નાલાસોપારામાં એક બંધ ઘરમાંથી મોબાઇલ, ઘડિયાળ અને બાઇકની ચોરી થવાના મામલામાં ચોરની ઓળખ હાથ પરના ટૅટૂ પરથી કરીને પોલીસે કેસ સૉલ્વ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ચોર તેના એક સાથીની મદદથી દરવાજાની કડી ખોલતો હતો ત્યારે તેના હાથ પર ઇંગ્લિશમાં લખેલું ‘સિદ્ધેશ’ દરવાજાની ઉપરના ભાગમાં લાગેલા સીસીટીવી કૅમેરામાં ઝડપાઈ ગયું હતું. પોલીસે નાલાસોપારા અને આસપાસમાં રહેતા સિદ્ધેશ નામના ૫૦થી ૬૦ યુવકોની તપાસ કર્યા બાદ ચોરેલી બાઇક પર જઈ રહેલા ચોરને ઝડપી લીધો હતો.
નાલાસોપારા (ઈસ્ટ)માં તુળીજ પોલીસ-સ્ટેશનની હદમાં આવેલા મનીષ અપાર્ટમેન્ટમાં એક બંધ ફ્લૅટમાંથી ૨૬ જાન્યુઆરીએ ત્રણ મોબાઇલ, બે કાંડાઘડિયાળ અને સોસાયટીના પાર્કિંગમાંથી એક બાઇકની ચોરી થઈ હતી. તસ્કરોએ ઘરના દરવાજાની કડી તોડીને દરવાજો ખોલ્યો હોવાનું પોલીસતપાસમાં જણાયું હતું. ફરિયાદ નોંધ્યા બાદ આરોપીઓને પકડવા માટે પોલીસ કામે લાગી હતી. ફરિયાદી પરિવાર તીર્થયાત્રા પર ગયો હતો ત્યારે તેમના બંધ ઘરમાં ચોરી થઈ હતી.
બંધ ફ્લૅટનો દરવાજો ખોલતી વખતે હાથ પરનું ટૅટૂ સીસીટીવી કૅમેરામાં ઝડપાઈ ગયું
જે ફ્લૅટમાં ચોરી થઈ હતી ત્યાંના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ જોતી વખતે દરવાજો ખોલવાનો પ્રયાસ કરી રહેલા ચોરના હાથ પર મોટા અક્ષરે અંગ્રેજીમાં ‘સિદ્ધેશ’ લખેલું ટૅટૂ સ્પષ્ટ દેખાતું હતું. આરોપીએ ચહેરા પર રૂમાલ બાંધ્યો હતો, જ્યારે તેના સાથીએ ટોપી પહેરી હોવાથી તેમને ઓળખવા મુશ્કેલ હતા; પરંતુ ટૅટૂની મદદથી પોલીસ ત્રણ ટીમ બનાવીને આરોપીને શોધવાના કામે લાગી હતી.
તુલીજ પોલીસ-સ્ટેશનના સબ- ઇન્સ્પેક્ટર સંદેશ પાલાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વહેલી સવારની ચોરીની આ ઘટનામાં આરોપીઓને ઓળખવાનું મુશ્કેલ હતું, પરંતુ ચોરના હાથ પરના ટૅટૂના આધારે અમે નાલાસોપારા અને આસપાસમાં રહેતા સિદ્ધેશ નામના ૫૦થી ૬૦ યુવકોની તપાસ કરી હતી. તેમના હાથમાં ટૅટૂ નહોતું. થોડો સમય તો અમે નિરાશ થયા હતા, પરંતુ ખબરીઓને કામે લગાડ્યા હોવાથી સંતોષ ભવન નામના વિસ્તારમાં સિદ્ધેશ નામનો યુવક બાઇક પર ફરતો હોવાની માહિતી મળી હતી. અમે આ યુવકને બાઇકના પેપર જોવાના નામે રોક્યો ત્યારે તેના હાથ પર ‘સિદ્ધેશ’ નામનું મોટું ટૅટૂ જોયા બાદ તે જ ચોર હોવાનું જણાયું હતું. પૂછપરછ કરતાં પોતે ચોરી કરી હોવાનું તેણે કબૂલ્યું હતું. આથી અમે સિદ્ધેશ ચનોરા અને તેના સાથી સશાંત વણકરની ધરપકડ કરી હતી.’
પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ મોબાઇલ, બે ઘડિયાળ અને બાઇક મળીને ૬૩,૦૦૦ રૂપિયાની માલમતા જપ્ત કરી હતી. આરોપીઓ રીઢા ગુનેગાર છે અને તેમણે બંધ ઘરોમાં સ્ક્રૂ-ડ્રાઇવરની મદદથી કેટલીક ચોરી કરી હોવાનું કબૂલ્યું હોવાથી એકસાથે ચોરીના કેટલાક કેસ સૉલ્વ થઈ ગયા હોવાનું પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું.
Women’s Day: 6000થી વધુ યુવતીઓને વેશ્યાવૃત્તિથી બચાવનાર ત્રિવેણી આચાર્ય
5th March, 2021 18:27 ISTSSR કેસ: NCBએ ફાઈલ કરી 12,000 પાનાની ચાર્જશીટ
5th March, 2021 14:01 ISTશિવસેનાનો એક પણ ઉમેદવાર બંગાળમાં ડિપોઝિટ બચાવી ન શક્યો હોત : રામ કદમ
5th March, 2021 09:42 ISTહજી તો માર્ચની શરૂઆત અને મુંબઈમાં પારો 38 ડિગ્રીને પાર
5th March, 2021 09:42 IST