરત તમને સહાય કરે છે. એટલે જ પતંજલિ ઋષિ કહે છે કે સત્ય બોલનારી વ્યક્તિને આગળ જતાં વચનસિદ્ધિ પ્રાપ્ત થાય છે. અહીં એક વાત કહીશ કે જો જીવનમરણનો પ્રશ્ન હોય તો આપણે અસત્ય બોલવું પણ પડે, પરંતુ સાવ નજીવી વાતોમાં કારણ વગર ખોટું ન બોલીએ એટલો સંકલ્પ તો આપણે લઈ જ શકીએ.
અહિંસા
ક્યારેક કોઈ ઋષિ કે સંતની જંગલી પશુઓ અને પાળેલાં પ્રાણીઓ એકસાથે હોય એવી તસવીર તમે જોઈ હશે. સિંહ સામે બકરી હોય તો પણ એને હિંસાનો વિચાર ન આવે એ અહિંસાનો પ્રભાવ છે. જે વ્યક્તિ સતત અહિંસાનું પાલન કરે છે એને ફળ મળે છે વેરત્યાગનું. તે પોતે તો વેર ત્યાગી જ દે છે, પરંતુ તેની આસપાસ પણ કોઈ પ્રાણીના મનમાં વેરભાવના રહેતી નથી. એ વ્યક્તિ જ્યાં જાય છે ત્યાં તેની હાજરી માત્રની તમામ અસ્તિત્વમાં અહિંસા વ્યાપી જાય છે. હિંસા એટલે કોઈને હાથેથી મારવું એ જ નહીં, કોઈને પાડવાની, કોઈને હાનિ પહોંચાડવાની આપણી નીતિ, આપણા વિચારો, આપણા શબ્દો પણ હિંસા છે. મનથી, વચનથી કે કાયાથી હિંસા થાય છે. ઘણી વાર આપણે કોઈક વિશે મનોમન ખરાબ વિચારીને તેને ખતમ કરી નાખવાના વિચારો કરીએ છીએ એ હિંસા છે જે ખરેખર તમારી મેન્ટલ હેલ્થને નુકસાન કરે છે. હિંસામાં તમે તમારી એનર્જી ખોટી દિશામાં લગાવી દો છો. અહિંસા તમારી નેગેટિવિટીને દૂર કરે છે. તમે જો પૉઝિટિવિટીથી છલોછલ હો તો તમારી આસપાસ પણ એ જ વાઇબ્રેશન્સ પહોંચવાનાંને. અત્યારના સમયમાં કદાચ આપણે સંપૂર્ણ વૈરત્યાગની સિદ્ધિ પામીને સિંહ અને બકરીને સાથે રાખી શકીએ એટલી અહિંસા ન પાળી શકીએ, પરંતુ થોડીક શરૂઆત કરીને આપણી આસપાસના માહોલને પૉઝિટિવિટીથી તો ભરી જ શકીએ.
અસ્તેય
અસ્તેય એટલે ચોરી. સામાન્ય રીતે કોઈનું પાકીટ મારવું કે બૅન્ક લૂંટવી એને જ આપણે ચોરી ગણીએ છીએ. અને એવું તો આપણે નથી કરતા એમ વિચારીને રિલૅક્સ રહેવાની જરૂર નથી. ચોરીની વ્યાખ્યા વિશાળ છે. એક પ્લેટ પાણીપૂરીના પૈસા આપીને એક પૂરી એક્સ્ટ્રા ખાઈ લેવાની દાનત પણ ચોરી છે. એક કિલો સફરજનમાં વજન કરતા થોડુક વધારે લઈ લેવાની ઝંખના પણ ચોરી છે. કોઈ નધણિયાતી વસ્તુના માલિક બની જવું એ પણ ચોરી છે અને પૂછ્યા વિના કોઈની પેન વાપરવી એ પણ ચોરી છે. ટૅક્સચોરીથી લઈને ટિકિટ વિના ટ્રેનમાં પ્રવાસ કરવો એ પણ ચોરી છે. કોઈના વિચારો ચોરવા, કોઈની ક્રેડિટ ચોરી લેવી. કોઈનું લખાણ પોતાના નામે કરી લેવું એ બધું જ આજના જમાનામાં ચોરીની વ્યાખ્યામાં આવે છે. મુદ્દો એ છે કે આમાં આપણે ન પકડાઈએ તો શું ફરક પડે છે? ફરક સૂક્ષ્મરૂપે પડે છે. તમે જ્યારે તમારામાં સ્થિર ન હો, તમે અંદરથી પોકળ છો એવી લાગણી જ્યારે સ્ટ્રૉન્ગ હોય ત્યારે જ આ પ્રકારની હરકત કરો છો. કોઈનું લેવાની નીતિ ત્યારે જ આવે જ્યારે તમે જાતે એ હકથી પામવાની ક્ષમતામાં ઊણા ઊતર્યા છો. આ અટકવું જોઈએ, જો સ્વબળ મજબૂત કરવું હોય તો. મહર્ષિ પતંજલિ કહે છે કે અસ્તેય પાળનારી વ્યક્તિને આ દુનિયામાં જેટલાં પણ રત્નો છે એ બધાં તેનાં ચરણોમાં આવી જાય છે.
અપરિગ્રહ
બિનજરૂરી વસ્તુઓ, વિચારો કે માહિતીનો ત્યાગ એ અપરિગ્રહ. જેટલા ખાલી રહેશો એટલું મન બિનજરૂરી એનર્જી નહીં વેડફે અને સાચી જગ્યાએ શક્તિનો ઉપયોગ થશે. જેમ કે તમારા ફોનમાં પણ બિનજરૂરી ડેટા હોય તો એ હૅન્ગ થાય છેને? એ જ રીતે બિનજરૂરી સામાન ભેગો કરવાથી યોગ્ય સમયે જોઈતી વસ્તુ આપણને નથી મળતી. ફાલતુ માહિતી એકઠી કરીને રાખશો તો કામના સમયે જોઈતી એનર્જી નહીં મળે. અપરિગ્રહ તમારામાં લેટ ગોની ભાવના પ્રબળ કરે છે. અને યોગસૂત્ર અનુસાર અપરિગ્રહના પાલનથી તમારા પૂર્વજન્મોનાં કર્મો યાદ આવે છે.
બ્રહ્મચર્ય
બ્રહ્મચર્ય એટલે માત્ર સ્ત્રી-પુરુષ વચ્ચેનો દૈહિક સંબંધ જ નહીં પણ તમારી ઇન્દ્રિયોનો તમામ દુરુપયોગ અેમાં આવી જાય. એ દૃષ્ટિએ મોટા ભાગના પોતાને બાળબ્રહ્મચારી કહેવડાવતા લોકો પણ બ્રહ્મચારી નથી. તમારું મન કોઈ પણ પ્રકારની ઇચ્છાઓમાં રચ્યુંપચ્યું રહે એ બ્રહ્મચર્યનું હનન છે. કોઈ પણ ઇન્દ્રિયનો બિનજરૂરી ઉપયોગ ખોટી જગ્યાએ શક્તિનો ખર્ચ કરે છે. સ્વાદના રસિકો જો હંમેશાં ખાવામાં જ રચ્યાપચ્યા રહે તો જીવનમાં બીજું કંઈ નહીં પામી શકે. ઇન્દ્રિયો ધીમે-ધીમે શિથિલ થઈ જાય અને આપણી સેન્સના પાવરને આપણે ખોઈ બેસીએ. ગાંધારીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમણે આજીવન આંખોને પાટા બાંધ્યા. તેમની આંખોની શક્તિ એટલી વધી ગઈ હતી કે તેમણે દુર્યોધનને કહેલું કે હું એક વાર આંખો પરથી પટ્ટી ઉઘાડીશ અને તને જોઈશ તો તારું શરીર વજ્રનું થઈ જશે. એવું થયું પણ, પરંતુ દુર્યોધનના શરીરનો અમુક હિસ્સો તો સ્વાભાવિક રીતે વસ્ત્રોથી ઢાંકેલો હતો. માતાની આમન્યા જાળવવા તે સંપૂર્ણ નગ્ન તો જઈ ન શકે. એથી એ હિસ્સો વજ્રનો ન બન્યો અને યુદ્ધમાં એ જ તેના મૃત્યુનું કારણ પણ બન્યું. મહર્ષિ પતંજલિ પણ કહે છે કે જે પોતાની ઇન્દ્રિયનો ખોટો વ્યય અટકાવે છે એટલે કે બ્રહ્મચર્યનું પાલન કરે છે તેને વીર્યલાભ થાય છે એટલે કે વાઇટલ એનર્જી દૃઢ થાય છે. આંતરિક ક્ષમતા વધે છે.


આ પણ વાંચો : Seema Bhanushali:પરિવારની સાથે પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે આ જાણીતા બ્યુટિશિયન

માત્ર આસન કરવાનો અર્થ તો એટલો જ ઠરે છે કે તમે કોહિનૂરનો ઉપયોગ પેપરવેઇટ તરીકે કરી રહ્યા છો. પાંચ યમનું જો પાલન કરશો તો તમારા સબકૉન્શિયસમાં એ સંસ્કારો દૃઢ થતા જશે અને તમને એના અનેક લાભ ઇનડાયરેક્ટલી મળતા થઈ જશે. ક્યારેક ને ક્યારેક શરૂઆત તો કરવી જ પડશે તો આજથી કેમ નહીં? - પ્રોફેસર રક્ષા વાઢૈયા, યોગનિષ્ણાત


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2019 11:30 AM IST | મુંબઈ ડેસ્ક | રુચિતા શાહ - રોજેરોજ યોગ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK