અઠવાડિયા પછી પણ દીકરો સગી જનેતાનું મોઢું જોવા નથી આવ્યો

Published: 15th November, 2011 10:16 IST

કલ્યાણમાં રેલવે-સ્ટેશન પરથી અત્યંંત કફોડી અને દયનીય હાલતમાં મળી આવેલાં ૭૮ વર્ષનાં તારાબહેન પલીચાને શ્રીમંત પુત્રે તરછોડી દીધાં હોવાનો ‘મિડ-ડે’માં અહેવાલ આવ્યો એને અઠવાડિયું વીતી ગયું હોવા છતાં હજી સુધી સગા દીકરા કે પછી ભાટિયા સમાજ તરફથી તેમની કોઈ દરકાર કરવામાં નથી આવી. હાલમાં તારાબહેનની દેખરેખ રાખી રહેલા યુવકો પણ તેમના પુત્ર અને સમાજના વલણથી ભારે વ્યથિત થઈ ગયા છે.કલ્યાણમાં આવેલી શ્રીદેવી હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલાં તારાબહેનની સંભાળ લઈ રહેલા ગુજરાતી યુવકોમાંના એક ભાવેશ દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ન્યુઝ પેપરમાં આવ્યા બાદ ઘણા લોકોએ આર્થિક મદદ કરવાની તૈયારી દર્શાવી હતી, પણ ખરેખર જે લોકોએ મદદ માટે આગળ આવવું જોઈતું હતું તેઓ નથી આવ્યા. પોતાની માતાની હાલત જોઈને તો ઍટલીસ્ટ એક વાર દીકરો સગી જનેતાને મોઢું બતાવવા આવશે એવું અમને લાગતું હતું, પણ તેમનો દીકરો આવ્યો જ નહીં. અમને ખોટું એ વાતનું લાગે છે કે સારવારનો તમામ ખર્ચો અમે ઉઠાવી રહ્યા છે, તેમની દેખરેખ રાખી રહ્યા છીએ અને તેમના દીકરાએ કોઈ જવાબદારી ઉઠાવવાની નથી છતાં તે પોતાની માને મળવા નથી આવતો. શરૂઆતમાં તો તેમના સમાજે મદદ કરવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ હવે તેઓ પણ પાછળ ખસી ગયા છે.’

તારાબહેનને સ્ટેશન પરથી પોતાના ઘરે લઈ જનારા અન્ય યુવક ભાવેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તારામાસીની તબિયત ધીમે-ધીમે સારી થઈ રહી છે, પણ કાનનું ઑપરેશન થયા બાદ હવે તેમની બન્ને આંખમાં મોતિયો પાકી ગયો છે એનું ઑપરેશન કરવું પડશે. એે સિવાય તેમને ડાબી તરફ થોડી પૅરૅલિસિસની અસર છે એટલે એનો પણ ઇલાજ કરવાનો છે અને આ બધા માટે પૈસાની જરૂર તો પડવાની છે. ત્યાર બાદ તેમને કોઈ સારા વૃદ્ધાશ્રમમાં પણ સેટલ કરવાનાં છે અને વૃદ્ધાશ્રમમાં તેમને સેટલ કરવા માટે પહેલાં તેઓ મેડિકલી ફિટ થવાં જોઈએ. અમારાથી બનતી તમામ મદદ અમે તેમને કરીએ છીએ છતાં હવે આગળ શુંં? એવી સમસ્યા અમને સતાવી રહી છે. શું કરવું એ નથી સમજાતું. ઍટલીસ્ટ એક વાર તેમનો દીકરો તેમને મળી જાય કે તેમના સમાજમાંથી કોઈ આગળ આવે તો તારાબહેનની સમસ્યા સૉલ્વ કરવામાં થોડી સરળતા રહેશે.’

શુ થયું હતું?

એક સમયે કાલબાદેવીમાં આવેલી હંસરાજ પ્રાગજી ઠાકર સ્કૂલમાં ટીચર તરીકે નોકરી કરતાં ભાટિયા જ્ઞાતિનાં તારાબહેન તુલસીદાસ પલીચા કલ્યાણ રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ પર છેલ્લા દસેક મહિનાથી દયનીય કહેવાય એવી અવસ્થામાં પડી રહ્યાં હતાં. આવતા-જતા પ્રવાસીઓ તેમને ખાવા-પીવાનું આપી જતા હતા. કાલબાદેવીમાં રહેતાં તારાબહેનને બે દીકરા અને એક દીકરી હતાં. એમાં મોટો પુત્ર તેનાં લગ્ન બાદ અલગ થઈ ગયો હતો, જ્યારે નાનો દીકરો ટ્રેન-ઍક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો હતો અને પુત્રીના પતિનું મૃત્યુ થઈ ગયા બાદ તે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠી હતી અને છેવટે તે પણ મૃત્યુ પામી હતી. વર્ષોથી ટિટવાલામાં ભાડેથી રહેતાં તારાબહેન ભાડું ન ભરી શકતાં તેમને મકાન ખાલી કરવું પડ્યું હતું અને ત્યારથી તેઓ પ્લૅટફૉર્મ પર સ્ટેશન નજીક આવેલા સ્ક્ાયવૉક પર પડી રહેતાં હતાં.

સંપર્ક કરો

તારાબહેન તુલસીદાસ પલીચાને કોઈ પણ પ્રકારની મદદ કરવાની ઇચ્છા હોય તો ભાવેશ મહેતાને ૯૮૨૦૦ ૪૬૭૫૫ અથવા ભાવેશ દેસાઈને ૯૭૬૮૧ ૩૦૭૯૯ નંબર પર ફોન કરી શકો છો.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK