Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એક પણ માઈનો લાલ મેરિટનો હિમાયતી આગળ આવ્યો નથી કે ના સાહેબ, આ ખોટું છે.

એક પણ માઈનો લાલ મેરિટનો હિમાયતી આગળ આવ્યો નથી કે ના સાહેબ, આ ખોટું છે.

13 January, 2019 10:17 AM IST |
Ramesh Oza

એક પણ માઈનો લાલ મેરિટનો હિમાયતી આગળ આવ્યો નથી કે ના સાહેબ, આ ખોટું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નો નોનસેન્સ 

કેન્દ્ર સરકારે ભક્તોને કફોડી સ્થિતિમાં મૂકી દીધા છે અને ભક્તો પાછા મનોમન રાજી પણ થતા હશે. આ લોકો હજી ગઈ કાલ સુધી મેરિટવાળા હતા. મેરિટ સાથે સમાધાન કરવામાં આવે તો દેશ આગળ કેમ વધે? દેશભક્તો તો એવા કે તેમની સામે ભગત સિંહ પણ ઝાંખો પડે. તેમના મુખારવિંદેથી આવી દલીલો તમે સાંભળી હશે- મેરિટ સાથે સમાધાન કરાય? લાયકાત વિનાના વિદ્યાર્થીઓ કૉલેજોમાં ઘૂસી જાય, ભણી શકે નહીં અને એક સીટ બગાડે. જો નસીબ હોય અને ભણી પણ ઊતરે તો પણ એવા ૩૫ ટકાવાળા દેશનું અને સમાજનું શું ભલું કરવાના એવી પણ તેઓ દલીલ કરતા હતા. એવા ડૉક્ટરોના હાથમાં હાથ મૂકતાં પણ ડર લાગે. નોકરીઓમાં તેઓ ઘૂસી જાય છે અને લાઇન તોડીને જવાબદારીવાળા હોદ્દાઓ સુધી પહોંચે છે. આ દેશનો જે દાટ વળ્યો છેને, એ આ અનામતને કારણે અને મેરિટ વિનાનાને કારણે. મેરિટ સાથે સમાધાન ન કરાય સાહેબ, મેરિટ એટલે મેરિટ. અમારા બાપદાદાઓએ અન્યાય કર્યો એટલે શું અમને અન્યાય કરવાનો? ન્યાયના નામે કેટલાં વરસ સુધી લાડ લડાવવાનાં? કોઈ માપ હોય કે નહીં? આમાંની એક દલીલ તમારા કાને ન પડી હોય એવી અજાણી નથી.



હવે કેન્દ્ર સરકારે જ્યારે સવર્ણોને અનામતની જોગવાઈ આપી છે ત્યારે એક પણ માઈનો લાલ મેરિટનો હિમાયતી ભક્ત આગળ આવ્યો નથી કે ના સાહેબ, આ ખોટું છે. મેરિટ સાથે સમાધાન કરવાનું ન હોય. દેશ પહેલો. અમને અનામતની જોગવાઈ નથી જોઈતી. જો આપશો તો મેરિટ સાથે સમાધાન કરવા માટે અમે તમારો વિરોધ કરીશું. દાયકાઓથી અમારી આવી ભૂમિકા છે અને એની પાછળની પ્રેરણા દેશપ્રેમ છે. અમે અનામતનો અત્યાર સુધી વિરોધ કરતા આવ્યા છીએ એનું કારણ સ્વાર્થ નહોતું, પછાત કોમ માટેનો દ્વેષ નહોતું પણ મેરિટ માટેનો આગ્રહ હતું. પ્લીઝ સર, અમે મેરિટ સાથે સમાધાન કરીને દેશને નુકસાન નથી પહોંચાડવા માગતા. અમારી સિદ્ધાંતનિષ્ઠા અને શીલ અકબંધ છે અને રહેશે. તમે કાંઈ પણ કરો, અમે કસોટીમાં ઊણા ઊતરવાના નથી. અમે નખશિખ દેશભક્ત છીએ.


એક પણ રાષ્ટ્રવાદી દેશભક્તને આવું કહેતાં સાંભળ્યો છે? મેં તો નથી સાંભળ્યો. ગામમાં ફુલેકું નીકળે ત્યારે પૈસા ઉછાળવામાં આવે. એ પરચૂરણમાંથી જે ચાર-આઠ આની હાથમાં આવે એ માટે ગરીબો આપસમાં પડાપડી કરે અને ઝડપી લેવા મચી પડે. ફદિયા માટેની તેમની લાલચ જોઈને ગામના શ્રેષ્ઠીઓ મનોમન તેમને ધિક્કારે. આ પ્રજા ક્યારેય સુધરશે નહીં એમ આપસમાં વાતો કરશે. એની વચ્ચે ફુલેકામાં ઉછાળવામાં આવતા પરચૂરણમાંથી એક દોકડો અનાયાસે હાથમાં આવી જાય તો આજુબાજુ કોઈ જોતું તો નથીને એની ખાતરી કરીને ખિસ્સામાં મૂકી દે છે. અત્યાર સુધી થૂંક પણ ગળ્યા વિના મેરિટની વકીલાત કરનારા દેશભક્તોએ ચૂપચાપ હાથમાં આવેલો અનામતનો દોકડો ખિસ્સામાં મૂકી દીધો છે. અરે ભાઈ, ભગત સિંહની પીઠ થાબડવાની હોય, ભગત સિંહ બનવાનું ઓછું હોય! ભગત સિંહોની પીઠ થાબડવામાં હરીફાઈ કરવાની અને જો કોઈ પીઠ ન થાબડે તો તેને દેશદ્રોહી હોવાની ગાળો આપવાની. પત્યું. દેશપ્રેમ સિદ્ધ!

૧૯૮૧માં ગુજરાતમાં અનામતવિરોધી આંદોલન થયાં હતાં એ યાદ હશે. એ આદોલન મેરિટ બચાવીને દેશ બચાવવા માટેનું આંદોલન હતું. મેરિટ બચાવીને દેશ બચાવવાના એ આંદોલનમાં કોણ મોખરે હતા એ જાણો છો? હજી તાજો-તાજો સ્થપાયેલો ભારતીય જનતા પક્ષ જેણે આજે મેરિટ સાથે સમાધાન કરીને સવર્ણોને અનામતની જોગવાઈ આપી છે અને એ જેણે એ જોગવાઈ ફુલેકામાં હાથ લાગેલા ફદિયાની માફક ચૂપચાપ ખિસ્સામાં મૂકી દીધી છે. ત્યારે તેઓ બન્ïને મેરિટ બચાઓ દેશ બચાઓવાળા હતા.


વાત એમ હતી કે ૧૯૭૯માં જનતા પાર્ટીનું વિભાજન થયું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જૂના જન સંઘને ભારતીય જનતા પાર્ટીના નવા નામે પાછો જીવતો કર્યો હતો. બદલાયેલા સંજોગોમાં હિન્દુત્વ ઉપરાંત નવાં સામાજિક સમીકરણો રાજકારણમાં દાખલ કરવાં પડે એમ હતાં. એમાં સામાજિક ન્યાયનો એજન્ડા સમાજવાદીઓ પાસે હતો અને એમાં તેમની ઇજારાશાહી હતી એમ કહી શકાય. છેક ૧૯૬૦ના દાયકાથી ડૉ. રામ મનોહર લોહિયાએ સામાજિક ન્યાયને સમાજવાદી રાજકરણનું અંગ બનાવી દીધું હતું. આ બાજુ સવર્ણો, હરિજનો, આદિવાસીઓ અને લઘુમતી કોમો કૉંગ્રેસની સાથે હતી. ગ્થ્ભ્ના નેતાઓને લાગ્યું કે આમાંથી સવર્ણોને પ્રમાણમાં આસાનીથી કૉંગ્રેસની છત્રીમાંથી બહાર કાઢી શકાય. માટે અનામતનો વિરોધ અને મેરિટ બચાઓ દેશ બચાઓનું રાજકારણ અપનાવવામાં આવ્યું હતું.

આને માટે ગુજરાત પસંદ કરવામાં આવ્યું એનું પણ કારણ છે. ગુજરાતીઓ ડાહી અને વ્યવહારુ પ્રજા છે. ગુજરાતીઓ ભગત સિંહોની પીઠ થપથપાવીને દેશપ્રેમ વ્યક્ત કરે છે અને કૃતકૃત્ય થઈ જાય છે. સંઘપરિવારે ગુજરાતને હિન્દુત્વની લૅબોરેટરી બનાવી એનું પણ આ જ કારણ છે. સપાટી પરનો દેશપ્રેમ ગુજરાતમાં તીવþ છે અને સ્વાભાવિક છે કે સપાટી પરનો દેશપ્રેમ ઘોંઘાટિયો હોવાનો. સિદ્ધ કરવા માટે એકમાત્ર ઘોંઘાટનો આશરો લેવો પડે છે. અર્નબ ગોસ્વામીઓના સ્ટુડિયોમાં ઘોંઘાટ શા માટે વધુ હોય છે એનું કારણ સમજાઈ ગયું હશે. ચામડી જ્યારે પોલા ઢોલ પર ચડાવો તો વાગે પણ એ જ ચામડી અંગ પર હોય તો ન વાગે. તો ગુજરાત ઘોંઘાટિયા ભક્તોની ખાણ છે.

તો ૧૯૮૧માં ગુજરાતમાં અનામતની જોગવાઈના વિરોધમાં આંદોલન કરનારા અને એનું નેતૃત્વ કરનારા એ લોકો હતા જે અત્યારે ૩૮ વરસ પછી એ જ અનામત પામનારા અને આપનારા બની ગયા છે. રાજકારણ આવું સંકુલ હોય છે જે ભક્તોને સમજાતું નથી અને તેમની નહીં સમજી શકવાની શક્તિ જ તેમનો ખપ હોય છે.

ગુજરાતમાં અનામતની જોગવાઈ વિરુદ્ધનું અને એ સાથે જ માટેનું બીજું આંદોલન ૧૯૮૫માં થયું હતું. આ વાક્યમાં તમને વિસંગતિ નજરે પડી હશે. અનામતની વિરુદ્ધનું અને એ સાથે જ માટેનું આંદોલન એક જ સમયે એક જ રાજ્યમાં એકસાથે કેવી રીતે હોઈ શકે? આ તો ખૂબી છે ભારતીય સમાજની અને સમાજ પર આધારિત રાજકારણની.

બન્યું એવું કે ૧૯૭૮માં જનતા પાર્ટીની સરકારે સામાજિક રીતે પછાતવર્ગોના વિકાસ માટેના ઉપાયો સૂચવવા એક કમિશનની રચના કરી હતી જે વિખ્યાત કે કુખ્યાત મંડલ પંચ તરીકે ઓળખાય છે. ૧૯૮૦માં મંડલ પંચે એનો અહેવાલ આપ્યો હતો જે ઇન્દિરા ગાંધીની સરકારે અભેરાઈ પર ચડાવી દીધો હતો. એના બે દાયકા પહેલાં ઇન્દિરા ગાંધીના પિતા જવાહરલાલ નેહરુએ આવો જ પછાતવર્ગોના વિકાસ માટે ઉપાયો સૂચવનારો કાકા કાલેલકર પંચનો અહેવાલ ફગાવી દીધો હતો. બે દાયકામાં ભારતના સમાજકારણમાં આટલો ફરક પડ્યો હતો. નેહરુયુગમાં આખો દેશ કૉંગ્રેસની સાથે હતો એટલે નેહરુ કાલેલકર અહેવાલને ફગાવી શક્યા હતા, જ્યારે ઇન્દિરા ગાંધી મંડલ પંચનો અહેવાલ ફગાવી શકે એમ નહોતાં એટલે અભેરાઈ પર ચડાવ્યો હતો.

૧૯૮૫ સુધીમાં બહુજન સમાજમાં જાગૃતિ આવી ચૂકી હતી. એને એની સંખ્યાની તાકાત સમજાઈ ગઈ હતી. એને એ પણ જાણ હતી કે મંડલ પંચની ભલામણો શું છે અને ભારતની કઈ-કઈ કોમનો અનામત માટેની સંભવિત જોગવાઈની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં જ્યારે આંદોલન થયું ત્યારે મેરિટ બચાઓ દેશ બચાઓવાળા સવર્ણો એમાં કૂદી પડ્યા હતા. જેમનો મંડલ પંચની યાદીમાં સમાવેશ થતો હતો તેઓ દરેક પછાત કોમને સામાજિક ન્યાય મળવો જ જોઈએ એમ કહીને આંદોલનમાં કૂદ્યા હતા. જે બ્રાહ્મણ અને વાણિયા નહોતા એવા પટેલિયાઓને વિમાસણ થઈ હતી કે બ્રાહ્મણો સાથે સવર્ણોની પંક્તિમાં બેસીને પોરસાવું કે પછી હમ ભી પછાત કહીને મંડલની યાદીમાં સમાવેશ પામવા આંદોલન કરવું? જે પોરસાતા હતા એવા લોકો મેરિટ બચાઓ દેશ બચાઓવાળા હતા અને જેમને એમ લાગતું હતું કે બ્રાહ્મણની બાજુમાં બેસીને પણ બ્રાહ્મણ તો બની શકાય એમ નથી તો પછી વાસ્તવિકતા સ્વીકારીને હમ ભી પછાત કહીને લાભ શું કામ ન લેવા?

આમ બ્રાહ્મણની નીચેની, પણ તરતના સામાજિક થરની પ્રજા આંદોલનમાં બન્ïને દિશામાં સક્રિય હતી. એ એવું આંદોલન હતું જેમાં મેરિટ બચાઓ દેશ બચાઓવાળા પણ હતા, હમ ભી પછાતવાળા પણ હતા અને એક કોમના બન્ïને બાજુ વહેંચાયેલા પણ હતા. સમુદ્રમંથનમાંથી કાંઈક તો નીકળશે જ પછી જોઈએ આપણા હાથમાં કેટલું અમૃત આવે છે. જો હાથમાં આવે તો આપણે દેવ, ન આવે તો પણ આપણે જ દેવ અને સામેવાળા લઈ જાય કે રહી જાય, પણ દાનવ. હિસાબ બહુ ઉઘાડો હતો એટલે દરેક સમુદ્રમંથનમાં લાગ્યા હતા.
આ વખતે ભારતીય જનતા પક્ષ પડદા પાછળ રહીને સક્રિય હતો. મેરિટ બચાઓ દેશ બચાઓવાળાઓને લાગતું હતું કે ભાજપવાળાઓ આપણી સાથે છે. હમ ભી પછાતવાળાઓને લાગવું જોઈએ કે ભાજપવાળાઓ આપણી સાથે છે. વહેંચાયેલાઓમાંથી કોઈ સવર્ણ તરીકે પોરસાનારો મળે તો કહેશે કે આપણે થોડા તેલી-તંબોળી વસવાયા છીએ અને બ્રાહ્મણો સામે થોડો અણગમો પ્રગટ કરનારો મળે તો કહેશે, હા, સામાજિક ન્યાય તો મળવો જ જોઈએ. ગ્થ્ભ્ના નેતાઓને જાણ હતી કે સમુદ્રમંથનમાંથી જે નીકળવું હોય એ નીકળે, જેના ભાગે જવું હોય ત્યાં જાય; એક વાત નક્કી છે કે આને કારણે ભારતનું સામાજિક પોત બદલાશે જે કૉંગ્રેસને રાજકીય નુકસાન પહોંચાડશે. આમાં કોઈ સ્પક્ટ ભૂમિકા નહીં લેવામાં ફાયદો છે. ૧૯૮૧માં ભાજપવાળાઓ મેરિટ બચાઓ દેશ બચાઓવાળા હતા. ૧૯૮૫માં ગંગા ગએ ગંગાદાસ જમુના ગએ જમનાદાસ હતા અને હવે બ્રાહ્મણો પણ પછાતના બીજા અંતિમે ગયા છે.

ફરી એક વાર શા માટે ગુજરાત? એનાં ત્રણ કારણો હતાં. એક તો એ કે ગુજરાત ભગત સિંહોની પીઠ થાબડનારા દેશભક્તોની ભૂમિ છે એટલે ઘોંઘાટ પેદા કરવો આસાન છે. બીજું કારણ એ કે સામાજિક ન્યાયના નામે બહુજન સમાજનું રાજકારણ કરનારા સમાજવાદીઓનો ગુજરાતમાં અભાવ છે. ત્રીજું કારણ એ કે ભારતનાં તમામ રાજ્યોની તુલનામાં મિડલ ક્લાસની સંખ્યા (કદ) તેમ જ શહેરીકરણની ઝડપ ગુજરાતમાં વધુ હતાં અને છે. નવો આકાર પામેલો શહેરી અને અર્ધશહેરી મિડલ ક્લાસ ૧૯૫૦ના દાયકાની તુલનામાં જુદી રીતે વિચારતો થયો છે અને જુદી એષણા ધરાવે છે. ૧૯૭૪ના નવનર્મિાણ આંદોલન વખતે આ બધાં લક્ષણો જોવા મળ્યાં હતાં. આજે જેવું ગુજરાત છે એવું કાલે ભારત બનવાનું છે. અને બન્યું પણ એમ જ. ભગત સિંહોની પીઠ થપથપાવનારો મિડલ ક્લાસ હવે ભારતમાં પેદા થઈ ચૂક્યો છે એટલે રાષ્ટ્રવાદનું અને દેશભક્તિનું રાજકારણ કરનારાઓને ઘી-કેળાં છે. ટૂંકમાં ૧૯૮૦ના મધ્યમાં ભાજપને સમજાઈ ગયું હતું કે ગુજરાતમાં મૂળ ઘાલવાની ઉજ્જ્વળ તકો છે.

શા માટે જવાહરલાલ નેહરુએ કાલેલકર પંચનો અહેવાલ ફગાવી દીધો હતો અને શા માટે ઇન્દિરા ગાંધીએ મંડલ પંચનો અહેવાલ અભેરાઈએ ચડાવી દીધો હતો એ શાસન કેમ કરાય એ સમજવા માટેનો અગત્યનો મુદ્દો છે. એક વાક્યમાં કહીએ તો તેમને એટલી સમજ હતી કે દેશની પ્રજાને રમાડાય, બધાડાય નહીં. (ઇન્દિરા ગાંધીએ પંજાબમાં સિખોને બધાડવાનો પ્રયાસ કર્યો અને પ્રાણ ગુમાવ્યા) મંડલ પંચની ભલામણોમાં આવી શક્યતા હતી જે હવે સાચી ઠરી છે.

બીજું, બંધારણમાં દલિતો માટે શેડ્યુલ કાસ્ટ શબ્દ વાપરવામાં આવ્યો છે, આદિવાસીઓ માટે શેડ્યુલ ટ્રાઇબ શબ્દ વાપરવામાં આવ્યો છે અને અન્ય પછાત કોમ માટે અધર બેકવર્ડ ક્લાસ (ક્લાસ, કાસ્ટ નહીં) શબ્દ વાપરવામાં આવ્યો છે એની પાછળનું શું તાત્પર્ય? વળી આ ત્રણેય પ્રકારના પછાતપણાની આગાળ ચોખ્ખી ભાષામાં સામાજિક (સોશ્યલ) શબ્દ વાપરવામાં આવ્યો છે. કોઈ જગ્યાએ આર્થિક કે બીજા કોઈ વિશેષણનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. એક માટે કાસ્ટ, બીજા માટે ટ્રાઇબ, ત્રીજા માટે ક્લાસ અને દરેક માટે સામાજિક એ લાંબું વિચારીને સભાનતાપૂવર્‍ક વાપરવામાં આવેલા શબ્દો છે કે પછી અનાવધાને પેદા થયેલી વિસંગતિ છે એ પણ સમજવા જેવું છે.

આ વિશે આગળ લખવાનો ઇરાદો છે. ઇન્શાલ્લાહ!

Whatsapp-channel Whatsapp-channel

13 January, 2019 10:17 AM IST | | Ramesh Oza

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK