નાગપુરમાં રેવ પાર્ટી પર દરોડા, 173 યુવક-યુવતીઓની ધરપકડ

Published: 20th August, 2012 07:29 IST

મહારાષ્ટ્રના નાગપુરમાં પોલીસે અચાનક દરોડા પાડી રેવપાર્ટીની મોજ માણી રહેલા યુવક યુવતીઓ સહિત 173 લોકોની ધરપકડ કરી હતી. તેવી જ રીતે પોલીસે 8 આયોજકોને પણ અટકાયતમાં લીધા હતાં.


nagpur-rave-partyનાગપુર : તા. 20 ઓગષ્ટ

નાગપુર પોલીસની ક્રાઈમ બ્રાંચે રવિવારે મોડી રાત્રે શહેરની કારમેલ હોટલમાં અચાનક છાપો મારી ત્યાં ચાલી રહેલી રેવ પાર્ટીના રંગમાં ભંગ પાડ્યો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે આ રેવ પાર્ટી ક્રાઈમ બ્રાંચની ઓફિસથી માત્ર 500 મીટર જ દૂરના અંતરે થઈ રહી હતી. જોકે મોડે મોડેથીય જાગેલી પોલીસે ફેસબુકના માધ્યમથી આમંત્રણ આપીને યોજવામાં આવેલી આ રંગીન પાર્ટીમાં યુવક - યુવતીઓ મદહોશ બનીને ઝુમી રહ્યાં હતાં તે દરમિયાન અચાનક જ રેડ પાડી તેમના હોશ ઉડાવી દીધા હતાં.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ પાર્ટીમાં પ્રવેશવા કપલ માટે 1500 અને સિંગલ પર્સન માટે 1000 રૂપિયા ફી રાખવામાં આવી હતી. રેવ પાર્ટીમાં સામેલ યુવક-યુવતીઓ ડાંસની સાથો સાથ ખુલેઆમ દારૂ ઉપરાંત માદક પદાર્થોનું સેવન કરી રહ્યાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પાર્ટીને શાનદાર બનાવવા માટે બોલિવૂડ અને દુબઈમાંથી ડીજે બોલાવવામાં આવ્યાં હતાં.

પોલીસે કુલ 173 યુવક-યુવતીઓની ધરપકડ કરી હતી. અટકાયતમાં લેવામાં આવેલા આ તમામ હાઈપ્રોફાઈલ પરિવારના નબીરાઓ છે. શરૂઆતમાં પોલીસ આ મામલે ગોળગોળ જવાબ આપી રહી હતી અંતે જણાવ્યું હતું કે અટકાયતમાં લેવામાં આવેલા તમામના બ્લડ સેમ્પલ લઈને તેને મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે જેના રિપોર્ટ આવ્યા બાદ માલુમ પડશે કે પાર્ટીમાં પ્રતિબંધિત નશીલા પદાર્થોનું સેવન કરવામાં આવ્યું હતું કે કેમ અને ત્યાર બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઝડપાયેલી યુવતીઓ એકદમ ટૂંકા વસ્ત્રોમાં નજરે પડી રહી હતી.

આ અગાઉ લગભગ 15 દિવસ પહેલા પણ પોલીસે આવી જ એક રેવ પાર્ટી પર દરોડા પાડ્યા હતાં. પરંતુ ત્યાંથી કોઈ જ વાંધાજનક ન મળ્યું હોવાનું જણાવી ભીનું સંકેલી લીધું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK