આખરે ઐતિહાસિક GST ખરડો પસાર થયો

Published: Aug 04, 2016, 03:34 IST

રાજ્યસભામાં ગજબનો સંપ જોવા મળ્યો : ૭ કલાકની લાંબી ચર્ચા બાદ સફળતા દેશના સૌથી મોટા આર્થિક સુધારાના અમલનો માર્ગ થયો મોકળોદેશને સ્વાતંત્ર્ય મળ્યું એ પછીના સૌથી મોટા કરસુધારામાં રાજ્યસભાએ GST ખરડાને ગઈ કાલે મંજૂરી આપી દીધી હતી. આ ખરડો કાયદો બન્યા બાદ રાજ્યોના સંખ્યાબંધ કર અને લોકલ ટૅક્સને સ્થાને દેશભરમાં એકસમાન કરનીતિના અમલ સાથે દેશને સૌથી મોટું સિંગલ માર્કેટ બનાવશે. કેન્દ્ર સરકારને એક્સાઇઝ જેવા કર લાદવાની અને રાજ્યોને રીટેલ સેલ્સ ટૅક્સ વસૂલવાની સત્તા આપતા ૬૬ વર્ષ જૂના બંધારણમાં આ ૧૨૨મા કૉન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ વડે સુધારો કરવામાં આવશે.

સહકારી સમવાય તંત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ

મુખ્ય વિરોધ પક્ષ કૉન્ગ્રેસ અને મોટા ભાગના અન્ય પક્ષોના ટેકાને પગલે ઐતિહાસિક GST ખરડો પસાર થયા બાદ પ્રતિભાવ આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે GST પણ સહકારી સમવાયી તંત્રવ્યવસ્થાનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ બનશે અને આપણે બધા સાથે મળીને ભારતને વિકાસના એક નવા શિખર પર લઈ જઈશું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ GST ખરડો રાજ્યસભામાં પસાર થયો એને ઐતિહાસિક ઘટના ગણાવી હતી અને તમામ રાજકીય પક્ષોનો આભાર માન્યો હતો. ઉદ્યોગજગતે પણ ખરડો પસાર થયાના સમાચારને વધાવ્યા હતા. કેન્દ્રીય મહેસૂલ સચિવે જણાવ્યું હતું કે GSTના અમલનો રોડમૅપ આજે જાહેર કરવામાં આવશે. સાત કલાક ચાલી ચર્ચા ઉપલા ગૃહમાં સાત કલાક સુધી ચાલેલી ચર્ચા પછી બંધારણીય (૧૨૨મો સુધારો) ખરડા-૨૦૧૪ની તરફેણમાં ૨૦૩ મત પડ્યા હતા અને વિરોધમાં એકેય મત પડ્યો નહોતો. આ ચર્ચા દરમ્યાન શાસક અને વિરોધ પક્ષો વચ્ચે અભૂતપૂર્વ સૌજન્ય જોવા મળ્યું હતું. વધારાના એક ટકા કરને પડતો મૂકવા સહિતના સરકારે રજૂ કરેલા છ સત્તાવાર સુધારાઓને સો ટકા મત વડે મંજૂરી આપવામાં આવી હતી.

શક્ય એટલો નીચો દર

નવા ટૅક્સનો દર અને એના વ્યાપની નક્કર વ્યાખ્યા થવાની બાકી છે ત્યારે રાજ્યસભામાં ચર્ચા દરમ્યાન મોટા ભાગના પક્ષોએ GSTનો મહત્તમ દર ૧૮ ટકા રાખવાની બંધારણીય મર્યાદાનો આગ્રહ કર્યો હતો. આ બાબતે કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે ‘GSTનો દર શક્ય એટલો નીચો રાખવા અમે પ્રામાણિકતાપૂર્વક તમામ પ્રયાસ કરીશું. એ દર ૧૭થી ૧૯ ટકાની વચ્ચે રહે એવા પ્રયાસ કરવામાં આવશે. GSTનો દર કેન્દ્રીય નાણાપ્રધાન તેમ જ ૨૯ રાજ્યોના પ્રતિનિધિઓની બનેલી GST કાઉન્સિલ આગામી મહિનાઓમાં નક્કી કરશે.’


દર માટે પણ મંજૂરી મેળવો

GSTના દરને પણ સંસદનાં બન્ને ગૃહની મંજૂરી મળવી જોઈએ એવા ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમના વડપણ હેઠળના કૉન્ગ્રેસના સિનિયર નેતાઓના આગ્રહને નાના પક્ષોનો ટેકો મળ્યો હતો.

વિધાનસભાઓની મંજૂરી જરૂરી


લોકસભામાં આ ખરડો અગાઉ પસાર થઈ ચૂક્યો છે. રાજ્યસભાએ જે સુધારાઓને મંજૂરી આપી છે એના પર મંજૂરીની મહોર મેળવવા માટે આ ખરડો હવે ફરીથી નીચલા ગૃહમાં રજૂ કરવામાં આવશે. તમામ રાજ્યોની વિધાનસભાઓ પૈકીની પચાસ ટકાની મંજૂરી પણ આ ખરડાને મળે એ જરૂરી છે.

ખરડામાં છ સુધારા

છેલ્લાં બે વર્ષથી કૉન્ગ્રેસ આ ખરડો પસાર થવાના માર્ગમાં અવરોધ સર્જતી રહી હતી, પણ એક ટકો મૅન્યુફૅક્ચરિંગ ટૅક્સ પડતો મૂકવા અને રાજ્યોને થનારા મહેસૂલી નુકસાનનું વળતર પાંચ વર્ષ સુધી આપવા સહિતના છ સુધારા કેન્દ્ર સરકારે ખરડામાં કર્યા એ પછી કૉન્ગ્રેસ એને ટેકો આપવા તૈયાર થઈ હતી.

AIADMKએ જ કર્યો વિરોધ

આ ખરડાનો એકમાત્ર AIADMKએ જ વિરોધ કર્યો હતો અને સેન્ટ્રલ એક્સાઇઝ તથા સ્ટેટ વૅલ્યુ ઍડેડ ટૅક્સ તેમ જ સેલ્સ ટૅક્સ સહિતના તમામ અપરોક્ષ કરને એક છત્ર તળે લાવતી એકસમાન GST નીતિના અમલનો મારગ મોકળો કરતા આ ખરડા પરત્વે પોતાની નારાજગી જાહેર કરવા AIADMKના સભ્યો ગૃહમાંથી વૉકઆઉટ કરી ગયા હતા.

દાયકા પહેલાં રજૂ થયેલી દરખાસ્ત

GSTની સૌપ્રથમ દરખાસ્ત એક દાયકા પહેલાં રજૂ કરવામાં આવી હતી. આ ખરડાને ભારતીય અર્થતંત્રની કાયાપલટ કરવા માટે ક્ષમતાવાન ગણવામાં આવે છે. GSTના અમલને પગલે દેશના કુલ ઘરેલુ ઉત્પાદનમાં બે પર્સન્ટેજ પૉઇન્ટનો વધારો થશે, બિઝનેસ કરવાનું વાતાવરણ સરળ બનશે તેમ જ મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રે રોકાણને પ્રોત્સાહન મળશે. એકસમાન કરનીતિના અમલથી સરકારની મહેસૂલી આવકમાં પણ વધારો થશે. આ ઉપરાંત એ ૧.૩ અબજ રૂપિયાના માર્કેટમાં ગુડ્સની મૂવમેન્ટ એકદમ આસાન બનાવશે. GST નીતિ અંતર્ગત કન્ઝમ્પ્શનના સ્તરે જ કર વસૂલવામાં આવશે.

શું મોંઘું થશે, શું સસ્તું થશે

દેશમાં GST લાગુ થતાં ચીજવસ્તુઓનું ઉત્પાદન સસ્તું થશે એટલે એ ઉત્પાદિત વસ્તુઓ સસ્તી થશે જ્યારે સર્વિસિસ મોંઘી થશે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ કાર, ટૂ-વ્હીલર્સ અને લ્શ્સ્, કારની બૅટરી, રંગ, સિમેન્ટ, ફિલ્મની ટિકટો અને ઇલેક્ટ્રૉનિક આઇટમો જેવી કે ફૅન, લાઇટો, વૉટર-હીટર્સ, ઍર-કૂલર્સ સસ્તાં થશે. બીજી તરફ સિગારેટ, મોબાઇલ ફોન, ટેક્સટાઇલ્સ અને બ્રૅન્ડેડ જ્વેલરી મોંઘી થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK