ઘાટકોપરના બીજેપીના કાર્યકરો મોદીને હવે દિલ્હીમાં જોવા ઇચ્છે છે

Published: 26th December, 2012 07:00 IST

ગુજરાતની વિધાનસભામાં બીજેપીએ જીતની હૅટ-ટ્રિક કર્યા પછી અમદાવાદમાં નરેન્દ્ર મોદીએ વિક્ટરી-સ્પીચમાં કહ્યું હતું કે ‘મારે ગુજરાતને ખૂબ આગળ લઈ જવું છે.

જનતાનો વિશ્વાસ અને શાસકનો આત્મવિશ્વાસ આવનારાં પાંચ વર્ષ આપત્તિમુક્ત વિકાસને નમૂનેદાર બનાવશે. આ વિકાસ જનકલ્યાણ માટે કરવાનો છે. આ માટે આવનારાં પાંચ વર્ષ પૂરેપૂરાં ગુજરાતની જનતાની સેવામાં સમર્પિત કરવાનો છું.’

નરેન્દ્ર મોદી કશેય તેમના પ્રવચનમાં કે મિડિયા સાથેની મુલાકાતમાં એવો કોઈ જ ઇશારો આપતા નથી કે તેઓ ગુજરાત છોડીને દિલ્હી જવા ઉત્સુક છે કે પછી વડાપ્રધાનપદ ગ્રહણ કરવા માગે છે. આમ છતાં ઘાટકોપરના તેમના ચાહકોએ ઘાટકોપરમાં ઠેર-ઠેર લગાડેલાં તેમને અભિનંદન આપતાં હૉર્ડિંગમાં તેમને હવે ચલો દિલ્હી... કહીને તેમને દિલ્હી જવાનો અનુરોધ કર્યો છે.

આની અગાઉની ગુજરાતની વિધાનસભાની બે ચૂંટણીમાં પણ પ્રકાશ મહેતા સહિત અનેક કાર્યકરોએ નરેન્દ્ર મોદીની જીત માટે ગુજરાતમાં તેમના તંબુ તાણ્યા હતા. નરેન્દ્ર મોદી પહેલી વાર ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા એ દિવસથી જ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની ગુજરાતની જેમ દેશનો પણ વિકાસ કરે એવા અહીંના બીજેપીના કાર્યકરોના મનોરથ છે. એમાં તેમની જીતની હૅટ-ટ્રિક થતાં નરેન્દ્ર મોદીએ હવે દિલ્હી જવું જોઈએ એવું અહીંના બીજેપીના કાર્યકરો દૃઢપણે ઇચ્છે છે. આ બાબતની તેઓએ ઘાટકોપરમાં ઠેર-ઠેર હૉર્ડિંગ લગાડીને જાહેરાત કરી દીધી છે, પણ કોઈ પણ કારણસર મિડ-ડે LOCAL સાથે લાંબી વાત કરવા તેઓ તૈયાર નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK