કમલેશ તિવારીની ઘારી આપીને હત્યા કરાયેલી

Published: Oct 20, 2019, 09:39 IST | રશ્મિન શાહ | સુરત

બે મૌલવીએ હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને મારવાની સોપારી આપેલી : ઘારી આપવાના બહાને સુરતના રાશિદ, મોહસિન અને ફૈઝલ મૃતક સુધી પહોંચ્યા હતા: સુરતના મીઠાઈના ડબા પરથી 24 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલાયો

સુરતની મીઠાઈની દુકાનમાંથી મીઠાઈ ખરીદી રહેલા આરોપીઓ
સુરતની મીઠાઈની દુકાનમાંથી મીઠાઈ ખરીદી રહેલા આરોપીઓ

લખનઉમાં રહેતા અને ઉત્તર પ્રદેશમાં હિન્દુ નેતા તરીકે પ્રસ્થાપિત થયેલા કમલેશ તિવારીની તેના જ ઘરમાં થયેલી ઘાતકી હત્યામાં સુરતના ત્રણ મુસ્લ‌િમો રાશિદ પઠાણ, મોહસિન ખાન અને ફૈઝલનો હાથ હોવાનું ખૂલ્યું છે. રાશિદ પઠાણ વર્ષોથી દુબઈ રહેતો હતો અને છેલ્લા બે મહિનાથી તે સુરત આવ્યો હતો. કમલેશ તિવારીએ ચાર વર્ષ પહેલાં એક જાહેર સભામાં આગઝરતી ભાષામાં સમુદાય વિરુદ્ધ બેફામ બોલતાં એક મૌલવીએ દોઢ કરોડ અને બીજા એક મૌલવીએ ૫૦ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું, એ ઇનામની લાલચમાં આ કામ થયું હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.

સુરતના આ ત્રણ મુસ્લિમ યુવકો ઘોડદોડ રોડ પર આવેલી એક જાણીતી મીઠાઈની દુકાનમાંથી ઘારી લઈને લખનઉ ગયા હતા. યુવકોએ કમલેશ તિવારી વિશે પુષ્કળ તપાસ કરી હતી, જેમાં તેમને ખબર પડી હતી કે સુરતની ઘારી કમલેશ તિવારીને ખૂબ ભાવે છે એટલે તેમણે ઘારીને ઘરમાં દાખલ થવાનો આધાર બનાવ્યો હતો. કમલેશ તિવારી માટે ત્રણ ફ્લેવરની કુલ દોઢ કિલો ઘારી લેવામાં આવી હતી.

ghari

કમલેશ તિવારીના ઘરેથી ઘારીનું બૉક્સ મળતાં પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી અને ઍન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડની ગુજરાતની ટીમે હત્યામાં સામેલ ત્રણ શખસોની અરેસ્ટ કરી હોવાનો દાવો કર્યો છે. બે શખસ લખનઉ ગયા હતા, જ્યારે ત્રીજા શખસે બન્નેને રિવૉલ્વર ખરીદવામાં મદદ કરી હતી.

tiwari

જેની હત્યા કરવામાં આવી એ હિન્દુ નેતા કમલેશ તિવારી

માતાએ બીજેપીના નેતા પર હત્યાનો આરોપ મૂક્યો હતો

કમલેશ તિવારીની હત્યાના ૨૪ કલાકમાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે, પણ હિન્દુ સમાજ પાર્ટી અને હિન્દુ મહાસભાના નેતા કમલેશ તિવારીની માતાએ બીજેપીના નેતા શિવકુમાર ગુપ્તા પર કાવતરું રચવાનો આરોપ મૂક્યો હતો. તેમણે મહમૂદાબાદમાં રામજાનકી મંદિર માટે થયેલા કેસને પણ હત્યા પાછળનું કારણ ગણાવ્યું છે.

‘યોગીરાજ’માં હિન્દુઓ અસુરક્ષિત, મુખ્ય પ્રધાન રાજીનામું આપે : ચક્રપાણિ

કમલેશ તિવારી હત્યાકાંડ બાદ ઉત્તર પ્રદેશમાં રાજકારણ ગરમાયું છે. પહેલાંથી જ વિરોધીઓની આલોચનાનો સામનો કરી રહેલી યોગી આદિત્યનાથ સરકાર પર હવે હિન્દુ સંગઠને પણ સવાલ ઉઠાવ્યો છે. કમલેશ તિવારીની હત્યા બાદ હિન્દુ મહાસભાના અધ્યક્ષ સ્વામી ચક્રપાણિએ જણાવ્યું કે યોગી સરકારમાં હિન્દુઓ અસુરક્ષિત હોવાથી તેમણે રાજીનામું આપવું જોઈએ. કૈરાના પલાયનના સમયે યોગી આદિત્યનાથે મોટી-મોટી વાતો કરી હતી. આજે તેઓ ખુદ મુખ્ય પ્રધાન છે છતાં કમલેશ તિવારીની હત્યા થઈ છે. ૧૩ ઑક્ટોબરે કમલેશે પોતાને આતંકવાદીઓથી જીવનું જોખમ હોવાનું જણાવીને સુરક્ષાની માગણી કરી હોવા છતાં મુખ્ય પ્રધાન યોગી અને બીજેપીની સરકાર સૂતી રહી. યોગી આદિત્યનાથ ચૂંટણીપ્રચારમાં વ્યસ્ત છે અને કમલેશના પરિવારને મળવાનો સમય પણ નથી ફાળવી શકતા. હવે તેમણે રાજીનામું આપી દેવું જોઈએ.’

આ પણ વાંચો : ગુજરાત મૉનસૂન: ત્રણ દાયકા પછી બનશે પહેલી વાર એવું કે વરસાદ દિવાળી જોશે

આરોપીઓએ ભગવાં કપડાં પહેર્યાં હતાં

ઉત્તર પ્રદેશના ડીજીપીએ પત્રકારોને માહિતી આપી હતી કે ઘટનાસ્થળેથી મીઠાઈનું બૉક્સ મળી આવ્યું હતું. મીઠાઈ-બૉક્સના આધારે જ ગુજરાત કનેક્શન હોવાનું સામે આવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે ત્રણેય આરોપીઓ ભગવા રંગનાં કપડાં પહેરીને આવ્યા હતા. આરોપીઓમાં રાશિદ અહમદ પઠાણ, મૌલાના મોહસિન શેખ અને ફૈઝલ. જેમાં રાશિદ પઠાણ હત્યાનો મુખ્ય સૂત્રધાર હતો. રાશિદ અહમદ પઠાણ કમ્યુટરનું સારું જ્ઞાન ધરાવે છે. તે વ્યવસાયે દરજી છે. ૨૪ વર્ષનો મૌલાના મોહસિન શેખની સાડીની દુકાનમાં કામ કરે છે. ૨૧ વર્ષનો ફૈઝલ ચંપલની દુકાનમાં કામ કરે છે. યુપી પોલીસે સુરતના ત્રણ આરોપી ઉપરાંત અનવરુલ હક અને મુફ્તી નઈમ કાસમી નામના બે મૌલાનાઓને ઉત્તર પ્રદેશના જુદા-જુદા સ્થળેથી ઝડપી લીધા હતા. અનવરુલ હકે ૨૦૧૬માં કમલેશ તિવારીનું માથું કાપનારને ૫૧ લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી. કમલેશ તિવારીની પત્ની કિરણની ફરિયાદના આધારે મૌલાના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK