હેમંત સોરેને ઝારખંડના 11મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા

Published: Dec 30, 2019, 13:06 IST | Ranchi

ઝારખંડમાં શપથગ્રહણના બહાને વિપક્ષનું શક્તિપ્રદર્શન ઃ રાહુલ ગાંધી, મમતા બૅનરજી, અશોક ગેહલોત, ખડગે, તેજસ્વી યાદવ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં

હેમંત સોરેન
હેમંત સોરેન

જેએમએમના કાર્યકારી ચીફ હેમંત સોરેને રવિવારે ઝારખંડના ૧૧મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. હેમંત સોરેનને ઝારખંડનાં રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂએ પદ અને ગોપનીયતાના શપથ લેવડાયાં. સીએમની સાથે જ ત્રણ અન્ય નેતાઓએ પણ પ્રધાનપદના શપથ લીધા. 

સીએમ હેમંત સોરેનની સાથે કૉન્ગ્રેસ ધારાસભ્ય મંડળ દળના નેતા આલમગીર આલમ, ઝારખંડ કૉન્ગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રામેશ્વર ઉરાંવ અને આરજેડીના નેતા સત્યાનંદ ભોક્તાએ પ્રધાનપદના શપથ લીધા.

અત્યારે સ્પષ્ટ થઈ ગયું છે કે હેમંત સોરેનના પ્રધાનમંડળમાં કૉન્ગ્રેસના બે અને આરજેડીના એક ધારાસભ્યને પ્રધાનપદ મળ્યું છે. આરજેડીએ સાત બેઠક પર ચૂંટણી લડી હતી અને એક બેઠક પર જ સફળતા પ્રાપ્ત કરી છે, જ્યારે કૉન્ગ્રેસે ૧૬ બેઠકો પર જીત મેળવી છે.

hemant-soren-01

રવિવારે યોજાયેલા શપથવિધિ સમારોહમાં મંચ પર વિપક્ષના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. નવી સરકારની શથપવિધિ દરમિયાન કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી, ભૂતપૂર્વ રાજ્યસભા સંસદસભ્ય શરદ યાદવ, રાજ્યસભા સંસદસભ્ય સંજય સિંહ, આરજેડી નેતા તેજસ્વી યાદવ, કૉન્ગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે, સુબોધ કાંત સહાય, રાજસ્થાનના સીએમ અશોક ગહેલોત સહિતના તમામ મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત ડીએમકે નેતા એમકે સ્ટાલિન, જેએમએમ નેતા અને હેમંત સોરેનના પિતા શિબૂ સોરેન, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન આરપીએન સિંહ, એનસીપી નેતા સુપ્રિયા સુળે તેમ જ પ્રદેશના ભૂતપૂર્વ સીએમ રઘુબર દાસ પણ મંચ પર હાજર હતાં.

ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને ગઈ કાલે ઝારખંડના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ રાજ્યના ૧૧મા મુખ્ય પ્રધાન બન્યા છે. રાજ્યપાલ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા હતા. જનતાના જીવનને વધુ સુદૃઢ બનાવવા માટે કામ કરીશ એવું તેમણે શપથ ગ્રહણ કરતાં જણાવ્યું હતું. તસવીર : પી.ટી.આઇ.

બુકે નહીં, બુક મોકલાવો

ઝારખંડના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ હેમંત સોરેનને ફૂલના બુકે આવવા માંડ્યા હતા, પણ તેમણે લોકોને કહ્યું હતું કે શુભેચ્છા પાઠવવા માટે મને બુકે નહીં, બુક મોકલાવો. કારણ કે પુસ્તક જ તમારો સૌથી મોટો સાથી છે. તસવીર : પી.ટી.આઇ.

સૌથી નાની ઉંમરે સીએમ બન્યા હેમંત સોરેન

૪૪ વર્ષના હેમંત સોરેનને ૨૪ ડિસેમ્બરના ગઠબંધન સરકાર તેમ જ વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા બાદ સોરેને રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો હતો. ઝારખંડ મુક્તિ મોર્ચાને ઝારખંડ વિધાનસભામાં સૌથી વધુ ૩૦ બેઠકો મળી હતી, જ્યારે વિપક્ષ બીજેપીને ૨૫ બેઠકો મળી હતી. હેમંત સોરેન ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિબૂ સોરેનના પુત્ર છે અને સૌથી નાની વયે રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK