Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સફળની ઠેકડી અને નિષ્ફળનાં ઓવારણાં: પુલવામામાં ગોધરા આકાર લઈ રહ્યું છે

સફળની ઠેકડી અને નિષ્ફળનાં ઓવારણાં: પુલવામામાં ગોધરા આકાર લઈ રહ્યું છે

22 February, 2019 12:21 PM IST |
રમેશ ઓઝા

સફળની ઠેકડી અને નિષ્ફળનાં ઓવારણાં: પુલવામામાં ગોધરા આકાર લઈ રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કારણ-તારણ 

કાશ્મીરમાં ત્રાસવાદી હુમલામાં ૪૦ કરતાં વધુ જવાનોની હત્યા કરવામાં આવે ત્યારે દેશમાં પ્રજામાનસમાં રોષ પ્રગટ કરે એ સ્વાભાવિક છે. આવું ભૂતકાળમાં પણ બન્યું છે. પણ જે અત્યાર સુધી જોવા નથી મળી એવી બે વાત નવી જોવા મળી રહી છે.



પહેલી વાત એ કે જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન હાથ ધરવામાં સાવ નિષ્ફળ નીવડેલી સરકારની ટીકા કરવાની જગ્યાએ વડા પ્રધાનનો દેશપ્રેમ અને રાષ્ટ્રવાદને નામે બચાવ કરવામાં આવે છે. જેમણે કહેવાતા ભડવીર કરતાં પ્રમાણમાં સારી રીતે કાશ્મીરનો પ્રશ્ન હાથ ધર્યો હતો તેમને નમાલા તરીકે ઓળખાવવામાં આવતા હતા, બંગડીઓ મોકલવાની વાત કરવામાં આવતી હતી, બિરયાની ખવડાવનારા તરીકે ઠેકડી ઉડાડવામાં આવતી હતી. બીજી બાજુ પાકિસ્તાન તેમ જ ત્રાસવાદીઓ સાથે આંખ સામે આંખ કાઢવાની અને તેઓ સમજી શકે એવી તેમની જ ભાષામાં જવાબ આપવાની વાત કરવામાં આવતી હતી.


એક નજર આંકડાઓ પર કરી જુઓ: પાંચમી ફેબ્રુઆરીએ ભારત સરકારે જે આંકડાઓ સંસદમાં રજૂ કર્યા છે એ મુજબ છેલ્લાં પાંચ વરસમાં કાશ્મીરમાં થઈ રહેલી ત્રાસવાદી ઘટનાઓમાં ૧૭૧ ટકાનો (આઇ રિપીટ ૧૭૧ ટકાનો) વધારો થયો છે. આનો અર્થ એ થયો કે દુર્બળ અને મૂંગા સરદારના વખતમાં જેટલા હુમલા થતા હતા એના કરતાં ભડવીરોના શાસનમાં ત્રાસવાદીઓ વધારે હુમલા કરી રહ્યા છે. છેલ્લાં પાંચ વરસ દરમ્યાન દર મહિને ૨૮ ત્રાસવાદી હુમલાઓ નોંધાયા છે અને પાંચ વરસનો કુલ આંકડો ૧૭૦૮ હુમલાઓનો છે. ૨૦૧૪માં ૨૨૨ હુમલાઓ થયા હતા અને ૨૦૧૮માં ૬૧૪. ૨૦૧૮માં તો ત્રાસવાદી હુમલાઓની મહિનાની સરેરાશ ૫૧ની છે. જી હા, મહિને ૫૧ એટલે કે રોજના લગભગ બે. આ સરકારી આંકડા છે એ યાદ રાખજો. આવડત અને બહાદુરી એમ બન્ને મોરચે ભોપાળું.

કેન્દ્રનું ગૃહખાતું કબૂલે છે કે નિર્બળ સરદારના વખતમાં જેટલા સુરક્ષા જવાનો દેશની રક્ષા કરતાં શહીદ થયા હતા એમાં છેલ્લાં પાંચ વરસમાં ૯૩ ટકાનો વધારો થયો છે. ત્રાસવાદી હુમલાઓમાં નાગરિકોનાં થયેલાં મૃત્યુમાં ૩૫.૭૧ ટકાનો વધારો થયો છે અને ત્રાસવાદીઓની હત્યામાં ૧૩૩.૬૩ ટકાનો વધારો થયો છે. અને ત્રાસવાદીઓની ઘૂસપેઠ? કેન્દ્રના ગૃહ પ્રધાને લોકસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં હજી પખવાડિયા પહેલાં કહ્યું હતું કે એમાં પણ ખાસ્સો મોટો વધારો થયો છે. છેલ્લાં પાંચ વરસ દરમ્યાન દર મહિને સરેરાશ ૧૧ ઘૂસપેઠિયાઓ જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસ્યા છે અને ગયા વરસે જૂન મહિનામાં તો ૩૮ ત્રાસવાદીઓ કાશ્મીરમાં પ્રવેશ્યા હતા.


જેણે પૂરી ઈમાનદારીથી અને શક્ય એટલી દક્ષતાથી ઘર સાચવ્યું હતું તેની ઠેકડી ઉડાડવામાં આવતી હતી અને નિંદા કરવામાં આવતી હતી અને જેણે ઘર ફૂંકી માર્યું તેનાં ઓવારણાં લેવામાં આવી રહ્યાં છે. આવું જગતમાં પહેલી વાર જોવા મળી રહ્યું છે.

બીજી નવી વાત એ જોવા મળી રહી છે કે વડા પ્રધાને દેશની પ્રજાને સંયમ અને સબૂરી જાળવવાની સલાહ સુધ્ધાં આપી નથી. દેશમાં જ્યારે પણ મોટી ત્રાસવાદી ઘટનાઓ બની છે ત્યારે વડા પ્રધાને શાંતિ અને સંયમ જાળવવાની સલાહ આપી છે. સરકાર શું વિચારી રહી છે એ વિશે દેશને વિશ્વાસમાં લીધો છે. આપણને તો એવા વડા પ્રધાન મળ્યા છે જેમની પાસે કોઈ અભિનેત્રીને મળવા માટે સમય છે, કોઈ ક્રિકેટર સદી કરે તો ટ્વીટ કરવા માટે સમય છે; પરંતુ આવી સંકટની ઘડીએ દેશની પ્રજાનું માર્ગદર્શન કરવાનો સમય નથી.

આ બધું જાણીબૂજીને કરવામાં આવી રહ્યું છે. ૨૦૦૨માં ગોધરાનો જે રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો એ રીતે પુલવામાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દેશમાં ઢોંગી માતમ પેદા કરવામાં આવ્યો છે. ભાડૂતી દેશપ્રેમીઓ રુદાલીઓ બનીને શેરીએ-શેરીએ છાતી કૂટી રહ્યા છે. કેટલાક લોકો ઉશ્કેરાટ પેદા કરનારાં નિવેદનો કરી રહ્યા છે. ગોદી ચૅનલોના ઍન્કરો જાણે પોતે મોરચે જવાના હોય એ રીતે યુદ્ધનું વાતાવરણ પેદા કરી રહી છે. દેશભરમાં કાશ્મીરીઓને સતાવવામાં આવી રહ્યા છે. કાશ્મીરનો બહિષ્કાર કરવાની વાતો થઈ રહી છે. મેઘાલયના ગવર્નર તથાગત રૉયે કાશ્મીર, કાશ્મીરીઓ અને કાશ્મીરી ચીજોનો બહિષ્કાર કરવાનું કહ્યું છે. રાજ્યપાલને એટલું પણ ભાન નથી કે તેઓ બંધારણીય હોદ્દો ધરાવે છે.

આમ છતાંય દેશપ્રેમી ભડવીર ચૂપ છે. ગોધરા, ૨૦૦૨નું ગોધરા આકાર લઈ રહ્યું છે. આ દેશપ્રેમ નથી. દેશની અંદર કોમી ધ્રુવીકરણ કરીને જવાનોની શહીદીનો રાજકીય સોદો કરવામાં આવી રહ્યો છે કે જેથી લોકસભાની ચૂંટણી જીતી શકાય. હા, થોડા સમય પછી નરેન્દ્ર મોદીનાં પાછાં બે નિવેદનો સાંભળવા મળશે. એક, ક્રિયા પ્રતિક્રિયા પેદા કરે છે એવો વિજ્ઞાનનો નિયમ છે. બીજું, નિવેદન એવું કરવામાં આવશે કે કાર નીચે ગલૂડિયું ચગદાઈ જાય ત્યારે પણ દુ:ખ તો અનુભવાતું જ હોય છે. સત્તાના વાહન નીચે ગલૂડિયાં ચગદાઈ જાય ત્યારે ગ્લાનિ તો થાય, પણ શું કરીએ? એનું નસીબ.

આ પણ વાંચો : યાદ રહે, તમારો એકેક શબ્દ દેશનું ભવિષ્ય નક્કી કરશે

કાશ્મીરીઓને દેશના દુશ્મન તરીકે ખપાવવાની હિચકારી પ્રવૃત્તિ જોઈને નિવૃત્ત લશ્કરી વડા જનરલ મલિકે ઉશ્કેરાઈને કહ્યું છે કે આ ખતરનાક ખેલ છે. કોઈ યુદ્ધ સ્થાનિક લોકોના સહયોગ વિના જીતી શકાતું નથી. કાશ્મીરમાં જે જવાનો ફરજ બજાવી રહ્યા છે તેમને સ્થાનિક લોકોની ગુડવિલની જરૂર છે. પણ ફરક કોને પડે છે? મેં તો આ કૉલમમાં સેંકડો વાર લખ્યું છે કે કાશ્મીરનો બાકીના ભારતમાં ચૂંટણી જીતવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ડૉ. મનમોહન સિંહે આવી નીતિ નહોતી અપનાવી એટલે ઓછા લોકો મર્યા હતા અને પ્રમાણમાં શાંતિ હતી. આવો હોય દેશપ્રેમ?

Whatsapp-channel Whatsapp-channel

22 February, 2019 12:21 PM IST | | રમેશ ઓઝા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK