Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સિટિઝન કાયદા સામે બિહારમાં બબાલ : યુપીમાં 10,000 સામે કરાઇ ફરિયાદ

સિટિઝન કાયદા સામે બિહારમાં બબાલ : યુપીમાં 10,000 સામે કરાઇ ફરિયાદ

22 December, 2019 12:33 PM IST | Patna

સિટિઝન કાયદા સામે બિહારમાં બબાલ : યુપીમાં 10,000 સામે કરાઇ ફરિયાદ

નાગરિકતા કાયદાની વિરોધમાં પટનામાં આરજેડીની રૅલી દરમ્યાન ગઈ કાલે ટાયર સળગાવીને રોડના ટ્રાફિકને અવરોધ્યો હતો. (PC: PTI)

નાગરિકતા કાયદાની વિરોધમાં પટનામાં આરજેડીની રૅલી દરમ્યાન ગઈ કાલે ટાયર સળગાવીને રોડના ટ્રાફિકને અવરોધ્યો હતો. (PC: PTI)


(જી.એન.એસ.) સંશોધિત નાગરિકતા કાયદો-સીએએ-ના વિરોધમાં પૂર્વોત્તરનાં રાજ્યો, દિલ્હી-કર્ણાટક, ગુજરાત અને યુપી સહિત હવે બિહારમાં તેના ઘેરા પડઘા આજે બિહાર બંધ દરમ્યાન જોવા મળ્યા હતા. બિહારમાં નાગરિકતા કાયદાનો અમલ નહીં કરવાની મુખ્ય પ્રધાન નીતિશકુમારની જાહેરાત છતાં જેલવાસી નેતા લાલુ યાદવના પક્ષ આરજેડી દ્વારા આજે ૨૧મીએ શનિવારે આપેલા બંધના એલાન વખતે રાજ્યભરમાં પટણા સહિત અનેક શહેરોમાં ચક્કાજામ અને રેલ રોકોના કાર્યક્રમોને કારણે રેલવ્યવહાર અને હાઇવે વ્યવહાર ખોરવાયો હતો.

કલમ 144 હેઠળ પ્રતિબંધ જાહેર કરાયો હોવા છતાં આરજેડીના કેટલાક કાર્યકરોએ હાઇવે પર દૂધાળા પશુઓ સાથે દેખાવો કરતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. વિરોધ દરમ્યાન વાહનોને તોડફોડ, રસ્તાઓ પર અવરોધ માટે ટાયરો સળગાવવા, સૂત્રોચ્ચાર કરવાના સંખ્યાબંધ બનાવો ઠેર ઠેર જોવા મળ્યા હતા. આરજેડીના નેતા અને લાલુના પુત્ર તેજસ્વી યાદવ પોતે કાર્યકરોની સાથે સડકો પર ઊતર્યા હતા અને સીએમ નીતિશકુમારને નિશાન બનાવીને રાજકીય આકરા પ્રહાર કર્યા હતા. પોલીસે કાયદો વ્યવસ્થા જાળવવા ટિયર ગૅસ અને લાઠીનો ઉપયોગ કર્યો હતો.

તો બીજી તરફ બિહારના પડોશી રાજ્ય યુપીમાં નાગરિક્તા કાયદાના વિરોધમાં લખનઉ-સંભલ અને અન્યત્ર ફાટી નીકળેલા તોફાનોમાં મરનારાઓની સંખ્યા ૧૫ ઉપર પહોંચતા યોગી સરકાર પણ ચોંકી ઊઠી હતી અને હિંસા આચરનારાઓને ઓળખી કાઢીને તેમની પાસેથી સરકારી માલ- મિલક્તોને નુકસાન પહોંચાડવા બદલ વસૂલાત માટેની નોટિસો પણ મોકલતા વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારાઓમાં ફફડાટ વ્યાપ્યો હતો. કોઈ સરકાર દ્વારા ભરાયેલું આ પ્રકારની વસૂલાતનું પગલું સૌ પ્રથમ મનાઈ રહ્યું છે. લગભગ ૧૦ હજાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે અને ૬૦૦થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત તોફાનોમાં ૨૬૩ પોલીસકર્મીઓને ઇજા પહોંચી હોવાના પણ અહેવાલ છે.

નાગરિકતાના કાયદાને લઈને આજે બિહાર તેમ જ તમિલનાડુ અને કેરળમાં વિરોધ જોવા મળ્યો હતો. રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી બિહારમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

Protest in Bihar

બંધની અસર આજે સવારથી જ દેખાવા માંડી હતી અને પક્ષના નેતા તેજસ્વી સહિત સંખ્યાબંધ નેતાઓ જાહેર સડક પર ઊતર્યા હતા અને દેખાવો તથા ધરણા પ્રદર્શનના કાર્યક્રમોમાં ભાગ લઈને વિરોધ નોંધાવ્યો હતો. મહાગઠબંધન પક્ષના સાથીઓ અને ડાબેરી પક્ષોએ પણ આરજેડીના બંધને ટેકો આપ્યો હતો. બંધ દરમ્યાન ગડબડી થવાના ભયને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તેને પહોંચી વળવા માટેની સંપૂર્ણ તૈયારીઓ પણ કરવામાં આવી હતી.

રાજ્યભરમાં આરજેડી નેતાઓ અને કાર્યકરો આજે રસ્તાઓ પર ઊતરીને સીએએનો વિરોધ કરી રહ્યા હતા. કાર્યકરોએ જહાનાબાદ દરભંગા, વૈશાલી સહિતના અનેક જિલ્લાઓમાં દેખાવો કર્યા હતા. વૈશાલીમાં, આરજેડી કાર્યકર્તાઓએ બિહાર બંધ સાથે મુખ્ય રસ્તા પર ડઝનેક દુધાળા પશુ ભેંસો સાથે એનએચ ૨૨ પરના વાહનવ્યવહારને અવરોધવાનો પ્રયાસ કર્યો હતો. તે સાથે જ પટનામાં વિકાસ ઇન્સાન પાર્ટીના કાર્યકરોએ વિરોધ દરમ્યાન તોડફોડ કરી હતી. વીઆઈપી કાર્યકરોએ આડશ તોડીને હંગામો મચાવ્યો હતો.

જામિયા યુનિવર્સિટી બહાર વિદ્યાર્થીઓનો વિરોધ
દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી બહાર નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરવા માટે વધુ એક વખત વિદ્યાર્થીઓ એકત્ર થયા છે. એક સપ્તાહ પૂર્વે ગત રવિવારે જામિયામાં કેમ્પસમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ત્યારબાદ દેશભરમાં તેના ઉગ્ર પડઘા પડ્યા છે. દેશમાં ઠેર ઠેર સીએએનો વિરોધ જોવા મળી રહ્યો છે. લખનઉ, મેરઠ, બિહાર, ગુજરાત સહિત તમામ રાજ્યોમાં નાગરિકતા કાયદો પરત ખેંચવાની માગ સાથે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે. બિહાર બંધના એલાન દરમ્યાન પટનામાં ગઈ કાલે વિકાસશીલ ઇન્શાન પાર્ટીના કાર્યકરો રેલવે-ટ્રૅક પર પહોંચી ગયા હતા. તસવીર : પી.ટી.આઇ.


Whatsapp-channel Whatsapp-channel

22 December, 2019 12:33 PM IST | Patna

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK