દર્શકો સુધી સારી કૃતિ પહોંચાડી છે, પહોંચાડતો રહીશ એનું પ્રૉમિસ પણ

Published: Dec 06, 2019, 13:54 IST | Jamnadas Majethia | Mumbai

જે સિરિયલ બંધ થવાની અફવા ચાલે, અટકાવી દેવાની વાતો થાય એ સિરિયલને માત્ર દર્શક જ ટૉપ પર ફરી પહોંચાડી શકે

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

આમ તો મારો આજનો લેખ એક વિખ્યાત નાટ્યકાર વિશે હતો, પણ વચ્ચે એક વળાંક લઉં છું. હું ગઈ કાલે જ મથુરાથી પાછો આવ્યો છું.  દર વર્ષે માગશર મહિનાની છઠ-સાતમ-આઠમ અમારા ઠાકોરજી શ્રી ગોકુલનાથજી મહારાજનો જન્મોત્સવ મહાઉત્સવ હોય એટલે હું દર વર્ષે મથુરા જ હોઉં છું. દેશ-વિદેશથી વૈષ્ણવો આવે અને જમુનાજીના ઘાટ પર તમને વૈષ્ણવો જયશ્રી ગોકુલેશ કરતા જોવા મળે. મને મળે ત્યારે બે મિનિટ વધારે લે અને આપણી સિરિયલ ‘ભાખરવડી’ની વાતો કરે. મને પોતાને ઘણું આશ્ચર્ય થયું કે ભારતમાં તો આ શો આટલો પૉપ્યુલર છે જ, પણ ફૉરેનમાં પણ આ શો આટલો ગમે છે લોકોને. જયપુરથી જામનગર અને મુંબઈથી મધ્ય પ્રદેશ બધે જ, આ સુખદ આશ્ચર્ય વચ્ચે મારે મારા વાચકોને એક સારા સમાચાર આપવાના હતા એટલે આ આર્ટિકલ આવ્યો છે. સારા સમાચાર એ છે કે ગયા અઠવાડિયે ‘ભાખરવડી’ સિરિયલના ૨૦૦ એપિસોડ પૂરા થયા છે અને બીજી ડિસેમ્બરે એક નાનકડો ઇતિહાસ સરજ્યો. ટીવી-જગતમાં આ કદાચ એકમાત્ર સિરિયલ હશે જેની અત્યાર સુધીની સફર આવી રહી હશે. હેટ્સઑફ પ્રોડક્શનની સિરિયલ ફૅમિલી એન્ટરટેઇનમેન્ટ માટે જાણીતી છે. ‘ખીચડી’વાળા ‘ભાખરવડી’ બનાવે એટલે થોડી સરખામણી થવાની જ. ૧૧ ફેબ્રુઆરીએ સબસોની ટીવી પર જ્યારે રાતે ૮ વાગ્યે ‘ભાખરવડી’ શરૂ થઈ ત્યારે ખૂબ ઉત્કંઠા હતી અને શરૂઆતથી જ લોકોને એપિસોડ ગમવા પણ લાગ્યા, પરંતુ ૧૪  ફેબ્રુઆરીએ પુલવામા અને પછી બાલાકોટ તથા થોડા દિવસ પછી વિન્ગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનમાં પકડાયા અને તેમને છોડવામાં આવ્યા અને આ બધો હાઈ ડ્રામા માંડ પૂરો થયો ત્યાં આ વખતે દુકાળમાં અધિક માસની જેમ આઇપીએલ વહેલી શરૂ થઈ ગઈ. અધૂરામાં પૂરું, જુલાઈમાં ક્રિકેટનો વર્લ્ડ કપ હતો, બોલો. 

તમને લાગતું હશે કે આ બધાને ‘ભાખરવડી’ સાથે શું લાગેવળગે, પણ સાહેબ સિરિયલના ટીઆરપીને લાગેવળગે અને બહુ લાગેવળગે. ‘ભાખરવાડી’ના એપિસોડ બધાને બહુ ગમ્યા, પણ લોકો બહુ જોવા માટે ન આવ્યા, કારણ કે ઉપર જણાવેલા ડ્રામા અને ક્રિકેટને કારણે એ ન્યુઝ-ચૅનલ અને સ્પોર્ટ્સ ચૅનલ જ ચાલતી હતી. વર્લ્ડ કપ અને આઇપીએલને લીધે ચૅનલ બદલી જ નહીં. ભલભલી સફળ સિરિયલોનો ટીઆરપી નીચે ચાલતો હતો, પણ સફળ સિરિયલને વાંધો ન આવે. આવો બધો ઘટનાક્રમ પૂરો થાય એટલે ફરી પાછી ટીઆરપી ઉપર આવે, પણ નવી સિરિયલ માટે એવું ન હોય. નવા સિરિયલના પર્ફોર્મન્સ વિશે પ્રશ્નાર્થ ઊભો થાય છતાં ‘ભાખરવાડી’ના ચાહકો રાતે ૧૧ વાગ્યાના રિપીટ ટેલિકાસ્ટને માણતા હતા અને એનો ટીઆરપી એ સમયે મજબૂત રહેતો હતો અને જેવો વર્લ્ડ કપ પૂરો થયો કે ૮ વાગ્યાના પ્રાઇમ ટાઇમમાં ટીઆરપી પાછો વધવા લાગ્યો. જે સિરિયલ બહુ સારી હોવા છતાં ટીઆરપીને લીધે કદાચ બંધ થઈ જશે એવાં શંકાનાં વાદળો વચ્ચે ઘેરાયેલી હતી, એને બદલે ટીઆરપીનો રીતસર વરસાદ વરસ્યો, પણ થોડો મોડો. કારણ કે ૮ વાગ્યાના સ્લૉટ માટે બીજા શોની તૈયારી થઈ ચૂકી હતી. ‘ભાખરવાડી’ના ચાહકોએ અમને અને ચૅનલને ખૂબબધા સંદેશ પાઠવ્યા અને ‘ભાખરવડી’ કોઈ પણ રીતે ચાલતી જ રહેવી જોઈએ એવી ડિમાન્ડ કરી અને દર્શકોની જીત થઈ. ૧૧ વાગ્યાનો અમારો ટીઆરપી સારો હતો એટલે ૧૧ વાગ્યે બંધ કરીને સાડાદસ વાગ્યે અમે શિફ્ટ થયા એટલે વ્યુઅર્સ પણ સાડાદસ પર આવી ગયા. લોકોને થયું કે થોડો વખત શો ચાલીને પછી આ શો બંધ કરી દેશે જેથી દર્શકો નારાજ ન થાય, પણ ફરી પાછી ‘ભાખરવડી’ની વાર્તાએ એવી પકડ જમાવી અને કૉમેડીની એવી પકડ જામી અને લટકામાં ટીઆરપી પણ ઊંચો આવ્યો એટલે ફરીથી દર્શકોની જીત થઈ. ‘ભાખરવડી’ને સાડાદસ વાગ્યાથી ઉપાડીને બે ડિસેમ્બરથી વધારે લોકો માણી શકે એટલે સાડાનવ વાગ્યાના ટાઇમ પર મૂકવામાં આવી. તમને થતું હશે કે જેડીભાઈ ‘ભાખરવડી’ની પબ્લિસિટી માટે આ લેખ લખો છો, પણ વાત એની નથી.

વાત કન્વિક્શન અને નસીબની છે અને એની વાત કરવી છે મારે.  આવા પ્રસંગો મનોરંજનના ક્ષેત્રે ઘણી વાર ઘણાના થતા હોય છે. ઘણી વાર મેકર્સની એક સારી કૃતિ કાચી, ખોટી કે ઓછી પબ્લિસિટીને કારણે માર ખાઈ જતી હોય છે અને ઘણી વાર માર્કેટિંગને લીધે પણ સાવ સાધારણ કૃતિ ધૂમ મચાવતી હોય છે. જેમ સારી કૃતિ બનાવવાની જવાબદારી મેકર્સની છે એમ એને માણવા સાથે ચલાવવાની થોડી જવાબદારી દર્શકો પણ લઈ શકે છે. તમને ગમે એ ફિલ્મ અને સિરિયલ તમારા મિત્રો અને સગાંસંબંધીઓને કહો અને જાણ કરો અને એક વાર જોવા માટે પ્રેરો. આજકાલ જે ફિલ્મ સારો ધંધો કરે એ જ ફિલ્મને સફળ ગણવામાં આવે છે અને જે સિરિયલમાં થોડી કન્ટ્રોવર્સી ઊભી કરીને પણ સારો ટીઆરપી લાવવામાં આવે છે એને સફળ સિરિયલ ગણવામાં આવે છે ત્યારે ‘ભાખરવડી’ જેવી સારી ફૅમિલી એન્ટરટેઇનિંગ કૉમેડી માટે થોડું અઘરું પડતું હોય છે, પણ આ વખતે દાદ દઉં છું દર્શકોને કે ન માત્ર ‘ભાખરવડી’ની ભલામણ કરી, પણ જ્યારે-જ્યારે બંધ કરવાની અફવા ઊડી ત્યારે લડ્યા અને આજે આ સફળ સિરિયલે ઇતિહાસ સરજ્યો. એક જ વર્ષની અંદર એકસાથે પાંચ ટાઇમ સ્લૉટ પર ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિવાય આજ સુધી કોઈ સિરિયલે મનોરંજન નથી કર્યું, પણ હવે એ કામ આપણી સિરિયલ કરી શકી છે. મારું તમને સૌને કહેવું છે કે હવે રાતે સાડાનવ વાગ્યે પૂરા પરિવાર સાથે જોવા આવો અને પારિવારિક કૉમેડીને માણો.  એમાં આવતાં ઇન્ટરેસ્ટિંગ પાત્રોને તમારા જીવનનો હિસ્સો બનાવો, પારિવારિક વાતોના સહભાગી થાઓ. ૨૦૦ એપિસોડ ચાલેલી સિરિયલ માટે હવે મારે કોઈને ખોટાં વખાણ કરીને બોલાવવાના ન હોય, પણ મારું કામ મારા દર્શકોને  સારી કૃતિ સુધી પહોંચાડવાનું અને  દર્શકોને સારી કૃતિ સુધી ખેંચી લાવવાનું છે અને ખાસ કરીને ‘મિડ-ડે’નો વાચકવર્ગ એટલે મારો પરિવારને. એટલે સારી કૃતિ મારા પરિવાર સુધી ન પહોંચાડું તો મારો વાંક કહેવાય અને એટલે જ તમને કહું છું કે સાડાનવ વાગ્યે ‘ભાખરવડી’ જોવા પધારો, તમે આજ સુધી અમારો ઉત્સાહ વધાર્યો છે અને હંમેશાં અમને વધાવ્યા છે. તમને બહુ મજા આવશે. અમને મોટિવેટ કરતા રહો જેથી વધારે સારું કામ કરતા રહીએ અને સારું કામ કર્યું છે તો તમને કેમ ચૂકી જાઉં.    

‘ભાખરવડી’માં મરાઠી પરિવારના સિદ્ધાંતવાદી પ્રમુખ એવા અણ્ણાના પાત્રમાં દેવેન ભોજાણીનો ઉત્કૃષ્ટ અભિનય છે, અણ્ણાને પરિવર્તનની વાતો સમજાવવા સામે ગુજરાતી ડાયનૅમિક બિઝનેસમૅન મહેન્દ્રના પાત્રમાં પરેશ ગણાત્રાનો અભિનય અદ્ભુત છે. મહેન્દ્રની પત્નીના પાત્રમાં જોરદાર અભિનયથી ઓપી ઊઠતી ઊર્મિલાના પાત્રમાં ભક્તિ રાઠોડને પણ માણો અને ફિલ્મ ‘હેલ્લારો’માં ઢોલીના મુખ્ય પાત્રવાળો ખૂબ જ ટૅલન્ટેડ જયેશ મોરે તમને પ્રભાકરના પાત્રમાં પોતાનાં આડાંઅવળાં ગીતોથી હસાવશે અને સાથે તેની પત્ની ભારતીના પાત્રમાં તેજલ વ્યાસ તમને લૉરેલ-હાર્ડીની યાદ અપાવશે. ખંજન ઠુમ્મર થોડા મંદબુદ્ધિના પાત્રમાં કદાચ ‘બા, બહુ ઔર બેબી’ના ગટ્ટુની યાદ આવી જશે, પણ તેનો અભિનય તમને ખૂબ જ મનોરંજિત કરશે. કુણાલ પંડિતને જોઈને તમને કનૈયાલાલ જેવા ધુરંધરની યાદ આવશે, એટલો સુંદર અભિનય છે. બાળકો પણ અદ્ભુત છે એમાં અને ખાસ કરીને ઉજ્જ્વલાનું પાત્ર. સાથોસાથ યંગ-કપલ ગાયત્રી અને અભિષેકના પ્રેમમાં પડી જશો તમે. ‘ખીચડી’, ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ અને ‘બા, બહુ ઔર બેબી’ના લેખક આતિશ કાપડિયાએ સર્જેલાં પાત્રોની સાથે તમે મનોરંજનના એક નવા જ પરિવારમાં જોડાઈ જશો. ‘ભાખરવડી’ને હું દર્શકોની જીત કહું છે. સોમવારથી શુક્રવાર રાતે સાડાનવ વાગ્યે તમે એને લાવ્યા છો એટલે એને માણજો. સગાંસંબંધીઓ સુધી એક સારો શો પહોંચે એવું કરજો. ટીવી પર સારું કૌટુંબિક મનોરંજન પીરસવું અઘરું થઈ ગયું છે અને આપણે સર્જેલી આ ઐતિહાસિક સિદ્ધિને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની છે, જેથી અમે વર્ષો સુધી તમને આમ જ હસાવતા રહીએ અને ‘ખીચડી’ અને ‘ભાખરવડી’ જેવી નવી નવી વાનગીઓનો સ્વાદ તમને ચખાડતા રહીએ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK